વડોદરા: જૂથ અથડામણ બાદ હિન્દુ-મુસ્લિમ એકબીજાના જામીન થયા, શું છે મામલો?

વડોદરાના જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા સમિયાલા ગામમાં થોડા દિવસ પહેલાં જૂથ અથડામણ થઈ હતી.

10 માર્ચે યોજાયેલા એક લગ્નપ્રસંગનો વરઘોડો મસ્જિદ પાસે પહોંચ્યો હતો. જ્યાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બે જૂથોનાં ટોળાં સામસામે આવી ગયાં હતાં.

આ ઘટનામાં પથ્થરમારો પણ થયો હતો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

વડોદરા તાલુકા પોલીસમથકના પીએસઆઈ વી. જી. લાબરિયાના કહેવા પ્રમાણે, ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

તેમણે કહ્યું, "બે જૂથો વચ્ચેની ઘટના હોવાથી અમે રાત્રે જ કૉમ્બિંગ હાથ ધર્યું હતું અને બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે 37 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી."

જોકે, આરોપીઓની ધરપકડ બાદ જ્યારે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થઈ ત્યારે પોલીસમથકમાં જે દૃશ્યો સર્જાયાં તે જરાં જુદાં હતાં.

ધરપકડ બાદ પોલીસસ્ટેશનમાં શું થયું?

પીએસઆઈ લાબરિયાના કહેવા પ્રમાણે, "આ ઘટના મામલે નોંધાવેલી બે ફરિયાદના અનુસંધાને અમે 15 મુસ્લિમ અને 22 હિંદુ યુવાનોની ધરપકડ કરી હતી."

તેઓ કહે છે, "ઘટના બાદ અમને અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યો કે ગામમાં લાંબા ગાળાની શાંતિ સ્થપાય તે માટેની કાર્યવાહી કરવામાં આવે. જેથી બીજા દિવસે ગામમાં પોલીસ વિભાગ અને રેવેન્યુ વિભાગના સંયુક્ત ઉપક્રમે શાંતિસમિતિની બેઠક યોજવામાં આવી."

શાંતિસમિતિની બેઠકમાં ગામના બંને સમાજના અગ્રણીઓ, પોલીસ અને સ્થાનિકતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં આવા અણબનાવના કિસ્સા ન બને તે માટે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગામના સરપંચ નિકુંજ ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "શાંતિસમિતિની બેઠકમાં એક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો હતો કે આ ઘટનામાં પકડાયેલા મુસ્લિમ ભાઈઓના જામીન હિંદુ ભાઈઓ આપે અને પકડાયેલા હિંદુ ભાઈઓના જામીન મુસ્લિમ ભાઈઓ આપે."

તેમણે આગળ કહ્યું, "આમ કરીને અમે કોમી એખાલસનો સંદેશો પાઠવવા માગીએ છીએ."

સમિયાલાના મુસ્લિમ અગ્રણી નજરભાઈ સૈયદે જણાવ્યું, "શાંતિસમિતિમાં લેવાયેલા નિર્ણય બાદ અમે બધા સાથે પોલીસસ્ટેશન આવ્યા હતા અને મુસ્લિમ ભાઈઓએ હિંદુ ભાઈઓના અને હિંદુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓના જામીન કરાવ્યા હતા."

અગાઉ પણ ગામમાં શાંતિ જાળવવા માટે હતા નિયમો

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સમિયાલા ગામમાં વર્ષ 2017માં થયેલી એક ઘટના બાદ શાંતિસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ગામનું વાતાવરણ ડહોળાય નહીં તે માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. જોકે, સમય જતાં એ નિયમો ભુલાઈ ગયા હતા.

જેથી તાજેતરની શાંતિસમિતિની બેઠકમાં જૂના નિયમો પાછા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકાના સમિયાલા ગામની કુલ છ હજારની વસ્તીમાં બે હજાર મુસ્લિમ લોકો છે. જ્યારે પંચાયતના 12માંથી બે સભ્યો લઘુમતી સમુદાયના છે.