મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ કેવી રીતે રચાયું? યુનિફૉર્મ સિવિલ કોડ તેના માટે કેટલો મોટો પડકાર?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાની સત્તાવાર યાત્રાથી પાછા આવ્યા બાદ તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતા (યુનિફૉર્મ સિવિલ કોડ - યુસીસી) સમગ્ર દેશમાં અમલી બનાવવાની જોરદાર હિમાયત શરૂ કરી છે.

વિરોધ પક્ષ તરફથી પ્રતિભાવ મળવા લાગ્યો છે અને ત્યારથી યુસીસી ફરી એક વખત દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

યુસીસીના અમલ માટે ભારતીય જનતા પક્ષ (બીજેપી)એ ‘એક દેશ, એક કાયદો’વાળો નારો આપ્યો છે. તેને કારણે મુસ્લિમ સમુદાયમાં પર્સનલ લૉ બાબતે ગંભીર ચિંતા સર્જાઈ છે.

મુસ્લિમ સમુદાયમાં યુસીસી વિરોધી માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને વૉટ્સઍપ ગ્રૂપ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને યુસીસી બાબતે તેમનો અભિપ્રાય કાયદા પંચને શક્ય તેટલી ઝડપે જણાવવાનો આગ્રહ કરવામાં આવે છે.

યુસીસી બાબતે એક મહિનામાં પોતપોતાનો અભિપ્રાય આપવા 22મા કાયદા પંચે જૂનની મધ્યમાં જણાવ્યું હતું. અગાઉ 21મા કાયદા પંચે એવું કહ્યું હતું કે “યુસીસી બિનજરૂરી છે.”

મુસ્લિમ પર્સનલ લૉનો લાંબો ઇતિહાસ

યુસીસીનો વિરોધ અનેક સમુદાય કરી રહ્યા છે, જેમાં મુસલમાનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે. મુસલમાનોને શંકા છે કે તેમના શરિયા પર આધારિત મુસ્લિમ પર્સનલ લૉ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવશે.

મુસ્લિમ પર્સનલ લૉ બાબતે વર્ષોથી વિવાદ ચાલે છે, પરંતુ મુસલમાન ધર્મગુરુઓનું કહેવું છે કે, મુસ્લિમ પર્સનલ લૉ બાબતે પૂરતી જાણકારીના અભાવે લોકોમાં ગેરસમજ છે.

પ્રારંભિક ઇસ્લામી કાલખંડ (સાતમીથી બારમી સદી)

ભારતમાં ઇસ્લામ સાતમી સદીમાં આવ્યો હતો અને તેમાં આસ્થા ધરાવતા લોકોએ કુરાન તથા હદીસ (મહમદ પયગંબરનો ઉપદેશ અને પ્રથાઓ) મુજબ ઇસ્લામી કાયદાનું પાલન કર્યું છે.

ભારતમાં મુસ્લિમ સમુદાય મુખ્યત્વે સ્થાનિક રીત-રિવાજ અને પરંપરા પર નિર્ભર હતો, જ્યારે વિવાહ, વારસો અને પારિવારિક વિવાદ જેવા વ્યક્તિગત મામલાઓમાં તેમણે ઇસ્લામી કાયદાકીય સિદ્ધાંતોનો આશરો લીધો હતો.

મુસ્લિમ પર્સનલ લૉ ઇસ્લામી સિદ્ધાંત પર આધારિત એક વિશિષ્ટ કાયદાકીય પ્રણાલી સ્વરૂપે ઊભર્યો હતો.

દિલ્હી સલ્તનત (તેરમીથી સોળમી સદી)

ઉત્તર ભારતમાં તેરમી સદીમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. દિલ્હી સલ્તનતે ઇસ્લામી કાયદાથી પ્રભાવિત પ્રણાલીની શરૂઆત કરી હતી. ઇસ્લામી સિદ્ધાંતોના આધારે ન્યાય કરવા માટે કાઝીઓની નિમણૂંક થવા લાગી હતી.

મુસ્લિમ પર્સનલ લૉનો વિકાસ પણ ચાલુ રહ્યો હતો, જે હનફી સ્કૂલ ઑફ લૉ જેવા ઇસ્લામી ન્યાયવિદો અને વિદ્વાનોએ કરેલી વ્યાખ્યાના આધારે થયો હતો. તે ભારતમાં અગ્રણી બની ગયો હતો.

નિષ્ણાતો શું કહે છે?

ડૉ. તાહિર મહમૂદ ઇસ્લામી કાયદા અને ભારતીય કૌટુંબિક કાયદાના નિષ્ણાત છે. તેમણે ભારતીય કાયદા તથા બંધારણ વિશે અનેક પુસ્તકો લખ્યાં છે. એ પૈકીના બે ‘ભારત કા મુસ્લિમ કાનૂન’ અને ‘ભારત ઔર વિદેશોમેં મુસ્લિમ કાનૂન’ પુસ્તકોની મદદ વડે અદાલતોએ અનેક ચુકાદા આપ્યા છે.

તેઓ કહે છે, મુસ્લિમ લૉ દરેક મુસ્લિમ દૌરમાં સંહિતાબદ્ધ (કોડીફાઈડ) હતો. “તેની શરૂઆત દિલ્હી સલ્તનતના ગ્યાસુદ્દીન બલબનના જમાનાથી થઈ હતી.”

દિલ્હી સલ્તનતના દૌરમાં ઇસ્લામી અદાલતો કાર્યરત હતી. મોગલ (મુઘલ) કાર્યકાળમાં તે વધારે પ્રચલિત હતી. ઔરંગઝેબે ‘ફતવા-એ-આલમગીરી’ લખાવી હતી, જે ઇસ્લામી કાયદા પર આધારિત હતી.

ઔરંગઝેબના કાર્યકાળમાં એક પંચની રચના કરીને તે કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. તેની રચના સરકારી રીતે કરવામાં આવી ન હતી.

ડૉ. મહમૂદ કહે છે, “મોગલના જમાનામાં સિવિલ મામલાઓની અદાલતોનો દરજ્જો અપેલટ કોર્ટનો (અપીલોનું કામ ચલાવનાર અને નિકાલ લાવનાર કોર્ટનો) હતો. તેમના જમાનામાં પણ અદાલતોનું માળખું હતું. બાદશાહનો દરજ્જો આજની સુપ્રીમ કોર્ટ જેવો હતો.”

મોગલ સામ્રાજ્ય (સોળમીથી અઢારમી સદી)

મોગલોનો દૌર ઈસવી સન 1526થી શરૂ થયો હતો. મુસ્લિમ પર્સનલ લૉના વિકાસમાં મોગલ સામ્રાજ્યનું બહુ મોટું યોગદાન છે.

અકબરે તો દીન-એ-ઇલાહી નામના એક અલગ ધર્મની શરૂઆત પણ કરી હતી. તેનો ઉદ્દેશ વિવિધ ધાર્મિક પ્રથાઓ વચ્ચે સુમેળ સ્થાપવાનો હતો.

કાયદા નિષ્ણાત પ્રોફેસર ફૈઝાન મુસ્તફા આજકાલ મુસ્લિમ પર્સનલ લૉ અને યુસીસી વિશે યુટ્યૂબ પર એક સીરિઝ ચલાવી રહ્યા છે. તેમાં તેમણે મુસ્લિમ પર્સનલ લૉના ઇતિહાસ વિશે ઊંડાણભરી માહિતી આપી છે.

તેમના કહેવા મુજબ, મુસ્લિમ શાસકોએ શરિયા કાયદાનો કડકાઈપૂર્વક અમલ કરાવ્યો ન હતો અને હિંદુઓના તેમના ધર્મ અનુસાર બનેલા રીત-રિવાજોમાં હસ્તક્ષેપ કર્યો ન હતો.

એક વીડિયોમાં પ્રોફેસર ફૈઝાન કહે છે, “દિલ્હી સલ્તનતનો 1206થી 1526 સુધીનો કાર્યકાળ હોય કે 1526થી અંગ્રેજોના આગમન સુધીનો મોગલ કાળ હોય, તેમણે હિંદુ કાયદામાં ક્યારેય દખલ કરી ન હતી. એટલે કે હિંદુઓને વ્યક્તિગત બાબતોમાં ધાર્મિક આઝાદી આપવામાં આવી હતી.”

“પંચાયતોના નિર્ણયમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું ન હતું. રીત-રિવાજ પર આધારિત કાયદાઓને અગ્રતા આપવામાં આવતી હતી. તેમના પર ઇસ્લામી કાયદો થોપવામાં આવ્યો ન હતો.”

પ્રોફેસર ફૈઝાન મુસ્તફાનું કહેવું છે કે, ઔરંગઝેબે લગભગ 40 ઇસ્લામી વિદ્વાનોને બોલાવીને ‘ફતવા-એ-આલમગીરી’ નામનું કાયદાનું પુસ્તક લખાવ્યું હતું, જે શાહી ફરમાનથી અલગ હતું. તેમનો દાવો છે કે મોગલૉએ શરિયાનો અસલી સ્વરૂપમાં ક્યારેય અમલ કર્યો ન હતો.

સાંસ્થાનિક યુગ (અઢારમીથી વીસમી સદી)

અઢારમી સદીમાં અંગ્રેજોના આગમન બાદ ભારતની કાયદાકીય વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થયું હતું.

પ્રોફેસર ફૈઝાન મુસ્તફાના જણાવ્યા મુજબ, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે એવું ધારી લીધું હતું કે ભારતમાં ધાર્મિક કાયદાઓ છે.

પ્રોફેસર ફૈઝાન કહે છે, “મુસ્લિમ પર્સનલ લૉનો વિકાસ એ પછી અંગ્રેજો કરી રહ્યા હતા. કોઈ મામલામાં બન્ને પક્ષકાર મુસલમાન હોય તો નિર્ણય મુસ્લિમ કાયદાને આધારે કરવામાં આવતો હતો અને હિંદુ હોય તો હિંદુ શાસ્ત્રો પર આધારિત કાયદાના આધારે નિર્ણય થતો હતો.”

તેમના જણાવ્યા મુજબ, 18મી સદીની શરૂઆત સુધીમાં અંગ્રેજોએ નક્કી કર્યું હતું કે, આવી બાબતોમાં તેઓ પોતે જ નિર્ણય કરશે. તેમને પંડિતો અને ઉલેમાઓની જરૂર નથી.

“આ રીતે અંગ્રેજોએ મુસલમાન અને હિંદુઓના ધાર્મિક પુસ્તકોના અનુવાદનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે કાયદો બનશે તે એ પુસ્તકોના આધારે બનશે.”

એ પછી અંગ્રેજોએ ફૈસલે હનફીના કાયદાકીય પુસ્તક અલ-હિદાયાના આધારે ચુકાદા આપવાનું શરૂ કર્યું હતું.

એ પુસ્તક અરબી ભાષામાં હતું. તેનો પહેલાં ફારસી અને પછી અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેનો અનુવાદ ચાર્લ્સ હેમિલ્ટન નામના એક અંગ્રેજે સને 1791માં કર્યો હતો.

મુસ્લિમ પર્સનલ લૉ કાયદો કેવી રીતે બન્યો?

પ્રોફેસર ફૈઝાન મુસ્તફા કહે છે, “મારા મત મુજબ, તે અનુવાદ એક રાજકીય પ્રોજેક્ટ હતો. તેમાં અનેક ભૂલો હતી. અંગ્રેજ અદાલતોએ ચાર્લ્સ હેમિલ્ટન અનુવાદિત અલ-હિદાયાના આધારે ચુકાદા આપ્યા હતા.”

“જે અંગ્રેજો હિંદુસ્તાનમાં આવીને વકીલાત કરવા ઇચ્છતા હતા તેમના માટે તે પુસ્તક ફરજિયાત બનાવી દેવાયું હતું. તેથી જે મુસ્લિમ પર્સનલ લૉ આજે છે તે ઇસ્લામિક કાયદો નથી. તે અલ-હિદાયાના ખોટા અંગ્રેજી અનુવાદ પર આધારિત છે.”

ડૉ. તાહિર મહમૂદના જણાવ્યા મુજબ, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એવું સમજ્યા હતા કે તમામ સમુદાયના લોકોમાં એકસરખા રિવાજ છે. તેથી તેમણે સ્થાનિક રિવાજ અનુસાર ચુકાદા આપવાનું શરૂ કર્યું હતું.

ડૉ. તાહિર મહમૂદ કહે છે, “1873ના મદ્રાસ સિવિલ કોર્ટ એક્ટ અને 1876ના અવધ લૉજ એક્ટમાં લખવામાં આવ્યું છે કે, ધાર્મિક કાયદાઓ પર આધારિત સ્થાનિક પરંપરાને અગ્રતા આપવામાં આવશે.”

“તેમાં મહિલાઓને નુકસાન થયું હતું, કારણ કે સ્થાનિક પ્રથાઓમાં મહિલાઓને કોઈ અધિકાર આપવામાં આવ્યા ન હતા. સંપત્તિમાં મહિલાઓને કોઈ ભાગ મળતો ન હતો. જોકે, મુસલમાનોમાં મહિલાને સંપત્તિમાંથી અડધો હિસ્સો આપવાનો રિવાજ છે.”

“એ પગલું હિંદુ કાયદા મુજબનું હતું, પરંતુ શરિયાથી બિલકુલ વિપરીત હતું,” એમ જણાવતાં ડૉ. તાહિર મહમૂદ ઉમેરે છે, “તેને ખતમ કરાવવા માટે ઉલેમાએ અભિયાન શરૂ કર્યું હતું. તેના પરિણામે 1937માં મુસ્લિમ પર્સનલ લૉ એક્ટની રચના થઈ હતી.”

ભારતમાં મુસ્લિમ પર્સનલ લૉનો અમલ મુખ્યત્વે 1937ના મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) ઍપ્લિકેશન અધિનિયમ દ્વારા કરવામાં આવે છે. તે અધિનિયમ મુસલમાનોમાં વિવાહ, તલાક, વારસો અને ભરણપોષણના મામલાઓમાં ઇસ્લામી કાયદાના અમલને પ્રમાણિત કરે છે.

જોકે, આ કાયદો 1935માં (હાલના) પાકિસ્તાનના સૂબા સરહદ (હવે ખૈબર પખ્તૂનખ્વાહ)માં લાવવામાં આવ્યો હતો.

ડૉ. તાહિર મહમૂદ કહે છે, “વર્તમાન પાકિસ્તાનના સૂબા સરહદમાં મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) ઍપ્લિકેશન એક્ટ - 1935 નામનો એક કાયદો બનાવવામાં આવ્યો હતો. તે કાયદામાંથી કેટલીક જોગવાઈ ઉઠાવીને 1937નો કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો.”

આઝાદી પછી (વીસમી સદીથી અત્યાર સુધી)

ભારતને 1947માં અંગ્રેજ શાસનથી આઝાદી મળ્યા બાદ 1950માં ભારતનું બંધારણ અમલી બન્યું હતું. તેમાં ધાર્મિક સ્વાતંત્ર્ય અને ધર્મના પાલન તથા પ્રચારનો અધિકાર તેમજ આઝાદી આપવામાં આવી હતી.

અહીં એ જાણી લેવું જરૂરી છે કે 1937ના અધિનિયમમાંનો એકેય કાયદો કોડિફાઈડ નથી.

આ વાત સરળ શબ્દોમાં જણાવતા ડૉ. તાહિર મહમૂદ કહે છે, “1937ના મુસ્લિમ પર્સનલ લૉ એક્ટમાં એટલું જ લખવામાં આવ્યું છે કે બન્ને પક્ષકાર મુસ્લિમ હોય તો નિર્ણય શરિયત મુજબ થવો જોઈએ. એ કાયદો બે નાનકડા સૅક્શન્સ પર આધારિત છે. પર્સનલ લૉને કોડિફાઈ કરવામાં આવ્યો નથી.”

“શરિયતનો કાયદો શું છે તે લખવામાં આવ્યું નથી. તેમાં વિવાહ, તલાક, સંપત્તિ, તથા વારસા સંબંધી કેટલાક મુદ્દા લખ્યા છે અને બન્ને પક્ષકાર મુસ્લિમ હોય તો નિર્ણય શરિયત મુજબ થવો જોઈએ તેવું પણ લખ્યું છે. બન્ને પક્ષનો જે અભિપ્રાય હશે તે મુજબ નિર્ણય થશે અને બન્ને પક્ષકાર એક જ ધર્મના હોય ત્યારે જ પર્સનલ લૉ લાગુ પડશે. એવું ન હોય તો દેશનો સામાન્ય કાયદો લાગુ પડશે.”

ડૉ. તાહિર મહમૂદ ઉમેરે છે, “આ સંદર્ભમાં અદાલતો ઇસ્લામી વિદ્વાનોના પુસ્તકમાંથી માર્ગદર્શન મેળવે છે. સુન્ની મુસલમાનોના સૌથી વિખ્યાત પુસ્તકો અલ-હિદાયા અને ફતવા-એ-આલમગીરી હતાં. અદાલતો તે પુસ્તકોની મદદથી જ ચુકાદા આપતી હતી.”

શિયા મુસલમાનોના મામલામાં તેમના પુસ્તકનાં આધારે ચુકાદા આપવામાં આવતા હતા. આજકાલ ડૉ. તાહિર મહમૂદનાં પુસ્તકોના આધારે અદાલતો ચુકાદા આપે છે.

ડૉ. તાહિર મહમૂદના જણાવ્યા મુજબ, અદાલતોએ તેમનાં પુસ્તકોના આધારે અત્યાર સુધીમાં 67 મામલામાં ચુકાદા આપ્યા છે. એ સિવાય સર દિનશા ફર્દુનજી મુલ્લા અને આસિફ અલી અસગર ફૈઝીના ઇસ્લામી કાયદા વિશેના પુસ્તકોને આધારે પણ અદાલતો ચુકાદા આપે છે.

મુસ્લિમ પર્સનલ લૉમાં સુધારાની માગણી

યુસીસી બાબતે કાયદો બનાવવાનો મુદ્દો વર્ષોથી બીજેપીના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો રહ્યો છે. બીજેપી સરકાર તેને બને તેટલો વહેલો અમલી બનાવવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંદર્ભમાં સંસદના ચોમાસુ સત્રમાં જ એક ખાસ ખરડો રજૂ કરવામાં આવશે અને તેને પસાર કરાવવા સત્તારૂઢ પક્ષ તમામ પ્રયાસ કરશે.

ભારતમાં વિવિધ ધાર્મિક સમુદાય પારિવારિક મામલાઓમાં પોતપોતાના વ્યક્તિગત કાયદાઓનું પાલન કરે છે, જે તેમના ધાર્મિક ગ્રંથો અને રીત-રિવાજો પર આધારિત છે. તે લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને વારસા સહિતના અનેક પારિવારિક મામલાઓને નિયંત્રિત કરે છે. તેથી વિવિધ ધાર્મિક સમુદાયો માટે પણ અલગ-અલગ પર્સનલ લૉ છે.

સમાન નાગરિક સંહિતાનો અર્થ એ છે કે, દેશના તમામ નાગરિકોને એકસમાન વ્યક્તિગત કાયદો લાગુ પડશે.

યુસીસીની વિભાવનાનાં મૂળ ભારતીય બંધારણની કલમ ક્રમાંક 44માં છે. તે કલમ તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની ભલામણ કરે છે. જોકે, યુસીસીનો અમલ ભારતમાં ઘણાં વર્ષોથી ચર્ચા અને વિવાદનો મુદ્દો બની રહ્યો છે.

યુસીસીના સમર્થન તથા વિરોધમાં થતી દલીલો

યુસીસીના સમર્થકો એવી દલીલ કરે છે કે આ કાયદો ભેદભાવપૂર્ણ પ્રથાઓ ખતમ કરશે અને તમામ નાગરિકો માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરીને લૈંગિક સમાનતા, ધર્મનિરપેક્ષતા તેમજ સામાજિક એકતાને બળવતર બનાવશે.

બીજી તરફ યુસીસીના વિરોધીઓ એવી દલીલ કરે છે કે પર્સનલ લૉ ધાર્મિક સ્વાતંત્ર્ય અને સાંસ્કૃતિક ઓળખનું એક અભિન્ન અંગ છે. યુસીસીના અમલથી લઘુમતી સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન થશે અને તેમની વિશિષ્ટ ઓળખ પર માઠી અસર થશે.

ઝકિયા સોમણ ભારતીય મુસ્લિમ મહિલા નામના એક સંગઠનનાં સંચાલિકા છે. તેઓ મુસ્લિમ પર્સનલ લૉમાં સુધારાની માગણી વર્ષોથી કરી રહ્યાં છે, જેથી મુસ્લિમ મહિલાઓને તેમના અધિકાર મળે.

ઝકિયા સોમણ કહે છે, “સુધારા કરવા જરૂરી છે. કોડિફાઈડ મુસ્લિમ ફૅમિલી કાયદો બનાવીને સુધારા કરવા જોઈએ. એ કાયદો તેઓ બનાવતા નથી. અમે તેની માગ છેલ્લા 20 વર્ષથી કરી રહ્યાં છીએ. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ મુસ્લિમ કાયદામાં કોઈ સુધારા થવા દેશે તેની અમને આશા નથી. આપણી પાસે એક જ રસ્તો છે. સરકાર યુસીસીને અમલી બનાવવાની છે તેની પ્રક્રિયામાં અમને પણ સામેલ કરવા જોઈએ. સરકાર મુસ્લિમ મહિલાઓની વાત સાંભળે તેવું અમે ઇચ્છીએ છીએ.”

‘મહેર સંબંધી કાયદામાં ધરમૂળથી ફેરફાર જરૂરી છે’

પોતાની માગ ગણાવતાં ઝકિયા સોમણ કહે છે, “બધા માટે લગ્નની વય 18 અને 21 વર્ષ છે. તે અમારા માટે પણ હોવી જોઈએ. અમારા સમાજમાં છોકરી વયમાં આવે એ પછી લગ્ન લાયક બની જાય છે.”

“ઇસ્લામ કહે છે કે લગ્ન એક કૉન્ટ્રેક્ટ છે તો પછી 13 વર્ષની બાળકી એ સોશિયલ કૉન્ટ્રેક્ટ લાયક બની ગઈ છે એવું તમે કેવી રીતે માની શકો? એ તો સગીર છે. તે સોશિયલ કૉન્ટ્રેક્ટને સમજવા સક્ષમ નથી હોતી. લગ્ન એક ગંભીર બાબત છે અને તેને નિભાવવા પરિપકવતા હોવી જરૂરી છે.”

ઝકિયા સોમણ ઉમેરે છે, “કુરાનમાં મહેરની જે વાત છે તેને કાયદેસર અમલી બનાવવી જોઈએ એવું અમે ઇચ્છીએ છીએ. અમને જાણવા મળ્યું છે કે 90 ટકા કિસ્સામાં મહેર માફ કરવામાં આવી હતી અથવા તો છોકરીની મહેર ઘટાડી દેવામાં આવી હતી.”

“મહેર તો અલ્લાએ આપેલો અધિકાર છે, જે છોકરીને મળતો નથી. અમે ઇચ્છીએ છીએ કે આ સંબંધે કાયદો બનાવવામાં આવે અને મુસ્લિમ સ્ત્રીઓને કમસેકમ તેમના પતિના એક વર્ષના પગાર કે કમાણી જેટલી મહેર મળે.”

“બીજો મુદ્દો એ છે કે છોકરીની સહમતિ વિના લગ્ન ન થવા જોઈએ. સહમતિને પણ કાયદાકીય દરજ્જો આપવો જોઈએ. આ પણ કુરાનમાં છે. બાળકોનો કબજો માતાને જ મળવો જોઈએ. તેનો કાયદો બનવો જોઈએ. એ સિવાય આજના સંદર્ભમાં ચાર લગ્નની છૂટ નથી. જે સમયે છૂટ હતી, એ સમયે પરિસ્થિતિ અલગ હતી.”

યુસીસીને અમલી બનાવવાનું આસાન હશે?

ડૉ. તાહિર મહમૂદના જણાવ્યા મુજબ, યુસીસી સંસદમાં પસાર કરાવવાનું અને તેનો અમલ કરાવવાનું આસાન નહીં હોય, પરંતુ તેના અમલથી તમામ ભેદભાવનો અંત થવાનો હોય તો તેનો અમલ કરવો જોઈએ.

તેઓ કહે છે, “કોઈ એવો ખરડો લાવવામાં આવે, જેમાં કોઈ ધાર્મિક ભેદભાવ ન હોય, જાતિ વિષયક ભેદભાવ ન હોય, મહિલાઓ વિરુદ્ધ કોઈ ભેદભાવ ન હોય તો તેનો અવશ્ય અમલ કરવો જોઈએ.”

જોકે, યુસીસી સંબંધી ખરડાના સંપૂર્ણ મુસદ્દાનો અભ્યાસ કર્યા પછી જ એ બાબતે કોઈ અભિપ્રાય આપી શકાય, એવું તેઓ પણ તેઓ જણાવે છે.

આ ખરડા સામેની મુશ્કેલીઓની વાત કરતાં તેઓ જણાવે છે, સંયુક્ત પરિવારની માન્યતા હિંદુ કાયદામાં છે. મુસલમાનોમાં અવિભાજિત પરિવારની માન્યતા નથી. સંયુક્ત પરિવાર માટે ટેક્સનો કાયદો અલગ છે. ટેક્સનો દર અલગ છે. “બધા એ મુજબ કર ચૂકવશે કે પછી તે જોગવાઈ પણ હટાવી લેવામાં આવશે તો જ કાયદામાં સમાનતા આવશે.”

ડૉ. તાહિર મહમૂદ કહે છે, “આ એક એવી સમસ્યા છે, જેનું કોઈ નિરાકરણ નથી. તેથી બધું આવી જ રીતે ચાલતું રહેશે. 2024 સુધી આ ખરડો પસાર થવો મુશ્કેલ છે.”

આ ખરડાની બ્લુપ્રિન્ટ ક્યાં છે, કોઈએ તે જોઈ છે? એવો સવાલ સરકારને કરતાં પ્રોફેસર ફૈઝાન મુસ્તફા જણાવે છે કે યુસીસીનો અમલ તબક્કાવાર કરવો જોઈએ. સરકારનો ઇરાદો મત મેળવવા માટે યુસીસીનો અમલ કરાવવાનો હોય તો સંસદમાં ભલે ગમે ત્યારે પસાર કરાવી લે, પરંતુ ઇરાદો સામાજિક ન્યાયનો હોય તો તેનો અમલ તબક્કાવાર થવો જોઈએ.

ઝકિયા સોમણ પણ સરકારના ઇરાદા બાબતે સવાલ કરે છે. તેઓ કહે છે, “આજે પણ મુસલમાનો તથા મુસલમાન સ્ત્રીઓ સાથે સૌથી વધુ ભેદભાવ કરવામાં આવે છે. માત્ર મુસલમાનો માટે જ કોઈ લેખિત પર્સનલ લૉ નથી. તેથી યુસીસીના અમલથી મુસલમાનોને લાભ જ થશે. નુકસાન સ્ત્રીઓને દબાવી રાખવા ઇચ્છતા રૂઢિચુસ્ત મુસલમાનોને થશે. હિંદુઓમાં પણ જેઓ સ્ત્રીઓ વિરુદ્ધનો મત ધરાવે છે તેમને યુસીસીથી નુકસાન થશે. શરત એટલી જ છે કે કાયદો યોગ્ય રીતે બનવો જોઈએ.”