સુપર ટાયફૂન રગાસા :'વાવાઝોડાંનો રાજા' હવે ચીન ઉપર ત્રાટકશે, લાખો લોકોનું સ્થળાંતર, કેવી છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગેવિન બટલર અને લૌરા બિકર
- પદ, ગ્યુઆન્ગડૉંગથી
- લેેખક, માર્ટિન યિપ
- પદ, હૉંગકૉંગથી
ચીને તેના હજારો લોકોનું સ્થળાંતર શરૂ કરી દીધું છે અને ઓછામાં ઓછાં 10 શહેરોમાં શાળાઓ તથા ઉદ્યોગધંધાઓ બંધ કરી દેવાની સૂચના આપી છે.
કારણ કે આ વર્ષનું સૌથી ઘાતક વાવાઝોડું ચીનના દક્ષિણ કાંઠે ત્રાટકવાની તૈયારીમાં છે.
હૉંગકૉંગે પણ તેની ટાયફૂન ચેતવણીને વધારીને આઠ નંબરનું સિગ્નલ આપ્યું છે, જે મહત્તમ લેવલ કરતાં માત્ર બે નંબર ઓછું છે.
સુપર ટાયફૂન રગાસા ચીનના ગુઆંગડૉંગ પ્રાંતમાં બુધવારે ત્રાટકશે. અહીં કુલ 3.70 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓએ પરિસ્થિતિને અત્યંત 'ભયંકર' ગણાવી છે.
રગાસાને ચીનની હવામાન એજન્સીએ 'વાવાઝોડાંનો રાજા' ગણાવ્યું છે અને તે આવનારા દિવસોમાં ઉત્તર વિયતનામ તરફ ગતિ કરી શકે છે, જેના કારણે લાખો લોકોને અસર પહોંચી શકે છે.
હૉંગકૉંગમાં સુપરમાર્કેટમાં ખાવાનું ખૂટ્યું

ઇમેજ સ્રોત, Getty Images
23 સપ્ટેમ્બરે હૉંગકૉંગમાં સુપરમાર્કેટમાંથી તાજી બ્રેડ, શાકભાજી, માંસ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાલી થઈ ગયાં હતાં કારણ કે લોકો વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારી કરી રહ્યા હતા.
હૉંગકૉંગ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટે જણાવ્યું હતું કે, "23 સપ્ટેમ્બરે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાથી બીજા દિવસ સુધી ફ્લાઇટમાં નોંધપાત્ર વિક્ષેપ થવાની અપેક્ષા છે."
500થી વધુ કેથ પેસિફિક ફ્લાઇટ્સ રદ થવાની ધારણા છે, જ્યારે હૉંગકૉંગ ઍરલાઇન્સે જણાવ્યું હતું કે તે શહેરમાંથી બધી ઉડાણો બંધ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ ચીનના શહેરોમાં દુકાનદારોએ વાવાઝોડાના આગમનની તૈયારીમાં તેમની દુકાનોની સામે રેતીની થેલીઓનો ઢગલો કર્યો હતો, જેમાં દરિયા કિનારાની નજીકના નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓ ખાસ કરીને ભરતીના મોજાઓથી ચિંતિત હતા.
ઘણા લોકોએ પોતાના ઘરોની બારીઓ પર પૅક કરી દીધી છે, જેથી કરીને નુકસાન અટકાવી શકાય.
આબોહવા પરિવર્તનની અસર?

ઇમેજ સ્રોત, Getty Images
રાગાસા પર આબોહવા પરિવર્તનની ખાસ કેટલી અસર પડી છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ યુએનના વૈજ્ઞાનિકોના મતે, ગરમ થતી દુનિયામાં ટાયફૂન અને વાવાઝોડાં જેવાં ઉષ્ણકટિબંધીય તોફાનો સરેરાશ કરતાં વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે .
તેનો અર્થ એ છે કે પવનની વધુ ગતિ, ભારે વરસાદ અને દરિયાકાંઠાના પૂરનું જોખમ વધશે. જોકે, ભવિષ્યમાં પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં વાવાઝોડાની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
તાઇવાન ટાપુ પર, રાગાસા રાતોરાત પસાર થતાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા અને 100 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
સોમવારે ફિલિપાઇન્સના ઉત્તરમાં એક દૂરના ટાપુ પર રાગાસા વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત થયું હતું. વાવાઝોડું જમીન પર આવે તે પહેલાં હજારો પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
ફિલિપાઇન્સની રાજધાની મનીલા સહિત દેશના મોટા ભાગોમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી હતી.
285 કિમીની ઝડપે ફૂંકાયો પવન

ઇમેજ સ્રોત, Getty Images
સુપર ટાયફૂન રાગાસા એ કૅટેગરી 5 વાવાઝોડાની સમકક્ષ છે. સોમવારે તેના સર્વોચ્ચ બિંદુએ તે 285 કિમી/કલાક (177 માઇલ પ્રતિ કલાક) સુધીનો પવન ફૂંકાયો હતો.
આ અઠવાડિયે પાંચ દેશોમાં પૂર, તોફાન અને ભૂસ્ખલનની ચેતવણીઓ આપી છે.
મનીલા શહેરના વહીવટી તંત્રના મુખ્ય સચિવ એરિક ચાને કહ્યું હતું કે, "રાગાસા હૉંગકૉંગ માટે 'ગંભીર ખતરો' બનશે."
2018માં આવેલ સુપર ટાયફૂન માંગખુટ એ અત્યાર સુધી મનીલા પર ત્રાટકેલું સૌથી તીવ્ર વાવાઝોડું હતું જેમાં 200 લોકો ઘાયલ થયા હતા અને જહાજો ડૂબી ગયાં હતાં. તેમાં મોટા પ્રમાણમાં માળખાગત સુવિધાઓનો વિનાશ થયો હતો.
હવામાન એજન્સીએ એ સમયે 4.6 બિલિયન હૉંગકૉંગ ડૉલર (592 મિલિયન ડૉલર)ના આર્થિક નુકસાનનો અંદાજ લગાવ્યો છે.
2017માં, ટાયફૂન હાટો પણ શહેરમાં ગંભીર પૂર લાવ્યું હતું અને 100 થી વધુ લોકો ઘાયલ થયા.
સિંગાપોરથી કેલી એનજી અને ક્લાઇમેટ રિપોર્ટર માર્ક પોયન્ટિંગ દ્વારા એડિશનલ રિપોર્ટિંગ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












