શૅરબજારમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે, GMPના આધારે IPOમાં રોકાણ કરાય?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં દર અઠવાડિયે નાની મોટી કંપનીઓના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) આવતા રહે છે અને તે વખતે ગ્રે માર્કેટ પ્રીમિયમ અથવા જીએમપીની બહુ બોલબાલા હોય છે.

ઘણા લોકો કોઈ કંપનીના આઈપીઓમાં મૂડી રોકવી કે નહીં તેનો નિર્ણય તેના જીએમપીના આધારે લેતા હોય છે. ત્યાર પછી અમુક લોકોને શૅરના લિસ્ટિંગ પર નફો થાય છે, તો કેટલાક લોકોએ નુકસાન સહન કરવાનો વારો આવે છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે અને આઈપીઓ વખતે જીએમપી શેનો સંકેત આપે છે? તેની વાત કરીએ.

ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે

કોઈ કંપની આઈપીઓ લાવે ત્યારે શૅરબજારમાં શૅરનું લિસ્ટિંગ થાય તે અગાઉ બિનસત્તાવાર માર્કેટમાં કેટલાક ટ્રેડર્સ તેમાં સોદા શરૂ કરી દે છે.

શૅરની ઇશ્યૂ પ્રાઇઝની સામે રોકાણકારો જેટલી વધારે રકમ ચૂકવવા તૈયાર હોય, તેને ગ્રે માર્કેટ પ્રીમિયમ અથવા જીએમપી કહેવામાં આવે છે. ધારો કે કોઈ શૅરની ઇશ્યૂ પ્રાઇઝ 100 રૂપિયા છે, પરંતુ ગ્રે માર્કેટમાં 120 રૂપિયામાં આ શૅરના સોદા થતા હોય તો તેનો અર્થ એવો થયો કે આ શૅર માટે 20 રૂપિયા પ્રીમિયમ ચાલે છે. તેના પરથી રોકાણકારો એવો અંદાજ કાઢે છે કે શૅરનું લિસ્ટિંગ આટલા ઊંચા ભાવે થશે.

અમદાવાદસ્થિત સ્ટૉક બ્રોકિંગ કંપની ઇન્વેસ્ટ-ઍલાઇનના સ્થાપક ગુંજન ચોક્સીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ગ્રે માર્કેટ મોટા ભાગે બે રીતે ચાલતાં હોય છે. ધારો કે કોઈ મોટી કંપનીનો આઈપીઓ આવે છે અને તેના શૅરની ડિમાન્ડ વધારે છે, જ્યારે સપ્લાય ઓછો છે. આવી સ્થિતિમાં અલ્ટ્રા એચએનઆઈ (અત્યંત ધનાઢ્ય રોકાણકારો) ક્લાયન્ટ કેટલાક લોકોને ગ્રે માર્કેટમાં સક્રિય કરે છે અને તેમને પ્રીમિયમ ભાવે અમુક શૅર મેળવવા કહે છે. આ રીતે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સર્જાય છે."

ગુંજન ચોક્સીના કહેવા મુજબ "બીજી પરિસ્થિતિ એવી હોય તેમાં બજારમાં આઈપીઓની ડિમાન્ડ નથી હોતી, આઈપીઓ નબળો હોય છે અને તેના છલકાવાની શક્યતા હોતી નથી. આવી સ્થિતિમાં કંપનીના પ્રમોટરો અથવા મર્ચન્ટ બૅન્કરો ગ્રે માર્કેટના લોકોને સક્રિય કરવા કહે છે. તેથી ઘણી વખત ગ્રે માર્કેટ પ્રીમિયમ વધી જાય અને આઈપીઓ ભરાઈ ગયા પછી જીએમપી સાવ તૂટી જાય છે. એટલે કે આઈપીઓ માટે કૃત્રિમ રીતે ડિમાન્ડ ઉભી કરવામાં આવે છે. શૅરના લિસ્ટિંગ અગાઉ 10થી 15 ટકા પ્રીમિયમ દેખાડવામાં આવે છે જેથી નાના રોકાણકારો તેનાથી આકર્ષાઈને ઇશ્યૂ સબસ્ક્રાઇબ કરે છે."

ગ્રે માર્કેટ પ્રીમિયમના પ્રકાર

શૅરબજારમાં કોઈ કંપનીના શૅર લિસ્ટ થાય ત્યારે ઇશ્યૂ પ્રાઇઝ કરતા ઊંચા ભાવે લિસ્ટ થશે કે નીચા ભાવે તે કહી શકાય નહીં. તેથી ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ પૉઝિટિવ અને નૅગેટિવ બંને હોય છે. જ્યારે કોઈ કંપનીને તેણે ઑફર કરેલા શૅર કરતાં અનેકગણી વધારે બિડ મળે ત્યારે તેનો જીએમપી પૉઝિટિવ હોય છે. એટલે કે શૅર લિસ્ટિંગ વખતે કમાણી કરાવે તેવી શક્યતા હોય છે.

તેનાથી વિપરીત જ્યારે ઑફર કરેલા શૅર કરતા ઓછા શૅર સબસ્ક્રાઇબ થાય ત્યારે તે નૅગેટિવ જીએમપી દર્શાવે છે. એટલે કે શૅર ઇશ્યૂ પ્રાઇઝ કરતાં નીચા ભાવે ખૂલે તેવી શક્યતા હોય છે. ગ્રે માર્કેટ મોટા ભાગે બજારના ટ્રૅન્ડનો અંદાજ આપે છે, પરંતુ તે રેગ્યુલેટેડ ન હોવાના કારણે તેમાં ચેડાં થવાની અને નાના રોકાણકારો ગેરમાર્ગે દોરાય તેવી પૂરી શક્યતા રહે છે.

ગ્રે માર્કેટ કેટલું વિશ્વસનીય

ગ્રે માર્કેટ એ બિનસત્તાવાર અને ઓવર-ધ-કાઉન્ટર માર્કેટ છે. તેથી તેને કોઈ રેગ્યુલેટરના નિયમો લાગુ પડતા નથી. તેમાં રોકડમાં જ સોદા થાય છે અને તેમાં સેબી, સ્ટોક ઍક્સચેન્જ અથવા બ્રોકરેજ કંપનીઓ જેવી થર્ડ પાર્ટી સંકળાયેલી નથી હોતી. તેના કારણે તેને જરા પણ વિશ્વસનીય ગણી શકાય નહીં.

ગ્રે માર્કેટમાં ટ્રેડિંગ માટે કોઈ સત્તાવાર પ્લૅટફૉર્મ નથી હોતું અને તેના ટ્રેડિંગને નક્કી કરતા કોઈ નિયમો પણ નથી હોતા.

ગુંજન ચોક્સી કહે છે કે "જીએમપી એ બજારમાં શૅરની ડિમાન્ડ કેટલી છે તેનો અંદાજ આપી શકે, પરંતુ માત્ર જીએમપીના આધારે આઈપીઓ ભરવો ન જોઈએ."

"કેટલીક વખત આઈપીઓમાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાતો હોય અને તે કંપનીનું સારા ભાવે લિસ્ટિંગ થાય. પરંતુ પછી શૅર ઘટવા લાગે અને ફરી ક્યારેય એ ભાવ આવે નહીં."

ગુંજન ચોક્સીના મતે કંપનીના ફંડામેન્ટલ મજબૂત હોય તો આઈપીઓ ભરવા માટે સૌથી પહેલી શરત છે. તેઓ કહે છે કે આઈપીઓમાં સૌથી પહેલાં તે ઇન્ડસ્ટ્રીમાં કેવી તેજી છે અને કેવું ભવિષ્ય છે તે જુઓ. ત્યાર પછી પ્રમોટરનો હેતુ જુઓ. ધારો કે પ્રમોટર કંપનીમાંથી ઍક્ઝિટ કરવા માટે આઈપીઓ લાવ્યા હોય તો તેના રૂપિયા કંપનીના વિકાસ માટે નથી ખર્ચાવાના તે ધ્યાનમાં રાખો.

રોકાણકારો માટે કયું જોખમ

ભારતમાં કોઈ શૅરના લિસ્ટિંગ અગાઉ તેનો જીએમપી બહુ ઊંચો હોય અને પછી શૅર નીચા ભાવે લિસ્ટ થયા હોય એવું ઘણી વખત બન્યું છે. આવામાં નાના રોકાણકારો છેતરાઈ જાય છે.

એનએસડીએલ અને ટાટા કૅપિટલ જેવી કંપનીઓના શૅર ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં નીચા ભાવે લિસ્ટ થયા હતા. ટાટા કૅપિટલમાં સાત ટકા જીએમપી ચાલતું હતું, પરંતુ શૅર માંડ એક ટકા પ્રીમિયમે ખૂલ્યો હતો.

લૅન્સકાર્ટ સૉલ્યૂશન સ્ટડ્સ ઍસેસરિઝ જેવી કંપનીઓના શૅરમાં પૉઝિટિવ જીએમપી હતું, પરંતુ શૅર ઇશ્યૂ પ્રાઇઝથી નીચે લિસ્ટ થયા હતા. એટલે કે નાના રોકાણકારોએ જીએમપીથી પ્રેરિત થઈને ઇશ્યૂ સબસ્ક્રાઇબ કર્યો હોય, તો તેમને નુકસાન થયું હતું.

જીએમપીમાં નક્કર આધાર નથી હોતો

શૅરબજારમાં ઘણી ચીજો નક્કર આંકડાના બદલે સૅન્ટીમેન્ટ પર ચાલતુ હોય છે અને જીએમપીનું પણ એવું જ છે. કેટલાક મુઠ્ઠીભર ડીલરો જીએમપી પર પ્રભાવ પાડતા હોવાથી તેમાં ચેડાં થવાની શક્યતા રહે છે.

ગુંજન ચોક્સી કહે છે કે લગભગ 90 ટકા નાના રોકાણકારો જીએમપીના આધારે આઈપીઓમાં રોકાણ કરવાનો નિર્ણય લેતા હોય છે. તેના કારણે તેઓ ઘણી વખત ફસાઈ જાય છે અને નુકસાન સહન કરે છે.

રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?

કોઈ કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાનો વિચાર આવે ત્યારે રોકાણકારે માત્ર જીએમપી જોવાના બદલે તેના ઍન્કર રોકાણકારની ક્વૉલિટી, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડની ભાગીદારી, કંપનીનું કૉર્પોરેટ ગવર્નન્સ, કંપની પરની નાણાકીય જવાબદારી, અને સમકક્ષ કંપનીઓની તુલનામાં શૅરના વૅલ્યૂએશનને ધ્યાનમાં લેવું જોઈએ.

શૅરબજારના નિષ્ણાત ગુંજન ચોક્સી કહે છે કે જે ઉદ્યોગ તેજીમાંથી પસાર થતો હોય, કંપનીના મૅનેજમેન્ટની શાખ સારી હોય અને આઈપીઓના રૂપિયા કંપનીના ગ્રોથ માટે ખર્ચ થવાના હોય ત્યારે જીએમપીને એક બૅરોમીટર તરીકે જોઈને રોકાણકારો મૂડી રોકવા માટે વિચારી શકે.

સ્પષ્ટતાઃ નિષ્ણાતોએ વ્યક્ત કરેલો મત તેમનો અંગત અભિપ્રાય છે, બીબીસીનો નહીં. રોકાણનો કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારા નાણાકીય સલાહકાર પાસે માર્ગદર્શન સલાહ મેળવો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન