You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને સળગાવતા કે દફનાવતા નહીં', આ માણસે તેની અંતિમવિધિનું કેવું આયોજન કર્યું?
- લેેખક, બેક્કા વૉર્નર
- પદ, બીબીસી ફ્યુચર
આપણા પૈકીના ઘણા લોકોને મૃત્યુ વિશે વાત કરવાનું પસંદ નથી. તે અંધકારમય તથા દુખદ છે અને આપણને અસ્તિત્વગત ચક્રવ્યૂહમાં ધકેલી દેનારું છે, પરંતુ પર્યાવરણની દરકાર કરતી વ્યક્તિ તરીકે મને સમજાયું છે કે મારે તેની વાસ્તવિકતાને અવગણવાનું બંધ કરવું પડશે.
આપણે મૃત્યુ પામીએ પછી આપણા નશ્વર દેહનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે, પરંતુ પશ્ચિમમાં આપણે જે રીતે મૃતદેહને અગ્નિદાહ આપીએ છીએ કે દફનાવીએ છીએ તેની પર્યાવરણ પર બહુ જ માઠી અસર થાય છે.
હું બ્રિટિશ છું અને બ્રિટનમાં મોટા ભાગના લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અને મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાની પ્રથા પૃથ્વી માટે સારી નથી. તેના આંકડા ચોંકાવનારા છે. બ્રિટનમાં સ્મશાન સામાન્ય રીતે ગૅસથી સંચાલિત હોય છે અને તે 126 કિલોગ્રામ જેટલા કાર્બન ડાયોક્સાઈડ (સીઓટુ)નું ઉત્સર્જન કરે છે.
અમેરિકામાં તે સરેરાશ 208 કિલોગ્રામ સીઓટુથી પણ વધારે છે. તે આપણા જીવનમાં કદાચ સૌથી વધુ કાર્બન-સઘન ચીજ નથી, પરંતુ ઘણા દેશોમાં મોટા ભાગના લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે ત્યારે ઉત્સર્જનના પ્રમાણમાં જોરદાર વધારો થાય છે.
મૃતદેહને દફનાવવાનું પણ સારું નથી. કેટલાક દેશોમાં કૉંક્રિટ (જે કાર્બન પ્રચુર સામગ્રી છે)ની કબરમાં મૃતદેહને લાકડાં કે સ્ટીલના તાબૂતમાં રાખી દેવામાં આવે છે. મોટા ભાગે ફોર્મેલ્ડિહાઈડ જેવા અત્યંત ઝેરીલા ઉત્સર્જક દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે, જે ભારે ધાતુઓ સાથે માટીમાં ભળી જાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તથા જળસ્તરને પ્રદૂષિત કરે છે. માત્ર તાબુત જ 46 કિલોગ્રામ સીઓટુ ઉત્સર્જનનું કારણ બની શકે છે.
હું પૃથ્વી પરનું મારું જીવન કમસે કમ બોજારૂપ બને તેવા પ્રયાસ કરું છું. અનાજના બૉક્સને રિસાયકલ કરું છું. જાહેર પરિવહનનો ઉપયોગ કરું છું. માંસને બદલે સોયાબીનમાંથી બનાવવામાં આવતું ટોફુ ખાઉં છું. મારા મૃત્યુ માટે કશુંક ઝેરીલું કૃત્ય જરૂરી હશે એ વિચાર પચાવવો અઘરો છે. હું વધુ ટકાઉ વિકલ્પ શોધવા કૃતસંકલ્પ છું.
મારું પ્રથમ વિશ્રામસ્થળ બ્રિટનસ્થિત સખાવતી સંસ્થા નેચરલ ડેથ સેન્ટર છે. હું ફોન કરું છું અને સામા છેડે રોઝી ઇનમેન-કૂક ફોન ઉપાડે છે તેથી મને આનંદ થાય છે. તેઓ વાતોડિયા, સ્પષ્ટવક્તા છે, જેઓ મને મૃત્યુની વૈકલ્પિક પ્રથાઓની સંદિગ્ધતા બાબતે ચેતવણી આપે છે.
તેઓ કહે છે, “કોઈના મોતમાંથી કમાણી કરતી ઘણી કંપનીઓ સક્રિય હોય છે. તાબૂતનાં અનેક ઉત્પાદકો અને ફ્યુનરલ પૅકેજ હોય છે, જે તમને પર્યાવરણને અનુકૂળ હોય તેવી ચીજો ‘વેચશે’ અને એક વૃક્ષ વાવશે. તમારે સાવધ રહેવું પડશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મૃતદેહને કાળા ધુમાડાનું વાદળ બનતું અટકાવી શકું?'
મેં ઇકો અર્ન્સ (અસ્થિકળશ) વિશે વાંચ્યું હતું. રોઝીની વાત સાંભળીને મને તે યાદ આવ્યું. કેટલાંક બાયોડિગ્રેડેબલ હોય છે, જેથી મૃતદેહની રાખને માટીમાં ભેળવી શકાય અને તેને એક વૃક્ષનું સ્વરૂપ આપી શકાય. અન્ય લોકો રાખની સાથે સિમેન્ટ ભેળવે છે, જેથી તે પરવાળાના કૃત્રિમ કોરલ ખડકનો હિસ્સો બની શકે.
આ પ્રકારના વિકલ્પો એક પ્રકારની ઇકૉ-નોવેલ્ટી પ્રદાન કરે છે. સમુદ્રના પ્રેમી માટે મૃત્યુ પછી પરવાળાના ખડકો વચ્ચે આરામ કરવાનું કે વનપ્રેમી માટે વૃક્ષમાં રૂપાંતરિત થવાથી વધુ યોગ્ય શું હોય? અલબત્ત, એકમાત્ર સમસ્યા એ છે કે ભઠ્ઠી ગમે તેટલી ટકાઉ હોય, પણ તેમાં એકઠી થતી રાખ કાર્બન-સઘન અંતિમવિધિની પ્રોડક્ટ જ હોય છે.
અહીં સવાલ થાય કે હું મારા મૃતદેહને કાળા ધુમાડાનું વાદળ બનતું અટકાવી શકું?
ઈનમેન-કૂકનો રિવાજ પ્રાકૃતિક અંત્યેષ્ટિનો છે. તેમાં મૃતદેહને કોઈ વૃક્ષની નીચે, તે સડી શકે તે માટે કોઈ પણ અડચણ વિના દફનાવવામાં આવે છે. મૃતદેહ પર કોઈ તરલ પદાર્થનો લેપ કરવામાં આવતો નથી. પ્લાસ્ટિક લાઇનર્સ કે મેટલ કાસ્કેટ પણ હોતાં નથી. બ્રિટનની સસ્ટેનેબિલિટી સર્ટિફિકેશન કંપની પ્લેનેટ માર્ક દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, આ બધાનો અર્થ સીઓટુનું શૂન્ય ઉત્સર્જન એવો થાય. મૃતદેહને પ્રમાણમાં ઓછી ઊંડી કબરમાં દફનાવવામાં આવે છે, જે કોઈનો બગીચો કે પ્રાકૃતિક દફનસ્થળ હોઈ શકે છે.
કેટલાંક પ્રાકૃતિક દફનસ્થળોમાં કબરને પથ્થરો કે અન્ય માર્કર્સથી ચિહ્નિત કરવાની છૂટ છે, જ્યારે અન્યમાં આકરા નિયમ છે. તેમાં કોઈ પણ પ્રકારના માર્કિંગની છૂટ આપવામાં આવતી નથી. તે વૂડલેન્ડ્સ અથવા સમૃદ્ધ વન્ય વિસ્તાર છે. તેનું સંચાલન વન્ય જીવનના સંરક્ષણનું સક્રિય રીતે સમર્થન આપે તેવી રીતે કરવામાં આવે છે.
ઇનમેન-કૂક કહે છે, “તે વન્ય જીવન માટે હરિયાળાં સ્થાનો, લોકો મુલાકાત લઈ શકે તેવાં સરસ સ્થળોના નિર્માણનો, નવા વનપ્રદેશની રચનાનો ઉપક્રમ છે અને તે સકારાત્મક વારસો છે.”
દવાઓ, માઇક્રોપ્લાસ્ટિક્સ અને હેવી મેટલ્સ જેવા અકુદરતી પદાર્થો માનવ શરીરમાં જીવનકાળ દરમિયાન પ્રવેશતા હોય છે તેનું શું? એ બધા નિશ્ચિત રીતે માટીનો હિસ્સો નથી. તેનો એક ઉકેલ ફૂગમાંથી બનાવવામાં આવેલી શબપેટી હોઈ શકે.
લૂપ લિવિંગ કકૂન વિશ્વની સૌપ્રથમ લિવિંગ કૉફિન હોવાનો દાવો કરવામાં આવે છે. તે મશરૂમ માયસેલિયમમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ઇન્સ્યુલેશન પેનલ્સ, પૅકેજિંગ અને ફર્નિચર બનાવવા માટે પણ થાય છે. મેં તેના શોધક બોબ હેન્ડ્રીક્સ સાથે વાત કરી હતી.
'જંગલમાં મૃત્યુ પામવાનું અને ત્યાં જ પડ્યા રહેવાનું'
તેઓ કહે છે, “આપણે સૌથી સારું કામ કરી શકીએ તે જંગલમાં મૃત્યુ પામવાનું અને ત્યાં જ પડ્યા રહેવાનું છે, પરંતુ આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે પૈકીની એક જમીનની અધોગતિ છે. જમીનની ગુણવત્તા વધુને વધુ નબળી પડી રહી છે, ખાસ કરીને અંતિમસંસ્કારનાં સ્થળોમાં, કારણ કે ત્યાં ઘણું પ્રદૂષણ છે. હવે તો માનવ શરીર પણ વધુ પ્રદૂષિત થઈ રહ્યું છે.” દાખલા તરીકે, માનવ રક્તમાંથી હવે માઇક્રોપ્લાસ્ટિક્સ પણ મળી આવે છે.
માયસેલિયમમાં જમીનની તંદુરસ્તી વધારવાની અને અન્યથા ભૂગર્ભજળમાં ભળી જતી ભારે ધાતુઓ શોષવાની શક્તિ હોય છે. ફૂગની કેટલીક પ્રજાતિઓ માઇક્રોપ્લાસ્ટિક્સને તોડી નાખતી હોવાનું પણ જોવા મળ્યું છે. ભવિષ્યનાં સંશોધનો માનવ દફનવિધિ માટે તેનો ઉપયોગ કરવાની રીતો શોધી શકે છે, પરંતુ વર્તમાન સંશોધનના આધારે આજના મશરૂમ કૉફિન્સની વાસ્તવિક અસર જાણવી મુશ્કેલ છે.
મેં પ્લેનેટ માર્કના રિપોર્ટના લેખક રીમા ટ્રોફિમોવેઇટને સવાલ કર્યો હતો કે મશરૂમ કૉફિનના સંભવિત ફાયદા શું છે? તેમણે જણાવ્યું હતું કે છીછરી કબરમાં કુદરતી રીતે દફન કર્યા પછી માનવ શરીર જમીનને પ્રદૂષિત કરે છે કે કેમ તે વિશે હાલ મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગના પ્રદૂષકોની યોગ્ય સજીવો સાથે યોગ્ય સ્તરે છટણી થતી હોય તે શક્ય છે. મૃતદેહને જમીનમાં થોડા ફૂટ નીચે દાટવામાં આવ્યા હોય ત્યારે વધારાની ફૂગની જરૂર પડતી નથી.
“મને લાગે છે કે આવો વિકલ્પ આજે પણ મહત્ત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે કુદરતી દફન ઓછામાં ઓછું ઉત્સર્જન કરે છે, પરંતુ દરેકને કપાસના કફનમાં લપેટાવું ગમતું નથી. લોકો મશરૂમ કૉફિન પસંદ કરી શકે, કારણ કે તેનો એક આકાર હોય છે,” એમ તેમણે કહ્યું હતું.
અલબત્ત, કુદરતી દફન પ્રાકૃતિક રીતે ભલે ગમે તેટલું સારું હોય, પણ જમીન કાયમ કિંમતી હોય છે. ખાસ કરીને શહેરોમાં હરિયાળા વિસ્તારમાં કુદરતી દફનવિધિની જગ્યા બહુ મોંઘેરી હોય છે. આ કારણે જ સ્થાપત્યની યુવા વિદ્યાર્થિની કેટરિને સ્પેડ, શહેરોમાં દફનવિધિને ઓછી નુકસાનકારક બનાવવા શું કરી શકાય તેની તપાસ કરવા પ્રેરાયાં હતાં. તેમનો ઉકેલ તાર્કિક છે. મૃતદેહને સ્ટીલના ષટકોણ પાત્રમાં કૉમ્પોસ્ટ કરીને પોષકતત્ત્વોથી ભરપૂર માટીમાં પરિવર્તિત કરવું જોઈએ, જેમાં મૃતકના પરિવારજનો પોતાનો બગીચો બનાવી શકે.
માનવ કૉમ્પોસ્ટિંગ ફૅસિલિટીઝ
કેટરિનાએ વિશ્વની સૌપ્રથમ માનવ કૉમ્પોસ્ટિંગ ફૅસિલિટી રિકમ્પોઝ 2020માં લૉન્ચ કરી હતી. એ જ વર્ષે વૉશિંગ્ટન માનવ કૉમ્પોસ્ટિંગને કાયદેસરની સ્વીકૃતિ આપનારું અમેરિકાનું પહેલું રાજ્ય બન્યું હતું અને આ પ્રથા અમેરિકાનાં સાત રાજ્યોમાં હવે કાયદેસરની છે. કોલરાડો અને વૉશિંગ્ટનમાં બીજી માનવ કૉમ્પોસ્ટિંગ ફૅસિલિટીઝ પણ શરૂ થઈ છે.
રિકમ્પોઝે અત્યાર સુધીમાં આશરે 300 મૃતદેહોને કૉમ્પોસ્ટ કર્યા છે. આ પ્રક્રિયા પાંચથી સાત સપ્તાહ દરમિયાન થતી હોય છે. મૃતદેહને વિશિષ્ટ પાત્રમાં મૂકીને તેની આસપાસ લાકડાના નાના ટુકડા, ઘાસ અને ભૂસું નાખવામાં આવે છે.
હવા પર સાવધાનીપૂર્વક દેખરેખ રાખવામાં આવે છે અને તેનું નિયંત્રણ કરવામાં આવે છે, જેથી તેને મૃતદેહના ઝડપી વિઘટનમાં મદદરૂપ રોગાણુઓ માટે આરામદાયક જગ્યા બનાવી શકાય. આખરે અવશેષોને હટાવી દેવામાં આવે છે, જે બે ઠેલણગાડી જેટલા ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે. હાડકાં અને દાંત ડિકમ્પોઝ થતા નથી. તેને અલગ તારવી લેવામાં આવે છે. યંત્રો વડે ભાંગી નાખવામાં આવે છે અને ખાતરમાં ભેળવી દેવામાં આવે છે. કેટરિનાનું કહેવું છે કે શક્ય હોય ત્યારે પ્રત્યારોપણ, પેસમેકર કે કૃત્રિમ સાંધાઓને રિસાયકલ કરવામાં આવે છે.
આ પદ્ધતિમાં મૃતદેહને બાળવાની જરૂર પડતી ન હોવાથી દાહસંસ્કારની સરખામણીએ માનવ કૉમ્પોસ્ટિંગથી બહુ ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ સર્જાય છે. રિકમ્પોઝ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે લીડેન યુનિવર્સિટી અને ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેક્નૉલૉજીએ જીવનચક્ર મૂલ્યાંકન કર્યું હતું. તેમાં કોઈ મૃતદેહને ખાતર બનાવવાનો જળવાયુ પરનો પ્રભાવ દાહસંસ્કારની સરખામણીએ બહુ જ ઓછો જોવા મળ્યો હતો. અમેરિકામાં દાહસંસ્કારની સરખામણીએ મૃતદેહને ખાતરના સ્વરૂપમાં પરિવર્તિત કરવાની કામગીરીના જળવાયુ પરના પ્રભાવનું પ્રમાણ 208 કિલોગ્રામ સીઓટુની સામે માત્ર 28 કિલોગ્રામ સીઓટુ નોંધાયું હતું.
મેં કેટરિનાને કાર્બનિક પદાર્થ સડે ત્યારે નીકળતા હાનિકારક ગ્રીનહાઉસ ગૅસ મિથેનના ઉત્પાદન વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પાત્રને પૂરતી હવા મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. તે સડાનું કારણ બનતી એનારોબિક પ્રક્રિયાને અટકાવે છે.
કેટરિનાના જણાવ્યા મુજબ, માનવ શરીરને માટીમાં પરિવર્તિત કરવું આપણને યાદ અપાવે છે કે આપણે પ્રકૃતિનો જ એક ભાગ છીએ. પ્રાકૃતિક વિશ્વ સાથેના આપણા સંબંધમાં આ પરિવર્તન એક પર્યાવરણીય લાભ છે, જેની ગણતરી કરવી મુશ્કેલ છે, પરંતુ પૃથ્વીની દુર્દશા માટે મહત્ત્વપૂર્ણ છે.
કુદરતી કબ્રસ્તાન
શું કોઈ પણ ચીજને કૉમ્પોસ્ટ કરી શકાય? આ સવાલ મેં કેટરિનાને પૂછ્યો હતો, કારણ કે હું કેળાની છાલ જેવો જ અંત પામવાને યોગ્ય છું કે નહીં એ હું જાણવા ઇચ્છતો હતો. કેટરિનાએ જણાવ્યું હતું કે આ સવાલનો જવાબ મોટા ભાગે હા છે, પરંતુ હું ઈબોલા કે ટીબી જેવા ઘાતક રોગને લીધે અવસાન પામ્યો હોઉં તો તે શક્ય નથી, કારણ કે આ રોગજનકો ખાતર બનવાની પ્રક્રિયામાં વિખંડિત થતાં હોય એવું જોવા મળ્યું નથી.
કેટરિના આ પ્રક્રિયાનું વર્ણન કરતાં હતાં ત્યારે મને અહેસાસ થયો હતો કે કૉમ્પોસ્ટિંગના પાત્રમાં વસ્ત્રો સંભવતઃ આવકાર્ય નહીં હોય. તેમાં મૃતદેહને લિનન વડે ઢાંકી દેવામાં આવે છે અને મૃતકના પરિવારજનો ઑર્ગેનિક વૂડન ચિપ્સ, ઘાસ, ભૂસું, ફૂલો અને ફાડી નાખવામાં આવેલા પ્રેમપત્રો વડે પણ તેને ઢાંકી શકે છે.
કેટરિનાના કહેવા મુજબ, “એક મૃતકના કિસ્સામાં પરિવારજનો તેમના બગીચામાં પાકેલાં લાલ શિમલા મરચાં અને રીંગણી ડુંગળી લાવ્યાં હતાં. એ બહુ સુંદર હતું.”
મૃતદેહને પાત્રમાં મૂકવામાં આવે એ પછીની કામગીરી રિકમ્પોસ્ટની ટીમ સંભાળી લે છે. તેઓ લિનનનું કફન હટાવી નાખે છે, પરંતુ ફૂલ અને શાકભાજી હટાવતાં નથી. મારો પરિવાર પણ મારી અંતિમવિધિ આવી રીતે કરાવશે તેવી આશા હું રાખું છું. હું પાઈન કોનની બાસ્કેટ્સ, મશરૂમના ઢગલા અને ઘરમાંના મારા કેટલાક પ્રિય છોડવાની કલ્પના કરું છું.
આ બધું બહુ પાર્થિવ લાગે છે, પરંતુ એક અન્ય લો-કાર્બન વિકલ્પ પણ છે, જે એક અલગ તત્ત્વ – પાણીની આસપાસ કેન્દ્રિત છે. પાણીમાં અંતિમસંસ્કાર (જેને એક્વામેશન, આલ્કલાઇન હાઇડ્રોલિસિસ અથવા રિસોમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે) પણ પરંપરાગત અગ્નિસંસ્કારનો વિકલ્પ છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદને સમાપ્ત કરવામાં મદદરૂપ બનેલા આર્કબિશપ ડેસમન્ડ ટુટુએ આ વિકલ્પ પસંદ કર્યો હતો. અગ્નિસંસ્કારની સરખામણીએ તે વધુ નરમ અને સ્વચ્છ વિકલ્પ છે. તેમાં માત્ર 20 કિલોગ્રામ સીઓટુનું ઉત્સર્જન થાય છે.
ટ્રોફિમોવેઇટે કહ્યું હતું, “આ તફાવત બહુ મોટો છે. અગ્નિસંસ્કારની સરખામણીએ રિસોમેશનમાં ઉત્સર્જન મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.”
લગભગ 1,500 લિટર પાણીમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવીને તેને 302 ડિગ્રી ફેરનહાઈટ સુધી ગરમ કરવામાં આવે છે. માત્ર ચાર જ કલાકમાં માનવ શરીર જંતુરહિત પ્રવાહી બની જાય છે.
મુખ્યત્વે અમેરિકામાં છેલ્લાં 12 વર્ષમાં 20,000થી વધુ લોકોના અંતિમસંસ્કાર આ રીતે કરવામાં આવ્યા છે. બ્રિટનના સૌથી મોટા ફ્યુનરલ સર્વિસ પ્રોવાઇડર કો-ઓપ ફ્યુનરલ કેરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ વર્તમાન વર્ષના અંતમાં આ પ્રથાનો પ્રારંભ કરશે.
મૃતદેહના કૉમ્પોસ્ટિંગ માટેનો ખર્ચ?
પાણીમાં અંતિમસંસ્કારની ગતિ તેને એક પોસાણક્ષમ વિકલ્પ બનાવે છે. કો-ઓપ ફ્યુનરલ કેરનું અનુમાન છે કે તેનો ખર્ચ દાહસંસ્કાર જેટલો જ હશેઃ બેઝિક સપોર્ટ સાથે લગભગ 1,500 ડૉલર. તેમાં ફ્યુનરલ સર્વિસનો સમાવેશ થતો નથી. પ્રાકૃતિક દફનવિધિનો ખર્ચ પણ સમાન હોઈ શકે, પરંતુ વ્યક્તિગત દફનસ્થળ મુજબ તેનો ખર્ચ બહુ વધારે થતો હોય છે. મૃતદેહના કૉમ્પોસ્ટિંગ માટે 7,000 ડૉલરનો ખર્ચ થાય છે, જે બ્રિટનના સરેરાશ ખર્ચ (6,107 ડૉલર) કરતાં થોડો વધારે છે.
સમગ્ર નૉર્થ અમેરિકા, આયર્લૅન્ડ તથા બ્રિટનમાં વૉટર ક્રિમેશનનાં સાધનો વેચતી કંપની રિસોમેશનના સ્થાપક સેન્ડી સુલિવાન સાથે પણ મેં વાત કરી હતી. આ પદ્ધતિ એક પ્રકારના ગળવાની પ્રક્રિયા છે અને તેના વિશે મને કોઈ ખ્યાલ નથી, એવું મેં કહ્યું ત્યારે તેમણે ધીરજથી વાત સાંભળી હતી.
તેજસ્વી સફેદ પાવડર ભરેલી એક મોટી, ચોખ્ખી બેગ હાથમાં પકડીને તેમણે કહ્યું હતું, “આ સાથે માનવદેહનો અંત આવે છે. બાય ધ વે, આ લોટ છે.” મુદ્દો એ છે કે ફાઇનલ પ્રોડ્ક્ટ શુષ્ક, રાખ જેવી છે, જે મૃતકના પરિવારજનોને પાછી આપવામાં આવે છે. તેમાં યંત્ર વડે ક્રશ કરવામાં આવેલાં હાડકાંનો સમાવેશ થાય છે. શરીરની નરમ પેશીઓ પાણીમાં તૂટી જાય છે અને પાઇપ મારફત શુદ્ધીકરણ પ્લાન્ટમાં અદૃશ્ય થઈ જાય છે.
સુલિવાનના હાથમાંની હાડકાના લોટની બેગ ભૌતિક સ્મૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઘણા પરિવારો માટે બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. બ્રિટનની યુનિવર્સિટી ઑફ યોર્કના સેમેટરી રિસર્ચ ગ્રૂપના ડિરેક્ટર જુલી રગે કહ્યું હતું તેમ આ બાબત અંતિમસંસ્કાર વિશેની આપણી વિચારસરણીના કેન્દ્રમાં છે.
જુલીએ કહ્યું હતું, “મૃત્યુ સામે આપણે આશ્વાસન શોધીએ છીએ અને કેટલાક કિસ્સામાં શું ટકાઉ છે અને જે લોકોને સાંત્વન આપે છે, તેની વચ્ચે કેવો સંઘર્ષ થયો છે તે જોવાનું ખરેખર રસપ્રદ છે.” હાડકાંનો ભૂકો અને કૉમ્પોસ્ટનો થેલો આપણને કંઈક અંશે નક્કર સધિયારો આપવાની દિશામાં આગળ વધે છે.
અંતિમસંસ્કારના આ બધા વિકલ્પો વિશે જાણ્યા પછી મારા વિચાર ઇનમેન-કૂક સાથે થયેલી વાતચીત તરફ પાછા ફરે છે. હું કોઈ ઘંટડી, સીટી, પાત્ર કે ચેમ્બર વિનાની પ્રાકૃતિક દફનવિધિની સાદગીથી હું પ્રભાવિત થયો છું. મને એ જાણીને આનંદ થયો કે પોતાના વૈજ્ઞાનિક વિશ્લેષણ દરમિયાન જે કંઈ શીખ્યાં તેના આધારે ટ્રોફિમોવેઇટ આ નિષ્કર્ષ પર પહોંચ્યાં છે. તેમણે કહ્યું હતું, “પ્રાકૃતિક અંત્યેષ્ટિ સૌથી વધુ આકર્ષક હોય છે. હું શક્ય હશે ત્યાં સુધી એ પસંદ કરીશ.” જોકે, કોઈ નિશાની વિનાની પ્રાકૃતિક અંત્યેષ્ટિ, રગે આપેલા આદર્શ ઉદાહરણની દ્યોતક છે.
“કોઈ કહે છે કે આ સુંદર ઘાસના મેદાનમાં દફન થવાનો વિચાર તેમને પસંદ છે, પરંતુ તેઓ કબર પર કશું રાખી શકતા નથી,” એમ રગે કહ્યું હતું.
તેમણે એક કુદરતી દફન સ્થળે બનાવવામાં આવતા ગુપ્ત બગીચાનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં એક પરિવારના સભ્યે પોતાના મૃત પ્રિયજનની કબરની આસપાસ ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેને ગુપ્ત રીતે ચિહ્નિત કરવાનો પ્રયાસ કર્યો હતો. રગે કહ્યું હતું, “તેમાં આપણું નુકસાન વિશેષ છે એ સમજવું જરૂરી છે. આપણે ટકાઉપણા વિશે વિચારવું પડશે, જે હજુ પણ આશ્વાસનરૂપ છે.”
મને લાગે છે કે તેનો જવાબ ‘વિશેષ’નો અર્થ શું થઈ શકે તેના પર નિર્ભર છે. રગે કહ્યું હતું તેમ “સ્મારક ઉદ્યાનમાં ઠેકઠેકાણે તકતીઓ લગાડી શકાય નહીં. આપણે મૃતકોના અદૃશ્ય થઈ જવાનો વિરોધ કરીએ છીએ અને વાસ્તવમાં આપણે અપેક્ષા કરતાં ઓછું સાંત્વન પ્રાપ્ત કરીએ છીએ.”
આ વાતચીતમાંથી મને એક વાત સ્પષ્ટ સમજાઈ છે. મારા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે તે મને ગમશે નહીં, પરંતુ સૌથી વધુ મહત્ત્વનું એક કામ હું કરી શકું તો તે એ હશે કે જમીનના એકેય ટુકડા પર હું માલિકીનો દાવો નહીં કરું. મને આશા છે કે સમગ્ર પરિદૃશ્ય સાથે હું વધારે ખુશ રહીશ એ જાણીને મારા પરિવારજનોને સાંત્વન મળશે. હું જંગલ બની શકું તેમ હોઉં તો એક વૃક્ષ શા માટે બનું?