આતિશી: એક સમયે કેજરીવાલ સરકારમાં મંત્રીપદ નહોતું મળ્યું, હવે દિલ્હીનાં મુખ્ય મંત્રી બન્યાં

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અને વર્તમાન સરકારમાં શિક્ષા અને પીડબ્લ્યુડી વિભાગનાં મંત્રી આતિશી દિલ્હીનાં નવાં મુખ્ય મંત્રી બનશે.
સમાચાર એજન્સી એએનઆઈએ ઍક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે નવાં મુખ્ય મંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે આતિશી ધારાસભ્યદળનાં નેતા તરીકે ચૂંટાયાં છે.
દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે મીડિયાને આ વિશે જાણકારી આપી હતી. ગોપાલ રાયે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ મંગળવારે જ રાજીનામું આપી દેશે.
ગોપાલ રાયે કહ્યું કે આતિશી મુશ્કેલ સમયમાં દિલ્હીનાં મુખ્ય મંત્રી બની રહ્યાં છે.
ગોપાલ રાયે આરોપ લગાવ્યો, "ભાજપે આમ આદમી પાર્ટીને તોડવાના અને સરકારને હટાવવાના પ્રયાસો કર્યા. જોકે, અમે તેમના દરેક પ્રયાસોને નિષ્ફળ કર્યા."
કેજરીવાલ દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાને મળીને પોતાનું રાજીનામું આપશે.
દિલ્હીના કાલકાજીથી ધારાસભ્ય આતિશી પાસે હાલમાં શિક્ષા અને પીડબ્લ્યૂડી જેવા મહત્ત્વપૂર્ણ વિભાગો છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જેલમાં ગયા પછી શિક્ષણ મંત્રાલયનો હવાલો આતિશીને સોંપયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરવિંદ કેજરીવાલ જે દિલ્હી મૉડલની વાત કરે છે તેમાં શિક્ષણ મંત્રાલયને એક મજબૂત સ્તંભ ગણવામાં આવે છે. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીની સરકારી શાળાઓના વખાણ કરે છે.
કેજરીવાલના રાજીનામાની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેઓ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેશે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યા અને હવે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરતા એક મોટું એલાન કર્યું હતું.
તેમણે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ બાદ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેશે.
તેમણે 15 સપ્ટેમ્બરે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં કહ્યું હતું, "હું મુખ્ય મંત્રીની ખુરશી છોડી રહ્યો છું અને ત્યાં સુધી મુખ્ય મંત્રીની ખુરશી પર નહીં બેસું જ્યાં સુધી લોકો પોતાનો નિર્ણય ન આપે."
"હું લોકો વચ્ચે જઈશ, ગલીગલીમાં જઈશ, ઘરઘરમાં જઈશ અને જ્યાં સુધી લોકો એ નિર્ણય ન કરે કે કેજરીવાલ ઈમાનદાર છે ત્યાં સુધી હું મુખ્ય મંત્રીની ખુરશી પર નહીં બેસું."
અરવિંદ કેજરીવાલની આ જાહેરાત પર ભાજપ અને કૉંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમના નિર્ણયને 'નાટક' ગણાવ્યો હતો.
આતિશીને જ્યારે મંત્રી પદ ન મળ્યું.....
2020ની વિધાનસભાની ચૂંટણી પછી કેજરીવાલની કૅબિનેટમાં આતિશી સહિત કોઈ પણ મહિલાને સ્થાન મળ્યું ન હતું.
આતિશીને કૅબિનેટમાં જગ્યા ન મળવાને કારણે પાર્ટીના જ કેટલાક નેતાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી.
2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70 પૈકી 62 વિધાનસભાઓ પર જીત મેળવી હતી. આ 62 પૈકી આઠ મહિલા ધારાસભ્ય હતાં.
તેમ છતાં અરવિંદ કેજરીવાલે એક પણ મહિલાને પોતાની કૅબિનેટમાં સ્થાન ન આપ્યું.
મનીષ સિસોદિયા, સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા પછી અનેક વખત આતિશીએ સરકારથી લઈને પાર્ટીનો મોરચો સંભાળ્યો.
આતિશી વર્ષ 2023માં પ્રથમ વખત કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી બન્યાં.
આતિશી કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
આતિશીનો જન્મ દિલ્હીમાં પ્રોફેસર માતા-પિતાના ઘરે થયો. તેમણે પ્રાથમિક શિક્ષાથી કૉલેજ સુધીનો અભ્યાસ દિલ્હીમાં જ કર્યો. ત્યારબાદ તેમણે ઉચ્ચ શિક્ષા માટે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો.
2012માં પાર્ટીના ગઠનમાં નેતૃત્વ સંભાળ્યા બાદ આતિશીને સક્રિય રાજકારણમાં સૌથી પહેલો મોકો વર્ષ 2019માં મળ્યો. પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડાવી. જોકે, આતિશીનો આ ચૂંટણીમાં ચાર લાખથી વધારે મતોથી પરાજય થયો હતો અને તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતાં.
પછી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ આતિશીને કાલકાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવ્યાં અને તેમણે જીત મેળવી હતી. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી મનીષ સિસોદિયાના રાજીનામા પછી આતિશી દિલ્હી સરકારમાં મંત્રી બન્યાં.
આતિશી આમ આદમી પાર્ટીના સંપર્કમાં કેવી રીતે આવ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે, આતિશી દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજયકુમાર સિંહ અને તૃપ્તા વાહીનાં દીકરી છે.
આતિશીએ દિલ્હીના સ્પ્રિંગડેલ્સ શાળામાં અભ્યાસ કર્યો છે. આતિશી સેન્ટ સ્ટીફૅન્સ કૉલેજમાં ઇતિહાસનો અભ્યાસ કર્યો.
આતિશીએ ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી. આતિશીને ત્યારબાદ શેવનીંગ સ્કૉલરશિપ પણ મળી.
આતિશીએ આંધ્ર પ્રદેશની ઋષિ વૅલી સ્કૂલમાં શિક્ષક તરીકે ભૂમિકા ભજવી. તેઓ આ દરમિયાન આમ આદમી પાર્ટી અને પ્રશાંત ભૂષણના સંપર્કમાં આવ્યાં.
આતિશી વર્ષ 2013માં આમ આદમી પાર્ટી સાથે જોડાયાં.
તેમણે વર્ષ 2015થી 2018 સુધી દિલ્હીના તત્કાલીન શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું.
આમ આદમી પાર્ટીની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે, મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે તેમણે દિલ્હીની સરકારી શાળાની હાલત સુધારવામાં, સ્કૂલ મૅનેજમેન્ટ સમિતિના ગઠન અને ખાનગી શાળાની વધતી બેફામ ફીને રોકવા માટે કડક નિયમો બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આતિશી પાર્ટીના રાજકીય મામલાને લગતી સમિતિનાં પણ સભ્ય છે.
આતિશી પાસે હાલમાં શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ટેક્નિકલ ટ્રેઇનિંગ ઍન્ડ એજ્યુકેશન, પીડબ્લ્યૂડી, ઊર્જા, રાજસ્વ, યોજના, નાણાં, વિજિલેન્સ, જળ, પબ્લિક રિલેશન્સ અને કાયદા અને ન્યાય જેવા વિભાગોની જવાબદારી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












