IPL 2025: મજબૂત સ્કોર બનાવવા છતાં મુંબઈ ઇન્ડિયન્સનો કેમ પરાજય થયો, આ રહ્યાં પાંચ કારણો

ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે તેના છેલ્લા તબક્કામાં છે અને ફાઇનલ મૅચનો દિવસ નજીક આવી ગયો છે. રવિવારે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે 200થી વધુનો સ્કોર બનાવ્યો હોવા છતાં તેનો પરાજય થયો હતો. હવે મંગળવારે પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ફાઇનલ મુકાબલો થશે.

પંજાબ કિંગ્સનો 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ થયો છે જેમાં કૅપ્ટન શ્રેયસ ઐય્યરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે કઈ ચીજો નડી ગઈ તે જાણવું રસપ્રદ છે.

200થી વધુ સ્કોર બનાવવા છતાં ડિફેન્ડ ન કરી શકવું

આઈપીએલની ક્વૉલિફાયરમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈએ 200થી વધુ રન બનાવ્યા હોવા છતાં તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

પંજાબે માત્ર 19 ઓવરમાં 207 રન બનાવીને મૅચ જીતી લીધી હતી. અત્યાર સુધીમાં ક્યારેય મુંબઈ ઇન્ડિયન્સે 200થી વધુ સ્કોર બનાવ્યો હોય અને તેની હાર થઈ હોય એવું નથી બન્યું.

પરંતુ આ વખતે તેઓ પંજાબ કિંગ્સના મિડલ ઑર્ડરના બૅટ્સમૅન પર પૂરતું પ્રેશર લાવવામાં નિષ્ફળ રહ્યા એવું લાગે છે. મુંબઈ ઇન્ડિયન્સે 19મી ઓવરમાં 26 રન આપી દીધા જે તેમની હારનું મુખ્ય કારણ છે.

મૅચનો ટર્નિંગ પૉઇન્ટ

મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગમાં આ વખતે ધાર ન હતી તેવું લાગે છે. ખાસ કરીને મૅચ તેના મિડલ સ્ટેજમાં હતી ત્યારે બૉલરોનો દેખાવ નબળો હતો. રીસ ટૉપલી, અશ્વિની કુમાર અને કૅપ્ટન હાર્દિક પંડ્યા પણ હરીફ ટીમ પર જોઈએ તેવું પ્રેશર લાવી શક્યા ન હતા.

પછી ઇન્ગિસે જે કર્યું તે મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો પંજાબે જ્યારે ચાર ઓવરમાં 35 રન બનાવી લીધા ત્યારે હાર્દિક પંડ્યાએ પોતાના ચૅમ્પિયન બૉલર જસપ્રીત બુમરાહને જવાબદારી સોંપી.

એ બુમરાહ હતા જેમણે ઍલિમિનેટર મૅચમાં પોતાના ગોલ્ડન બૉલથી ગુજરાતની ટીમને હરાવી હતી. પણ આ મૅચમાં બુમરાહ જ હતા જેના પહેલા છ બૉલ પર જૉશ ઇંગ્લિસે હલ્લો બોલાવીને પંજાબની જીતનો પાયો નાંખ્યો.

ઇંગ્લિસે બુમરાહના પ્રથમ બૉલ પર ચોગ્ગો ફટકાર્યો. એક બૉલ બાદ લૉન્ગ ઑન પર છગ્ગો ફટકાર્યો હતો. પાંચમા બૉલ પર ફરી ચોગ્ગો અને છઠા બૉલ પર ફરી છગ્ગો ફટકારી દીધો હતો.

બુમરાહના ચહેરા પર ભાવો દર્શાવતા હતા કે કદાચ તેઓ પણ સમજી ગયા છે આજે તેમનો દિવસ સારો નથી રહેવાનો.

જે બુમરાહે ઍલિમિનેટરમાં 6.8ની ઇકોનૉમીથી બૉલ નાખ્યો હતો, તેઓ આ પહેલી ઓવરમાં 20 રન આપી ચૂક્યા હતા.

જોકે ઇંગ્લિસ આઠમી ઓવરમાં જ 38 રન બનાવીને આઉટ થઈ ગયા હતા પણ ત્યારે જ શ્રેયસ અય્યર અને નેહલ વાઢેરાએ મોરચો સંભાળ્યો.

પછી રીસ ટૉપલીએ એક ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા અને પંજાબની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી.

અશ્વિની કુમારે આ ટુર્નામેન્ટમાં આમ તો બહુ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમણે ગઈકાલની મૅચમાં 19મી ઓવરમાં 26 રન આપીને મૅચનું પરિણામ નક્કી કરી નાખ્યું હતું.

મોટી ભાગીદારી ટકી ન શકી

મુંબઈ ઇન્ડિયન્સના બૅટ્સમેનો જ્યારે જ્યારે સેટલ થઈ જતા હતા ત્યારે વિકેટ પડી જતી અને ભાગીદારી તૂટી જતી હતી.

સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ 72 રનની ભાગીદારી કરી હતી અને તેઓ ખતરનાક સાબિત થઈ રહ્યા હતા. ત્યારે બંને ખેલાડી 44-44 રન બનાવીને એક પછી એક આઉટ થઈ ગયા.

44-44 રન બનાવીને બંને ખેલાડીઓએ મુંબઈ ઇન્ડિયન્સ માટે 203નો સ્કોર ઊભો કરવામાં મદદ કરી.

આ બંને થોડો વધારે સમય ક્રિઝ પર રહ્યા હોત તો મુંબઈ ઇન્ડિયન્સ કદાચ 225 રનથી પણ મોટો સ્કોર કરી શકે તેમ હતી. આ બંનેની વિકેટ પડ્યા પછી પંજાબ કિંગ્સે ગેમમાં પુનરાગમન કર્યું તેમ કહી શકાય.

છેલ્લી ઓવરોમાં પુષ્કળ રન આપ્યા

આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં ડેથ ઓવર્સનું ખાસ મહત્ત્વ હોય છે અને આ ઓવરોમાં જે સારો દેખાવ કરે તેની જીતની શક્યતા વધી જતી હોય છે.

આ વખતે ડેથ ઓવર્સમાં જસપ્રીત બુમરાહનો યોગ્ય ઉપયોગ ન થઈ શક્યા તેમ લાગે છે. છેલ્લે ચાર ઓવરમાં 41 રનની જરૂર હતી છતાં જસપ્રીત બુમરાહને બૉલિંગ સોંપવામાં ન આવી. જસપ્રીતને છેક 18મી ઓવર આપવામાં આવી ત્યારે મૅચ પહેલેથી પંજાબ કિંગ્સ તરફ ઢળી ગઈ હતી.

17મી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી જ્યારે શ્રેયસ ઐય્યર એકદમ સેટ થઈ ગયા હતા અને 26 બૉલમાં 48 રનના સ્કોર પર હતા. આ ઓવરમાં એક રન આઉટ થયો પરંતુ તેમાં 10 રન પણ બની ગયા. તેથી પંજાબ કિંગ્સ પર કોઈ પ્રેશર આવ્યું ન હતું.

શ્રેયસ ઐય્યરની શાનદાર બેટિંગ

પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐય્યરને પણ શ્રેય આપવો પડે જેણે 41બૉલમાં સટાસટ 87 રન ફટકાર્યા હતા. શ્રેયસની આગેવાનીમાં પંજાબ કિંગ્સે 11 વર્ષમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

પંજાબ કિંગ્સના ફેન શ્રેય ઐય્યરને સરપંચ કહીને બોલાવે છે. 13મી ઓવરમાં રીસ ટૉપલી બૉલિંગ કરતા હતા ત્યારે શ્રેયસે તેમને ઉપરાછાપરી ત્રણ સિક્સર ફટકારીને છગ્ગાની હેટ્રિક રચી હતી. તેમની 87 રનની નૉટઆઉટ ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને 8 સિક્સર સામેલ હતી.

તેમને નેહલ વાઢેરાનો સારો સાથ મળ્યો હતો જેણે 29 દડામાં 48 રન બનાવ્યા હતા અને ચોથી વિકેટ માટે માત્ર 47 બૉલમાં 84 રનની પાર્ટનરશિપ કરી હતી.

શ્રેયસનું નામ આઇપીએલના ઇતિહાસમાં નોંધાશે કારણ કે તેઓ પ્રથમ આઇપીએલ કૅપ્ટન છે જેઓ ત્રણ અલગ અલગ ટીમોને ફાઇનલ સુધી લઈ ગયા છે.

અગાઉ 2020માં શ્રેયસની આગેવાનીમાં દિલ્હી કૅપિટલ્સ ફાઇનલમાં પહોંચી હતી તથા 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સને ટાઇટલ અપાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન