હમાસે જારી કર્યો ઇઝરાયલી બંધકનો વીડિયો, સંઘર્ષ વિરામ અંગે વાટાઘાટો શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામ અને બંધકોને છોડવાને લઈને અપ્રત્યક્ષ વાતચીત શરૂ થવા મામલે ગાઝામાં પેલેસ્ટાઇન ગ્રૂપ હમાસે એક ઇઝરાયલી બંધકનો વીડિયો જારી કર્યો છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે કતારમાં ફરી વખત વાતચીત શરૂ થઈ છે. આ વચ્ચે હમાસે 19 વર્ષની ઇઝરાયલી બંધક લિરી અલબાગનો એક વીડિયો જારી કર્યો છે, જેમાં લિરી કોઈ સમાધાન સુધી પહોંચવા માટે ઇઝરાયલ સરકારને વિનંતી કરતાં જોવાં મળે છે.
હમાસે ઑક્ટોબર 2023ના હુમલામાં ગાઝાની સરબદ પાસે નાહાલ ઓઝ આર્મી બેઝ પાસેથી છ અન્ય કૉન્સ્ક્રિપ્ટ મહિલા સૈનિકોની સાથે લિરીને પણ બંધક બનાવ્યાં હતાં. જે પૈકી પાંચ હજુ હમાસના કબજામાં છે.
આ બધા વચ્ચે સંઘર્ષ વિરામને લઈને વાતચીત શરૂ કરવાનું ઍલાન એવા સમયે કર્યું છે કે જ્યારે ઇઝરાયલે ગાઝાપટ્ટી પર હુમલા વધારી દીધા છે.

ગાઝા પર હુમલા વધ્યા

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાઓમાં 88 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવારે ગાઝામાં એક ઘર પર હુમલો થયો હતો જેમાં સાત બાળકો સહિત કુલ 11 જણાનાં મૃત્યુ થયાં હતાં.
આ જગ્યા પરથી મળેલી તસવીરોમાં જોવાં મળે છે કે લોકો કાટમાળમાં જીવિત બચેલા લોકોની અને પોતાના સ્વજનોના મૃતદેહોની તલાશ કરી રહ્યા છે.
આ વિસ્તારમાં રહેતા અહમદ મુસ્સાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, "એક મોટો ધડાકો થયો જેને કારણે અમારી ઊંઘ ઉડી ગઈ. અમારી આસપાસ બધું હલતું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "અહીં મહિલાઓ અને બાળકો રહેતાં હતાં. કોઈ એવું નહોતું જેને તેઓ શોધી રહ્યા હોય કે જેઓ તેમને માટે જોખમકારક હોય."
બીજી તરફ ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે છેલ્લા બે દિવસમાં ગાઝાપટ્ટી પર 100થી વધારે "આતંકી ઠેકાણાં" પર હુમલા કર્યા છે અને "હમાસના ડઝનો આતંકવાદીઓ"ને ખતમ કરી નાખ્યા છે.
લિરી અલબાગના વીડિયો અંગે પ્રતિક્રિયા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લિરી અલબાગનો વીડિયો તેમનાં માતા-પિતાએ પણ જોયો.
તેમણે કહ્યું કે આ વીડિયો જોઈને તેમનું હ્રદય ચારણી-ચારણી થઈ ગયું.
તેમણે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને અપીલ કરતાં કહ્યું, "તેઓ સમજી વિચારીને નિર્ણય લે કે ગાઝામાં પોતાનાં બાળકો પણ છે."
ઇઝરાયલ બંધક પરિવારોનું પ્રતિનિધિત્વ કરનારા બંધકો અને લાપતા પરિવારોના ફોરમે કહ્યું કે લિરીના જીવિત હોવાનો આ વીડિયો "તમામ બંધકોની ઘરવાપસીની તત્પરતાનો કઠોર અને નિર્વિવાદ પુરાવો છે."
લિરી અલબાગનાં માતા-પિતા સાથે ફોન પર વાતચીત કરતા ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હરજોગે કહ્યું કે દેશનું પ્રતિનિધિમંડળ ત્યાર સુધી વાતચીતના મંચ પર રહેશે, જ્યાં સુધી તમામ બંધકોને ઘર પરત ન લવાય.
ઇઝરાયલી અધિકારી આ પહેલાં કહેતા હતા કે આ પ્રકારના વીડિયો જારી કરીને હમાસ એક પ્રકારે મનોવૈજ્ઞાનિક યુદ્ધ છેડે છે.
ગત મહિને એક વરિષ્ઠ પેલેસ્ટાઇની અધિકારીએ બીબીસીને કહ્યું હતું કે બંધકોના છૂટકારા અને સંઘર્ષ વિરામને લઈને વાતચીત લગભગ ખતમ થઈ ચૂકી છે, પરંતુ કેટલાંક બિંદુઓ પર સહમતિ બાકી છે.
રવિવારે ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે યમન તરફથી છોડવામાં આવેલી મિસાઇલને નષ્ટ કરી દીધી છે. હાલના દિવસોમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ પર હુમલાઓ કર્યા છે.
ત્યાં હૂતી વિદ્રોહીઓનું કહેવું હતું કે તેમણે ઇઝરાયલના હાઇફામાં એક પાવરસ્ટેશનને નિશાન બનાવતા એક હાઇપરસોનિક બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી.
આ સમૂહનું કહેવું છે કે તેણે ગાઝામાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહીના જવાબમાં રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવવું શરૂ કરી દીધું છે અને ઇઝરાયલ પર હુમલો કર્યો છે.
યુદ્ધ અને ગાઝાની સ્થિતિ

ઇમેજ સ્રોત, Hasan N. H. Alzaanin/Anadolu via Getty Images
ગત વર્ષ ઑક્ટોબરમાં હમાસે ઇઝરાયલના દક્ષિણ ભાગમાં હુમલો કર્યો ત્યાર પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાયું છે. હમાસના હુમલામાં 1200 જેટલા ઇઝરાયલી માર્યા ગયા હતા અને 251 લોકો બંધક બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલે ત્યાર પછી હમાસ સામે જે અભિયાન છેડ્યું તેમાં ગાઝામા સંચાલિત સ્વાસ્થ્ય એજન્સી પ્રમાણે લગભગ 45 હજાર 800 લોકોનાં મૃત્યુ થયાં છે અને લાખો લોકો ઘાયલ થયા છે.
શનિવારે ગાઝામાં કામ કરી રહેલી સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ઉત્તર ગાઝામાં તમામ ત્રણ હૉસ્પિટલોમાં કામગીરી ઠપ પડી ગઈ છે અને ઇઝરાયલી સેનાએ તેને નષ્ટ કરી નાખી છે.
ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, ઑક્ટોબરથી જ ઉત્તર ગાઝામાં કેટલાક ભાગોમાં નાકાબંધી કરી છે. એક અનુમાન પ્રમાણે અહીં દસથી 15 હજાર લોકો રહે છે અને ઇઝરાયલી સેનાએ આ વિસ્તારમાં માનવીય મદદ પહોંચાડવાની કોશિશોને સીમિત કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ વિસ્તારની "સંપૂર્ણ ઘેરાબંધી" કરવામાં આવી છે.
ગત મહિનાના અંતમાં ઇઝરાયલી સેનાએ બેત લાહિયાસ્થિત કમાલ અદવાન હૉસ્પિટલથી દર્દીઓને અને સ્વાસ્થ્યકર્મીઓને બહાર કાઢ્યા હતા. તેનો આરોપ હતો કે આ હૉસ્પિટલ "હમાસ આતંકવાદીઓનો અડ્ડો" છે. તેણે હૉસ્પિટલના નિદેશક હુસૈન અબૂ સફિયાની પણ ધરપકડ કરી હતી.
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે કેટલાક મેડિકલ સ્ટાફ અને દર્દીઓને નજીકના ઇન્ડોનેશિયન હૉસ્પિટલમાં ટ્રાંસફર કરવામાં મદદ કરી છે. જોકે, ગાઝામાં સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે હનૂનની હૉસ્પિટલોની માફક અહીં પણ હૉસ્પિટલોનું કામકાજ બંધ થઈ ગયું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રૉસ અહોનમ ગીબ્રિએસુસે કહ્યું ફરી એક વખત કહ્યું છે કે હૉસ્પિટલો અને સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાઓ બંધ કરવા જોઈએ. તેમણે કહ્યું કે ગાઝામાં સ્વાસ્થ્ય સેવા લોકોની પહોંચમાં હોવી જોઈએ.
બીજી બાજુ, ઇઝરાલયની સેનાનું કહેવું છે કે તેની સેના આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદામાં રહીને કામ કરે છે અને નાગરિકોને નિશાન નથી બનાવી રહી.
શનિવારે અમેરિકાના બાઇડન પ્રશાસનનું કહેવું છે કે તે ઇઝરાયલને આઠ અબજ ડૉલરનાં હથિયારો વેચવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં મિસાઇલો, દારૂગોળા અને અન્ય યુદ્ધ સામગ્રી સામેલ છે.
જોકે, હજુ અમેરિકાના ગૃહ અને સેનેટની કમિટીની મંજૂરી નથી મળી.
બાઇડન બે સપ્તાહ બાદ રાષ્ટ્રપતિપદની કમાન પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપવાના છે, એવા સમયે તેમણે આ નિર્ણય લીધો હતો.
સંઘર્ષ વિરામ સુધી પહોંચવા ઇઝરાયલને આપવામાં આવી રહેલી સૈન્યમદદને અટકાવવા માટે અમેરિકા પર વારંવાર દબાણ કરવામાં આવે છે. જોકે, અમેરિકા તેની અવગણના કરીને ઇઝરાયલને સૈન્ય મદદ ચાલુ રાખી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













