ગુજરાત : ગાંધીનગરમાં સેંકડો લોકો ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે આંદોલન કેમ કરી રહ્યા છે?

છેલ્લા દસેક દિવસથી રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એક વાર આંદોલનનું મથક બની ગયું છે. ગાંધીનગરની સત્યાગ્રણ છાવણી હાલ આંદોલનકારીઓથી ખીચોખીચ છે.

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાની માગ સંદર્ભે 17 માર્ચથી આંદોલન કરી રહ્યા છે. અને હવે વ્યાયામશિક્ષકોએ પણ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે અને પોતાની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.

તારીખ 17 માર્ચથી આંદોલન પર ઊતરેલા આરોગ્યકર્મીઓની હડતાળ હજુ યથાવત્ છે. સરકારે આંદોલનને ડામવા માટે એસ્મા (એસેન્સિયલ સર્વિસિઝ મેન્ટનન્સ ઍક્ટ) જેવા શસ્ત્રનો પણ ઉપયોગ કર્યો. પરંતુ આરોગ્ય કર્મચારીઓએ નોકરીને પણ દાવે લગાડીને આંદોલનને યથાવત્ રાખ્યું છે.

નોંધનીય છે કે એસ્મા અંતર્ગત સરકાર હડતાળ પાડી રહેલા કે અન્યોને હડતાળ પાડવા ઉશ્કેરતા કર્મચારીઓ સામે શિસ્તસંબંધી પગલાં લઈ શકે છે. જેમાં નોકરીમાંથી છૂટા કરી દેવાની કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહી, વૉરંટ વગર ધરપકડ અને કેદ તથા દંડની જોગવાઈ પણ છે.

આરોગ્યકર્મીઓની માગ છે કે તેમને ટેકનિકલ સ્ટાફમાં ગણી એ માટેના ગ્રેડ પે સહિતના લાભ આપવામાં આવે.

જ્યારે બીજી બાજુ વ્યાયમશિક્ષકો કાયમી ભરતી યોજવામાં વિલંબ મામલે આંદોલન કરી રહ્યા છે.

શું છે આરોગ્ય કર્મચારીઓની માગ?

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોગ્યકર્મીઓએ પોતાને ટેકનિકલ સ્ટાફ ગણી એ પ્રમાણેનો ગ્રેડ પે આપવામાં આવે તેવી તેમજ ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવાની માગ કરી હતી.

આ ઉપરાંત આંદોલન પર ઊતરેલા આરોગ્યકર્મીઓએ વર્ષ 2023ની કમિટીના અહેવાલનો કાયદાકીય ઠરાવ કરવામાં આવે એવી પણ માગ કરી હતી.

આરોગ્યકર્મીઓના આરોપ પ્રમાણે અગાઉ સરકારે ટેકનિકલ કેડરમાં ગણવાની અને ગ્રેડ પે આપવાની ખાતરી આપી હતી, પરંતુ પરિણામ મળ્યું ન હતું.

સરકારે નિયમોથી વિરુદ્ધ જઈને કર્મચારીઓને છૂટા કરી રહી હોવાનો આરોપ આરોગ્યકર્મીઓએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં લગાવ્યો હતો.

જો માગનો ઉકેલ નહીં આવે તો આ હડતાળ ઉગ્ર બનવાની ચીમકી પણ આરોગ્યકર્મીઓએ ઉચ્ચારી છે.

સરકારે આંદોલનકારીઓ પર એસ્માનો પ્રયોગ પણ કર્યો હતો.

સરકારે એસ્માનું શસ્ત્ર ઉગામીને કર્મચારીઓ સત્વરે ફરજ પર હાજર થાય તે માટે જિલ્લા-તાલુકા કક્ષાએથી સરકારે નોટિસ-ચાર્જશીટ કરવામાં આવી રહી છે.

આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલે આ કાર્યવાહી અંગે કહ્યું હતું કે, "આ મુદ્દો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો છે. ભૂતકાળમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાત કરીને જે નિરાકરણ આવે તેવા મુદ્દા હતા એને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે. આ મુદ્દામાં પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વાતચીત ટૂંકાવીને હડતાળ પર ઊતરી જવું એ યોગ્ય નથી. આ હડતાળ બિલકુલ ગેરવાજબી છે."

વ્યાયામ શિક્ષકોને શું વાંધો પડ્યો?

સરકાર માટે રાજ્યના આરોગ્યકર્મીઓની હડતાળ માથાનો દુખાવો બનતી જઈ રહી છે, ત્યાં ગાંધીનગરમાં હવે રાજ્યના વ્યાયામશિક્ષકો હડતાળ પર ઊતર્યા છે.

સરકાર દ્વારા 11 માસના કરાર પર વ્યાયામશિક્ષકોની ભરતી કરાઈ હતી. પરંતુ હવે વ્યાયામશિક્ષકો ગુજરાતનાં બાળકોને કોણ શીખવાડશે યોગ એવા બેનર તળે સરકાર સામે રાજ્યભરમાંથી આંદોલને ચડ્યા છે.

ગુજરાતભરમાંથી આવેલા આ શિક્ષકો અને શિક્ષિકાઓએ દસેક દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આંદોલનકારીઓએ ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર-1ની બહાર ઉગ્ર વિરોધપ્રદર્શન કર્યું હતું.

આ દરમિયાન આંદોલનકારીઓની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને આંદોલનકારીઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

વ્યાયામશિક્ષિકાઓએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રડતાં-રડતાં જણાવ્યું હતું કે, "છેલ્લાં 15 વર્ષથી વ્યાયામશિક્ષકોની કાયમી ભરતી નથી કરી. અમારી માગ છે કે વ્યાયામશિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે."

કાયમી શિક્ષકોની ભરતીની કાયમી માથાકૂટ

ગુજરાતમાં પાછલા ઘણા સમયથી વારંવાર શિક્ષકોની ભરતીનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે અને આંદોલનો થતાં રહે છે.

જુલાઈ 2023માં રાજ્ય સરકારે જ્ઞાનસહાયક યોજના હેઠળ કામચલાઉ ધોરણે શિક્ષકોની ભરતી બહાર પાડી હતી. જ્યાં સુધી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી તેમના બદલે જ્ઞાનસહાયકોની ભરતી કરવાનું સરકાર નક્કી કર્યું હતું. આ જ્ઞાનસહાયક યોજનાનો પણ ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવાની માગ કરી હતી.

આ ભરતી કૉન્ટ્રેક્ટ આધારિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના પાછળ રાજ્ય સરકારે તર્ક આપ્યો હતો કે શાળામાં બાળકોનું ભણતર ન બગડે તેના માટે આ કામચલાઉ વ્યવસ્થા છે.

વર્ષ 2022-23માં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની પ્રથા બંધ કરીને જ્ઞાનસહાયકોની નિમણૂક કરી હતી. તે સમયે 6700 પદો પર ભરતી કરવામાં આવી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે કૉન્ટ્રેક્ટ પર ભરતી કરવામાં આવેલા જ્ઞાનસહાયકોને 26 હજારનો પગાર આપવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.