You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકમાં બનેલી ગૅંગરેપની ઘટના જેને પહેલાં 'મોરલ પોલીસિંગ' સમજવામાં આવી
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિન્દી માટે
કર્ણાટકમાં 'મોરલ પોલીસિંગ'ના એક કિસ્સામાં નવી માહિતી સામે આવી છે.
'મોરલ પોલીસિંગ'નો ભોગ બનેલી મહિલાએ તેમની વિરુદ્ધ અપરાધ કરનારાઓ પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
મહિલાએ આ મામલામાં સીઆરપીસીની ધારા 164 હેઠળ મૅજિસ્ટ્રેટની સામે પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે.
આ 28 વર્ષીય મહિલાનું કહેવું છે કે તેમને હંગલ શહેરની એક હોટલમાં સાત પુરુષો દ્વારા પરેશાન કરવામાં આવ્યાં હતાં કારણ કે તેઓ હોટલમાં અન્ય સમુદાયની એક વ્યક્તિ સાથે હાજર હતાં.
મહિલાએ જણાવ્યું કે ત્યાર પછી સાત મુસ્લિમ પુરુષોએ હોટલથી તેમનું અપહરણ કરીને નજીકના એક એકાંત સ્થળે લઈ જઈને 24 કલાક સુધી તેમની પર એક પછી એક બળાત્કાર કરતા રહ્યા.
કર્ણાટક પોલીસે શરૂઆતમાં આ મામલામાં સાત લોકો વિરુધ્ધ ઇરાદાપૂર્વક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો, ફોજદારી ધાકધમકી અને ફોજદારી બળનો ઉપયોગ કરવાનો કેસ નોંધ્યો હતો.
આ ઉપરાંત ગેરકાયદેસર હિંસા, બળજબરીથી કોઈપણ જગ્યાએ ઘૂસી જવા અને હેરાનગતિ કરવા જેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ મામલો એક હોટલ કર્મચારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો, જ્યાં મુસ્લિમ મહિલા અને હિંદુ પુરુષે સાત જાન્યુઆરીએ એક રૂમ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે સમગ્ર મામલો?
આ દરમિયાન અલગ-અલગ ધર્મના આ યુગલ પર કરેલા હુમલાનો વીડિયો વાઇરલ થયો છે. આ બંને લોકો ઉત્તર કન્નડ જિલ્લાના સિરસીનાં છે.
જ્યારે બન્ને હોટલના રૂમમાં હાજર હતાં ત્યારે બહારથી લોકોનો એક સમૂહ હોટલનો પાઇપ રિપેર કરવા માટે આવ્યા હોવાનું જણાવીને રૂમમાં બળજબરીથી ઘૂસી ગયા અને ત્યાર પછી યુગલને પરેશાન કરવા લાગ્યા.
ત્યાર પછી પુરુષોનો આ સમૂહ મહિલાને રૂમમાંથી ખેંચીને બહાર લઈ જાય છે. તે મહિલાને લઈને અનેક જગ્યાએ ફરે છે અને અંતે આ લોકો મહિલાને એક એકાંત સ્થળે લઈ જાય છે.
એક બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક પુરુષો ઝાડીઓની પાછળ એક મહિલાને પરેશાન કરી રહ્યા છે. આ ઘટના સાથે જોડાયેલો અન્ય એક વીડિયો સામે આવ્યો, જેમાં મહિલા આ પુરુષો પર બળાત્કારનો આરોપ લગાવે છે.
વીડિયોમાં મહિલાએ કહ્યું, “મેં તેમની સામે ભીખ માંગી અને આજીજી કરી કે મને જવા દો પરંતુ તેમણે મારી વાત ન સાંભળી. મેં તેમના પગ પકડીને કહ્યું કે મારો બળાત્કાર ન કરો.”
પોલીસે શું કહ્યું?
પોલીસે આ મામલો હોટલના એક કર્મચારીની ફરિયાદના આધારે નોંધ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાત જાન્યુઆરીએ એક મુસ્લિમ મહિલા અને હિંદુ પુરુષે એક રૂમ ભાડે લીધો હતો.
હવેરી જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અંશુ કુમારે બીબીસીને જણાવ્યું, “મહિલાએ મૅજિસ્ટ્રેટની સામે સીઆરપીસીની ઘારા 164 પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અમે ત્યાર પછી આ સાત લોકો સામે આઈપીસીની ધારા 376(ડી) (સામૂહિક બળાત્કાર)ની કલમ જોડી દીધી છે.”
તેમણે ઉમેર્યું કે મહિલાએ જ્યારે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું ત્યારે તેમનું અપહરણ કરવાની અને જાતીય શોષણની વાત કરી હતી પરંતુ સામૂહિક બળાત્કાર વિશે કશું ન કહ્યું.
પોલીસે આ મામલા હાલમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં 24 વર્ષીય આફતાબ મકબૂલ અહમદ ચંદનકટ્ટી, 23 વર્ષનો મદરસાબ મોહમ્મદ ઇસહાક મન્દાક્કી અને 23 વર્ષીય સહીઉલ્લાહ લાલન્વર સામેલ છે.
આ કેસનો ચોથો આરોપી હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં ભાગ લીધા પછી તે અકસ્માતનો ભોગ બન્યો. પોલીસે પાછળથી તેની ઓળખ કરી.
પોલીસના કહેવા પ્રમાણે આ મામલામા હજુ ત્રણ આરોપીઓની ધરપકડ હજી બાકી છે.
પોલીસે આ મહિલાનો તેની સાથે હૉટલમાં હાજર પુરુષ સાથેના સંબંધ વિશે કોઈપણ માહિતી આપવાની મનાઈ કરી છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલો તપાસનો વિષય છે.
આ પ્રકારની અન્ય એક ઘટના
જે દિવસે હંગલમાં આ ઘટના બની તે જ દિવસે ત્યાંથી લગભગ 175 કિલોમીટર દૂર બેલગાવીમાં ફોર્ટ લેકસાઇડની પાસે બે અલગ-અલગ સમુદાયના એક કપલને નવ લોકો દ્વારા હેરાન કરવાની એક ઘટના સામે આવી. તે બન્ને પિતરાઈ ભાઈ-બહેન હતાં.
પુરુષના માથા પર તિલક હતું અને મહિલાએ માથું ઢાંકેલુ હતું. જે નવ લોકો પર આ બન્નેને હેરાન કરવાનો આરોપ છે તેમણે આ બન્નેને પૂછ્યું, "તમે અહીં એકસાથે કેમ છો?"
આ મહિલા સાથેનો પુરુષ મહિલાના મામાનો દીકરો હતો. પુરુષનાં ફોઈએ એક મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.
આ બન્ને બેરોજગારી ભથ્થાને લગતી કર્ણાટક સરકારની એક યુવા નિધિ યોજના માટે પોતાનાં નામ નોંધાવવા માટે આવ્યાં હતાં. જોકે સર્વર કામ ન કરવાને કારણે તેઓ લેકસાઇડમાં રાહ જોઈ રહ્યાં હતા.
હંગલની ઘટનાની જેમ આ મામલામાં પણ જે નવ લોકો પર હેરાન કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે તે બધા જ મુસ્લિમ સમુદાયનાં છે.
પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા બાસવરાજ બોમ્મઈએ 'મોરલ પોલીસિંગ'ની આલોચના કર્યા પછી આ મામલાએ રાજકીય વળાંક લીધો છે.
બોમ્મઈએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ (અગાઉના ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું, “હાવેરી જિલ્લાના હંગલમાં એક લૉજમાં રોકાયેલા યુગલ પર કેટલાક અરાજક તત્ત્વો દ્વારા મોરલ પોલીસિંગના નામે કરવામાં આવેલો હમલો ખૂબ જ નિંદાપાત્ર છે. પોલીસે આ ઘટનામાં સામેલ દરેલ વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ અને તે લોકોને આ કૃત્ય માટે સજા થવી જોઈએ.”
“મહિલા સાથે મારપીટ કર્યા પછી તેને એક એકાંત સ્થળે લઈ જઈને તેનું કથિત રૂપે જાતીય શોષણ કરવામાં આવ્યુ હતું. આ અરાજક તત્ત્વો દ્વારા કરવામાં આવેલી મોરલ પોલીસિંગની આ ઘટનાને કારણે એવી લાગણીઓ થાય છે કે રાજ્ય સરકારનું અસ્તિત્વ છે કે નહીં?”
“મોરલ પોલીસિંગ વિશે ખુલીને વાત કરનારા મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા આ વિશેષ ઘટના પર ચુપ કેમ છે? માત્ર એટલા માટે જ ચુપ છે કે આ ઉપદ્રવીઓ લઘુમતી સમુદાયના છે? સિદ્ધારમૈયાએ આ ઘટના વિશે પોતાનો મત સ્પષ્ટ કરવો જોઈએ.”
કર્ણાટકમાં મોરલ પોલીસિંગની ઘટનાઓ
કેટલાંક વર્ષો પહેલાં દક્ષિણ કન્નડ, મેંગલુરૂ, ઉડુપી અને ચિકમંગલુરૂમાં મોરલ પોલીસિંગની ઘટનાઓ સામે આવી હતી અને બે દિવસ પહેલાં પણ કેટલાક મામલા નોંધવામાં આવ્યા હતા.
હેટ ડિટેક્ટરે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “કર્ણાટકના પાટનગર બેંગલુરુથી 256 કિલોમીટર દૂર ચિકમંગલુરૂના મુદિગેરેમાં પોલીસે એક હિંદુ મહિલા સાથે હાજર બે મુસ્લિમ યુવકો પર હમલો કરનાર હિંદુ સમૂહ સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે.”
“હમલો કરનાર લોકોએ હિંદુ છોકરી સાથે મુસ્લિમ છોકરાઓની હાજરી પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી. આ ઘટના સીસીટીવી કૅમરામાં કેદ થઈ ગઈ. તેના કારણે આ ચારેય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે મુસ્લિમ છોકરાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.”
કેટલાક રિપોર્ટો અનુસાર વર્ષ 2023માં કેટલાક યુવકોની વિરુદ્ધ ઓછામાં ઓછા એક ડઝન મામલાઓ નોંધવામાં આવ્યા છે.
આમાં અલગ-અલગ ધર્મના પુરુષ અને મહિલાઓ સાથે હોવાને કારણે તેમનો રસ્તો રોકવો, હેરાન કરવા અને સવાલ-જવાબ કરવાની ઘટનાઓનો સમાવેશ છે. આ મામલાઓમાં મેંગલુરૂમાં કામ પછી મોટરબાઇક પર એક સાથે મુસાફરી કરવાનો મામલો હતો. ચિકમંગલુરૂમાં એક મુસ્લિમ છોકરાની તેની હિંદુ મહિલા ક્લાસમેટ સાથે વાત કરવાનો મામલો પણ સામેલ છે.
દક્ષિણ કન્નડ જિલ્લનાં ધાર્મિક સ્થળ પર એક રિક્ષાચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે એક હિંદૂ મહિલાને છોડવા માટે ત્યાં ગયો હતો.
મેંગલુરૂમાં મેડિકલ કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ તેમના વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા હતા, ત્યારે તેમનો રસ્તો રોકી દેવામાં આવ્યો હતો અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. કારણ કે વિદ્યાર્થીઓના સમૂહમાં મુસ્લિમ મહિલાઓ પણ હતી.
કૉંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પોતાની સરકાર બનાવતી વખતે ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે તે મોરલ પોલીસિંગનો પૂરી તાકાત સાથે અંત લાવશે.