ટ્રમ્પે ઈરાન, અફઘાનિસ્તાન સહિત અનેક દેશોના લોકોને અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોના લોકો પર અમેરિકાની યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસ મુજબ ટ્રમ્પે ટ્રાવેલ પર પ્રતિબંધને લગતા એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
આ દેશોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઑફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમન સામેલ છે.
આ ઉપરાંત બીજા સાત દેશોના નાગરિકો માટે પણ ટ્રમ્પે યુએસ આવવા સામે પ્રતિબંધ લગાવ્યા છે. તેમાં બુરુંડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા સામેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનું કહેવું છે કે આ પ્રતિબંધ અમેરિકનોને 'ખતરનાક વિદેશી તત્ત્વો'થી બચાવવા માટે છે.
આ પ્રતિબંધો 9 જૂન, સોમવારથી લાગુ થશે. ટ્રમ્પ દ્વારા બીજી વખત આવી ઘોષણા કરવામાં આવી છે. અગાઉ 2017માં પોતાના પ્રથમ કાર્યકાળ વખતે પણ તેમણે આવા આદેશ પર સહી કરી હતી.
પ્રતિબંધોમાંથી કોને કોને મુક્તિ અપાઈ?

ઇમેજ સ્રોત, EPA
ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાવેલ પ્રતિબંધોમાં કેટલાક ચોક્કસ વર્ગના લોકોને મુક્તિ અપાઈ છે, જે આ મુજબ છે.
- વર્લ્ડકપ અથવા ઑલિમ્પિક્સ જેવી મોટી સ્પર્ધામાં ભાગ લેવા જતા ઍથ્લીટ્સને પ્રતિબંધ લાગુ નહીં પડે.
- ઇમિગ્રન્ટ વિઝા ધરાવતા લોકો અને ઈરાનમાં અત્યાચારનો ભોગ બનેલા ધાર્મિક લઘુમતીના લોકોને મુક્તિ અપાઈ છે.
- સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા ધરાવતા અફઘાન નાગરિકોને પ્રતિબંધ લાગુ નહીં પડે.
- અમેરિકાના કોઈ પણ કાયદેસરના પર્મેનન્ટ રેસિડન્ટ.
- બેવડી નાગરિકતા ધરાવતા લોકો જેઓ આ ટ્રાવેલ પ્રતિબંધમાં સામેલ ન હોય તેવા દેશની સિટીઝનશિપ ધરાવતા હોય.
- આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ 'અમેરિકાના રાષ્ટ્રીય હિત માટે જરૂરી' હોય તેવા લોકોને મુક્તિ આપશે.
ટ્રમ્પના પ્રતિબંધ હેઠળના દેશોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે એક ડઝન દેશના લોકો પર ટ્રાવેલનો પ્રતિબંધ મૂક્યા પછી કેટલાક દેશોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
વેનેઝુએલા પણ અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે. વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસડાડો કેબેલોએ ચેતવણી આપી છે કે "અમેરિકામાં હોવું એ માત્ર વેનેઝુએલાના લોકો માટે નહીં પણ કોઈ પણ વ્યક્તિ માટે બહુ જોખમી હોઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "અમેરિકાનો વહીવટ ચલાવતા લોકો ફાસીવાદી છે. તેઓ માને છે કે દુનિયા તેમની માલિકીની છે અને ગમે તેની સામે કાર્યવાહી કરી શકે છે."
સોમાલિયાના અમેરિકાસ્થિત રાજદૂત દાહીર હસન અબ્દીએ કહ્યું કે તેઓ અમેરિકા સાથેના "લાંબા ગાળાના સંબંધોને મૂલ્યવાન" માને છે.
'મુસ્લિમ પ્રતિબંધનું વિસ્તરણ'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની ડેમૉક્રેટિક પાર્ટીએ ટ્રમ્પના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.
વૉશિંગ્ટનમાં ડેમૉક્રેટિક કૉંગ્રેસનાં સભ્ય પ્રમિલા જયપાલે સોશિયલ મીડિયા પર લખ્યું છે, "આ પ્રતિબંધો ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં લગાવેલા મુસ્લિમો પરના પ્રતિબંધોનું વિસ્તરણ છે, તે આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડી દેશે."
તેમણે કહ્યું કે "કોઈ દેશની સરકાર અથવા કાર્યપ્રણાલીથી આપણે અસહમત હોઈએ માત્ર એટલા કારણથી આખા સમુદાયને પ્રતિબંધિત કરી દેવો. તેનો અર્થ ખોટી જગ્યાએ દોષ નાખી દેવો એવો થશે."
ડેમૉક્રેટિક કૉંગ્રેસના સભ્ય ડૉન બેયરે ટ્રમ્પ પર "અમેરિકાના સંસ્થાપકોના આદર્શ સાથે વિશ્વાસઘાત" કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે "ટ્રમ્પનો આ ટ્રાવેલ પ્રતિબંધ પૂર્વગ્રહ અને નફરતભર્યો છે અને તે આપણને વધુ સુરક્ષિત નહીં બનાવે. તે આપણે માત્ર વિભાજિત કરે છે અને આપણી વૈશ્વિક નેતૃત્વની ક્ષમતાને નબળી પાડે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












