You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં જૈન મુનિને બળાત્કારના કેસમાં 10 વર્ષની સજા, શું હતો આખો મામલો?
સુરતમાં જૈન મુનિ સામેના બળાત્કારના કેસ મામલે સુરત કોર્ટે આરોપી શાંતિસાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા 10 વર્ષની સજા સંભળાવી હતી. ઉપરાંત રૂપિયા 25,000નો દંડ પણ ફટકાર્યો છે.
આ કેસ નવ વર્ષ જૂનો છે અને પાંચ એપ્રિલે સુરત કોર્ટ દ્વારા આરોપી શાંતિસાગરજી મહારાજને બળાત્કારના કેસમાં દોષી જાહેર કરાયા છે.
આરોપ હતો કે વર્ષ 2017માં આરોપી શાંતિસાગરજી મહારાજે વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી હતી અને બાદમાં તેમને એકાંત રૂમમાં લઈ ગયા હતા અને તેમની સાથે બળાત્કાર કર્યો હતો.
આ ઘટના બાદ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં આરોપી શાંતિસાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.
આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને અને તમામ પુરાવાઓ તથા દલીલોને ધ્યાને લઈને આરોપીને સજા સંભળાવાઈ છે.
કોર્ટમાં શું દલીલ થઈ હતી?
સરકારી વકીલ નયન સુખડવાલાએ મીડિયા સાથે વાતચીત કરતા સમગ્ર કેસ અંગે વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું કે "શાંતિસાગરના કેસમાં સુરતના ઍડિશનલ સેશન્સ જજ એકે શાહે ગઈ કાલે આરોપીને દોષી ઠેરવ્યા છે. કેસની ટ્રાયલ રાજેશ ડોબરિયાએ ચલાવી હતી. આરોપીનો જે રોલ હતો, ગુનાની ગંભીરતા શું છે એ દલીલમાં કહેવામાં આવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે 'આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો ઓછી સજા કરવી જોઈએ'. તો સરકારી પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાની રજૂઆત કરી હતી."
તેમણે વધુમાં કહ્યું કે "અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે એ પ્રમાણે, આરોપી શાંતિસાગરને 10 વર્ષની કેદની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરીને આગળ અપીલમાં જવું કે કેમ એ દિશામાં નિર્ણય કરીશું."
નયન સુખડવાલાએ કહ્યું, "આરોપી પક્ષ તરફથી એમનું સાધુતાના જીવનનું વર્ણન કરવામાં આવ્યું હતું. એ વખતે મેં કહ્યું હતું કે ગુરુનું કામ એવું હોય છે કે ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે. અંધકારમાંથી દૂર કરવાનું કામ હોય છે. જ્યારે આ ગુરુએ યુવતી સાથે બળાત્કાર કરીને તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે."
યુવતી પર બળાત્કારનો કેસ શું હતો?
વકીલ રાજેશ ડોબરિયાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે "ઘટના ઑક્ટોબર 2017ની છે. રાતે આઠ વાગ્યાની આસપાસ બની હતી. ભોગ બનનારે પ્રથમ વડોદરા શહેરમાં એક ડૉક્ટરને બતાવ્યું હતું. બે-ત્રણ બીજા ડૉક્ટરોને બતાવ્યું હતું અને બાદમાં ડૉક્ટરોએ સલાહ આપી હતીને કહ્યું કે આ કેસ બળાત્કારનો બને છે, આથી તમે સુરતમાં ફરિયાદ નોંધાવો."
ત્યાર બાદ પીડિતાએ પ્રથમ સુરતમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.
તેમણે કહ્યું કે "સરકાર પક્ષે ભોગ બનનારના પુરાવા, માતાપિતા અને ભાઈના પુરાવા, પોલીસ અને ડૉક્ટરોના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા."
રાજેશ ડોબરિયાએ કહ્યું કે ચાર્જશીટ બાદ પોલીસે 50થી વધુ સાક્ષીઓ તપાસ્યા હતા. 60થી વધુ દસ્તાવેજ રજૂ કર્યા હતા. એ આધારે કોર્ટે મુનિને દોષી ઠરાવ્યા છે.
બચાવ પક્ષની દલીલ અંગે તેમણે કહ્યું કે "બચાવ પક્ષે એવું કહ્યું કે ખોટો કેસ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કોર્ટમાં એના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા અને એના આધારે કોર્ટે સજા સંભળાવી છે."
તો નયન સુખડવાલાના કહેવા અનુસાર, પીડિતાને સહાય માટે પણ કોર્ટે ઑર્ડર કર્યો છે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથૉરિટી તરફથી તેમને સહાય મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન