બિપરજોય વાવાઝોડામાં ગુજરાતના મીઠાઉદ્યોગ પર પાણી ફરી વળ્યાં, કરોડોનું નુકસાન અને સહાયની આશા

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

બિપરજોય વાવાઝોડાએ કચ્છમાં કેર વર્તાવ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે માત્ર એકલા કચ્છમાં જ 5 હજાર વૃક્ષો ઊખડી ગયાં છે, 80 હજાર વીજળીના થાંભલા તૂટી ગયા છે, પાંચ હજાર ટ્રાન્સ્ફૉર્મરને નુકસાન થયું છે. આ સિવાય કૃષિ અને ખેતીવાડીને થએલા નુકસાનનું સરવે પછી ચિત્ર સ્પષ્ટ થશે.

આ બધા વચ્ચે ગુજરાતમાં હજારો ટન મીઠાના પાકને પણ નુકસાન ગયું છે. અનેક અગરો પર વરસાદના અને ભરતીના પાણી ફરી વળ્યા હતા. અધૂરામાં પૂરું કારખાનાના પાળા પણ તૂટી ગયા હતા અને તૈયાર કરાયેલું મીઠું પણ પલળી ગયું હતું.

ધ ઇન્ડિયન સૉલ્ટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન એટલે કે ISMAના અંદાજ પ્રમાણે વાવાઝોડાને કારણે ગુજરાતના મીઠાંઉદ્યોગને અંદાજીત 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મીઠાંના ઉદ્યોગકારોએ ગુજરાત સરકારને વિનંતી કરી છે કે નાના-નાના અગરિયાઓને અને મોટાં કારખાનાને જે નુકસાન થયું છે તેનો સરવે કરાવીને સહાય આપવામાં આવે.

જોકે, સરકારનું કહેવું છે કે સરવે શરૂ થઈ ગયો છે, પરંતુ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-2003 અંતર્ગત આ પ્રકારે ઉદ્યોગકારોને સહાય આપવામાં નથી આવતી.

શું કહેવું છે મીઠાના ઉદ્યોગકારોનું?

"મારે એકલાને જ પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભચાઉની નજીકના ચીરાઈ અને શિકારપુરમાં આવેલાં મારાં બે કારખાનાં બરબાદ થઈ ગયાં."

ધ ઇન્ડિયન સૉલ્ટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના ખજાનચી શામજી તેજા આહિર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગળગળા થઈ જાય છે.

તેઓ વધુમાં ઉમેરે છે, "ક્યારામાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયાં છે. મીઠાનો તૈયાર માલ ધોવાઈ ગયો. પાળા પણ તૂટી ગયા છે."

ISMAના ચૅરમૅન આશિષ દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "સૌથી વધુ નુકસાન પાળાઓ તૂટવાનું છે. લગભગ પાળાઓ ખતમ થઈ ગયા છે. મોટા ફિલ્ડ કે જ્યાં મીઠું છૂટૂં પડે છે કે ક્રિસ્ટલાઇઝરમાં પાણી ફરી વળ્યાં છે."

"જોકે, સિઝન પતી ગઈ હોવાને કારણે 80 ટકા મીઠું નિકળી ગયું હતું તેથી નુકસાન વધુ ન થયું પણ મીઠાં ઉદ્યોગની માળખાકીય સવલતોને ભયંકર નુકસાન થયું છે."

મીઠા ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે તૈયાર મીઠાંનો માલ જે ખુલ્લામાં પડ્યો હતો તે પણ ધોવાઈ ગયો છે.

30 જૂને મીઠાની સીઝન પૂરી થાય છે તેથી કારખાનામાં તૈયાર માલ પડ્યો હતો. જેને કારણે જેનો માલ ખુલ્લામાં પડ્યો હતો તેને ભયંકર નુકસાન ગયું છે.

જે માલ ક્યારામાં પડ્યો હતો કે જેને સંજોગોવસાત બહાર કાઢી શકાયો નહોતો તેવું મીઠું પણ ભારે વરસાદી પાણીમાં ઓગળી ગયું છે. ISMAના અંદાજ પ્રમાણે 80 ટકા અગર પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.

દરિયાકાંઠા પર જે અગરો હતા ત્યાં હાઇ-ટાઈડ, ભારે વરસાદને કારણે અને ઝડપી પવનને કારણે માટીના પાળા તૂટી ગયા છે.

પ્લાન્ટ અને મશિનરીને પણ ભયંકર નુકસાન થયું છે. ખાસ કરીને પમ્પ અને મોટર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

દરિયાઈ પાણી અને ભારે વરસાદને કારણે ક્યારામાં સૉલ્ટ બૅલ્ટર એટલે કે તરી પણ ધોવાઈ ગઈ છે.

જાણકારો એમ પણ કહે છે કે વાવાઝોડા ઉપરાંત ભારે પવન અને વરસાદની સાથે દરિયાઈ ભરતીનો પણ સમય સાથે હતો જેના કારણે મીઠાના અગર પર પાણી ફરી વળ્યાં હતાં.

શું મીઠાનું ઉત્પાદન થશે ઓછું?

ISMAનાં અંદાજ પ્રમાણે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે પાંચ લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે.

જાણકારો કહે છે કે આ વર્ષે પહેલાંથી જ મીઠાનું ઉત્પાદન ઓછું હતું.

અગાઉ પણ કમોસમી વરસાદને કારણે મીઠાના ઉત્પાદન પર અસર થઈ હતી. હવે આ વાવાઝોડાને કારણે મીઠાનો પાક ધોવાઈ જતા મીઠા ઉદ્યોકારોને મોટો ફટકો પડ્યો છે.

પણ શું મીઠાનો પાક ધોવાઈ જવાને કારણે ભાવ વધશે કે નહીં તે અંગે ઉદ્યોગકારોમાં મતભેદ છે.

કેટલાક ઉદ્યોગકારો કહે છે કે ભાવ વધી શકે છે જ્યારે કેટલાક કહે છે કે બહુ અસર નહીં પડે.

ISMAના ઉપ પ્રમુખ શામજીભાઈ કંગડ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "વાવાઝોડાને કારણે મીઠાની સીઝન 15 દિવસ પહેલાં પૂરી થઈ. જો નવરાત્રી બાદ પણ વરસાદ ચાલુ રહેશે તો સીઝન મોડી શરૂ થશે."

"દરમિયાન પણ જો વરસાદનો મારો ચાલુ રહેશે તો અગર અને ક્યારાના પાળાનું સમારકામ કરવું અઘરું રહેશે. એટલે આ બધા કારણને લઈને આવતી સીઝનમાં તેની અસર જરૂર પડશે."

ISMAના પ્રમુખ બી. સી. રાવલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "આવતી સીઝનમાં મીઠાનું ઉત્પાદન ઓછું થાય તો ભાવ વધવાની સંભાવના છે."

"જોકે, ખાવાના મીઠાના ભાવમાં બહુ ઝાઝો ફરક નહીં પડે પણ ઉદ્યોગોમાં વપરાતા મીઠાના ભાવો ઊંચકાઈ શકે છે."

કેટલાક જાણકારો એમ પણ કહે છે કે ભારત કુલ 300 લાખ ટન મીઠાનું ઉત્પાદન કરે છે તેની સામે તેની જરૂરિયાત માત્ર 90 લાખ ટનની છે. બાકીનું મીઠું વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે. એટલે દેશની જરૂરિયાત કરતા મીઠાનું ઉત્પાદન વધુ છે.

પણ સાથે જાણકારો ચેતવણી પણ આપે છે કે જો ઉત્પાદન ઘટે તો મીઠાંની નિકાસ ઓછી થઈ શકે છે.

આશિષ દેસાઈ પણ કહે છે, "મીઠાના ભાવો વધુ ઊંચકાવવાની શક્યતા નથી પરંતુ આ વખતે પડેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના મીઠાના ઉત્પાદનને અને તેની ગુણવત્તાને અસર તો પહોંચી જ છે."

તેઓ ઉમેરે છે કે નુકસાન કરતા પણ મહત્ત્વની વાત એ છે કે એક પણ અગરિયાનો જીવ આ વાવાઝોડાને કારણે ગયો નથી.

મીઠા ઉદ્યોગકારોએ કરી સરકારને સહાય કરવાની માગ

મીઠા ઉદ્યોગકારોએ તેમને વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનું વળતર આપવાની માગ કરી છે.

તેમણે મીઠાના અગરમાં થયેલા નુકસાન માટે એકર દીઠ 7,500 રૂપિયાથી 10,000 રૂપિયાની રોકડ સહાય આપવાની માગ કરી છે.

મીઠા ઉદ્યોગકારોએ મીઠા પર લેવામાં આવતી પ્રતિ ટન 8 રૂપિયાની રૉયલ્ટી માફ કરવાની માગ પણ કરી છે.

આ ઉપરાંત ISMAએ છેલ્લા ઘણા વખતથી મીઠાની લીઝ રિન્યુ નથી થઈ તે અંગે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે.

જાણકારોનું કહેવું છે કે મીઠાની લીઝ રિન્યુ ન કરવાને કારણે નાનાં-નાનાં અગરિયાઓને બૅન્કમાંથી લોન મળતી નથી પરિણામે તેમને ઊંચા વ્યાજે લોન લેવી પડે છે અને વ્યાજના ખપ્પરમાં ફસાવું વડે છે.

આશિષ દેસાઈ કહે છે, "અમે વારંવાર ગુજરાત સરકારને રજૂઆતો કરી છે કે પેન્ડિંગ લીઝ રિન્યુ કરવામાં આવે પણ મોટાભાગની લીઝ હજુ રિન્યુ કરવામાં આવી નથી. તેને કારણે નાનાં- નાનાં અગરિયાઓને ઘણી તકલીફો વેઠવી પડે છે."

શું કહેવું છે ગુજરાત સરકારનું?

ગુજરાત સરકારે નુકસાનીના સરવેની કામગીરી આરંભી દીધી છે જેથી નુકસાનીના વળતર માટે જે લાયક છે તેમને સહાય કરી શકાય.

મીઠાના ઉદ્યોગકારોની માગ વિશે વાતચીત કરતા સહકાર અને મીઠાં ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ બીબીસી ગુજરાતીને કહ્યું, "તેમની રજુઆતો અમને મળી નથી, પણ અમે તે મળશે પછી તેના વિશે વિચારીશું."

સાથે ગુજરાતના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ સરવેની કામગીરી ચાલી રહી છે, સરકાર આ મામલે કદાચ સહાય કોને આપવી તે અંગે કમિટિ પણ બનાવી શકે છે.

તો બીજી તરફ કચ્છના કલૅક્ટર અમિત અરોરાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે હાલ જે સરવે ચાલી રહ્યો છે તે મુજબ મીઠા જેવા ઉદ્યોગકારોની કંપનીઓને નુકસાનીનું વળતર નહીં મળી શકે.

અમિત અરોરાએ વધુમાં જાણકારી આપતા કહ્યું, "ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-2003 અંતર્ગત આ પ્રકારે ઉદ્યોગકારોને સહાય આપવામાં નથી આવતી."

અમિત અરોરાએ કહ્યું કે અગરના પાળા તૂટી જવા એ કોઈ મોટું નુકસાન નથી. કારણ કે તે કામચલાઉ માળખું હોય છે.

તેમનું કહેવું હતું કે સરકાર અન્ય કોઈ યોજના હેઠળ તેમને સહાય આપવા માગતી હોય તો તેની તેમને ખબર નથી.

કેટલો મોટો છે ગુજરાતનો મીઠાનો ઉદ્યોગ?

ગુજરાત દેશના કુલ ઉત્પાદનનું 80 ટકા મીઠું પકવે છે. સરકારી આંકડા પ્રમાણે ભારત દુનિયામાં સૌથી વધુ મીઠું પકવતા દેશોમાં ત્રીજું સ્થાન ધરાવે છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન છે. ભારતમાં વાર્ષિક 300 લાખ ટન મીઠું પાકે છે. જે પૈકી ભારત 100 લાખ ટન મીઠું નિકાસ કરે છે.

ભારતમાં 70 ટકા મીઠું સમુદ્રકિનારે પાકે છે. જે સૂર્યપ્રકાશ અને દરિયાના ખારા પાણીની મદદથી પકવવામાં આવે છે.

દેશમાં સૌથી વધુ મીઠું ગુજરાતમાં પાકે છે ત્યારબાદ રાજસ્થાન, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે.

ગુજરાતમાં કચ્છના રણમાં, સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં, ભાવનગર, જામનગર અને પોરબંદર તથા દક્ષિણ ગુજરાતમાં મીઠું પકવવામાં આવે છે.

હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં માઇનિંગ કરીને પણ મીઠું મેળવવામાં આવે છે.

આ વિસ્તારમાં 1200 જેટલા નાના અગરિયાઓ પોતાના અગરમાં મીઠું પકવે છે જ્યારે કે 250 જેટલાં મોટાં કારખાના આવેલાં છે. ISMAના અંદાજ પ્રમાણે સીધી અને આડકતરી રીતે મીઠા ઉદ્યોગમાં કુલ ચાર લાખ લોકોને રોજગારી મળે છે.