એમએસ સ્વામીનાથન : એ વૈજ્ઞાનિક જેમણે 'ચમત્કાર' કરીને ભારતને ભૂખમરાથી બચાવ્યું

    • લેેખક, સુધા જી તિલક

1965ની વાત છે. એ રવિવારનો દિવસ હતો.

દિલ્હીની બહારના વિસ્તારના એક નાનકડા ગામમાં એક મહેનતુ ખેડૂતે ખેતી માટે કામ કરનાર એક વૈજ્ઞાનિક તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, "ડૉક્ટરસાહેબ, અમે તમારાં બિયારણ અપનાવીશું."

એ વૈજ્ઞાનિક હતા એમએસ સ્વામીનાથન; જેમને પછીથી ટાઇમ મૅગેઝિને 'હરિત ક્રાંતિના ગૉડફાધર' કહ્યા અને તેમની મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરની સાથે 20મી સદીના ભારતના સૌથી પ્રભાવશાળી લોકોમાં ગણના કરી.

જ્યારે સ્વામીનાથને એ ખેડૂતને પૂછ્યું કે તેઓ વધુ ઊપજવાળા ઘઉંને અપનાવવા કઈ રીતે પ્રેરાયા?

તો ખેડૂતે જવાબ આપ્યો કે, જે વ્યક્તિ રવિવારના દિવસે આ ખેતરથી પેલા ખેતરમાં ફરતા રહે છે, તે પોતાના લાભ માટે નહીં પરંતુ સિદ્ધાંતો માટે કામ કરે છે – અને આ જ વાત ભરોસો અપાવવા માટે પૂરતી હતી.

ખેડૂતનો એ વિશ્વાસ ભારતનું નસીબ બદલવાનો હતો.

ઘઉં ન ખાવા નહેરુની અપીલ

પ્રિયંવદા જયકુમારે સ્વામીનાથનના નવા જીવનચરિત્ર 'ધ મૅન હૂ ફેડ ઇન્ડિયા'માં જણાવ્યું છે કે સ્વામીનાથનનું જીવન ભારતની ખાદ્યાન્ન બાબતમાં આત્મનિર્ભરતાની છલાંગની કહાણી છે, જેમણે માત્ર ભારત જ નહીં, પરંતુ આખા એશિયાની ખાદ્ય સુરક્ષાની વિચારધારા બદલી નાખી.

ઘણાં વર્ષોની સંસ્થાનવાદી નીતિઓએ ભારતમાં ખેતીને અતિશય ખરાબ સ્થિતિમાં લાવી દીધી હતી. ઓછી ઊપજ, ઉજ્જડ જમીન અને દેવામાં ડૂબેલા અથવા ભૂમિહીન કરોડો ખેડૂતો અહીં કૃષિક્ષેત્રની મોટી સમસ્યા હતાં.

1960ના દાયકાના મધ્ય સુધી એક ભારતીય દરરોજ સરેરાશ માત્ર 417 ગ્રામ ભોજન પર જીવતો હતો અને અમેરિકાના ઘઉંની અનિયમિત આયાત પર નિર્ભર હતો. એ સમયે અનાજનાં જહાજોની રાહ જોવી તે એક રાષ્ટ્રીય સંકટ બની ગઈ હતી.

સ્થિતિ એટલી ગંભીર હતી કે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ લોકોને ઘઉંની જગ્યાએ શક્કરિયાં ખાવાની અપીલ કરી હતી, જ્યારે ચોખા જેવી ભોજનની મુખ્ય વસ્તુની પણ ગંભીર અછત હતી.

હરિત ક્રાંતિએ ખાલી ખેતરોને સોનેરી પાકોમાં ફેરવી નાખ્યાં. થોડાંક જ વર્ષમાં દેશમાં ઘઉંની ઊપજ બે ગણી થઈ ગઈ અને દુકાળપીડિત એક દેશને એશિયાની ખાદ્યશક્તિમાં બદલી નાખ્યો.

