'મોટાભાગના લોકો તેની બૉલિંગના વખાણ કરે છે, પણ આ વાતને અવગણે છે...' – ચેતેશ્વર પૂજારાએ બુમરાહ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
"જસપ્રીત મારી સાથે ભારતની ટીમમાં આવ્યા એ પહેલાં પ્રથમ વખત મેં તેમનો સામનો એક ક્લબ મૅચમાં કર્યો હતો. ત્યારે હજુ તેઓ કિશોરવયના હતા."
"એ મૅચમાં અન્ય બૉલરો પણ હતા જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યું હતું, પરંતુ બુમરાહ કંઈક અલગ જ હતા."
"હાલમાં આપણે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રૉફીમાં જોયું છે, કે તેઓ એક કમ્પ્લીટ બૉલર છે, પણ એ સમયે તેની મુખ્ય વિશેષતા હતી તેની ઝડપ હતી. તેની ગતિ ખૂબ હતી."
"એ પછીનાં વર્ષોમાં તેણે આઈપીએલમાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ 2018માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં તેણે પહેલી ટેસ્ટમૅચ રમી તે પહેલાં પણ ભારતમાં તેના વિશે અનેક સવાલો થઈ રહ્યા હતા."
આ વાત ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમૅચ પહેલાં ચેતેશ્વર પૂજારાએ બીબીસી સાથે કરી હતી.
બીબીસી સ્પૉર્ટ્સ સંવાદદાતા મૅથ્યૂ હેન્રી સાથે ચેતેશ્વર પૂજારાએ વાત કરી તેમાં તેમણે બુમરાહની બૉલિંગ ઍક્શનથી લઈને તેમના વ્યક્તિત્વ વિશે શું કહ્યું એ વાંચો તેમના જ શબ્દોમાં...
'બુમરાહની બૉલિંગમાં સ્લિપમાં ઊભું રહેવું પણ અઘરું...'

ઇમેજ સ્રોત, Getty Images
ચેતેશ્વર પૂજારા કહે છે કે "તેની બૉલિંગ એક્શન અનોખી છે. આથી, લોકો પ્રશ્ન કરતાં કે શું તે લાલ બૉલને સ્વિંગ કરી શકશે, આ લાંબા ફૉર્મેટ માટે તેની પાસે જરૂરી સાતત્ય અને નિયંત્રણ હશે?"
તેમના કહેવા પ્રમાણે જસપ્રીતે પ્રથમ ટેસ્ટમાં ચાર વિકેટ જ લઈને આ બધા જવાબો આપી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂજારા કહે છે, "મને યાદ છે કે હું પ્રથમ સ્લિપમાં ઉભો હતો. મારી બાજુમાં વિરાટ કોહલી બીજી સ્લિપમાં અને શિખર ધવન ત્રીજી સ્લિપમાં હતા. અમે બધા ચર્ચા કરી રહ્યા હતા કે તેમની બૉલિંગ અન્ય કોઈ પણ બૉલર જેવી લાગતી નહોતી."
એ મૅચમાં મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા પણ રમતા હતા, પણ બુમરાહ તમામથી અલગ લાગતા હતા. પૂજારાના કહેવા પ્રમાણે શમી ઝડપી હતા, પણ બુમરાહ તેમનાથી પણ વધુ ઝડપી હતા.
પૂજારા તેમના વિશે વાત કરતાં કહે છે, "મારી કારકિર્દીમાં હું ઘણી વાર બુમરાહ માટે પ્રથમ સ્લિપમાં ઊભો રહ્યો છું. એ સંપૂર્ણ રીતે અલગ જ અનુભવ હતો."
"તેમની ઍક્શનથી જે ખૂણો બને છે અને ક્રીઝ પર તેની જે સ્થિતિ હોય છે એ બૅટ્સમૅન માટે તો મુશ્કેલ હોય જ છે, પરંતુ સ્લિપ ફીલ્ડરો માટે પણ એ સરળ નથી."
તેમના કહેવા પ્રમાણે તેમની બૉલિંગથી જે ખૂણાઓ બને છે તેનાથી વિકેટકીપરને જમણા હાથના બૅટ્સમૅન સામે લગભગ સ્ટમ્પની પાછળ જ ઊભા રહેવું પડે છે, ચોથા સ્ટમ્પની લાઇન પર નહીં.
તેના કારણે ચેતેશ્વર પૂજારાએ પણ આ ગૅપને બંધ કરવા માટે વધુ દૂર ખસીને ઊભા રહેવું પડતું.
તેમના કહેવા પ્રમાણે "હંમેશા એવું લાગતું કે તેઓ સીધા જ આગળથી દોડીને આવી રહ્યા છે. જ્યારે તમે તેમની સ્કિડ કરતી ટ્રેજેક્ટરીને આ બૉલિંગમાં ઉમેરો, ત્યારે તો એ વધારે ઝડપી લાગતું."
'ગમે તેટલો સારો બૉલ ફેંકે, બુમરાહ શેખી નથી મારતા...'

ઇમેજ સ્રોત, Getty Images
બુમરાહ ક્યારેય સ્લિપ ફિલ્ડરે કેચ છોડ્યો હોય તો તેમના પર ગુસ્સે થતા નથી. પૂજારાના મત પ્રમાણે તેઓ ખૂબ જ ભલા માણસ છે, પરંતુ ખેલાડીઓ આ વિશે તેમની સાથે ઘણીવાર મજાક પણ કરતા રહેતા.
મેદાનની બહાર જસપ્રીત એક અંતર્મુખી વ્યક્તિ છે. તે તેનો મોટાભાગનો સમય તેમના રૂમમાં જ વિતાવે છે. જોકે, એ કોઈ ખરાબ વાત નથી. તેમને ખુદની સાથે રહેવું ગમે છે.
પૂજારા તેમના વ્યક્તિત્વ વિશે કહે છે, "અમારું એક ગ્રૂપ હતું – હું, શુભમન ગિલ, ઋષભ પંત અને પૂર્વ વિકેટકીપર રિદ્ધિમાન સાહા. અમે ટૂર દરમિયાન હંમેશા પ્લે-સ્ટેશન પર ફિફા રમતા અને જ્યારે પણ અમે જસપ્રીતને તેમાં આમંત્રિત કરતા, તો તેમને બોલાવવા મુશ્કેલ હતા."
"અંતે અમે તેને મજાકમાં કહેતાં કે જો તે નહીં આવે તો અમે તેની બૉલિંગ વખતે કોઈ કૅચ નહીં પકડીએ."
"ફિફા રમતી વખતે બુમરાહને સારો પાર્ટનર જોઈએ – કારણ કે તે ગૅમર તરીકે એટલા કુશળ નથી. પરંતુ 2018ના તેમની પ્રથમ ઇંગ્લૅન્ડ ટૂર દરમિયાન તેમણે બૉલર તરીકે પોતાની જાતને એક નવા જ સ્તરે પહોંચાડી."
તેમના કહેવા પ્રમાણે જ્યારે ટીમ ઇન્ડિયા તે પછીના શિયાળામાં ઑસ્ટ્રેલિયા ગઈ, ત્યારે ટીમને સમજાયું કે જસપ્રીત ટીમનું વાઇલ્ડકાર્ડ છે જે લાંબા સમય સુધી ભારત માટે રમશે. તેઓ ઑસ્ટ્રેલિયામાં ટીમની પ્રથમ જીતમાં મહત્ત્વની ભૂમિકામાં હતા.
ઇંગ્લૅન્ડની ટૂર દરમિયાન તેમણે કીટન જૅનિંગ્સને એક હૂપિંગ ઇનસ્વિંગર ફેંક્યો હતો, જેનાથી તેઓ શોટ રમ્યા વિના જ એલબીડબ્લ્યુ થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન તેની સ્વિંગ ડિલિવરીને માપી શકતા નહોતા અને જ્યારે તેણે પહેલી વખત ડ્યૂક્સ બૉલનો ઉપયોગ કર્યો, ત્યારે તે બૉલ હવામાં ખૂબ જ ફંગોળાતો હતો.
પૂજારા કહે છે કે "જો કોઈ અન્ય બૉલરે કીટન જેનિંગ્સને એવો બૉલ ફેંક્યો હોત તો તે કદાચ ઉજવણી કરવા માટે દોડ્યા હોત અને લાંબા સમય સુધી તેના વિશે વાત કરતા હોત. પરંતુ જસપ્રીત શાંત જ રહ્યા હતા અને તેણે આ વિશે ક્યારેય શેખી નથી મારી."
બુમરાહનું ધ્યાન ફેંકાયા તે પછીના બૉલ પર જ હોય છે.
'બુમરાહની સૌથી મોટી તાકાતને ઘણીવાર અવગણવામાં આવે છે...'

ઇમેજ સ્રોત, Getty Images
ડ્રેસિંગ રૂમમાં તેઓ હંમેશા મૅચ જોતા રહે છે.
મોટાભાગના ફાસ્ટ બૉલરો મેદાન પરથી આવીને આરામ કરે છે, પગ ઊંચા કરીને બેસે છે. તે પણ આરામ કરે છે, પણ તેની નજર હંમેશાં મેદાન પર હોય છે.
પૂજારા કહે છે, "જ્યારે હું તેની બાજુમાં બેસતો ત્યારે તેઓ મને હંમેશા સૂચન આપતા કે આપણા બૅટ્સમૅન કે હરીફો શું અલગ કરી શકે છે. એ જ કારણ છે કે ભારતે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો એ પહેલાં બુમરાહને કૅપ્ટન તરીકે જોવામાં આવ્યા હતા."
પૂજારાના મત પ્રમાણે મોટાભાગના લોકો બુમરાહની બૉલિંગની કુશળતા, તેમની ઍક્શન કે ખૂણાની વાત કરે છે, પણ તેની સૌથી મોટી શક્તિ ઘણીવાર અવગણવામાં આવે છે.
તેઓ કહે છે, "તેમની પાસે અદ્ભૂત ક્રિકેટિંગ બ્રેઇન છે, જે તેમને IPLમાંથી મળ્યું છે. ત્યાં તેમણે શ્રીલંકાના ભૂતપૂર્વ બૉલર લસિથ મલિંગા જેવા લોકો સાથે કામ કર્યું અને બૅટ્સમૅનને ચતુરાઈથી હરાવવાની કળા શીખી."
બુમરાહ હંમેશાં પોતાનો શ્રેષ્ઠ બૉલ ફેંકવાનો પ્રયાસ કરે છે, પણ જો બૅટ્સમૅન સેટ થઈ જાય તો તેને તેમની તાકાત અને નબળાઈની સંપૂર્ણ રીતે ખબર હોય છે. તેમણે વ્હાઇટ-બૉલ ક્રિકેટમાંથી કૌશલ્ય હાંસલ કરીને પોતાને સંપૂર્ણ ટેસ્ટ બૉલર બનાવ્યા છે.
પૂજારાની તેમની સાથેની એક યાદગાર ક્ષણ 2018ના ઇંગ્લૅન્ડ ટૂર દરમિયાન સાઉધમ્ટનમાં બની હતી જ્યારે જસપ્રીતે તેમને પ્રથમ ઇનિંગ્સમાં સદી સુધી પહોંચવામાં મદદ કરી હતી.
આ વિશે તેઓ કહે છે, "હું 96 રન પર હતો જ્યારે તેઓ નંબર 11 પર બેટિંગ કરવા આવ્યા અને મને લાગતું નહોતું કે હું સદી સુધી પહોંચીશ, પણ તેઓ આવ્યા અને મને કહ્યું કે તે ડીફેન્ડ કરશે. તેમને એ ખબર નહોતી કે તેઓ ટકશે કે નહીં, પણ તેમણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા."
"અમે છેલ્લી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી અને હું 132 રન પર નોટઆઉટ રહ્યો."
આ વાત સ્પષ્ટપણે એ દર્શાવે છે કે બેટિંગ હોય કે બૉલિંગ, બુમરાહ ખૂબ કૉમ્પિટિટીવ ક્રિકેટર છે.
જ્યારે બૉલિંગની વાત આવે, ત્યારે મૅચની સ્થિતિ ગમે તેવી હોય, તેઓ હંમેશાં ઇચ્છે છે અને માને છે કે તેઓ વિકેટ લઈ શકશે. એ એક સંપૂર્ણ ટીમમેટ છે.
બુમરાહના પ્રદર્શન પર ભારતનો આધાર

ઇમેજ સ્રોત, Getty Images
આજે માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ટેસ્ટમૅચ રમાનાર છે.
સિરીઝમાં 2-1થી પાછળ ચાલી રહેલા ભારત માટે આ ટેસ્ટ જીતવી ફરજિયાત છે. ટીમમાં કેટલાક ફેરફારની પણ શક્યતા છે.
પરંતુ જસપ્રીત બુમરાહને આ મૅચ મહત્ત્વની હોવાથી આરામ નહીં આપવામાં આવે તે સ્પષ્ટ મનાઈ રહ્યું છે.
આકાશદીપની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પર જ ભારતની ટીમનો મદાર રહેશે એવું વિશ્લેષકો કહી રહ્યા છે.
ઐતિહાસિક ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન ક્યારેય ભારત માટે અનુકૂળ રહ્યું નથી. 1936થી ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં 9 ટેસ્ટ મૅચ રમી છે. પરંતુ એક પણ વાર જીતી શકાયું નથી.
માત્ર ટેસ્ટમાં જ નહીં, પણ વ્હાઇટ બૉલના ક્રિકેટમાં પણ, ભારત પાસે આ મેદાનની કોઈ સારી યાદો નથી. આ એ જ જગ્યા છે જ્યાં 2019ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારત ન્યુઝીલૅન્ડ સામે હારી ગયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












