You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાણીતા અંગ્રેજી નવલકથાકાર વિક્રમ સેઠે હનુમાનચાલીસાનો અંગ્રેજી અનુવાદ કેમ કર્યો?
પોતાના ખુલ્લા વિચારો માટે જાણીતા લેખક અને નવલકથાકાર વિક્રમ સેઠ ફરી એક વાર ચર્ચામાં છે.
બેસ્ટ સેલર અંગ્રેજી નવલકથા 'એ સ્યુટેબલ બૉય' લખનાર વિક્રમ સેઠે હનુમાનચાલીસાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
અનુવાદ માટે હનુમાનચાલીસાની પસંદગી કરવી અને અત્યારે પ્રકાશિત કરવા વિશે કેટલીક રસપ્રદ હકીકતો તેમણે જણાવી.
'ધ હનુમાનચાલીસા'નાં લૉન્ચિંગ પહેલાં વિક્રમ સેઠે બીબીસી સંવાદદાતા સંજૉય મજૂમદાર સાથે વાતચીત કરી હતી.
તેમણે અનુવાદની પૃષ્ઠભૂમિ, તેનો સંદેશ, વર્તમાન રાજકીય પરિસ્થિતિ વગેરે વિશે પણ વાત કરી હતી. હાલમાં જે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેના પર તેમણે કહ્યું કે 'તાનાશાહીમાં ઘટાડો આવ્યો છે.'
વાંચો તેમની સાથે થયેલી વાતચીતનો ટૂંકો અહેવાલ.
અંગ્રેજી અનુવાદ માટેની પ્રેરણા
હનુમાનચાલીસાનો અંગ્રેજીમાં અનુવાદ કરવાની પ્રેરણા વિશે વિક્રમ સેઠ કહે છે કે, "નાનપણથી જ મને હનુમાનચાલીસા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. મેં એક વખત મારી પોતાની ખુશી માટે તેનો અનુવાદ કર્યો હતો અને દસ વર્ષ પહેલાં તેની શરૂઆત કરી હતી."
અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કરવાના વિચાર અંગે તેઓ કહે છે, "આને પ્રકાશિત કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે મારાં 90 વર્ષનાં વિધવા મામીએ મને કહ્યું કે, ''આ તમે પોતાના માટે કર્યું છે. બીજાને પણ બતાવો. મેં તેમને કહ્યું કે મારો અનુવાદ તુલસીદાસની તુલનામાં કંઈ જ નથી, તો મારાં મામીએ કહ્યું કે આ એક રીતે બારી જેવી છે. જે લોકો હિન્દી સમજી શકતા નથી અથવા તો આ કવિતાથી પરિચિત નથી, તેમને આ કવિતા વિશે માહિતી તો હોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બની શકે કે આ લોકોને તેનાથી પ્રેરણા મળે અને તેઓ મૂળ કૃતિ તરફ જાય. અને જો આમ ન થાય તો પણ તેમને આમાંથી થોડો આનંદ તો મળશે જ."
હનુમાનચાલીસા અવધી ભાષામાં લખવામાં આવી છે. ભાષાના પ્રશ્ન પર વિક્રમ સેઠ કહે છે કે, "હિન્દી તો આપણી ‘ખડી બોલી’માં બોલીએ છીએ પરંતુ વ્રજ કે અવધી ભાષા પણ મહાન સાહિત્યિક ભાષાઓ છે. આપણું મોટા ભાગનું સાહિત્ય આ ભાષાઓમાં લખવામાં આવ્યું છે."
''હા, આજના આધુનિક યુગમાં આપણે ઘણી વાર શુદ્ધ બોલીમાં લખીએ છીએ, પરંતુ જેઓ હનુમાનચાલીસાનું રટણ અથવા જપ કરે છે તેઓ અવધિમાં કરે છે."
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
કોઈ રાજકીય સંદેશ?
શું આમાં કોઈ રાજકીય સંદેશ છે? આ સવાલ પર વિક્રમ સેઠ કહે છે કે, "કોઈ ખાસ સંદેશ નથી પરંતુ હકીકત એ છે કે હનુમાનજી આપણા આજના રાજકારણીઓની જેમ અહંકારી નહોતા. આજકાલ દરેક વ્યક્તિ પોતાના પેટની સેવામાં તલ્લીન હોય છે, પરંતુ હનુમાનજી લડતા હતા અને એ પણ પોતાના માટે નહીં પણ અન્ય લોકો માટે."
જોકે, વિક્રમ શેઠ પોતાને સુધારતા કહે છે કે, "સાચું કહું તો, આમાં કોઈ રાજકીય સંદેશ નથી. જોકે મારી ઇચ્છા હતી કે લોકસભાની ચૂંટણી પહેલાં હનુમાન જયંતીના અવસરે આ અનુવાદ પ્રકાશિત કરવામાં આવે. પરંતુ પછી મેં વિચાર્યું કે આમ કરવાથી તે ચૂંટણીના વમણમાં ફસાઈ જશે અને એટલા માટે આ ટાળવું જોઈએ."
તેઓ વધુમાં જણાવે છે કે, "ત્યાર બાદ મેં વિચાર્યું કે જૂનમાં મારા જન્મદિને હું તેને પ્રકાશિત કરીશ. એટલે કે હું રાજકારણથી દૂર રહેવા માગતો હતો."
જ્યારે અમે તેમને ચૂંટણી અને તેનાં પરિણામો વિશે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે, "એવું કહી શકાય કે તાનાશાહી પર અમુક અંશે લગામ કસાઈ છે. હવે આગળ શું થાય છે તે જોવાનું રહે છે. ભારત એક મહાન દેશ છે. પરંતુ આપણી નસોમાં જે રીતે ઝેર વહેવા લાગ્યું છે તેને બહાર નીકળતા વાર લાગશે. તમે જર્મની વિશે એક વખત વિચારો. જર્મનીમાં યહૂદીઓ સામે ખૂબ નફરત હતી અને આજે ત્યાં એવું કંઈ નથી. જે લોકો પોતાના દેશવાસીઓ સામે નફરત પેદા કરે છે તેઓ દેશભક્ત ન હોઈ શકે.
વિક્રમ સેઠ કેમ ચર્ચામાં છે?
વિક્રમ સેઠની સૌથી પ્રસિદ્ધ નવલકથા 'એ સ્યુટેબલ બૉય' વર્ષ 1993માં પ્રકાશિત થઈ હતી.
ત્યાર બાદ આ નવલકથાનું બીબીસી ટેલિવિઝન રૂપાંતરણ પ્રસિદ્ધ નિર્દેશક મીરા નાયરે કર્યું હતું.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, રાજકરણ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવનાર વિક્રમ સેઠને ન્યૂયૉર્ક ટાઇમ્સે એક વખત 'વિન્રમ વ્યંગ' કરનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા.
પોતાનાં લખાણો દ્વારા સાહિત્યની દુનિયામાં એક અલગ સ્થાન બનાવનાર વિક્રમ સેઠ લીલા સેઠનાં પુત્ર છે. તેઓ ભારતમાં હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ બનનારાં પ્રથમ મહિલા હતાં.
વિક્રમ સેઠ તેમના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરવા માટે પણ જાણીતા છે. તેઓ ભારતમાં સમલૈંગિક અધિકારોના પણ સમર્થક રહ્યા છે.
વર્ષ 2013માં ઇન્ડિયા ટુડે મૅગેઝિનના કવરપેજ પર તેમની એક તસવીર પ્રકાશિત થઈ હતી જેમાં તેઓ પ્લૅકાર્ડ લઈને અસ્તવ્યસ્ત ઊભા દેખાય છે. પ્લૅકાર્ડ પર લખ્યું હતું – નૉટ અ ક્રિમિનલ.
હકીકતમાં સમલૈંગિક સમુદાય પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા વિક્રમ સેઠે આ અનોખી રીત અપનાવી હતી.
સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ મૂકતા કાયદાને યથાવત્ રાખવા બદલ તેઓ દેશની સર્વોચ્ચ અદાલતથી નારાજ હતા.
તે વખતે તેમણે બીબીસીને આ ફોટો ખેંચવા અને પ્રકાશિત કરવા પાછળની વાર્તા વિશે જણાવ્યું હતું.