You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્યા પછી તરત કેમ ન ઊંઘવું જોઈએ, સતત ઍસિડિટી રહેતી હોય તો શું કરવું?
- લેેખક, ઓંકાર કરંબેલકર
- પદ, બીબીસી ન્યૂઝ
"જો હું આ ખાઇશ તો મને ઍસિડિટી થઈ જશે" અને "મારે ઍસિડિટીની ગોળી લેવાની છે" જેવી વાતો વારંવાર આપણા કાને પડે છે. પરંતુ જો તમારે વારંવાર આવા શબ્દોનો ઉપયોગ કરવો પડતો હોય, તો તેની ઉપર ધ્યાન આપવું રહ્યું.
બદલતી જતી દીનચર્યા, બેઠાડું જીવન, કસરતનો અભાવ તથા પ્રોસેસ્ડ ફૂડને કારણે થતી આરોગ્યલક્ષી સમસ્યાઓ દિવસે-દિવસે વધી રહી છે અને ઍસિડિટી તેમાંની એક છે.
કેટલાક લોકોને લાગે છે કે જમ્યા પછી ઓડકાર, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, મોઢામાં ખટાશ આવવી એ સામાન્ય બાબત છે.
જો તમને જમ્યા પછી દિવસમાં અનેક વાર અથવા તો અઠવાડિયામાં ત્રણથી ચાર વખત છાતીમાં બળતરા થતી હોય, તો તે 'ઍસિડિટી' માત્ર નથી, પરંતુ GERD એટલે કે ગૅસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસીઝ હોય શકે છે.
લાઇફસ્ટાઇલમાં આવેલા ધરખમ ફેરફારો, મોડી રાત્રે જમવાનું, ફાસ્ટફૂડ, વજન વધારો અને સતત તણાવને કારણે GERD થવાની શક્યતા વધી જતી હોય છે.
ઘણા લોકો દ્વારા તેની અવગણના કરવામાં આવે છે, પરંતુ જો આના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો અન્નનળીમાં સોજો, અલ્સર (ચાંદા), બૅરેટ્સ ઇસોફેગસ અને આગળ જતાં કૅન્સર થવાનું જોખમ પણ રહે છે.
આથી સામાન્ય ઍસિડિટી અને GERD વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. જેથી કરીને સમયસર તેનાં લક્ષણો ઉપર ધ્યાન આપીને યોગ્ય સારવાર હાથ ધરી શકાય.
આ અહેવાલમાં આપણે GERD શું છે, તે થવાનાં કારણો, ઓળખી શકાય તેવાં ચિહ્નો, નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલી ટ્રીટમેન્ટ તથા ભારતમાં ઉપલબ્ધ અત્યાધુનિક ટૅક્નૉલૉજી વિશે વાત કરીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્ટબર્ન એટલે શું?
હાર્ટબર્ન એટલે છાતીમાં થતી બળતરા. જ્યારે અમ્લ ઉપર આવીને અન્ન નળી સુધી પહોંચે, ત્યારે તે ખૂબ જ કષ્ટદાયક બની જતું હોય છે. પેટનો અમ્લ જ્યારે ગળા સુધી આવી જાય, તેને ઍસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે.
છાતીમાં બળતરા મોઢામાં કડવો કે ખાટો સ્વાદ આવવો એ ઍસિડ રિફ્લક્સના ખૂબ જ દેખીતાં ચિહ્નો છે.
આને કારણે મોઢા કે ગળામાં બળતરા, અસહજતા કે ખટકવા જેવું લાગી શકે છે. કેટલાક લોકોને વારંવાર હેડકી, ઉધરસ, મોઢામાંથી વાસ, પેટ ભારે ભારે લાગવું, ઊલટી કે શ્વાસ લેતી વખતે ગળામાંથી અવાજ આવવો જેવાં લક્ષણો જોવા મળી શકે છે.
જો ક્યારેક-ક્યારેક આવી ફરિયાદ થતી હોય, તો તે સ્વાભાવિક બાબત છે. પરંતુ જો આવું વારંવાર થતું હોય, તો તેને ગૅસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિસીઝ કે GORD કહેવામાં આવે છે.
જમ્યા પછી આ સમસ્યા ખૂબ જ વકરી જતી હોય છે. ખાસ કરીને જમ્યા પછી તરત આડા પડખે થનાર, ઊંઘી જનારકે કામ કરતી વેળાએ નમતી વખતે આ સમસ્યા વકરી જતી જોવા મળે છે. કારણ કે આ સંજોગોમાં પેટનો ઍસિડ ઉપર આવવા લાગે છે.
કૉફી, મસાલેદાર તીખું કે તૈલી ખોરાક, ચૉકલેટ કે શરાબને કારણે તેનો પ્રકોપ શરૂ થઈ શકે છે.
મેદસ્વીતા, ધૂમ્રપાન, તણાવ તથા પ્રેગનન્સીને કારણે પેટ ઉપર દબાણ વધે છે, જેના કારણે ઍસિડ રિફ્લક્સ થવાની શક્યતા વધી જતી હોય છે. ક્યારેક પ્રોજેસ્ટેરૉન અને ઇસ્ટ્રૉજન જેવા હૉર્મોન પણ તેના માટે કારણભૂત હોય છે.
આઇબ્રૂફેન જેવી સોજો ઉતારનારી કેટલીક દવાઓ પણ પેટના અંદરના ભાગમાં બળતરા કરી શકે છે, જેના કારણે ઍસિડ રિફ્લક્સ વધી જાય છે.
હાયટસ હર્નિયામાં પેટનો ઉપરનો ભાગ છાતીના પોલાણ તરફ ધકેલાય છે, જેના કારણે પણ સમસ્યા થાય છે. પેટમાં અલ્સર કે ઇન્ફૅક્શન (H. pylori) થવાથી પણ શરીરમાં ઍસિડનું સંતુલન ખોરવાઈ જાય છે.
સામાન્યતઃ લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. આમ છતાં જો સતત અને ભારે સમસ્યા રહેતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અથવા પેટના ઍસિડને કારણે અન્નનળીને નુકસાન થઈ શકે છે.
GERD એટલે શું તથા ઍસિડિટીથી કઈ રીતે અલગ?
જો સતત ઍસિડિટી રહેતી હોય તો તબીબી સલાહ લઈને તેનું નિદાન કરાવવું જોઈએ, જેથી કરીને યોગ્ય સારવાર શરૂ થઈ શકે. આમ છતાં ક્યારેક ઊંડાણપૂર્વક તપાસ અને ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે.
GERD અને ઍસિડિટી વચ્ચે શું તફાવત છે, તેના વિશે માહિતી મેળવવા માટે અમે મુંબઈસ્થિત કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલ ગૅસ્ટ્રોએન્ટ્રૉલૉજિસ્ટ ડૉ. દત્તારામ સોલંકે સાથે વાત કરી.
ડૉ. સોલંકે જણાવે છે, " GERD કે ગૅસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ લાંબા ગાળાની બીમારી છે, જેમાં પેટનો ઍસિડ વારંવાર અન્નનળી સુધી પાછો ઠેલાય છે. જ્યારે અન્નનળીના નીચેના ભાગે આવેલા વાલ્વ ઇસોફેગલ સ્ફિકંટર નબળો કે ઢીલો પડી જાય, ત્યારે આમ થાય છે."
ડૉ. સોલંકે ઉમરે છે ,"ખૂબ જ વધુ જમ્યા પછી ક્યારેક છાતીમાં બળતરા થવી એ સામાન્ય બાબત છે અને મોટાભાગે તે ચિંતાજનક નથી હોતી. પરંતુ GERDમાં આ લક્ષણ સતત કે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર જોવા મળે છે."
બંને વચ્ચેના તફાવત વિશે આગળ વાત કરતા ડૉ. સોલંકે કહે છે, "વધુ પડતું કે ભારે ખાવાથી કે મસાલેદાર ખાવાથી જે ઍસિડિટી થાય, તે સામાન્ય ઍન્ટાસિડ લેવાથી શમી જાય છે અને તે વારંવાર પરત નથી આવતી. બીજી બાજુ, GERDનાં લક્ષણ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત જોવા મળે છે."
આનાં લક્ષણ મોટાભાગે રાત્રે જોવા મળે છે અને તેના કારણે ઊંઘમાંથી જાગી જવું પડે, એટલી ગંભીર હોય શકે છે. તેના કારણે ખોરાક ગળવામાં તકલીફ, જમવાની અરુચિ કે ધીમું પાચન પણ થઈ શકે છે.
"જો વજન ઘટે, વારંવાર ઊલ્ટી થવી, કાળો મળ કે છાતીમાં સતત દુખાવો થતો હોય, તો તત્કાળ તબીબી માર્ગદર્શન મેળવવું."
નવી મુંબઈસ્થિત આરોગ્યધામ નર્સિંગ હોમના ડૉ. ઉસ્માન માપકર કહે છે કે બદલાતી જતી લાઇફસ્ટાઇલને કારણે આ સમસ્યા વકરી રહી છે.
માપકર અવલોકે છે, "આધુનિક જીવનશૈલી, તણાવભર્યા જીવન તથા ખાણીપીણીમાં બદલાવને કારણે ભારતમાં GERDના કેસોની સંખ્યા વધી રહી છે."
"તૈલી, મસાલેદાર કે પ્રોસેસ્ડ ફૂડ, જાડાપણું, બેઠાડું જીવનશૈલી, મોડી રાત્રે ઊંઘવું જેવી આદતોને કારણે આ સમસ્યા વકરી રહી છે. સ્મૉકિંગ, શરાબ પીવાને કારણે, દર્દશામકોનો વપરાશ પણ વધ્યો છે."
કોણે સર્જરી કરાવડાવી પડે?
ડૉ. ઉસ્માન માપકર કહે છે, "કોઈ દેખીતાં ચિહ્ન ન હોવા છતાં કેટલાક લોકોમાં GERDને કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. તેમાં અન્નનળીને લગતી જટિલતાઓ ઊભી થઈ શકે છે. જેમાં અન્નનળી સાંકડી થઈ જવી, બૅરેટ્સ ઇસોફોગસ કે કૅન્સર પણ સામેલ છે."
શું આ બીમારી માટે સર્જરી કરાવવાની જરૂર પડે? તેવા સવાલના જવાબમાં ડૉ. દત્તારામ સોલંકે કહે છે, "જે દર્દીઓની ઉપર દવાની અસર ન થાય અથવા જે પેશન્ટ લાંબા સમય સુધી દવા ન લેતા હોય, તેમના માટે સર્જરીનો વિકલ્પ અજમાવવો પડી શકે છે."
જીવનશૈલીમાં ફેરફાર કરવા છતાં કે જે દર્દીઓની ઉપર દવાઓની પૂરતી અસર ન થતી હોય, અથવા જેઓ લાંબા સમય સુધી દવા લેવા માંગતા ન હોય, તેમના માટે સર્જરીનો વિકલ્પ વિચારવામાં આવે છે.
લૅપ્રોસ્કોપિક ફંડોપ્લિકેશન અથવા મર્યાદિત ઍન્ડોસ્કોપિક ટૅક્નિક દ્વારા લોઅર ઇસોફેગલ સ્ફિંકટરને મજબૂત કરવામાં મદદ મળી શકે છે.
"ઍન્ડોસ્કોપી અથવા pH સ્તરને મૉનિટર દ્વારા યોગ્ય નિદાન કરીને સર્જરીની ભલામણ કરવામાં આવે છે."
જોભોજન, સારવાર, દવા, કસરત કે દીનચર્યામાં મોટા ફેરફાર કરવા માંગતા હો, તો નિષ્ણાત તબીબ કે ક્વૉલિફાઇડ ટ્રેઇનરની મદદ લેવી જોઈએ.
જે તમને શરીર તથા લક્ષણોની પૂરતી તપાસ કરીને શું-શું ફેરફાર કરવા જોઈએ, તેના વિશે સલાહ આપશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન