ગુજરાતથી માંડીને હિમાચલ: ક્રૉસ વોટિંગ વિપક્ષ માટે કેટલો પડકાર અને ભાજપને ફાયદો કે નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
સત્તાધારી પાર્ટી ભાજપે મહારાષ્ટ્રે કથિત રીતે બે વખત “ઑપરેશન લોટસ” ચલાવ્યું.
આ કારણે મુખ્ય ધારાની બે ક્ષેત્રીય પાર્ટી, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભાગલા પડી ગયા. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી ગઠબંધનની સરકાર ભાંગી પડી અને મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં એક નવી સરકાર બની.
વર્ષ 2017માં ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ પર થયેલી ચૂંટણી દરમિયાન કેટલાક કૉંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં ક્રૉસ વોટિંગ કર્યું.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ચૂંટણી જીતી તો ગયા પરંતુ ક્રૉસ વોટિંગને કારણે અહમદ પટેલ જેવા નેતાને એકદમ સરળ મનાતી રાજ્યસભા સીટ માટે ભારે મહેનત કરવી પડી હતી.
ગત 27 ફેબ્રુઆરીએ ઇતિહાસનું પુનરાવર્તન થયું. હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક સીટ માટે ચૂંટણીમાં ભાજપે જીત મેળવી.
આ પરિણામ ચોંકાવનારું હતું, કેમ કે 2022માં 68 સભ્યની વિધાનસભામાં 40 ધારાસભ્યો સાથે કૉંગ્રેસે પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી. એ જોતાં કૉંગ્રેસ ઉમેદવારની જીતને માત્ર ઔપચારિકતા સમજી લેવાઈ.
શું કૉંગ્રેસના અતિ-આત્મવિશ્વાસને કારણે પરાજય થયો?
કૉંગ્રેસની આ હાર પછી રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે પાર્ટીએ ભૂતકાળના અનુભવમાંથી કોઈ પણ બોધપાઠ નથી લીધો.
વર્ષ 2017માં અહમદ પટેલની જેમ જ પાર્ટીને વિશ્વાસ હતો કે આ વખતે પણ તેમના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સરળતાથી જીતી જશે. અહમદ પટેલ તો ચૂંટણી જીતી ગયા પણ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પંકજ વોહરાના મત પ્રમાણે કૉંગ્રેસ પાર્ટીએ બીજા પર આરોપ લગાવવાને બદલે પોતાની રણનીતિ સુધારવી જોઈએ.
કૉંગ્રેસના છ બળવો કરનાર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે બજેટ પાસ કરાવવા માટે એક વ્હિપ જારી કર્યો હતો. બળવો કરનાર છ ધારાસભ્યોને વ્હિપનું ઉલ્લંઘન કરવાને કારણે સ્પીકરે અયોગ્ય ઠેરવ્યા હતા. આ ધારાસભ્યોએ સ્પીકરના નિર્ણયને હિમાચલ હાઈકોર્ટમાં પડકાર્યો છે.
કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલાંક રાજ્યોમાં ક્રૉસ વોટિંગને કારણે રાજ્યની સરકારો ગુમાવી છે. ભાજપે કથિતરૂપે આ રાજ્યોમાં ‘ઑપરેશન લોટસ’ ચલાવ્યું છે.
હાલનાં વર્ષોમાં બિહાર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કૉંગ્રેસ અને બીજી પાર્ટીઓની સરકાર પાડીને ભાજપે તેમના કે તેમના ગઠબંધનમાં રહેલી પાર્ટીની સરકાર બનાવી છે. જોકે, આ કારણે પાર્ટીની રણનીતિ અને નૈતિક ધોરણો પર સવાલ ઊઠી રહ્યા છે.
ભાજપના નેતાઓની દલીલ છે કે “પ્રેમ, યુદ્ધ અને રાજનીતિમાં બધું જ ચાલે છે.”
કૉંગ્રેસે ભાજપ પર ‘જનમતની ચોરી’નો આરોપ લગાવ્યો છે. જોકે, એ પણ સત્ય છે કે બિન-ભાજપ પક્ષો જૂથવાદનો શિકાર બન્યા છે. સત્તાથી બહાર રહેવાને કારણે આ પાર્ટીના કેટલાક ધારાસભ્યોની પદ અને મંત્રાલયની લાલચને કારણે તેમને કેટલીક રાજ્ય સરકારોને અસ્થિર કરવામાં મહત્ત્વપૂર્ણ રોલ નિભાવ્યો છે.
પંકજ વોહરા કહે છે કે ભાજપ પોતાના વિસ્તરણ અને સત્તામાં વાપસી માટે હરીફ પક્ષોમાં ચાલી રહેલી સમસ્યાઓનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.
તેમણે ઉમેર્યું, “જ્યારે પણ ભાજપને એવું લાગે કે ઑપરેશન લોટસ કામ કરી શકે છે, ત્યાં પાર્ટી પોતાનું કામ શરૂ કરે છે. હિમાચલમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન 2022 સુધી કૉંગ્રેસમાં હતા. પાર્ટીએ મોકો જોઈને તેમનો ખૂબ ઉપયોગ કર્યો.”
ઑપરેશન લોટસ શું છે?

ઇમેજ સ્રોત, @SAMAJWADIPARTY/X
ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી ઍસોસિયેશન ફોર ડેમૉક્રેટિક રિફૉર્મ્સના સ્થાપક સભ્ય પ્રોફેસર જગદીપ છોકરે કહ્યું, “મારા મત પ્રમાણે કૉંગ્રેસને કંઈ કહેવાનો કોઈ ફાયદો નથી. જ્યાં જ્યાં વિપક્ષ કે બિન-ભાજપની સરકારો છે, ત્યાં આવી કોશિશો થાય છે. ભાજપની કોશિશ ડબલ એન્જિન સરકાર બનાવવાની છે અને તેઓ એક દેશ એક ચૂંટણીના સમર્થક છે. તેઓ પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે આ કરે છે.”
પંકજ વોહરા કહે છે કે ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં આશા કરતાં વધારે સફળતા માટે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીઓની ભૂલો જવાબદાર છે. ઉત્તર પ્રદેશની દસ રાજ્યસભા સીટોમાંથી ભાજપે આઠ સીટો પર જીત મેળવી, જ્યારે સમાજવાદી પાર્ટીને બે સીટો પર જીત મળી. સમાજવાદી પાર્ટીને ત્રણ સીટ જીતવાની આશા હતી.
તેમણે ઉમેર્યું, “સિંઘવી મૂળ રાજસ્થાનના છે પરંતુ તેમને હિમાચલ પ્રદેશથી લડાવવામાં આવ્યા. હિમાચલમાં પહેલી વખત કોઈ રાજ્યની બહારની વ્યક્તિ ચૂંટણી લડી રહી હતી. આ કૉંગ્રેસની મૂર્ખામી હતી, કોઈ બહારની વ્યક્તિને ચૂંટણી લડાવવાની જરૂર ન હતી. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની ભૂલ હતી. તેમણે એક ભૂતપૂર્વ સરકારી અધિકારીને ઉમેદવાર બનાવ્યા જેમણે માત્ર 19 વોટ મળ્યા.”
વોહરાએ પૂછ્યું કે જયા બચ્ચનને પાંચમી કે છઠ્ઠી વખત ટિકિટ દેવાની શું જરૂર હતી? કોઈ રાજકીય વ્યક્તિને ટિકિટ આપવી જોઈતી હતી. ટિકિટોની વહેંચણી બરોબર કરવામાં આવી ન હતી. પાર્ટીની અંદર ઘણા ઉમેદવારો એવા છે જે આ તકની વર્ષો સુધી રાહ જુએ છે. કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ વિશે વિચાર કરવો જોઈએ.
હિમાચલમાં ભાજપની રાજકીય વ્યૂહરચના વિશે વાત કરતા પંકજ વોહરાએ કહ્યું, “ભાજપનો હેતુ માત્ર કૉંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં હરાવવાનો ન હતો પણ રાજ્યની કૉંગ્રેસ સરકારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કરવાનો હતો. જો નારાજ ધારાસભ્યોને પાંચ વર્ષ માટે છોડી દેવામાં આવે તો તેઓ ભાજપમાં જોડાયા ન હોત અને તેમાં ભાજપને સફળતા મળી હતી.”
“ઑપરેશન લોટસ”ના વિરોધી દાવો કરે છે કે આ એક ગેરકાયદેસર રાજકીય વ્યૂહરચના છે જે ભાજપના વર્ચસ્વને મજબૂત કરવાની કોશિશ કરે છે.
તેમના મત પ્રમાણે ઑપરેશન લોટસ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને નબળા પાડે છે અને લોકશાહી સંસ્થાઓની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતાને જોખમમાં મૂકે છે.
કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પક્ષાંતર વિરોધી કાયદો 1985થી લાગુ છે. આ કાયદા પ્રમાણે એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જનાર ધારાસભ્ય કે સાંસદને સજા થઈ શકે છે.
આ કાયદો પક્ષપલટાને રોકવામાં અને સરકારોને સ્થિરતા પ્રદાન કરવામાં મદદ કરે છે. જોકે, દેશની અંદર છેલ્લાં કેટલાંક વર્ષોનો ઇતિહાસ જોઈએ તો એવું લાગે છે પક્ષપલટાને રોકી શકાય તેમ નથી. હકીકતમાં આવી ઘટનાઓ પક્ષાંતરના કાયદાને અસરકાર રીતે લાગુ કરવામાં આવતી ખામીઓ અને પડકારોને દર્શાવે છે.
પ્રોફેસર જગદીપ છોકરના મત પ્રમાણે પક્ષાંતર વિરોધી કાયદો અસરકારક નથી રહ્યો, હવે આ કાયદાની કોઈ ઉપયોગિતા રહી નથી.
હાલનાં વર્ષોમાં ક્રૉસ વોટિંગે પણ કૉંગ્રેસ અને અન્ય સરકારોના પતનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
હાલનાં વર્ષોમાં પક્ષપલટા અને ક્રૉસ વોટિંગના કેટલાક મુખ્ય મામલા પર એક નજર:
મહારાષ્ટ્રમાં ભાજપની વાપસી
2022ને મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલનું વર્ષ માનવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભાગલા પડવાને લીધે ભાજપને શિવસેના (શિંદે જૂથ)ના રૂપે ગઠબંધન માટે એક પાર્ટીનો સાથ મળ્યો. આ રીતે મહારાષ્ટ્રમાં ભાજપ ફરી પાછી સત્તામાં આવ્યો.
થોડાક સમય પછી આ ગઠબંધનમાં અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી પણ જોડાઈ ગઈ.
વર્ષ 2019માં કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર હતી. કૉંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોએ પોતાની સીટ પરથી રાજીનામું આપી દીધું અને સરકાર લઘુમતીમાં આવી ગઈ.
2020માં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસની સરકાર પડી ગઈ. આ સમયે ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ અને બળજબરીનો આરોપ લાગ્યો. જોકે, ભાજપે આવા કોઈ પણ આરોપોને નકાર્યા છે.
“ઑપરેશન લોટસને કારણે નુકસાન પણ થયું”

ઇમેજ સ્રોત, ANI
રાજકીય નિષ્ણાતો કહે છે કે ‘ઑપરેશન લોટસ’ એક સફળ વ્યૂહરચના રહી છે. જોકે, ક્યારેક આ કારણે ભાજપને નુકસાન પણ થયું છે.
નિષ્ણાતો પ્રમાણે તેનું એક ઉદાહરણ કર્ણાટકમાં જોવા મળ્યું.
ગયા વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે જીત મેળવી હતી.
પત્રકાર રવિ પ્રકાશના મત પ્રમાણે ‘ઑપરેશન લોટસે’ ભાજપની બેઠકોની સંખ્યા ઘટાડવામાં સીધી ભૂમિકા ભજવી છે.
2018માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 103 સીટો મળી હતી. જોકે, આ સંખ્યા 2023માં ઘટીને 66 થઈ ગઈ.
વર્ષ 2023માં ચૂંટણી હાર્યા પછી ભાજપના એક નેતાએ આ રિપોર્ટરને કહ્યું કે ‘ઑપરેશન લોટસ’ની ચૂંટણી પરિણામ પર નકારાત્મક અસર પડી છે.
ભાજપના નેતાએ આ રિપોર્ટરને કહ્યું, “પાર્ટીએ પોતાની વિચારધારા અને કેડર સાથે સમાધાન કર્યું. પાર્ટીએ ધારાસભ્યોને પૈસાની લાલચ આપવા અથવા મંત્રી બનાવવા માટે ભારે રોકાણ કર્યું હતું. આનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યું અને પક્ષ લોકોમાં અત્યંત અપ્રિય બની ગયો, પરિણામે રાજ્યમાં સત્તા ગુમાવી.”













