અનામતને અંગે આરએસએસ અને મોહન ભાગવતનું વલણ બદલાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન એસસી, એસટી અને ઓબીસી માટે અનામત ચાલુ રાખવાની વાતનું સમર્થન કર્યું હતું.
તેમણે કહ્યું કે, “જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઇએ. બંધારણમાં જેટલી અનામતની સહમતી છે તેનું સંઘ સમર્થન કરે છે.”
ભાગવતના આ નિવેદને લોકોને થોડા ચોંકાવ્યા કારણ કે સપ્ટેમ્બર 2015માં આરએસએસના મુખપત્રો ‘પાંચજન્ય’ અને ‘ઑર્ગેનાઇઝર’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે અનામતની સમીક્ષા કરવાની વાતને સમર્થન આપ્યું હતું.
તેમણે એક બિનરાજદ્વારી સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનું કામ એ જોવાનું હતું કે અનામતનો ફાયદો કોને અને કેટલા સમય સુધી મળવો જોઇએ. તેમના આ નિવેદન પછી તરત જ બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેને લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ એક મુદ્દો બનાવી લીધો હતો અને કહ્યું હતું કે સંઘ અનામતને ખતમ કરી દેવા માંગે છે.
રાજકીય વિશ્લેષકોના મતે આ નિવેદનની પણ તે ચૂંટણીમાં ભાજપની હારમાં કેટલીક ભૂમિકા હતી અને ભાજપે આ ભૂલમાંથી પાઠ શીખ્યો છે.
પોતાની દલીલના સમર્થનમાં તેઓ 2019ની ચૂંટણી પહેલાં એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને યાદ કરાવે છે, જેમાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ સત્તા પર છે ત્યાં સુધી સમાજના પછાત વર્ગોને બાબાસાહેબ દ્વારા આપવામાં આવેલી અનામત મળવાનું ચાલુ રહેશે.
જ્યારે હકીકત એ છે કે આ પહેલા મોદી સરકારે આર્થિક રીતે નબળી ઉચ્ચ જાતિઓ માટે દસ ટકા અનામત લાગુ કરવાની જાહેરાત કરી હતી. ઘણા લોકોએ તેને 'સવર્ણો' માટેની અનામત ગણાવી એવો પણ આરોપ લગાવ્યો કે 'ભાજપ અને આરએસએસ જાતિઆધારિત અનામત પ્રણાલીના મૂળને કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે.'

સંઘના નેતાઓનાં વિરોધાભાસી નિવેદનો

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે એસસી-એસટી અને ઓબીસી માટે અનામત ચાલુ રાખવાનું મોહન ભાગવતનું હાલનું નિવેદન એ ચૂંટણીલક્ષી રાજકારણ છે. કારણ કે આ વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓ છે અને આવતા વર્ષે 2024ની લોકસભા ચૂંટણીઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે ભાગવતના 'અનામતની સમીક્ષાવાળા' નિવેદન સિવાય પણ ઘણા લોકો 2017માં આરએસએસના તત્કાલીન પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યના નિવેદનને પણ યાદ કરાવે છે જેમાં તેમણે અનામત ચાલુ રાખવાનો વિરોધ કર્યો હતો.
તે સમયે વૈદ્યે કહ્યું હતું કે, “અનામત સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તેમને તક આપો, અનામત નહીં.”
લાલુપ્રસાદ યાદવનું જીવનચરિત્ર લખનારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નલીન વર્મા કહે છે કે, "'સંઘના લગભગ 100 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે એના કોઈ ટોચના નેતાએ કહ્યું છે કે અનામત ચાલી રહેવી જોઈએ.' ભાગવત અનામતના સમર્થનમાં જરા પણ નહોતા. તેમના પુરોગામીઓએ પણ તેમને ક્યારેય સમર્થન આપ્યું નથી."

આરક્ષણની ધાર બુઠ્ઠી કરવા માટે શરૂ થઈ હતી રથયાત્રા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિનય સીતાપતિના પુસ્તક 'જુગલબંદી'માં પછાત જાતિઓ માટે અનામતની ભલામણ કરતા મંડલ કમિશનના રિપોર્ટ પ્રત્યે સંઘના વલણની ઝલક જોવા મળે છે.
મંડલ કમિશનની ભલામણોને લાગુ કરવાની વી.પી. સિંહ સરકારની જાહેરાતનો ઉલ્લેખ કરતાં પુસ્તક કહે છે, "સંઘે ઑર્ગેનાઇઝરમાં દલીલો કરી હતી કે વી.પી. સિંહ સમાજના મંડળીકરણ દ્વારા હિંદુઓને ઉચ્ચ, પછાત અને હરિજનમાં વિભાજિત કરવા માંગે છે. મોટા ભાગે ઉચ્ચ જાતિનું બનેલું ભાજપનું નેતૃત્વ આરએસએસ સાથે ખાનગી રીતે આ વાત સાથે સહમત થાય છે.”
તેઓ પુસ્તકમાં લખે છે, "મંડલની જાહેરાતના 19 દિવસ પછી 26 ઑગસ્ટ, 1990ના રોજ આરએસએસે બે મહિના પછી અયોધ્યામાં મંદિરનિર્માણ કાર્ય શરૂ કરવા માટે વીએચપીની વિધિ માટે સમર્થન મેળવવા માટે એક બેઠક બોલાવી. ત્યાં બેઠકમાં ઓબીસી આરક્ષણનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ જો મંડલની જાહેરાત ન થઈ હોત, તો કદાચ તે બેઠક યોજાઈ ન હોત.”
પુસ્તકમાં અડવાણી અને પ્રમોદ મહાજનની ઓબીસી અનામતમાં કાપ મૂકવાની રણનીતિનો પણ ઉલ્લેખ છે. આ મુજબ મીની બસ કે મીની ટ્રકને રથની જેમ તૈયાર કરવાની હતી. અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી 10 હજાર કિલોમિટરની મુસાફરી કરવાની હતી.

શું સંઘ હંમેશાં અનામતનો સમર્થક રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંઘ અને તેની સાથે જોડાયેલાં અન્ય સંગઠનોના નેતાઓનું કહેવું છે કે સંઘ પરિવારે ક્યારેય અનામતનો વિરોધ કર્યો નથી.
જ્યારે બીબીસીએ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવેશ ચૌધરીને સંઘના કથિત અનામતવિરોધી વલણ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મીડિયામાં ફેલાવવામાં આવેલી ધારણા છે. સંઘ ક્યારેય અનામતની વિરુદ્ધ રહ્યો નથી.
ચૌધરીએ કહ્યું, "ભૂતપૂર્વ સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે 1970ના દાયકામાં વસંતવ્યાખ્યાન શ્રેણી દરમિયાન અનામતનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે સમાજમાં સમાનતા વિના દેશ પ્રગતિ કરી શકે નહીં. 2014માં વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીમાં બીજેપી નેતા વિજય સોનકર શાસ્ત્રીના પુસ્તકના વિમોચન સમયે કહ્યું હતું કે અનામત ત્યાં સુધી મળવી જોઈએ જ્યાં સુધી તેનો લાભ લેતો સમાજ તેની જરૂરિયાત વ્યક્ત કરતો રહે. સમાજનો એ વર્ગ જ નક્કી કરશે કે તેને કેટલા સમય સુધી અનામત મળવી જોઈએ જેના પર હજારો વર્ષોથી દમન કરવામાં આવે છે. "
તેઓ કહે છે, "સંઘના વિચારક અને રાષ્ટ્રીય સમરસતા મંચના સ્થાપક સભ્ય રમેશ પતંગેએ પણ તેમના પુસ્તકમાં અનામતનું સમર્થન કર્યું છે. મીડિયાનો એક વર્ગ હંમેશાં એવો વિચાર ફેલાવતો રહ્યો છે કે સંઘ અનામતની વિરુદ્ધ છે પરંતુ એવું બિલકુલ નથી.''

‘વિરાટ હિન્દુ સમાજ’ વિરુદ્ધ ‘અનામત’

ઇમેજ સ્રોત, TRANQUEBAR PRESS
સંઘ અનામતનું સમર્થક રહ્યો છે કે નહીં એ જાણવા માટે બીબીસીએ આરએસએસ અને નરેન્દ્ર મોદી પર પુસ્તકો લખી ચૂકેલા લેખક અને ચર્ચિત પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય સાથે વાત કરી. એક પત્રકાર તરીકે નીલાંજન વર્ષો સુધી સંઘ અને ભાજપને કવર કરતા હતા.
તેઓ કહે છે, “અનામતને લઈને સંઘની અંદર અલગ-અલગ વિચારો છે. ભાગવતે 2015માં 'સમીક્ષા'ની વાત કરી હતી પરંતુ એવું માનવામાં આવતું હતું કે અનામત વિરુદ્ધ સંઘનું આ સત્તાવાર વલણ હતું. આ વખતે ભાગવતે આરક્ષણ ચાલુ રાખવાની વાત કરી છે. પરંતુ આ કોઈ ઔપચારિક વચન નથી. આજે તેઓ કહી રહ્યા છે કે એ અનામતના પક્ષમાં છે. આવતીકાલે તેઓ કહી શકે કે આ સિસ્ટમમાં કંઈક ખોટું છે. તેને બદલવું જોઈએ.”
નીલાંજને તાજેતરમાં જ એક લેખમાં લખ્યું છે કે, "હવે ભાગવત પણ અનામતના સમર્થનમાં આવ્યા છે, પરંતુ સંઘ પરિવાર દ્વારા અનામતનીતિના સમર્થન અંગે મને શંકા છે કારણ કે આ વ્યવસ્થાને 'એન્ટિ મેરિટ’ ગણવાના વિચારો હજુ બહુ વ્યાપ્ત છે. જો એવું ન હોય તો ભાજપે સમગ્ર દેશમાં જાતિઆધારિત વસતિગણતરી અને ખાસ કરીને બિહારમાં જાતિઆધારિત સરવેનો વિરોધ શા માટે કર્યો?
તેમણે બીબીસીને કહ્યું, “2014થી આરએસએસમાં આ મુદ્દે અસમંજસ જોવા મળે છે. જોકે, ભાજપે વિભિન્ન સમુદાયોની માંગ પર તેમના માટે અનામતની વ્યવસ્થા પણ કરી છે. અત્યારે જો મોદી મંત્રીમંડળમાં પછાત વર્ગમાંથી કે દલિત કે ઓબીસી વર્ગમાંથી આવતા મંત્રીઓનો સરવાળો કરવામાં આવે તો તેમની સંખ્યા સવર્ણ જાતિઓમાંથી આવતા મંત્રીઓ કરતાં વધુ હશે.”
રાજકીય વિશ્લેષકો કહે છે કે અનામતને લઇને સંઘનું વલણ ભલે સ્પષ્ટ ન હોય પરંતુ તે એક એવા ‘વિરાટ હિન્દુ સમાજ’ની વાત કરે છે કે જેમાં સામાજિક ભેદભાવના કારણે એકતા ન હોય તેવું જોવા ન મળે. અનામતનો વિરોધ તેમના આ વિચારને નુકસાન પહોંચાડે છે.
આ સાથે જ તે ભાજપના પક્ષમાં બિન-સવર્ણ મતદાતાઓને આવતા રોકે છે. એટલા માટે અનામતનું સમર્થન સંઘની રણનીતિને અનુરૂપ છે.

ભાગવતના આ નિવેદનથી સંઘને કેટલો ફાયદો?

ઇમેજ સ્રોત, ANI
નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "સંઘના વડા મોહન ભાગવતે અનામતના સમર્થનમાં નિવેદન એટલા માટે આપ્યું હતું કે ભાજપને 2024ની ચૂંટણીમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. આમાં સંઘને પણ ફાયદો છે."
નીલાંજન કહે છે, “ભારતીય જનતા પાર્ટી માટે કોઈ સમસ્યા ન ઊભી થવી જોઈએ તે બાબતે ભાગવત ખૂબ જ સભાન છે. 2025માં સંઘ તેની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ કરશે. તે પહેલાં તેઓ એવું કંઈ નહીં કરે જેનાથી ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી પડે.
નીલંજન આગળ કહે છે, “ભાગવત ઇચ્છે છે કે ભાજપ અને સંઘ વચ્ચે સમન્વય હોવો જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય છે ત્યારે સંઘને ઘણો ફાયદો થાય છે. છેલ્લાં નવ વર્ષમાં સંઘની તમામ શાળા, કૉલેજો અને સંસ્થાઓને આર્થિક મદદ મળી છે. સરકારના કહેવા પર કૉર્પોરેટ ગૃહો પણ તેમને આર્થિક મદદ કરે છે. વાજપેયીજીના સમયમાં જે ફરિયાદ કરવામાં આવતી હતી કે સંઘની અવગણના કરવામાં આવી રહી છે તેવું આ વખતે નથી.”














