જમ્મુ-કાશ્મીરમાં થયેલા પાંચ મોટા હુમલાની વ્યથાકથા તસવીરોમાં

ઇમેજ સ્રોત, PTI
પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય નેવીના અધિકારી લૅફટનન્ટ વિનય નરવાલને અંતિમ વિદાય આપી રહેલાં તેમનાં પત્ની હિમાંશી. હુમલાના છ દિવસ પહેલાં જ તેમનાં લગ્ન થયાં હતાં અને તેઓ હનીમૂન માટે કાશ્મીર પહોંચ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Amit Shah/X
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હુમલાની સાંજે જ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા અને સુરક્ષાસ્થિતિની સમીક્ષા કરી હતી. બીજા દિવસે તેમણે હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી અને જાતમાહિતી મેળવી હતી.

ઇમેજ સ્રોત, Reuters
પુલવામા હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
તા. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે કેન્દ્રીય અર્ધલશ્કરી બળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની ઉપર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈહુમલો કરીને ચરમપંથીઓને માર્યા છે, જોકે કેટલા ચરમપંથી માર્યા ગયા છે, તેના વિશે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
પાકિસ્તાને આ દાવાને નકાર્યો હતો અને કેટલાંક ઝાડ તથા પક્ષીઓને નુકસાન થયું હોવાની વાત કરી હતી અને અમુક મહિના બાદ આંતરરાષ્ટ્રીય પત્રકારોની 'ગાઇડેડ ટૂર' પણ આયોજિત કરી હતી.
ઉરી સૈન્યમથક ઉપર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
તા. 18 સપ્ટેમ્બરની રાત્રે ચરમપંથીઓએ ઉરીસ્થિત બ્રિગેડ મુખ્યાલય ઉપર હુમલો કર્યો હતો, જેમાં 19 જેટલા ભારતીય સૈનિક મૃત્યુ પામ્યાં હતાં. તાજેતરનાં વર્ષોમાં એક જ હુમલામાં ભારતીય સેનાને થયેલી આ સૌથી મોટી ખુંવારી હતી.
એ પછી ચીનની પીપલ્સ લિબ્રૅશન આર્મી સાથે અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન મૃત્યુ પામ્યાં હતાં, જે પણ એક મોટી ખુંવારી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર મહિનાના અંતભાગમાં ભારતીય સેનાએ પત્રકારપરિષદ ભરીને દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાં ચરમપંથીઓના લૉન્ચ પેડ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, જેમાં ચરમપંથીઓનાં મૃત્યુ થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાલાકોટ ઍરસ્ટ્રાઇકની જેમ જ ભારતીય સેનાની ઉપરોક્ત વળતી કાર્યવાહીને કેન્દ્રમાં રાખીને બોલીવૂડ તથા પ્રાદેશિક ભાષામાં અનેક ફિલ્મો બની છે.
ચિત્તીસિંહપુરા હત્યાકાંડ

ઇમેજ સ્રોત, Getty Images
તા. 22 એપ્રિલ 2025ના જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયા યાત્રા તથા અમેરિકાના નાયબ રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની ભારતયાત્રા સાથે જોડીને જોવામાં આવે છે.
આવી જ ઘટના માર્ચ-2000માં નોંધાઈ હતી. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા, ત્યારે અનંતનાગ જિલ્લાના ચિત્તીસિંહપુરા ખાતે લઘુમતી શીખ સમાજના 35 જેટલા લોકોની હત્યા થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
હુમલાખોરોએ ભારતીય સેનાનો ગણવેશ પહેરીને હત્યાકાંડ આચર્યો હતો. આ ઘટનાના પાંચેક દિવસ પછી ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે ઍન્કાઉન્ટરમાં હત્યાકાંડ માટે જવાબદાર પાંચેય ચરમપંથીઓ માર્યા ગયા છે.
બાદમાં વિવાદ થતાં તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી, જેમાં ઍન્કાઉન્ટર નકલી હોવાનું પ્રતિપાદિત થયું હતું. વર્ષ 2014માં ભારતીય સેનાએ પુરાવાના અભાવે આ કેસ બંધ કરી દીધો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસે પણ ચિત્તીસિંહપુરા હત્યાકાંડ મામલે વિદેશી ચરમપંથીઓનું ઍન્કાઉન્ટર કર્યાનો દાવો કર્યો હતો, પરંતુ તેની સત્યતા સંદિગ્ધ રહી હતી. ડીએનએ તપાસમાં મૃતક સ્થાનિક હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસ સંદર્ભે બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ દિલ્હીની અદાલતે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા.
કાશ્મીરી પંડિતોનું પલાયન

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરના તાજેતરના હિંસક ઇતિહાસમાં 1980ના દાયકાના અંતભાગમાં કાશ્મીરી પંડિતોનું પલાયન પણ નોંધપાત્ર ઘટનાક્રમ છે. જેેમાં કોઈ એક નહીં, પરંતુ અલગ-અલગ ઘટનાઓમાં સેંકડો કાશ્મીરી પંડિતો મૃત્યુ પામ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
અલગ-અલગ 200થી વધુ નોંધાયેલી એફઆઈઆરને ટાંકતા કાશ્મીરી પંડિતોના સંગઠનનું કહેવું છે કે સાતસોથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ અંગે ફેર તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી, જેને નકારી દેવાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












