અમેરિકાએ શૉર્ટ ટર્મ વિઝાના નિયમોમાં ફરી ફેરફાર કર્યો, ભારતીયો હવે 'વિઝા શૉપિંગ' નહીં કરી શકે?

ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સત્તા પર આવ્યા પછી વિઝાના નિયમોમાં વારંવાર ફેરફાર થઈ રહ્યા છે અને ઘણા દેશના લોકો માટે વિઝા મેળવવાનું મુશ્કેલ બનતું જાય છે.

દરમિયાન 6 સપ્ટેમ્બરે અમેરિકન વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર એક સૂચના આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે "અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરનારે પોતે જે દેશના નાગરિક હોય અથવા જ્યાંની લીગલ રેસિડન્સી હોય તે દેશમાં જ ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમૅન્ટ લેવાની રહેશે."

નૉન-ઇમિગ્રન્ટ વિઝા કૅટગરીમાં ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા (B-1/B-2) ઉપરાંત સ્ટુડન્ટ વિઝા (F અને M), વર્ક વિઝા, (H-1B) અને ઍક્સચેન્જ વિઝા (J)નો પણ સમાવેશ થાય છે.

એટલે કે ભારતમાંથી વિઝા ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમૅન્ટ મેળવવામાં રાહ જોવી પડે તેમ હોય તો પણ બીજા દેશમાં જઈને ઍપૉઇન્ટમૅન્ટ નહીં લઈ શકાય.

જોકે, કેટલાક દેશોના નાગરિકોને આ નિયમમાંથી મુક્તિ અપાઈ છે. જે દેશમાં અમેરિકા નૉન-ઇમિગ્રન્ટ વિઝાને પ્રોસેસ જ કરવામાં નથી આવતા, ત્યાંના લોકો ચોક્કસ દેશોમાં જઈને ઇન્ટરવ્યૂ શિડ્યુલ કરી શકે છે.

આ ફેરફાર તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.

અમેરિકાએ નિયમમાં કેવા કેવા ફેરફાર કર્યા?

6 સપ્ટેમ્બરે જાહેર થયેલા નિયમ કહે છે કે નૉન-ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરનારે પોતાના જ દેશમાં આવેલા અમેરિકન દૂતાવાસ ખાતે વિઝા ઈન્ટરવ્યૂ શિડ્યુલ કરવાનું રહેશે.

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ મુજબ ભારતીય નાગરિકને B1/B2 વિઝા જોઈતા હોય તો હૈદરાબાદમાં અરજી કરનારે ઈન્ટરવ્યૂ માટે સાડા ત્રણ મહિના રાહ જોવી પડે તેમ છે. મુંબઈમાં પણ સાડા ત્રણ મહિનાનું વેઇટિંગ ચાલે છે, જ્યારે દિલ્હીમાં સાડા ચાર મહિનાનું વેઇટિંગ ચાલે છે.

ચેન્નાઈમાં સૌથી વધુ નવ મહિનાનું વેઇટિંગ છે. જ્યારે અબુધાબીમાં માત્ર 15 દિવસનું વેઇટિંગ, દુબઈમાં એક મહિનાનું વેઇટિંગ ચાલે છે. સિંગાપોરમાં શૂન્ય મહિનાનું વેઇટિંગ બતાવે છે.

કોવિડના સમયગાળા દરમિયાન પોતાના દેશમાં વિઝા ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમૅન્ટ લેવામાં ઘણી વાર લાગતી હતી, તેથી લોકો બીજા દેશોમાં જઈને ઍપૉઇન્ટમૅન્ટ લઈ શકતા હતા, પરંતુ અમેરિકાના નવા વિઝા નિયમો પ્રમાણે આ બંધ થશે.

ટૂરિઝમ અને બિઝનેસ ઉપરાંત વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી વર્કર્સ અને અમેરિકન નાગરિક સાથે લગ્ન કરવા માટે સગાઈ કરનારા લોકોને પણ NIV (નૉન-ઇમિગ્રન્ટ વિઝા) ઇસ્યૂ કરવામાં આવે છે.

'વિઝા શૉપિંગ' શું હોય છે?

અમેરિકાના વિઝા માટે ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમૅન્ટ મેળવવામાં લાબી રાહ જોવી પડે તેમ હોય ત્યારે લોકો એવા દેશોમાં જાય છે, જ્યાં ઝડપથી ઇન્ટરવ્યૂ શિડ્યુલ થઈ શકે.

ઝડપથી વિઝા ઍપૉઇન્ટમૅન્ટ માટે ઘણા ભારતીયો જર્મની, સિંગાપોર, થાઇલૅન્ડ જેવા દેશોમાં જતા હોય છે. કોવિડ વખતે ઍપૉઇન્ટમૅન્ટ માટે બે વર્ષ કરતાં વધુ સમય સુધી રાહ જોવી પડે તેવો બૅકલૉગ સર્જાયો હતો.

અમદાવાદસ્થિત એક વિઝા કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે જણાવ્યું કે "ભારતીયોને ઓછા સમયમાં વિઝા ઇન્ટરવ્યૂ ઍપૉઇન્ટમૅન્ટ જોઈતી હોય ત્યારે તેઓ વિદેશ જતા હતા. તેના માટે તેઓ સિંગાપોર, જર્મની, દુબઈ, થાઇલૅન્ડ જેવા દેશના ટ્રાવેલિંગનો ખર્ચ કરવા તૈયાર હતા. હવે તેમણે ભારતમાં જુદાં જુદાં શહેરોમાં જે વેઇટિંગ ચાલતું હોય તે પ્રમાણે રાહ જોવી પડશે."

તેમણે કહ્યું કે, "ભારતમાં વિઝિટર વિઝા માટે ડેટ મળવાની લાંબા સમયથી સમસ્યા છે તેથી ઝડપથી ઍપૉઇન્ટમૅન્ટ લેવા માટે દુબઈ જેવું લોકેશન ફેવરિટ રહ્યું છે. એટલે કે એક પ્રકારની છટકબારી હતી તે બંધ થઈ રહી છે. કોવિડ પછી તમામ પ્રકારના વેઇટિંગ ટાઇમ જોવા મળે છે."

જોકે, યુએસ વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર માને છે કે "આનાથી બહુ મોટી સંખ્યામાં લોકોને અસર નહીં થાય. જે લોકો વિદેશ જઈને પણ વિઝા ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમૅન્ટ લેવા માગતા હોય અને તેના માટે મોટો ખર્ચ કરવા પણ ઇચ્છુક હોય, તેમને અસર થશે. હવે તેમણે પણ ભારતમાં હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અથવા ચેન્નાઈમાં ઇન્ટરવ્યૂની તારીખ લેવી પડશે."

કેટલા ભારતીયો વિદેશમાંથી અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂની તારીખ મેળવતા હતા તેના આંકડા ઉપલબ્ધ થઈ શક્યા નથી, પરંતુ અરજીઓની સંખ્યા વધે તો વેઇટિંગ ટાઇમ પણ વધશે એવું માનવામાં આવે છે.

શૉર્ટ ટર્મ વિઝા કોને કહેવાય?

અમેરિકન વિદેશ મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે ટૂરિઝમ અથવા બિઝનેસ માટેના વિઝાને શૉર્ટ ટર્મ વિઝાની કૅટગરીમાં મૂકવામાં આવે છે. કોઈ પણ વિદેશીએ અમેરિકા જવું હોય તો તેણે ટેમ્પરરી રોકાણ માટે નૉન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે અથવા કાયમી રહેવા માટે ઇમિગ્રન્ટ વિઝા લેવા પડે. બિઝનેસ માટેના વિઝા B-1 કહેવાય છે, ટૂરિઝમ માટે B-2 અને બંને હેતુનું મિશ્રણ હોય તો B1/B2 વિઝાની જરૂર પડે. આ ત્રણેય વિઝિટર વિઝામાં ગણાય છે.

અમેરિકામાં વિજ્ઞાન, શિક્ષણ, પ્રોફેશનલ અથવા બિઝનેસની બેઠકો કે કૉન્ફરન્સમાં હાજરી આપવી હોય, એસ્ટેટ સ્થાપવી હોય, કોઈ કૉન્ટ્રાક્ટ કરવા હોય કે બિઝનેસ ઍસોસિયેટ્સ સાથે કન્સલ્ટેશન કરવાનું હોય તો B-1 વિઝાની જરૂર પડે છે.

ટૂરિઝમ, વૅકેશન, મિત્રો અથવા સગાંસંબંધીઓને મળવા, મેડિકલ સારવાર માટે, લગ્નપ્રસંગ, ટૂંકા ગાળાના કોર્સ કરવા, સ્પૉર્ટ્સની ઇવેન્ટમાં ભાગીદારી લેવા યુએસ જવું હોય તો ટૂરિઝમ માટેના B-2 વિઝાની જરૂર પડે છે.

નિયમમાં કોને છૂટછાટ મળી?

જે દેશોમાં અમેરિકા આ વિઝા પ્રોસેસ નથી કરતું, ત્યાંના લોકો શૉર્ટ ટર્મ વિઝા માટે ચોક્કસ દેશોમાં ઇન્ટરવ્યૂની અરજી કરી શકે છે.

જેમ કે અફઘાનિસ્તાનમાંથી કોઈને શૉર્ટ-ટર્મ વિઝા જોઈતા હોય તો તેમણે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઍપૉઇન્ટમૅન્ટ લેવી પડશે. તેવી જ રીતે બેલારુસના લોકોએ વૉર્સો, ક્યુબાના લોકોએ જ્યોર્જટાઉન, ઈરાનના નાગરિકોએ દુબઈ, રશિયાના નાગરિકોએ વૉર્સો, સાઉથ સુદાનના લોકોએ નૈરોબી (કેન્યા), સીરિયાના લોકોએ અમાન, વેનેઝુએલાના લોકોએ બોગોટા (કોલંબિયા)માં ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમૅન્ટ લઈ શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન