ઝિમ્બાબ્વે સિરીઝ માટે શુભમન ગિલ કૅપ્ટન, આ ખેલાડીઓને પહેલી વાર તક

ઝિમ્બાબ્વે સામે પાંચ ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેરાત કરતા એલાન કર્યું છે કે આ સિરીઝ માટે કૅપ્ટન શુભમન ગિલ રહેશે. હાલ ટી-20 વર્લ્ડકપ રમતા લગભગ તમામ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

આઈપીએલ 17માં બહેતરીન પ્રદર્શન કરનારા નીતીશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને પહેલી વાર ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

ઋતુરાજ ગાયકવાડ અને રિંકુસિંહ ટીમમાં પરત ફર્યા છે. સંજુ સેમસન સિવાય ધ્રુવ જુરેલને વિકેટકીપર અને બૅટ્સમૅન તરીકે પસંદ કરાયા છે.

ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ પ્રમાણે છેઃ

શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુસિંહ, સંજુ સેમસન(વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રિયાન પરાગ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશકુમાર અને તુષાર દેશપાંડે.

આ સિરીઝની શરૂઆત 6 જુલાઈથી થશે. તેની છેલ્લી મૅચ 14 જુલાઈના રોજ રમાશે.

દક્ષિણ કોરિયા : બૅટરીની ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોનાં મૃત્યુ

દક્ષિણ કોરિયામાં એક ફૅક્ટરીમાં ઘણી લિથિયમ બૅટરીઓ ફાટવાને કારણે આગ લાગી ગઈ અને આ દુર્ઘટનામાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે.

સોમવારે સવારે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી 45 કિલોમીટરથી દૂર હ્યાસોંગ શહેરની એક ફૅક્ટરીમાં આગ લાગી.

સ્થાનિક મીડિયાના ફૂટેજમાં દેખાડવામાં આવ્યું કે જ્યારે અગ્નિશામકદળ આગ બુઝાવવાની કોશિશ કરતું હતું ત્યારે પણ ફૅક્ટરીમાં નાના નાના વિસ્ફોટો થયા.

આ દરમિયાન ફૅક્ટરીની છતનો એક ભાગ તૂટી પડ્યો.

દક્ષિણ કોરિયા લિથિયમ બૅટરીનો મોટું સપ્લાયર છે અને અહીં બનાવેલી બૅટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક ગાડી તથા લૅપટૉપમાં થાય છે.

હ્યાસોંગની મેડિકલ ઑથોરિટીના એક અધિકારીએ કહ્યું કે આ દુર્ઘટનામાં અત્યારસુધી ઓછાંમાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે કે સાત લોકો ઘાયલ છે.

આ ફૅક્ટરીમાં બીજા માળ પર લગભગ 35 હજાર બૅટરીઓ મૂકવામાં આવી હતી અને આ બૅટરીને અન્ય જગ્યાએ મોકલવા માટે પૅક કરવામાં આવી હતી.

હજુ સુધી એ ખબર નથી પડી કે આ બૅટરીઓમાં આગ કેવી રીતે લાગી. જે સમયે આગ લાગી ત્યારે આ ફૅક્ટરીમાં લગભગ 100 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

રાહુલ ગાંધી : 'વડા પ્રધાન મોદી બંધારણ પર હુમલો કરવા ઇચ્છે છે, અમે તે નહીં થવા દઈએ'

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર બંધારણને લઈને આક્ષેપ કર્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે "નરેન્દ્ર મોદી અને તેમની સરકાર બંધારણ પર હુમલો કરવા ઇચ્છે છે, પરંતુ અમે તે થવા નહીં દઈએ."

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "એનડીએ સરકારના પહેલા 15 દિવસોમાં ભયંકર ટ્રેન દુર્ઘટના, કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ, ટ્રેનોમાં પ્રવાસીઓની દુર્દશા, નીટ ગોટાળો, નીટ પીજીનું પેપર રદ, યૂજીસી નેટનું પેપર લીક, આગથી સળગતાં જંગલો, જળ સંકટ અને હીટવેવમાં વ્યવસ્થા ન હોવાને કારણે મૃત્યુ થયાં છે."

"નરેન્દ્ર મોદી બૅકફુટ પર છે અને પોતાની સરકાર બચાવવામાં વ્યસત છે. નરેન્દ્ર મોદીજી અને તેમની સરકારનો બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી. અમે તે કોઈ પણ કાળે થવા નહીં દઈએ. ઇન્ડિયાનો મજબૂત વિપક્ષ દબાણ બનાવી રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડા પ્રધાનને પોતાની જવાબદારીમાંથી બચીને નીકળવા દેશે નહીં."

"ઇન્ડિયા ગઠબંધન"ના સંસદસભ્યોએ 18મી લોકસભાના પહેલા સત્ર દરમિયાન સંસદ પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઠબંધનના સંસદસભ્યો બંધારણનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હતા.

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, "વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી અને વડા પ્રધાન મોદી બંધારણ બદલશે નહીં."

18મી લોકસભાનું પહેલું સત્ર, પીએમ મોદીએ કહ્યું 'ત્રીજીવાર મોકો આપ્યો છે, જવાબદારી પણ ત્રણ ગણી'

લોકસભાની ચૂંટણી બાદ આજથી સંસદનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદ સત્રમાં સામેલ થતાં પહેલાં વડા પ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, "વિશ્વની સૌથી મોટી ચૂંટણી એ ખૂબ વિશાળ અને ભવ્ય રીતે યોજાઈને સંપન્ન થઈ છે. ત્યાર બાદ અઢારમી લોકસભાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ ચૂંટણી એટલે પણ મહત્ત્વની હતી, કારણ કે આઝાદી પછી બીજીવાર કોઈ પક્ષને દેશના લોકોએ સતત ત્રીજીવાર સરકાર ચલાવવા આપી છે."

તેમણે કહ્યું હતું કે, "દેશની જનતાએ અમને ત્રીજીવાર મોકો આપ્યો છે, તેના કારણે અમારી જવાબદારી પણ ત્રણ ગણી વધી છે."

સંસદમાં વિપક્ષી દળોના વિરોધ અને હોબાળાના એંધાણ વચ્ચે વડા પ્રધાને સૂચક નિવેદન કરતાં કહ્યું હતું કે, "સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટ સહમતી જરૂરી છે. એટલે અમારો સતત પ્રયાસ રહેશે કે અમે સૌને સાથે લઈને 140 કરોડ દેશવાસીઓની સેવા કરીએ."

તેમણે કહ્યું હતું કે, "અમે સૌને સાથે લઈને ચાલવા માંગીએ છીએ અને સૌને સાથે લઈને બંધારણની મર્યાદાઓનું પાલન કરીને નિર્ણયોને ગતિ આપવા માંગીએ છીએ."

બીજી તરફ વિપક્ષી દળોના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાંસદ ભર્તૃહરિ મહેતાબને શપથ લેવડાવ્યા હતા.

રફાહ પર નેતન્યાહુ બોલ્યા- જલદી ખતમ થશે 'ભીષણ યુદ્ધ'

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ એ દક્ષિણ ગાઝાના રફાહમાં ચાલુ હુમલા પર નિવેદન આપ્યું છે.

નેતન્યાહુ અનુસાર, રફાહમાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ તેના અંતિમ તબક્કામાં છે અને તે લગભગ સમાપ્ત થઈ રહ્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે.

નેતન્યાહુએ કહ્યું છે કે, આ યુદ્ધ ત્યાં સુધી ચાલુ રહેશે હમાસને સત્તાથી બહાર ન કરી દેવામાં આવે.

હિઝબુલ્લાહ તરફથી વધતા હુમલાઓ વચ્ચે નેતન્યાહુએ એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં જ ઇઝરાયલની સેના લેબનીઝ સરહદ પર પોતાના સૈનિકોને મોકલી આપવામાં સક્ષમ થશે.

નેતન્યાહુએ હમાસની જગ્યાએ વેસ્ટ બૅન્ સ્થિત પેલેસ્ટિનિયન અધિકારીને ગાઝામાં વહીવટ ચલાવવા દેવાના વિચારને ફરીથી ફગાવી દીધો છે.

રફાહમાં લોકોનું કહેવું છે કે ઇઝરાયલની સેના તરફથી હુમલા વધ્યા છે અને શહેરમાં થયેલ હવાઈ હુમલામાં હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના ઇમરજન્સી સેવાઓના ડાયરેક્ટરનું પણ નિધન થયું છે.

આ હુમલાઓમાં રાહત સામગ્રી વિતરણ કરતું એક કેન્દ્ર પણ ધ્વસ્ત થઈ ગયું હતું.

ઇઝરાયલની સેના અનુસાર હમાસ તે રાહતકેન્દ્રનો ઉપયોગ કરી રહ્યા હતા.

રશિયા : દાગિસ્તાનના ચર્ચ અને સિનેગૉગ પર હુમલો, 15થી વધારે લોકોનું મૃત્યુ

રશિયામાં ઉત્તરી કાકેશસસ્થિત દાગિસ્તાનમાં રવિવારે સશસ્ત્ર હુમલાખોરોના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં.

દાગિસ્તાનમાં એક તહેવારની ઉજવણી થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. હુમલાખોરોએ બે ચર્ચ, યહૂદીઓના પ્રાર્થનાસ્થળ એટલે કે સિનેગૉગ અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં 15 પોલીસકર્મીઓ, ચર્ચના એક પાદરી અને એક સિક્યૉરિટી ગાર્ડનું મૃત્યુ થયું. છ હુમલાખોરોનાં મોતના પણ સમાચાર છે.

રશિયાની પોલીસે આ હુમલાની તપાસ શરૂ કરી. હુમલાખોરોની શોધ થઈ રહી છે.

સશસ્ત્ર હુમલાખોરોએ ડર્બેંટ અને મખાચકાલા શહેરને પોતાનો નિશાનો બનાવ્યા હતા, જ્યાં સદીઓ જૂના તહેવારની ઉજવણી થાય છે.

હુમલાખોરોની ઓળખાણ અત્યાર સુધી થઈ નથી.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કાળાં કપડાં પહેરીને આવેલા હુમલાખોરો પોલીસની ગાડીઓ અને ઇમરજન્સી સર્વિસ ટુકડી પર હુમલો કરી રહ્યા છે.

યહૂદીઓના પ્રાચીન શહેર ડર્બેંટમાં હુમલાખોરોએ એક સિનેગૉગ પર ગોળીબાર કર્યો અને તેને આગ પણ ચાંપી દીધી.

દાગિસ્તાન રશિયાના સૌથી પછાત વિસ્તારો પૈકી એક છે, જેમાં મુસ્લિમોની વસ્તી વધારે છે.

ઑક્ટોબર 2023માં યહૂદી મુસાફરોની શોધમાં પેલેસ્ટાઇનના સમર્થકોની ભીડ દાગિસ્તાનના હવાઈમથકની અંદર ઘૂસી હતી.

આ ઘટના સાત ઑક્ટોબર 2023ના દિવસે ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ પછી ઘટી હતી.

નીટ પરીક્ષા: ગ્રેસ માર્કસ મેળવનારા 750 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માટે ન આવ્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની માહિતી પ્રમાણે, ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓમાંથી માત્ર 813 વિદ્યાર્થીઓએ જ ફરીથી નીટની પરીક્ષા આપી હતી. 750 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માટે આવ્યા ન હતા.

સુપ્રીમ કોર્ટે એનટીએને ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવા માટે આદેશ કર્યો હતો.

સાત કેન્દ્રો પર રવિવારે આ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, એનટીએના અધિકારીઓએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ મળ્યા હતા તેમાંથી 813 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માટે આવ્યા હતા.

રવિવારે પરીક્ષા કેન્દ્ર પર પોલીસ ઉપરાંત પરીક્ષકોને તહેનાત કરવામાં આવ્યા હતા.

આ વર્ષે નીટની પરીક્ષામાં 23 લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જોકે, 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્કસ મળતા નીટની પરીક્ષા પર સવાલો ઊઠી રહ્યા હતા.

એનટીએએ ગ્રેસ માર્કર મેળવનારા વિદ્યાર્થીઓનો સ્કોર ઘટાડી દીધો હતો અને તેમને ફરીથી પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવ્યો હતો.

બિહારમાં પોલીસે નીટનું પેપર લીક થવાની તપાસ પણ કરી રહી છે. આ દરમિયાન સીબીઆઈએ નીટ પરિક્ષામાં થયેલા ગોટાળાને લઈને એક એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા ફરીથી કરાવાની માંગણી કરી રહ્યા છે. વિપક્ષ પણ નીટ પરિક્ષામાં થયેલા કથિત ગોટાળાના મુદ્દાને ઉઠાવી રહ્યો છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

18મી લોકસભાનું પ્રથમ સત્રનો આજથી પ્રારંભ

18મી લોકસભાના પ્રથમ સત્રની સોમવારે શરૂઆત થશે.

સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, વિપક્ષ એનડીએ સરકારને નીટની પરીક્ષાઓમાં થયેલા કથિત ગોટાળાઓના મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે.

સરકારે પ્રોટેમ સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય ભ્રાતૃહરિ માહતાબની નિમણૂક કરી હતી.

ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ, વિપક્ષ આ નિર્ણયથી નારાજ છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસના આઠ વખત લોકસભાના સંસદસભ્ય રહેલા કોડીકુનિલ સુરેશની અવગણના કરવામાં આવી હતી કારણ કે તેઓ દલિત સમાજમાંથી આવે છે.

આ સત્રના પ્રથમ બે દિવસોમાં નવા ચૂંટાયેલા સંસદસભ્યો શપથ લેશે. લોકસભાના સ્પીકરની ચૂંટણી બુધવારે યોજાશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 27 જૂનના દિવસે સંસદનાં બંને સદનોને એકસાથે સંબોધશે. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર અલગ-અલગ ચર્ચા યોજાશે. 3 જુલાઈના આ સત્રનો અંતિમ દિવસ છે.

સાઉદી અરેબિયામાં હજ દરમિયાન 1,301 હજયાત્રીઓનું મૃત્યુ

બીબીસી સંવાદદાતા થૉમસ સ્પેન્ડર અનુસાર સાઉદી અરેબિયાએ કહ્યું છે કે હજ દરમિયાન લગભગ એક હજાર 301 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી મોટાભાગના લોકો ગેરકાયદેસર હજયાત્રીઓ હતા. આ લોકો ભયંકર ગરમીમાં ચાલીને લાંબુ અંતર કાપ્યું હતું.

હજ આ વખતે ભયંકર ગરમીના સમયમાં થઈ હતી, જેમાં તાપમાનનો પારો ઘણી વખત 50 ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી ગયો હતો.

સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સી એસપીએએ કહ્યું કે મૃત્યુ પામેલા લોકો પૈકી 75 ટકા લોકો પાસે ત્યાં જવાની કાયદેસર પરવાનગી ન હતી. તેઓ કોઈ પણ યોગ્ય સહાય વગર સૂરજની રોશનીમાં ચાલી રહ્યા હતા.

એજન્સીએ જણાવ્યું કે મૃતકોમાં કેટલાક લોકો ઘરડા અથવા ગંભીર રીતે બીમાર હતા.

સ્વાસ્થ્ય મંત્રી ફહદ અલ-જલાજેલે કહ્યું, "ગરમીને કારણે થતા તણાવના જોખમો વિશે અને હજયાત્રીઓ તેનો કેવી રીતે સામનો કરી શકે તેના વિશે જાગરૂકતા વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે."

તેમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય તંત્રએ હજ પર આવેલા પાંચ લાખ યાત્રીઓનોની સારવાર કરી છે, જેમાં એક લાખ 40 હજારથી વધારે યાત્રીઓ એવા હતા જેમની પાસે પરવાનગી ન હતી.

તેમણે કહ્યું, "અલ્લાહ મૃતકોને માફ કરે અને તેમના પર દયા કરે. અમારી સંવેદનાઓ મૃતકોના પરિવાર પ્રત્યે છે."

સાઉદી અરેબિયાની આલોચના કરવામાં આવી રહી છે કે તે હજને સુરક્ષિત બનાવવા માટે વધારે પ્રયત્નો નથી કરતા. ખાસ કરીને ખાસ કરીને નોંધણી વગરના હજયાત્રીઓ માટે, જેમની પાસે ઍર-કન્ડિશન્ડ તંબુ અને સત્તાવાર હજ પરિવહન જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી.