પોર્નસાઇટ પર તમારા ખાનગી ફોટો અને વીડિયો પોસ્ટ કરી દેવાય તો દૂર કરવા શું કરી શકો?

સાયબર ક્રાઈમ, મહિલા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, વિજયાનંદ અરમુગમ
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્ર સરકારના વકીલે મદ્રાસ હાઇકોર્ટને 22 જુલાઈએ જણાવ્યું હતું કે ભારત સરકાર પ્રમાણભૂત માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે, જેથી પીડિતો તેમના અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ ઑનલાઇન પ્રકાશિત થઈ જાય તો તેમને દૂર કરી શકે.

એક મહિલા વકીલે કેસની સુનાવણી દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.

એક મહિલા વકીલે કેસ દાખલ કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તેમના અંગત ફોટોગ્રાફ્સ તેમના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે 70થી વધુ વેબસાઇટ પર પોસ્ટ કર્યા હતા.

તમારી પરવાનગી વિના તમારા અંગત ફોટોગ્રાફ્સ કોઈ વ્યક્તિ વેબસાઇટ પર પોસ્ટ કરે તો તમારે શું કરવું જોઈએ? તેને કઈ રીતે હઠાવી શકાય? આવો આ સવાલના જવાબ મેળવીએ.

પૂર્વ પ્રેમીએ વીડિયો પોસ્ટ કર્યા

ચેન્નાઈનાં એક મહિલા વકીલે ગયા જાન્યુઆરીમાં સાયબર ક્રાઇમ વિભાગમાં એક ફરિયાદ નોંધાવી હતી.

મહિલા વકીલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે "હું કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવકને પ્રેમ કરતી હતી. અમે સાથે હતાં ત્યારે તેણે મારા ફોટોગ્રાફ્સ તથા વીડિયો લીધા હતા. હાલ એ યુવાન સાથે મારે કોઈ સંબંધ નથી. તેણે મારા અંગત વીડિયોઝ 70થી વધુ વેબસાઇટ પર પોસ્ટ કર્યા છે."

ફરિયાદી મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ બહુ પરેશાન છે અને અંગત વીડિયોઝે વેબસાઇટ્સ પરથી તત્કાળ હઠાવી દેવા જોઈએ.

ફરિયાદીના વકીલ અબુદુકુમારે કહ્યું હતું, "પીડિતાએ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે એફઆઈઆર નોંધવામાં આવી. જોકે, પોલીસે વીડિયો ફૂટેજ હઠાવવા માટે કોઈ કાર્યવાહી કરી નથી."

તેમણે બીબીસીને કહ્યું હતું, "એ સામગ્રીને એનસીઆઈઆઈ (બિન-સહમતીપૂર્ણ અંગત ફોટોગ્રાફ્સ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. અમે મદ્રાસ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને એ સામગ્રી દૂર કરવાનો આદેશ આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે."

આ કેસ ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ સમક્ષ સુનાવણી માટે નવમી જુલાઈએ આવ્યો હતો. એ પછી ન્યાયમૂર્તિએ કેન્દ્રના ઇન્ફોર્મેશન ટેકનોલૉજી અને પ્રસારણ મંત્રાલયને મહિલા વકીલના વીડિયોઝ તથા ફોટોગ્રાફ્સ 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટે તામિલનાડુના પોલીસ મહાનિદેશકને આદેશ આપ્યો છે કે તેઓ આવા મામલે પોલીસ કર્મચારીઓમાં જાગૃતિ લાવવા માટે પગલાં લે.

કેન્દ્ર સરકારને વિગતે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો હતો

સાયબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશ જણાવ્યું હતું કે તેઓ આ કિસ્સામાં મદદ કરી શક્યા, કારણ કે ફરિયાદી એક મહિલા વકીલ છે. આ રીતે લડી ન શકે તેમ હોય તેવા લોકોની દુર્દશાની કલ્પના હું કરી શકતો નથી.

ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે કહ્યું હતું, "તમામ નાગરિકોના સન્માનપૂર્વક જીવવાના મૌલિક અધિકારનું રક્ષણ કરવું તે સરકાર અને અદાલતોની જવાબદારી છે."

આ સંદર્ભે 14 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અદાલતે કેન્દ્ર સરકારને આપ્યો હતો.

આ મામલે ફરી સુનાવણી થઈ ત્યારે કેન્દ્ર સરકાર તરફથી વકીલ કુમારગુરુ ઉપસ્થિત થયા હતા. તેમણે અદાલતને જણાવ્યું હતું કે વીડિયોઝ બ્લૉક કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યાં છે.

જોકે, વરિષ્ઠ વકીલ અબુદુકુમારે સરકારની દલીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું, "એ વીડિયોઝ હજુ પણ 39 વેબસાઇટ્સ પર પ્રસારિત થઈ રહ્યા છે. તેને રોકવાનાં પગલાં કેન્દ્ર સરકારે લેવાં જોઈએ."

આ મામલાની નોંધ લેતાં ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે આદેશ આપ્યો હતો કે "અંગત વીડિયોઝ હઠાવવા માટેની ફરિયાદ ક્યાં કરવી જોઈએ અને આવી ફરિયાદ મળ્યા પછી શું કાર્યવાહી થવી જોઈએ, " એ મુદ્દે કેન્દ્ર સરકાર વિગતવાર રિપોર્ટ રજૂ કરે.

આ મામલે 22 જુલાઈએ ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સાયબર નિષ્ણાતો શું કહે છે?

પીડિતાના વકીલ અબુદુકુમારે અદાલતને કહ્યું હતું, "હાલ છ વેબસાઇટ પર પીડિતાના અંગત વીડિયો અને ફોટોગ્રાફ્સ છે. તેને હઠાવવાનો આદેશ આપવો જોઈએ."

કેન્દ્ર સરકાર તરફથી અદાલત સમક્ષ રજૂ થયેલા વકીલ કુમારગુરુએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમની શિકાર બનેલી મહિલાઓ તેમના અંગત વીડિયોઝ તથા ફોટોગ્રાફ્સ જાતે જ હઠાવી શકે એ માટેની પ્રમાણભૂત ગાઇડલાઇન્સ કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે.

એ પછી પ્રસ્તુત કેસની સુનાવણી પાંચમી ઑગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવી હતી. તેથી ગાઇડલાઇન્સ દાખલ કરવાની પરવાનગી મળી ગઈ હતી.

વેબસાઇટ્સ પર અશ્લીલ ફોટોગ્રાફ્સ પ્રકાશિત થતા હોય તો તત્કાળ શું કાર્યવાહી થવી જોઈએ, એ બાબતે બીબીસીએ સાયબર નિષ્ણાત અને વકીલ કાર્તિકેયન સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "સોશિયલ મીડિયા દેખીતી રીતે નગ્ન ફોટોગ્રાફ્સનો સ્વીકાર કરતું નથી. આવા પ્લૅટફૉર્મ્સ પર ફરિયાદ નિવારણ કેન્દ્ર પણ હોય છે. તેમાં ફરિયાદ કરવામાં આવે તો તરત કાર્યવાહી કરવામાં આવે છે. ફરિયાદ નિવારણ કેન્દ્રનો ફોન દ્વારા સીધો સંપર્ક કરી શકાતો નથી. ફરિયાદ કરવી જરૂરી હોય છે."

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2021માં સોશિયલ મીડિયા સંબંધે ગાઇડલાઇન્સ બનાવી હતી. તેનો અમલ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ – 2021 નામે કરવામાં આવી રહ્યો છે.

1930: સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાની વ્યવસ્થા

સાઈબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિયમો ઇન્ફોર્મેશન ટેકનોલૉજી ઍક્ટ – 2000ની કલમ 87 (1) (2) હેઠળની સત્તા મુજબ બનાવવામાં આવ્યા છે.

કાર્તિકેયને કહ્યું હતું, "આ નિયમો અનુસાર દરેક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ માટે એક ફરિયાદ નિવારણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરની સામગ્રી કે વાંધાજનક ફોટોગ્રાફ્સ વિશે ફરિયાદ કરવામાં આવશે તો તેને તત્કાળ દૂર કરવામાં આવશે."

તેમણે ઉમેર્યું હતું કે "એ ઉપરાંત અંગત ફોટોગ્રાફ્સના પ્રકાશનથી પ્રભાવિત પીડિતો નૅશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકે છે. તેમણે તેમનું નામ જણાવવું જરૂરી નથી. તેઓ, જે વેબસાઇટ પર અંગત ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવામાં આવ્યા હોય તે વેબસાઇટનું સરનામું જણાવીને ફરિયાદ નોંધાવી શકે છે."

1930 નંબર પર ફોન કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.

કાર્તિકેયને કહ્યું હતું કે "પોર્નોગ્રાફી વેબસાઇટ્સ પર વીડિયો પ્રકાશિત કરવામાં આવતા હોય તો એ સાઈટ્સના ઈ-મેઈલ એડ્રેસ પર ફરિયાદ કરવાથી તેને તત્કાળ હઠાવી લેવામાં આવશે."

સાઈબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કાર્તિકેયને એમ પણ કહ્યું હતું કે "મહિલાઓના વાંધાજનક ફોટોગ્રાફ્સના પ્રકાશનની ફરિયાદ મળે તો તેને 24 કલાકમાં જ હઠાવવા જોઈએ, એવું ભારત સરકારે 2021માં જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું હતું, પરંતુ તેને હઠાવવામાં આવતા નથી."

તેમણે કહ્યું હતું કે "તમે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવો એટલે તે રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો પાસે જાય છે. તેઓ સંબંધિત વેબસાઇટ્સને ઇ-મેઇલ મારફત સૂચિત કરે છે. અલબત્ત, તેમાં થોડા દિવસો થાય છે, પરંતુ તેની પીડિતો પર બહુ મોટી અસર થાય છે."

ઇ-મેઇલ મારફત ફરિયાદ કરવા છતાં વેબસાઇટ્સ પરથી ફોટોગ્રાફ્સ હઠાવવામાં ન આવે તો તરત પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ. આમ કરવાથી તમને સંબંધિત વેબસાઇટ સામે કાર્યવાહી કરવાની તક મળશે.

કાર્તિકેયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વિશે પણ જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, અનેક કંપનીઓ અશ્લીલ ફોટોગ્રાફ્સ અપલોડ થતા રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. તેને નગ્ન ફોટોગ્રાફ્સ તથા વીડિયો હઠાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

પુરુષ તપાસ અધિકારીની હાજરીમાં તપાસ કરવું વાંધાજનક

એક મહિલા પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું હતું, "તમે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરીને ફરિયાદ કરશો તો અમે તત્કાળ કાર્યવાહી કરીશું. કેટલાક વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ હઠાવવા એ કોઈ મોટી વાત નથી."

તેમણે ઉમેર્યું હતું કે "એવા વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ મોટા પ્રમાણમાં હોય તો તે ક્યાંથી આવી રહ્યા છે તે જાણવાનું મુશ્કેલ બની જાય છે. આ માટે પોલીસ વિભાગમાં પૂરતા નિષ્ણાતો નથી."

ચેન્નઈનાં મહિલા વકીલે ફરિયાદના આધારે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં તેમના નામનો ઉલ્લેખ છે.

ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે "ફરિયાદી મહિલાનું નામ લેવાનું જ નહીં, પરંતુ આરોપીની ઓળખ માટે સાત પુરુષ અધિકારીઓની હાજરીમાં તપાસ કરવાનું પણ વાંધાજનક છે."

ન્યાયામૂર્તિએ જણાવ્યું હતું કે પહેલાંથી જ શારીરિક હિંસાનો સામનો કરી ચૂકેલી પીડિતાને આવી ઘટનાઓથી વધારે માનસિક હાનિ થશે. પીડિતાનું નામ દસ્તાવેજોમાંથી તત્કાળ હઠાવવાનો આદેશ તેમણે આપ્યો હતો.

10 વર્ષ સુધી જેલની સજા

સાયબર ક્રાઈમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તામિલનાડુના મુખ્ય ક્રીમિનલ પ્રોસિક્યુટર અસન મોહમ્મદ ઝીણાએ જણાવ્યું હતું કે આ કેસમાં મહિલા વકીલનું નામ તમામ દસ્તાવેજોમાંથી દૂર કરવામાં આવ્યું છે.

અબુદુકુમારે કહ્યું હતું કે "માત્ર બાળકો અને મહિલાઓ સામેની હિંસાના કિસ્સાઓમાં જ તેમના નામ એફઆઈઆરમાં ન હોવા જોઈએ, એવું પોલીસ માને છે. અલબત્ત, અદાલતે એવું કહ્યું છે કે આવી ઘટનાઓમાં પણ પીડિતોના નામનો ઉલ્લેખ ન કરવો જોઈએ."

તેમના જણાવ્યા મુજબ, મહિલા વકીલની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે ભારપૂર્વક કહ્યુ હતું કે "પરવાનગી વિના કોઈના પ્રાઇવેટ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાથી ઇન્ફોર્મેશન ટેકનોલૉજી કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત