You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવાઝોડા 'મોંથા'ને કોણે નામ આપ્યું, દરિયાઈ તોફાનોનું નામકરણ કેવી રીતે કરાય છે?
બંગાળની ખાડીમાં પશ્ચિમ-મધ્ય ભાગમાં ઉત્પન્ન થયેલાં તોફાન 'મોંથા'એ ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મંગળવારે રાત્રે તેણે અનુમાનિત માર્ગ મુજબ, મછલીપટ્ટનમ અને કાકીનાડાની વચ્ચે લેન્ડફૉલ કર્યું હતું.
મંગળવારે સવારે કરવામાં આવેલી સમીક્ષામાં મોંથાએ ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યું, એ પછી તે 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં કિનારા તરફ આગળ વધતું રહ્યું.
આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમથી 190 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તથા કાકીનાડાથી 270 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તથા વિશાખાપટ્ટનમથી 340 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી હતી. બીજી બાજુ, નાયડુએ ચક્રવાત મોંથાને પગલે જે સ્થાનોએ વધુ વરસાદ વરસી શકે છે અથવા પૂર આવવાની શક્યતા છે, ત્યાં વધુ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપી છે.
ત્યારે જાણીએ કે સાઇક્લોન મોંથા નામ કેવી રીતે પડ્યું તથા તેનો અર્થ શું થાય?
મોંથા ચક્રવાતનું નામ કેવી રીતે પડ્યું અને કોણ નામ આપે?
ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશો દ્વારા ચક્રવાતોને આપવાનાં નામોની યાદી અગાઉથી આપવામાં આવે છે, જેના આધારે નામકરણ કરવામાં આવે છે. આ મોંથા નામનું સૂચન થાઇલૅન્ડે કર્યું હતું. જે ઉત્તર હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતોનાં નામો માટે ફાળો આપનારા 13 દેશોમાંથી એક છે.
'મોંથા'નો મતલબ 'સુંદર કે સુગંધી ફૂલ' એવો થાય છે.
એશિયા અને પ્રશાંત વિસ્તાર માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક કમિશન (ઈએસસીએપી) અને વિશ્વ ઋતુ સંગઠન (ડબ્લુએમઓ) દ્વારા 2000ની સાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે નામ આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંતર્ગત બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશોના એક જૂથ દ્વારા બંગાળની ખાડી અને આરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે 13 નામોની યાદી સોંપવામાં આવી હતી.
2018માં આ જૂથમાં ઈરાન, કતાર, સઉદી આરબ, સંયુક્ત આરબ અમીરાત અને યમન પણ જોડાઈ ગયાં. આ પેનલ ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે.
આ દેશો દ્વારા સૂચવવામાં આવતાં નામોની યાદી દેશોનાં નામોની વર્ણમાળા પ્રમાણે બનાવાવમાં આવે છે. આ યાદીની શરૂઆત બાંગ્લાદેશથી થાય છે.
જે બાદ ભારત, ઈરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનનું નામ આવે છે.
આ ક્રમ પ્રમાણે ચક્રવાતનું નામ રાખવામાં આવે છે.
એપ્રિલ 2020માં નવાં નામો ધરાવતી યાદીને સભ્ય દેશો દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હતી.
વાવાઝોડાને નામ આપવા પાછળનો હેતુ
સમગ્ર વિશ્વમાં છ ખાસ ઋતુ કેન્દ્ર છે અને પાંચ વાવાઝોડાં માટે ચેતવણી કેન્દ્ર છે. આ કેન્દ્રોનું કામ વાવાઝોડાં સંબંધિત દિશાસૂચનો બહાર પાડવાનું અને તેમનાં નામ રાખવાનું છે.
છ ખાસ ઋતુ કેન્દ્રોમાં એક ભારતીય મોસમ વિભાગ પણ છે, જે વાવાઝોડાં અને આંધી માટે ઍડ્વાઇઝરી બહાર પાડે છે.
નવી દિલ્હી ખાતે આવેલા આ કેન્દ્રનું કામ ઉત્તર હિન્દ મહાસાગરમાં સર્જાતા તોફાનોનું નામ રાખવાનું પણ છે. ઉત્તર હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડી અને આરબ સાગર સામેલ છે.
ચક્રવાતનું નામ રાખવાના કારણે વૈજ્ઞાનિકો, આપદા પ્રબંધકો, મીડિયા અને સામાન્ય લોકોને દરેક ચક્રવાતને જુદી-જુદી રીતે ઓળખવામાં મદદ મળે છે.
નામ આપવાથી જાગરુકતા ફેલાવવામાં પણ સરળતા રહે છે.
2000ના વર્ષે મસ્કતમાં યોજાયલા ઈએસસીએપી અને ડબ્લુએમઓના 27મા સંમેલન બાદ વાવાઝોડાંનાં નામો રાખવા માટે બધા દેશો સૈદ્ધાંતિક રીતે તૈયાર થયા અને 2004ના સપ્ટેમ્બર મહિનામાં સભ્ય દેશો વચ્ચે લાંબી મંત્રણા બાદ આનો આરંભ કરવામાં આવ્યો હતો.
આઠ દેશોએ સૂચવેલી યાદીમાં છેલ્લું નામ અમ્ફનનું હતું. જે બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યું હતું અને પશ્ચિમ બંગાળ તથા ઓડિશામાં તારાજી ફેલાવી હતી.
2018માં ઈએસસીએપી અને ડબ્લુએમઓના 45મા સંમેલનમાં વાવાઝોડાંનાં નામો ધરાવતી નવી યાદી તૈયાર કરવામાં આવી. આમાં પાંચ નવા સભ્ય દેશો દ્વારા સૂચવવામાં આવેલાં નામો પણ હતાં.
આ દેશો છે ઈરાન, કતાર, સાઉદી આરબ, સંયુક્ત આરબ અમિરાત અને યમન, હવે 13 સભ્યો થઈ ગયા છે.
આ સંમેલનમાં ભારતીય મોસમ વિભાગના ડૉ. મૃત્યુંજય મહાપાત્રાને અલગ-અલગ દેશો વચ્ચે સંકલન કરવાની જવાબદારી આપવામાં આવી હતી, જેથી બધા નિયમોનું પાલન કરીને વાવાઝોડાંનાં નામકરણ થઈ શકે.
તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટને મ્યાન્મારમાં યોજાયલા 46મા સંમેલનમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વિચાર બાદ રિપોર્ટને એપ્રિલ 2020માં મંજૂર કરવામાં આવ્યો હતો.
નામકરણ કરતી વખતે કયાં માપદંડોનો ખ્યાલ રાખવામાં આવે છે?
જે નામ સૂચવવામાં આવ્યું હોય તે કોઈ પણ રાજકીય પાર્ટી, વ્યક્તિ, ધર્મ, સંસ્કૃતિ અને લિંગના આધારે ન હોવું જોઈએ.
નામ એવું હોવું જોઈએ, જેનાથી કોઈ જૂથ અથવા સમૂહની લાગણી ન દુભાય.
નામ બહુ ક્રૂર અને લાગણીવિહોણું ન હોવું જોઈએ.
ટૂંકું અને સરળતાથી બોલી શકાય તેવું નામ હોવું જોઈએ અને કોઈ પણ સભ્ય દેશો માટે અપમાનજનક ન હોવું જોઈએ.
અંગ્રેજીનાં માત્ર આઠ અક્ષરોવાળું હોવું જોઈએ.
સૂચવવામાં આવતું નામ ઉચ્ચારણ અને વૉઇસ-ઑવર સાથે હોવું જોઈએ.
જો કોઈ નામ માપદંડ પ્રમાણે ન હોય તો પેનલ પાસે નામ રદ કરવાની સત્તા છે.
કોઈ પણ વાંધો હોય તો વાર્ષિક સંમેલનમાં પેનલની મંજૂરી સાથે નક્કી કરવામાં આવેલાં નામોની સમીક્ષા કરી શકાય છે.
એક નામનો ફરી ઉપયોગ કરી ન શકાય, એટલા માટે દર વખતે નવું નામ હોવું જોઈએ. જે નામ સૂચવવામાં આવે છે તે ભારતીય મોસમ વિભાગની સાથે બીજાં કોઈ પણ મોસમ કેન્દ્રમાં નોંધાયલું ન હોવું જોઈએ.
2004માં આઠ દેશોએ જે યાદી તૈયાર કરી હતી, તેમાં સામેલ નામો અમ્ફન વાવાઝોડું આવતાં સુધી પૂર્ણ થઈ ગયાં હતાં.
ભારતીય મોસમ વિભાગના ડિરેક્ટર જનરલ કહે છે કે ઉત્તર હિન્દ મહાસાગરમાં દર વર્ષે પાંચ ચક્રવાત સર્જાય છે અને તે હિસાબે આવનારાં 25 વર્ષો સુધી જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં સામેલ નામોથી કામ ચાલી જશે.
નવી યાદીમાં દરેક દેશે 13 નામો આપ્યાં છે: અર્નબ (બાંગ્લાદેશ), શાહીન અને બહાર (કતeર), લુલુ (પાકિસ્તાન) અને પિંકુ (મ્યાંમાર).
ભારત દ્વારા સૂચવવામાં આવેલાં નામો: ગતિ, તેજ, મુરાસુ (તામિલનું એક વાદ્યયંત્ર), આગ, નીર, પ્રભાંજન, ઘુરની, જલાધિ અને વેગા.
તોફાન અને ચક્રવાતમાં શું અલગ છે?
દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં ઊઠતાં તોફાનને ચક્રવાતનાં નામે ઓળખવામાં આવે છે.
ઉત્તર એટલાન્ટિક, મધ્ય-ઉત્તર પ્રશાંત અને પૂર્વ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં ક્ષેત્રમાં આની માટે હરિકેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આને ટાઇફૂન કહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન