47 જેટલા ઝેરી સાપ લઈને આ વ્યક્તિ મુંબઈના ઍરપોર્ટમાં કેમ ઘૂસ્યો હતો, કેવી રીતે ઝડપાયો?

બીબીસી ગુજરાતી મુંબઈ ઍરપોર્ટ કસ્ટમ્સ ઝેરી વાઈપર સાપ તસ્કરી કાચબા વન્યજીવ

ઇમેજ સ્રોત, Mumbai Customs-III/Twitter

ઇમેજ કૅપ્શન, થાઈલૅન્ડથી પરત આવી રહેલા પ્રવાસી પાસેથી સાપ અને કાચબા મળી આવ્યા
    • લેેખક, ચેરિલેન મોલન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ભારતમાં મોટી સંખ્યામાં ઝેરી સાપ ઘૂસાડવાની કોશિશ કરતી એક વ્યક્તિની મુંબઈ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી વાઇપર સહિતના સાપ મળી આવ્યા છે.

થાઈલૅન્ડથી પરત આવતા એક ભારતીય નાગરિકને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે તેના ચેક-ઇન બૅગમાંથી 47 ઝેરી વાઇપર્સ સહિતના બીજા સરિસૃપ મળી આવ્યાં હતાં.

ભારતના જુદા જુદા વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ આ સરિસૃપને જપ્ત કરવામાં આવ્યાં છે.

આ વ્યક્તિનું નામ જાહેર નથી થયું અને હાલમાં તે કસ્ટડીમાં છે. તેથી ધરપકડ વિશે પણ ટિપ્પણી કરવામાં નથી આવી.

કસ્ટમ્સ અધિકારીઓએ એક ડિશમાં છટપટાતા રંગીન સાપોની તસવીર ઍક્સ પર જાહેર કરી છે.

અધિકારીઓએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમણે ત્રણ સ્પાઇડર ટેલ્ડ હૉર્ન્ડ વાઇપર, પાંચ એશિયન લીફ ટર્ટલ અને 44 ઇન્ડોનેશિયન પિટ વાઇપર જપ્ત કર્યા છે.

આ સાપ અને કાચબાને ક્યાંથી પકડવામાં આવ્યા હતા તે સ્પષ્ટ નથી.

લુપ્તપ્રાય પ્રાણીઓની તસ્કરી કરવા પ્રયાસ

બીબીસી ગુજરાતી મુંબઈ ઍરપોર્ટ કસ્ટમ્સ ઝેરી વાઈપર સાપ તસ્કરી કાચબા વન્યજીવ

ઇમેજ સ્રોત, Mumbai Customs-III/Twitter

ઇમેજ કૅપ્શન, ભારતમાં ઝેરી સાપ ઘૂસાડવાના કિસ્સા વારંવાર બહાર આવે છે

ભારતમાં પ્રાણીની આયાત કરવી ગેરકાયદે નથી, પરંતુ ભારતના વન્યજીવન સંરક્ષણ કાયદા પ્રમાણે ચોક્કસ પ્રજાતિઓની આયાત પર પ્રતિબંધ છે. તેમાં સરકારે લુપ્તપ્રાય અથવા સંરક્ષિત જાહેર કરાયેલી પ્રજાતિઓ પણ સામેલ છે.

કોઈ પણ વન્યજીવને ભારતમાં આયાત કરતા પહેલાં પ્રવાસીએ જરૂરી પરમિટ અને લાઇસન્સ મેળવવા પડે છે.

દેશમાં તસ્કરીનો પ્રયાસ કરતા પ્રવાસીઓ પાસેથી કસ્ટમ્સ અધિકારીઓ પ્રતિબંધિત વન્યજીવોને જપ્ત કરે તેવી ઘટનાઓ ઘણી વાર બને છે.

જાન્યુઆરીમાં ભારતીય અધિકારીઓએ દિલ્હી ઍરપોર્ટ પરથી એક કૅનેડિયન નાગરિકને પકડ્યો હતો જેની પાસે લગેજમાં એક મગરમચ્છની ખોપડી હતી. એક મહિના પછી મુંબઈ ઍરપૉર્ટ પર એક પ્રવાસીના સામાનમાંથી પાંચ સિયામંગ ગિબ્બન મળી આવ્યાં હતાં જે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅન્ડનાં જંગલોમાં જોવા મળતા નાનકડા વાનરની પ્રજાતિ છે.

બીબીસી ગુજરાતી મુંબઈ ઍરપોર્ટ કસ્ટમ્સ ઝેરી વાઈપર સાપ તસ્કરી કાચબા વન્યજીવ

ઇમેજ સ્રોત, Mumbai Customs-III/Twitter

ઇમેજ કૅપ્શન, વિદેશથી આવતા પ્રવાસીઓ ઘણી વાર દુર્લભ જીવોને ઘૂસાડવા પ્રયાસ કરે છે

ગિબ્બન એ લુપ્તપ્રાય થઈ રહેલી સંરક્ષિત પ્રજાતિ છે અને તેને પ્રવાસીની ટ્રૉલી બૅગમાં રાખેલા એક પ્લાસ્ટિકના બૉક્સમાં છુપાવીને લઈ જવાતાં હતાં.

નવેમ્બરમાં કસ્ટમ્સ અધિકારીઓએ બૅંગકૉકથી પરત આવતા બે પ્રવાસીઓને 12 વિદેશી કાચબા લાવવા બદલ પકડ્યા હતા.

2019માં ચેન્નાઈ ઍરપૉર્ટ પર થાઇલૅન્ડથી આવેલા એક પ્રવાસી પાસેથી હૉર્ન્ડ પિટ વાઇપર સાપ, પાંચ ઇગુઆના, ચાર બ્લૂ જીભ ધરાવતા સ્કિંક, ત્રણ ગ્રીન ટ્રી દેડકાં અને 22 ઇજિપ્શિયન કાચબા જપ્ત કર્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન