અમદાવાદ : સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને 'કોમવાદનું સ્વરૂપ' કેમ આપવામાં આવી રહ્યું છે?

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હિંદુ મુસ્લિમ બાળકો શાળાના વિદ્યાર્થીઓ હિંદુ સંગઠનો મુસ્લિમ સંગઠનો ભાજપ વિશ્વ હિંદુ પરિષદ વિરોધ, શિક્ષણ ગુજરાત સરકાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, સેવન્થ ડે સ્કૂલ સામે વિરોધપ્રદર્શનની એક તસવીર.
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને કથિત રીતે ધારદાર હથિયારથી ઘા મારીને મોત નિપજાવ્યું હોવાના બનાવ બાદ શાળાની સામે લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકોએ શાળામાં તોડફોડ પણ કરી હતી. શાળાની સામે લોકોએ વિરોધપ્રદર્શન પણ કર્યું હતું અને તેના પગલે શાળામાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પણ હતા.

અમદાવાદની સેન્થ ડે સ્કૂલની ઘટના વખતે જે વિરોધપ્રદર્શનો થયાં તેમાં ઘણા વાલીઓ સહિત, અનેક લોકોએ માગ કરી હતી કે 'શાળામાં મુસ્લિમ સમાજનાં બાળકો ન જોઈએ.'

વિરોધપ્રદર્શન સમયે વિરોધ કરતા કેટલાક લોકોએ ઉશ્કેરણીજનક નારા પણ લગાવ્યા હતા.

આ ઘટના બાદ ઘણાં હિંદુ સંગઠનોએ શહેરમાં 23 ઑગસ્ટના રોજ બંધ પાળવાનું ઍલાન પણ કર્યું હતું.

આ ઘટનાનો વિરોધ કરવામાં હવે સ્કૂલનાં બાળકોના વાલીઓ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ જેવાં સંગઠનો પણ જોડાયાં છે.

જાણકારો કહે છે કે બે બાળકો વચ્ચેની આ લડાઈએ ધીરે-ધીરે કોમવાદનું સ્વરૂપ લઈ લીધું છે.

આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ કહે છે, "આ બે બાળકો વચ્ચેનો ઝગડો ન હતો. આ ઝગડા થકી ખબર પડે છે કે, હિંદુ બાળકો શાળામાં પણ સુરક્ષિત નથી. સરકારે તેમને સુરક્ષા આપવા માટે તાત્કાલિક વિચાર કરવો જોઈએ."

તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં પણ હિંદુઓ સુરક્ષિત નથી. "આ ઘટના તેની સાબિતી છે," રણછોડભાઈ ભરવાડ કહે છે.

કેટલાક વાલીઓએ માગ કરી છે કે જ્યાં હિંદુ બાળકો ભણતાં હોય ત્યાં મુસ્લિમ બાળકોએ ન ભણવું જોઈએ.

રિતુબહેન ઠાકુર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "તેમના માટે અલગ સ્કૂલ છે. તેમણે ત્યાં જ ભણવું જોઈએ."

વાલીઓ અને વિવિધ સંસ્થાઓનો વિરોધ

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હિંદુ મુસ્લિમ બાળકો શાળાના વિદ્યાર્થીઓ હિંદુ સંગઠનો મુસ્લિમ સંગઠનો ભાજપ વિશ્વ હિંદુ પરિષદ વિરોધ, શિક્ષણ ગુજરાત સરકાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/www.sdaschoolahmedabad.org/

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે સેવન્થ ડે સ્કૂલની સામે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં ત્યારે ઘણી સંસ્થાઓના લોકો આ વિરોધ દરમિયાન મુસ્લિમ સમાજનો વિરોધ કરતા પણ નજરે પડ્યા હતા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કર્ણાવતીના મહાનગર મંત્રી ધ્રુમિલ અખાણીએ આ વિરોધપ્રદર્શનમાં 'જય શ્રી રામના નારા' લગાવ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ધ્રુમિલ અખાણીએ કહ્યું, "આ ઘટના વિદ્યાર્થીની ક્રૂર માનસિકતા દેખાડે છે. કોઈ પણ સમાજના લોકોમાં આ પ્રકારની હિંસક માનકિસતા ન હોવી જોઈએ. તેનાથી શાળામાં જનારા દરેક વિદ્યાર્થીઓને જોખમ છે."

જ્યારે બીબીસી ગુજરાતી દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે આ ઘટનાને કોમવાદનું સ્વરૂપ કેમ આપવામાં આવી રહ્યું છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે "આ ઘટનાને સુરક્ષા સાથે સાંકળવાની જરૂર છે. તેને કોમવાદ સાથે સરખાવવાની જરૂર નથી."

ધ્રુમિલ અખાણીએ વધુમાં કહ્યું કે આ વિરોધને બાળકોની સુરક્ષાના સંદર્ભમાં જોવો જોઈએ.

ગુજરાતમાં સામાન્ય રીતે લગભગ તમામ શાળાઓમાં દરેક સમાજ અને કોમના વિદ્યાર્થીઓ સાથે ભણે છે.

શિક્ષણવિદોનું માનવું છે કે આમ થવાને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજાના ધર્મ વિશે સમજણ કેળવાય છે અને તેમના વચ્ચે સંવાદ ઊભો થાય છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે ભલે ગુજરાતમાં આ પ્રકારે વર્ષોથી શિક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી હિંદુ-મુસ્લિમ બાળકો વચ્ચે સંવાદમાં ઓટ આવી છે.

ગૌરાંગ જાની આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "આ ઘટનામાં આરોપી મુસ્લિમ સમાજમાંથી આવે છે અને ભોગ બનનાર હિંદુ સમાજમાંથી. જેથી, આ પ્રકારની ઘટનામાં કોમવાદ ફેલાવતા લોકો માટે હંમેશાં તક હોય છે. તેઓ આ પ્રકારની તક જતી કરવા માગતા નથી."

તેમનું એમ પણ માનવું છે કે "ગુજરાત જેવા રાજ્યમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ધ્રુવિકરણ થઈ ચૂક્યું છે. જો તેનો ફાયદો લેવો હોય તો આ પ્રકારની ઘટનાને લોકો સુધી હિંદુ-મુસ્લિમ મુદ્દા તરીકે પહોંચાડવી જરૂરી છે. તો જ તેનો રાજકીય ફાયદો ઉઠાવી શકાય."

મુસ્લિમ સમાજ અને તેમના માટેની સારી શાળાઓ

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ હિંદુ મુસ્લિમ બાળકો શાળાના વિદ્યાર્થીઓ હિંદુ સંગઠનો મુસ્લિમ સંગઠનો ભાજપ વિશ્વ હિંદુ પરિષદ વિરોધ, શિક્ષણ ગુજરાત સરકાર બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઘટના બન્યા બાદ વાલીઓએ શાળાના કાર્યાલયમાં તોડફોડ કરી હતી.

બીજી તરફ મુસ્લિમ સમાજના લોકોનું માનવું છે કે આ ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે તેને કોમવાદનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી 'ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન' એટલે કે એઆઈએમઆઈએમએના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું કે એક મુસ્લિમ વિદ્યાર્થીને કારણે આખા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે.

તેઓ ભય વ્યક્ત કરતાં કહે છે, "જેને કારણે આખા ગુજરાતમાં મુસ્લિમ સમાજનાં બાળકોને ભણવું મુશ્કેલ થઈ જશે. હું માનું છું કે કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ તેને કારણે આખા સમાજને પરેશાન ન કરવો જોઈએ."

તેમને એ પણ આશંકા છે કે આ પ્રકારના વિરોધને કારણે આવનારા દિવસોમાં ગુજરાતની તમામ શાળાઓમાં મુસ્લિમ બાળકોને ભણવામાં તકલીફ પડી શકે છે.

જોકે, આ ઘટનાને કોમવાદનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાના આરોપ સાથે ભાજપ સંમત નથી.

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહે છે કે આ બાળકોની સુરક્ષાનો મામલો છે, કોમવાદનો નહીં.

તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે "સરકારે હાલમાં જ જિલ્લા કક્ષાએ મિટિંગો કરીને બાળકોમાં હિંસક પ્રવૃત્તિઓ ન વધે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટના પછી આપણે તમામ વર્ગો, સમાજોનાં બાળકોને હિંસક પ્રવૃત્તિથી દૂર રાખવાના પ્રયાસો કરવા જોઈએ. સરકાર આ દિશામાં કામ કરી રહી છે."

બીજી તરફ મુસ્લિમ સમાજના અગ્રણીઓનું એમ પણ માનવું છે કે મુસ્લિમ બાળકો કેન્દ્રીય બોર્ડમાં અભ્યાસ કરી શકે તેવી શાળાઓ મુસ્લિમોની વધારે વસ્તી હોય તેવા વિસ્તારમાં ઓછી છે. તેને કારણે જ આ પ્રકારની સારી મનાતી શાળામાં અભ્યાસ કરવા માટે મુસ્લિમ બાળકો સેવન્થ ડે સ્કૂલ જેવી સ્કૂલોમાં આવે છે.

આ પ્રકારની સ્કૂલમાં ભણાવવા માટે વાલીઓમાં ખર્ચ કરવાની શક્તિ વધારે હોય તે સ્વાભાવિક છે. તેથી મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમ વર્ગના મુસ્લિમ બાળકો અહીં ભણવા માટે દાખલ થાય છે.

મુસ્લિમ કર્મશીલ અને લેખક કલીમ સિદ્દિકીએ બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાત કરી. તેમનું કહેવું હતું કે "આઈસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓને ભણવા માટે શાળાઓ જ ઓછી છે. તેમાં પણ મુસ્લિમ સમાજનાં બાળકો ભણી શકે તેની સંખ્યા તેનાથી પણ ઓછી છે. આવામાં આ પ્રકારની શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ જો ભણે તો જ તેઓ સારી જગ્યાએ પ્રગતિ પામી શકે છે."

"હવે જો, આવી શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ ન ભણી શકે તો પછી તેમની તકલીફો વધી જશે. જો તેઓ અહીં નહીં ભણે તો મને ખબર નથી કે તેઓ ક્યાં ભણશે અને કેવી રીતે ભણશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન