ભાજપ તરફથી PM મોદી પ્રચાર મેદાને, આપ ચૂપ, કૉંગ્રેસ તરફથી કોણ ઝંપલાવશે?

ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે, ત્યારે ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કૉંગ્રેસ અને આપે પણ પૂરજોશમાં ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે.

પક્ષોએ મતદારોને આકર્ષવા માટે ‘સ્ટાર પ્રચારકો’ને પણ મેદાનો ઊતારી દીધા છે.

આ જ સિલસિલાને આગળ વધારતાં શનિવારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવી રેલી સંબોધવાના છે.

તેઓ શનિવારથી ત્રણ દિવસના રાજ્યના પ્રવાસ પર છે.

આ ઉપરાંત ભાજપે કેન્દ્રીય મંત્રીમંડળ, કેન્દ્રીય સંગઠન અને અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક સ્ટાર પ્રચારકોને ચૂંટણીમેદાને ઊતારી દીધા છે.

સામેની બાજુએ આપ અને કૉંગ્રેસ પણ પ્રચારમેદાનમાં ઝંપલાવી દીધું છે. બંને પાર્ટીના નેતાઓ પણ મતદારો સમક્ષ પક્ષની વાત પહોંચાડવા માટે સતત પ્રચારમાં જોતરાયેલા છે.

ભાજપ-આપ-કૉંગ્રેસ તરફથી કોણ કોણ છે મેદાને?

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર દિલ્હીમાં ભાજપના એક સિનિયર લીડરે માહિતી આપતાં કહ્યું હતું કે, “વડા પ્રધાન મોદી 19 તારીખે ગુજરાત પહોંચ્યા બાદ એક વલસાડમાં એક રેલીનું સંબોધન કરશે. તેમજ બીજા દિવસે તેઓ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે મુલાકાતના હેતુસર જશે, જે બાદ તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ ખાતે રેલીનું સંબોધન કરશે. 21 નવેમ્બરના રોજ પણ તેઓ સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારી ખાતે ત્રણ રેલી સંબોધશે.”

આ સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ પ્રથમ તબક્કાની 89 બેઠકોવાળાં ક્ષેત્રોમાં પ્રચારઅભિયાનમાં જોડાશે.

ઉપરાંત રાજ્યમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ રેલીઓ અને સભાઓ સંબોધશે.

તેમજ મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય રાજ્યોના પ્રખ્યાત મંત્રીઓને પણ પ્રચારાર્થે ભાજપે રાજ્યમાં ઊતારી દીધા છે.

બીજી તરફ ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે સામે આવેલ આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું, “ટૂંક સમયમાં અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રચારાર્થે આવવાના છે, પરંતુ શનિવારે રૂટિન પ્રચાર ચાલશે. શનિવારે કોઈ સ્ટાર પ્રચારક અમારા તરફથી મેદાને નથી.”

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “21 તારીખે રાહુલ ગાંધીજી ગુજરાત આવશે અને મહુવા અને રાજકોટ ખાતે બે સભા સંબોધશે.”