એ વિજ્ઞાન હતું, જે લોકોનું જીવન બચાવવા માટે કામ કરતું હતું અને સ્વામીનાથને તેનું નેતૃત્વ કર્યું હતું.

બંગાળના દુકાળની અસર

1925માં તામિલનાડુના કુંભકોણમમાં જન્મેલા સ્વામીનાથન એક જમીનદાર ખેડૂત પરિવારમાં ઊછર્યા હતા, જ્યાં શિક્ષણ અને સેવાને મહત્ત્વ અપાતું હતું.

તેમની પાસેથી એવી આશા રખાતી હતી કે તેઓ મેડિકલનો અભ્યાસ કરશે, પરંતુ 1943માં બંગાળમાં આવેલા ભયાનક દુકાળે તેમને હચમચાવી મૂક્યા.

એ દુકાળમાં 30 લાખ કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

તેમણે પોતાનું જીવનચરિત્ર લખનાર પ્રિયંવદા જયકુમારને કહ્યું, "મેં એવું નક્કી કર્યું કે હું એવો વૈજ્ઞાનિક બનીશ, જે 'વધુ સારા' પાકો વિકસિત કરે, જેનાથી આપણને વધુ ભોજન મળી શકે. જો દવા થોડાક લોકોનો જીવ બચાવી શકે છે, તો ખેતી લાખોનો જીવ બચાવી શકે છે."

તેમણે પ્લાન્ટ જિનેટિક્સમાં પીએચ.ડી. કર્યું, કૅમ્બ્રિજમાં અભ્યાસ કર્યો, પછી નેધરલૅન્ડ્સ અને ફિલિપાઇન્સની આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ)માં કામ કર્યું.

મૅક્સિકોમાં તેઓ અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક અને નોબલ પુરસ્કાર વિજેતા નૉર્મન બોરલૉગને મળ્યા, જેમની વધુ ઊપજ આપનારી નાના ઘઉંની જાતો હરિત ક્રાંતિનો પાયો બની.

1963માં સ્વામીનાથને બોરલૉગને ભારત માટે ઘઉંની જાતો મોકલવા મનાવી લીધા.

ત્રણ વર્ષ પછી ભારતે આખા દેશમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવા 18,000 ટન બિયારણની આયાત કરી.

સ્વામીનાથને એ બિયારણને ભારતીય પરિસ્થિતિઓ અનુસાર ઢાળ્યાં અને એવી જાતો વિકસાવી જે સ્થાનિક ઘઉંની તુલનાએ બેથી ત્રણ ગણી વધુ ઊપજ આપતી હતી. આ જાતો બીમારીઓ અને જીવાતો સામે પણ કારગત હતી.

ખેડૂતોને સમજાવવા આસાન નહોતા

જયકુમારે લખ્યું છે કે એ સમયે બિયારણની આયાત કરવી અને તેને આખા દેશમાં મોકલવાનું કામ સરળ નહોતું.

એ જમાનામાં અધિકારીઓ વિદેશી બિયારણ પર નિર્ભર થવાથી ડરતા હતા. શિપિંગ અને કસ્ટમમાં મોડું થતું હતું અને ખેડૂતો મોટા ઘઉંની પોતાની પારંપરિક જાતોને છોડવા નહોતા માગતા.

સ્વામીનાથને આ પડકારોનો આંકડા, વાતચીત અને વ્યક્તિગત પ્રયાસોથી સામનો કર્યો. તેઓ પોતાના પરિવારની સાથે જાતે ખેતરોમાં ગયા અને સીધા ખેડૂતોને બિયારણ આપ્યાં.

પંજાબમાં તો તેમણે કેદીઓ પાસે બિયારણનાં પૅકેટ તૈયાર કરાવ્યાં, જેથી વાવણીની ઋતુમાં તેને ઝડપથી વહેંચી શકાય.

મૅક્સિકન ઘઉં નાના અને લાલ રંગના હતા, પરંતુ સ્વામીનાથને ભારતમાં રોટલી અને નાનની લોકપ્રિયતાને જોતાં સોનેરી રંગની જાતો વિકસાવી. આ જાતો હતી – કલ્યાણ સોના અને સોનાલિકા.

ચાર વર્ષમાં જ ચમત્કાર

ઘઉંની આ જાતોએ પંજાબ અને હરિયાણાને ભારતના અન્ન ભંડાર બનાવી દીધા. સ્વામીનાથનના પ્રયોગોની મદદથી ભારત ટૂંક સમયમાં જ ખાદ્યાન્નની બાબતમાં આત્મનિર્ભર બની ગયું.

1971 એટલે કે ચાર વર્ષમાં જ દુકાળના સંકટ સામે ઝઝૂમી રહેલા દેશમાં અનાજના સરપ્લસ ઉત્પાદનની આ સફર એક ચમત્કાર હતી.

જયકુમાર અનુસાર, સ્વામીનાથનનું મૂળ દર્શન હતું – "પહેલાં ખેડૂત."

સ્વામીનાથને જયકુમારને કહ્યું, "શું તમે જાણો છો કે ખેતી પણ એક પ્રયોગશાળા છે? અને ખેડૂત ખરો વૈજ્ઞાનિક છે? તેઓ મારા કરતાં પણ વધારે જાણે છે."

તેઓ કૃષિ વૈજ્ઞાનિકોને કહેતા હતા કે ઉપાય બતાવતાં પહેલાં ખેડૂતોની વાત સાંભળવી જરૂરી છે.

તેઓ અઠવાડિયાના અંતમાં ગામડાંઓમાં જતા, માટીનો ભેજ, બિયારણની કિંમત અને જીવાતો વિશે ખેડૂતોની સાથે વાત કરતા.

ઓડિશામાં તેમણે આદિવાસી મહિલાઓની સાથે મળીને કામ કર્યું અને ડાંગરની જાતોમાં સુધારો કર્યો.

તામિલનાડુના સૂકા વિસ્તારોમાં તેમણે ખારાપાટને સહન કરી શકે તેવા પાકોને પ્રોત્સાહન આપ્યું.

પંજાબમાં તેમણે જમીનદારોને કહ્યું કે માત્ર વિજ્ઞાન જ ભૂખને ખતમ નથી કરી શકતું. "વિજ્ઞાને કરુણાની સાથે ચાલવું જોઈએ."

સ્વામીનાથન ભારતીય ખેડૂતોની મુશ્કેલીઓથી સંપૂર્ણ વાકેફ હતા.

2004થી 2006 સુધી તેઓ રાષ્ટ્રીય કિસાન આયોગના અધ્યક્ષ રહ્યા અને પાંચ રિપોર્ટ તૈયાર કર્યા.

તેમાં ખેડૂત સંકટ અને આત્મહત્યાઓનાં મૂળ શોધવામાં આવ્યાં અને આખા દેશ માટે એક રાષ્ટ્રીય કિસાન નીતિની ભલામણ કરવામાં આવી.

98 વર્ષની ઉંમરે પણ તેઓ ખેડૂતો સાથે ઊભા રહ્યા – તેમણે પંજાબ અને હરિયાણામાં વિવાદાસ્પદ કૃષિ સુધારા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યું.

ઘણા દેશો સુધી સ્વામીનાથનની અસર

1980ના દાયકામાં તેઓ આઇઆરઆરઆઇના પ્રથમ ભારતીય ડાયરેક્ટર જનરલ બન્યા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ ઊપજ આપતી ડાંગરનો વિસ્તાર કર્યો. તેનાથી ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ફિલિપાઇન્સમાં ઉત્પાદન વધ્યું.

મલેશિયાથી ઈરાન સુધી અને ઇજિપ્તથી તાંઝાનિયા સુધી તેમણે સરકારોને સલાહ આપી.

તેમણે કંબોડિયાની રાઇસ જીન બૅન્કને ફરીથી તૈયાર કરવામાં મદદ કરી. ઉત્તર કોરિયાઈ મહિલા ખેડૂતોને તાલીમ આપી, ઇથિયોપિયાના દુકાળમાં આફ્રિકન કૃષિ વૈજ્ઞાનિકોને મદદ કરી અને આખા એશિયામાં ઘણી પેઢીઓને માર્ગદર્શન આપ્યું.

સ્વામીનાથનના કાર્યે ચીનમાં ડાંગરની ખૂબ ઊંચી જાત તૈયાર કરવામાં મદદ કરી, તેમણે આફ્રિકાના ગ્રીન રિવૉલ્યૂશનમાં પણ મદદ કરી.

સ્વામીનાથન 1987માં વિશ્વ ખાદ્ય પુરસ્કારના પહેલા વિજેતા બન્યા અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ભૂખને ખતમ કરવામાં યોગદાન આપવા બદલ તેમને 'લિવિંગ લિજેન્ડ' કહીને સન્માનિત કર્યા.

ચેન્નઈસ્થિત એમએસ સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી તેમણે પછીથી જૈવ વિવિધતા, સમુદ્રતટોના પુનઃસ્થાપન (કોસ્ટલ રેસ્ટોરેશન) અને 'ગરીબો, મહિલાઓ અને પ્રકૃતિના હિત'ના વિકાસ મૉડલને પ્રોત્સાહન આપ્યું.

સફળતાની સાથે પડકારો પણ

હરિત ક્રાંતિ પછી વધારે પ્રમાણમાં ખેતીના કારણે ભૂગર્ભજળ (ગ્રાઉન્ડ વોટર) પર ઘણી વિપરીત અસર થઈ, માટી બગડી અને કીટનાશકોથી પ્રદૂષણ ફેલાયું.

તેની સાથે જ, ખાસ કરીને પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં ઘઉં અને ચોખાની એક જ પ્રકારની ખેતીથી જૈવ વિવિધતા પર અસર થઈ અને જળવાયુ સંકટ વધ્યું.

સ્વામીનાથને આ જોખમોને ઓળખ્યાં અને 1990ના દાયકામાં 'એવરગ્રીન રિવૉલ્યૂશન'ની વાત કરી – એવી હરિત ક્રાંતિ, જે પર્યાવરણને નુકસાન ન કરે.

તેમણે ચેતવણી આપી કે ભવિષ્યની પ્રગતિ ખાતરો પર નહીં, બલકે પાણી, માટી અને બિયારણને સુરક્ષિત રાખવા પર આધાર રાખશે.

જાહેર જીવન જીવતા એક દુર્લભ વ્યક્તિ તરીકે તેમણે આંકડાને માનવીય લાગણી સાથે જોડ્યા.

તેમણે 1971માં રેમન મૅગ્સેસે પુરસ્કારની મળેલી રકમનો મોટો ભાગ રૂરલ સ્કૉલરશિપ માટે દાનમાં આપી દીધો.

સ્વામીનાથને પછીથી લૈંગિક સમાનતા અને ડિજિટલ ઍજ્યુકેશનને પ્રોત્સાહન આપ્યું. આ એ સમયની વાત છે જ્યારે 'એગ્રીટેક' શબ્દ પ્રચલિત પણ નહોતો.

ઓડિશાના પૂર્વ મુખ્ય મંત્રી નવીન પટનાયકે સ્વામીનાથનના પ્રભાવ વિશે કહ્યું કે, "તેમનો વારસો આપણને યાદ અપાવે છે કે ભૂખથી મુક્તિ સૌથી મોટી આઝાદી છે."

સ્વામીનાથનના જીવનકાળમાં વિજ્ઞાન અને દયાએ સાથે મળીને કરોડો લોકોને આ આઝાદી આપી.

2023માં 98 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું, પરંતુ તેમના યોગદાને ટકાઉ અને ખેડૂતોના હિતમાં ખેતીનો એક સ્થાયી વારસો આપ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન