શિવરાજસિંહ: ચાર વાર મુખ્ય મંત્રી બનેલા 'મામા'ને ભાજપ કેમ કોરાણે રાખી રહ્યો છે?

શિવરાજસિંહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ani

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્યપ્રદેશમાં સિહોર જિલ્લાનું સલકનપુર. આ બુધની વિધાનસભા ક્ષેત્રમાં આવે છે જ્યાં વિંધ્યવાસિની બીજાસન દેવીનું સિદ્ધપીઠ અને મંદિર છે.

મંદિર પહાડો ઉપર છે. નીચે એક હૅલિપેડ બનેલું છે જ્યાં પોલીસ અને સરકારી અમલદારો તહેનાત છે.

એવામાં જ એક હેલિકૉપ્ટર ત્યાં આવે છે એમાંથી મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમનાં પત્ની અને બે દીકરા સાથે ઊતર્યા.

તેમણે તેમના બૂટ ઉતાર્યા અને અને હાથ જોડી ત્યાંથી જ વિંધ્યવાસિની બીજાસન દેવીને પ્રણામ કર્યા.

આ તેમના કુળદેવીનું મંદિર છે. આ દિવસ ચૌહાણ માટે ખાસ છે, કારણ કે બુધનીમાં તેઓ તેમનો ‘રોડશો’ કરવાના છે.

બુધની તેમની જન્મભૂમિ છે અને કર્મભૂમિ પણ.

પાસે જ રેહટી વિસ્તાર છે જ્યાં તેમના બે રથ પહેલેથી તૈયાર છે. પરિવાર સાથે રથ પર સવાર થઈ તેઓ બુધનીની સફરે નીકળે છે.

રસ્તામાં અનેક જગ્યાએ સ્વાગત દ્વાર બનાવેલાં છે અને લોકોની ભીડ પણ છે.

શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.

2005થી તેઓ ચાર વાર રાજ્યના સત્તા સિંહાસન પર બિરાજ્યા છે.

આ દરમ્યાન 2018માં તેમને બહુમતિ નહોતી મળી અને કૉંગ્રેસના કમલનાથે કમાન સંભાળી.

પણ બે વર્ષ પછી 2020માં તેઓ ફરી મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી બન્યા.

બુધની તેમનું વિધાનસભા ક્ષેત્ર છે જ્યાંથી તેઓ તેમની પહેલી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ વિદિશાથી પાંચ વાર સાંસદ પણ રહ્યા છે. પણ 2006થી તેઓ બુધનીથી વિધાનસભા ચૂંટણીઓ જીતતા રહ્યા છે.

આજકાલ બુધની વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીનો પ્રચાર તેના ચરમ પર છે.

આ વખતે ટક્કર રોચક

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, સ્થાનિકોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણ

પણ આ વખતની ચૂંટણી રોચક છે, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શિવરાજસિંહ ચૌહાણને મુખ્ય મંત્રીપદનો ચહેરો નથી બનાવ્યા. તેઓ મધ્યપ્રદેશના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી હોવા છતાં.

રથમાં જ્યારે તેમના ઇન્ટરવ્યૂ માટે મને બોલાવવામાં આવ્યો ત્યારે રાતના આઠ વાગી ગયા હતા.

નસરુલ્લાહગંજ પહોંચતાં પહોંચતાં રાતના નવ વાગી ગયા હતા. આખો દિવસ દર 50 મીટર પર સ્વાગત કરતા લોકોની ભીડ વચ્ચે જવું અને તેમને સંબોધિત કરતા રહ્યા હોવા છતાં શિવરાજસિંહ ચૌહાણના ચહેરા પર કોઈ થાક દેખાતો ન હતો.

અમિત શાહની વાત આવી, તો મને ભોપાલમાં અમિત શાહના સંવાદદાતા સંમેલનની યાદ આવી ગઈ. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી જીતી જશે તો મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કોણ હશે તે સંગઠન નક્કી કરશે.

રાજકારણ

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથે વાત કરતા શિવરાજસિંહ ચૌહાણ

એટલે કે તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે શિવરાજસિંહ ચૌહાણને આગળ કરીને આ વખતની ચૂંટણી નથી લડી રહી તેમની પાર્ટી.

આ જ સવાલ મેં શિવરાજસિંહ ચૌહાણને કર્યો તો તેમણે કહ્યું, “જુઓ અમે એક મોટા મિશનનો ભાગ છીએ. એ મિશન છે વૈભવશાળી, ગૌરવશાળી, સંપન્ન, સમૃદ્ધ ભારતના નિર્માણનું. એ મિશનનો એક ભાગ હોવાના સંબંધે અમે શું કરીશું એ અમારું દળ, અમારી વિચારધારા નક્કી કરે છે. એટલે કોણ ક્યાં રહેશે એની ચિંતા અમને ક્યારેય નથી હોતી. અમારા મનમાં પણ આ વાત નથી આવતી. માત્ર એક જ વાત અમે વિચારીએ છીએ કે અમે કેવી રીતે વધારે સારી રીતે કામ કરીએ.”

તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે રથને બ્રૅક લાગી ગઈ અને લોકોની મોટી ભીડ તેમની સામે આવીને ઊભી રહી ગઈ હતી.

મને ઇશારો કરતા તેમણે કહ્યું, “જુઓ મારી જનતા આવી ગઈ છે. સામે લોકોની ભીડ છે. મારે થોડું લોકોની વચ્ચે જવું પડશે.”

તેઓ થોડી વાર માટે રથમાંથી ઊતરીને જતા રહ્યા. પણ મારા મનમાં એ સવાલ વારે વારે આવતો રહ્યો કે આખરે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ જેવા નેતાને ભારતીય જનતા પાર્ટી એકબાજુ કેમ રાખી રહી છે?

શિવરાજની લોકપ્રિયતાનું કારણ

ચૂંટણી મધ્યપ્રદેશ
ઇમેજ કૅપ્શન, સિહોરમાં લાડલી બહેન યોજનાનું પોસ્ટર

જાણકારો માને છે કે ભારતીય જનતા પાર્ટી સમયે સમયે નેતૃત્વ પરિવર્તન કરતી રહે છે.

તેઓ કહે છે કે આના માટે પણ શિવરાજસિંહ ચૌહાણે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ.

વરિષ્ઠ પત્રકાર રમેશ શર્મા મધ્યપ્રદેશની રાજનીતિને પાંચ દાયકાથી વધુ સમયથી અનુસરે છે. તેઓ કહે છે, "એમાં કોઈ શંકા નથી કે શિવરાજસિંહની રાજ્ય પર એક અલગ પકડ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની કેડર પણ કામ કરે છે તેમાં કોઈ શંકા નથી.”

તેઓ કહે છે, "તમને યાદ હશે કે ઉમા ભારતીનો ચહેરો તેમના સમયનો સૌથી મોટો ચહેરો હતો. છતાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો અને શિવરાજસિંહ ચૌહાણને મુખ્ય મંત્રી બનાવ્યા ત્યારે આખી કેડર તેમની સાથે આવી ગઈ. હવે પણ જો પાર્ટી આવો જ નિર્ણય લેશે તો પણ આવું જ થશે.”

તેમણે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીનું ઉદાહરણ પણ આપ્યું.

જાણકારોનું એવું પણ માનવું છે કે શિવરાજસિંહની લોકપ્રિયતા તેમણે શરૂ કરેલી ઘણી યોજનાઓને કારણે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટેની યોજનાઓને કારણે.

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, રમેશ શર્મા

શિવરાજસિંહ ચૌહાણ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી ઘણી યોજનાઓ શરૂ કરી હતી. જેમ કે લાડલી લક્ષ્મી અને લાડલી બહેન યોજના.

નિષ્ણાંતોનું કહે છે કે આ યોજનાઓએ નિશ્ચિતપણે પાયાના સ્તર પર છાપ છોડી છે અને તેનાથી મહિલાઓમાં શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતા વધુ વધી છે.

લાડલી લક્ષ્મી યોજના પહેલેથી જ ચાલી રહી હતી. પરંતુ ચૂંટણીના ચાર મહિના પહેલાં લાડલી બહેન યોજના લાગુ કરાઈ હતી, જેના કારણે વિપક્ષે શિવરાજસિંહ ચૌહાણને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

કૉંગ્રેસ પ્રવક્તા કે. કે. મિશ્રાએ સવાલ ઉઠાવતા કહ્યું, “શિવરાજસિંહ ચૌહાણ 18 મહિનાથી મુખ્ય મંત્રી છે. 15 મહિના સિવાય મધ્યપ્રદેશમાં માત્ર ભાજપની સરકાર રહી છે. ચૂંટણી વખતે જ તેમને પોતાની વહાલી બહેનો કેમ યાદ આવી?

લાડલી બહેન યોજનાની કેટલી અસર?

મધ્યપ્રદેશ ચૂંટણી
ઇમેજ કૅપ્શન, લાડલી બહેન યોજનાના લાભાર્થી

લાડલી બહેન યોજના ધરાતળ પર કેટલી કારગત સાબિત થઈ તેની સમીક્ષા હાલ શરૂ થઈ છે.

રેહટી વિસ્તારમાં મુસ્લિમ વસતીમાં અમારી મુલાકાત સકીનાબી સાથે થઈ. તેઓ પસમાંદા સમાજનાં છે. જે ઘરમાં હાલ તેઓ રહે છે તે આ યોજના હેઠળ બનેલું પાકું મકાન છે.

સવાલ પૂછતાં તેમણે કહ્યું, “બધી જ સુવિધા આપી છે મામાએ. રહેવા માટે ઘર આપ્યું છે. નહીં તો અમારી ક્યાં સ્થિતિ હતી કે અમે ઘર બનાવી શકીએ? લાડલી બહેન યોજનાના રૂપિયા આપ્યા છે અને લાડલી લક્ષ્મી યોજનાથી અમારી છોકરીઓની શિક્ષણની વ્યવસ્થામાં ઘણો સહારો મળ્યો છે. નળની સુવિધા પણ આપી છે. મફતમાં અનાજ પણ આપી રહ્યા છે. મામા બધું જ તો કરી રહ્યા છે અમારા માટે.”

અમારી વાતો દૂર ઊભા રહી સાંભળી રહેલી સજ્જોબી અચાનક જ બોલી પડ્યાં, “શિવરાજસિંહ ચૌહાણ અમારા ભાઈ છે, અમારાં બાળકોના મામા છે.”

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, સકીનાબી

દાયકાઓ સુધી આ ક્ષેત્રમાં કામ કરવાને કારણે શિવરાજસિંહ ચૌહાણના અંગત સંબંધો પણ ખૂબ જ મજબૂત છે.

મોહમ્મદ સલીમ પણ આ વિસ્તારમાં રહે છે. તેઓ ગર્વથી કહે છે, "તે બધાં બાળકોના મામા છે. પણ અમારા કાકા છે, કારણ કે તે અમારા પિતાના મિત્ર છે."

શિવરાજસિંહ ચૌહાણ તેમણે શરૂ કરેલી યોજનાઓને લઈને ખૂબ જ ગંભીર છે અને જાતે જ તેની દેખરેખ પણ રાખે છે.

તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન બીબીસી સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે આ યોજનાઓ 'ગેમ ચેન્જર્સ' છે, કારણ કે આનાથી 'મહિલાઓના જીવનમાં મોટું પરિવર્તન’ આવ્યું છે.

તેઓ કહે છે, "આ બહેનો માટે સન્માનની વાત છે. તેમનું જીવન બદલવાની ઝુંબેશ ચાલી રહી છે. એવું પણ છે કે બહેનોને લાગ્યું કે તેમના ભાઈએ તેમના માટે કંઈક કર્યું છે. તેથી તમે જુઓ કે બહેનો એક થઈને ઊભી છે. તે ચૂંટણી લડવા માટે પૈસા પણ આપી રહી છે અને પ્રચાર માટે પણ નીકળી રહી છે. આ મહિલાઓ પહેલાં ક્યારેય આ રીતે બહાર જતી નહોતી.”

'પાંવ પાંવ વાલે ભૈયા' નામ કેવી રીતે પડ્યું

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, મંચ પર ચર્ચા કરતા શિવરાજસિંહ ચૌહાણ

પોતાની વાતોમાં શિવરાજસિંહ ચૌહાણ બુધનીમાં વિતાવેલા બાળપણ અને તેમના મિત્રો વિશે પણ વાત કરે છે. તેમને તે સમયગાળો યાદ છે અને તેમના મિત્રો પણ.

તેમના એક જૂના મિત્ર માનસિંહ પવાર સિહોરમાં રહે છે.

તેમને એ સમય યાદ છે કે બધા મિત્રો સાથે કામ કરતા. સાથે જમવાનું પણ બનાવતા.

અમે બુધની વિધાનસભાના શાહગંજમાં તેમના જૂના મિત્ર ચંદ્રપ્રકાશ પાંડેયને મળ્યા. તેઓ પ્રચારમાં વ્યસ્ત હતા.

તેમણે કહ્યું, "શિવરાજજીએ બાળપણથી જ બુધનીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. અહીં પણ આંદોલનો કર્યાં. બુધની વિધાનસભા હોય કે સમગ્ર સંસદીય ક્ષેત્ર, તેમણે પગપાળા જ સમગ્ર વિસ્તારને આવરી લીધો. પગપાળા યાત્રાઓ કરી. બુધની વિધાનસભાના શરૂઆતના 90 ટકા લોકોને વ્યક્તિગત રીતે ઓળખે છે.

શિવરાજસિંહ કહે છે કે બુધની અને સિહોર એક સમયે કૉંગ્રેસ પાર્ટીનો ગઢ હતા. તેમના રાજકારણના શરૂઆતના દિવસોમાં તેમણે ભાજપ સંગઠનનો પાયો નાખવા અને પછી તેને વિસ્તારવા સખત મહેનત કરવી પડી. આ કારણે તેને 'પાંવ પાંવ વાલે ભૈયા' નામ પણ મળ્યું.

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, ચંદ્રપ્રકાશ પાંડેય

તેઓ કહે છે, “પહેલાં આ વિસ્તાર કૉંગ્રેસનો મજબૂત ગઢ હતો. મેં અહીં શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું. લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. ગામડે-ગામડે પગપાળા ભટક્યા. તેથી જ લોકો મને ‘પાંવ પાંવ વાલે ભૈયા’ કહે છે.”

એવું નથી કે તેમણે સમાજના કોઈ એક વર્ગ માટે કામ કર્યું. શિવરાજસિંહ ચૌહાણ બુધનીના દરેક વર્ગના લોકોમાં એક અલગ સ્થાન ધરાવે છે.

સરફરાઝ લેથ મશીનનું કારખાનું ચલાવે છે. રોડ શો દરમિયાન તેઓ ભારે ઉત્સાહ સાથે મુખ્ય મંત્રીનું સ્વાગત કરી રહ્યા હતા.

જ્યારે અમે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "અમારો સંબંધ એ છે કે તે અમારા મામા છે અને અમે તેમને દિલથી પ્રેમ કરીએ છીએ. તેમના સિવાય બીજા કોઈને મત નહીં આપીએ. મામા સિવાય કોઈને મત નહીં આપીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે મામા (મુખ્ય મંત્રીની ખુરશી પર) પાછા ફરે."

'પાંવ પાંવ વાલે ભૈયા'થી 'મામા' સુધીની તેમની સફર વચ્ચે ઘણા દાયકાઓ વીતી ગયા.

ટીવી કલાકાર સાથે મુકાબલો

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, વિક્રમ મસ્તાલ શર્મા

સવારથી જ રોડ શોમાં જોતરાયેલા સ્થાનિક કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તેમની ગાડીઓ આગળ વધી રહી છે. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમાંથી એક ભાજપના કાર્યકર અભિષેક ભાર્ગવ કહે છે કે બુધની વિધાનસભામાં સંઘર્ષ 'એકતરફી' છે.

અભિષેક કહે છે કે હંમેશની જેમ શિવરાજસિંહ ચૌહાણ ઉમેદવારીપત્ર ભર્યા પછી રાજ્યના અન્ય વિસ્તારોમાં પ્રચાર માટે જાય છે અને બુધનીમાં પ્રચારની કમાન કાર્યકરોના હાથમાં રહે છે.

પરંતુ આ વખતે કૉંગ્રેસ પાર્ટીએ બુધની સીટ પરથી શિવરાજસિંહ ચૌહાણ સામે તાજેતરમાં રામાયણ પર આધારિત સિરિયલમાં હનુમાનની ભૂમિકા ભજવનાર ટીવી અભિનેતા પંડિત વિક્રમ મસ્તલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

શર્મા બુધની વિધાનસભાના રહેવાસી છે, પરંતુ રાજકારણમાં આ તેમનું પ્રથમ પગલું છે.

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, અભિષેક ભાર્ગવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શિવરાજસિંહ ચૌહાણના રોડ શો પછી તરત જ અમે પંડિત વિક્રમ મસ્તલ શર્માના સલકાનપુરના ઘરે તેમને મળવા પહોંચ્યા.

જ્યારે મુખ્ય મંત્રીના રોડ શોમાં એકઠી થયેલી ભીડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે, "તેમણે (શિવરાજસિંહ ચૌહાણ) વારંવાર જનઆશીર્વાદ યાત્રાઓનું આયોજન કરવું પડે છે. તમારે દર પાંચ-દસ કિલોમીટરે વારંવાર સભાઓ કરવી પડે છે."

તેઓ કહે છે, “આવું પહેલાં નહોતું અને હવે છેલ્લા 5-6 મહિનાથી થઈ રહ્યું છે. શિવરાજસિંહ ચૌહાણ કહેતા હતા કે તેઓ ચૂંટણીપ્રચાર માટે બુધની નહીં આવે. શિવરાજજી કહેતા હતા કે મારા લોકો ચૂંટણી જીતાડશે.”

શર્માનો દાવો છે કે 'સત્તાવિરોધી' લહેરના કારણે મુખ્ય મંત્રીની મુશ્કેલીઓ વધી છે અને કૉંગ્રેસ તેમને બુધની સીટ પર ટક્કર આપી રહી છે.

શિવરાજસિંહ ચૌહાણે મહિલાઓ માટે શરૂ કરેલી યોજનાઓને તેઓ 'પબ્લિસિટી સ્ટંટ' ગણાવે છે અને વધુમાં કહે છે, "તમે જુઓ કે ચાર મહિના પહેલાં (ચૂંટણીના ચાર મહિના પહેલાં) શા માટે લાડલી બહેનો યાદ આવી. માનનીય વડા પ્રધાન અહીં (મધ્યપ્રદેશ) આવે છે અને મોટી સભાઓ કરે છે. તેઓ સભાઓમાં માનનીય શિવરાજજીનું નામ પણ લેતા નથી. કોઈ પણ યોજનાનું નથી લેતા. મોદીજી શું કહે છે? કહેવાય છે કે મોદી મધ્યપ્રદેશના મનમાં છે, તો શિવરાજસિંહ ચૌહાણ ક્યાં છે?"

તેમની સાથે હાજર કૉંગ્રેસના જૂના કાર્યકર સંતોષ વર્માનો પણ દાવો છે કે આ વખતે બુધની સીટ પર આકરી હરીફાઈ છે.

મધ્યપ્રદેશ ચૂંટણી

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, ચૂંટણીપ્રચાર કરતા કાર્યકર્તાઓ

જોકે શિવરાજસિંહ ચૌહાણ સામે ઘણા પડકારો છે. નિષ્ણાતો માને છે કે તેઓ સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે અને તે છે સંગઠનમાં ચાલતી લડાઈ.

પરંતુ શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે દરેક સંગઠનમાં આવું થાય છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "કેટલેક અંશે આ સ્વાભાવિકરૂપે થતું રહે છે. પરંતુ ભાજપના કાર્યકરો સિદ્ધાંતો અને મૂલ્યો માટે કામ કરે છે. નાની-નાની ઘટનાઓ કે મુદ્દાઓ પ્રકાશમાં આવતા રહે છે. આ બધું અંગત સ્વાર્થને કારણે થાય છે. પરંતુ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટા મિશન માટે કામ કરે છે. તેથી જ આ ઝઘડો લાંબો સમય ચાલતો નથી."

પાર્ટીના વલણને ધ્યાનમાં લઈએ તો શિવરાજસિંહ ચૌહાણ માટે પણ આ ચૂંટણી ખાસ છે, કારણ કે નેતૃત્વ પરિવર્તનની અટકળો છતાં તેઓ મધ્યપ્રદેશમાં પાર્ટીના એકમાત્ર 'માસ લીડર' છે.

એટલે કે સમગ્ર રાજ્યમાં સામાન્ય લોકોમાં પ્રભાવ ધરાવતા નેતા. તેથી તેમનું રાજકીય ભવિષ્ય પણ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નિર્ભર રહેશે.

બીબીસી
બીબીસી