અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાતનો શો અર્થ છે

અરવિંદ કેજરીવાલે 15 સપ્ટેમ્બર 2024ના રોજ રાજીનામું આપવાની તારીખનું એલાન કર્યું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલે 15 સપ્ટેમ્બર 2024ના રોજ રાજીનામું આપવાની તારીખનું ઍલાન કર્યું
    • લેેખક, અભયકુમારસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

14 ફેબ્રુઆરી, 2014 – એ તારીખ જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય મંત્રીપદ પરથી પ્રથમ વખત રાજીનામું આપ્યું હતું.

વરસતા વરસાદમાં કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું, “મિત્રો, હું એક ખૂબ જ નાનો માણસ છું. હું અહીં ખુરશી (સત્તા) માટે આવ્યો નથી. હું અહીં જનલોકપાલ બિલ માટે આવ્યો છું. લોકપાલ બિલ આજે પાસ ન થયું અને અમારી સરકાર રાજીનામું આપે છે. લોકપાલ બિલ માટે 100 વખત મુખ્ય મંત્રીની ખુરશીનો ત્યાગ કરવા માટે તૈયાર છું. હું આ બિલ માટે જીવ પણ આપવા માટે તૈયાર છું.”

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તે સમયે રાજકારણમાં ખૂબ જ નવી હતી. તેમના આ ઍલાનથી કાર્યકર્તાઓ ઉત્સાહિત હતા. તેમણે ભરોસો હતો કે તેઓ બીજી વખત ચૂંટણીમાં જશે અને વિજય મેળવશે. તેવું જ થયું.

હવે એક દાયકાથી વધારે સમય થઈ ચૂક્યો છે. અરવિંદ કેજરીવાલ ત્રણ વખત દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા અને પાર્ટી પણ રાજકારણમાં પહેલાં કરતાં વધારે અનુભવી બની.

અરવિંદ કેજરીવાલે ફરી એક વખત 15 સપ્ટેમ્બર, 2024ના રોજ રાજીનામું આપવાની તારીખનું ઍલાન કર્યું છે. તેઓ આ વખતે પણ ચૂંટણી લડીને ફરીથી સત્તા હાંસલ કરવાનો ભરોસો દેખાડી રહ્યા છે.

તેમણે કહ્યું જ્યાં સુધી લોકો મને મુખ્ય મંત્રીના પદ પર બેસવા માટે નહીં કહે ત્યાં સુધી હું ફરીથી મુખ્ય મંત્રીની ખુરશી પર બેસીશ નહીં.

રવિવારે પાર્ટી મુખ્યાલયમાં કાર્યકર્તાને સંબોધિત કરતી વખતે કેજરીવાલે કહ્યું, “દિલ્હીમાં જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી બીજી કોઈ વ્યક્તિ દિલ્હીમાં મુખ્ય મંત્રી બનશે.”

આ માટે બે દિવસની અંદર આમ આદમી પાર્ટીનાં ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં નવા મુખ્ય મંત્રીનું નામ નક્કી થશે.

કેજરીવાલે કહ્યું, “હું દરેક ગલીમાં અને ઘરે-ઘરે લોકોની વચ્ચે જઈશ. લોકો જ્યાં સુધી પોતાનો નિર્ણય ન જણાવે કે કેજરીવાલ ઇમાનદાર છે ત્યાં સુધી હું મુખ્ય મંત્રીની ખુરશીમાં બેસીશ નહીં.”

ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલની આ જાહેરાતને પીઆર સ્ટંટ ગણાવ્યો હતો.

જોકે, કેજરીવાલના ઍલાન પણ ઘણા સવાલો ઊભા થયા છે. બીબીસી હિંદીએ આવા જ કેટલાક સવાલોનો જવાબ જાણવાનો પ્રયાસ કર્યો.

પ્રથમ પ્રશ્ન રાજીનામાની જાહેરાત આ સમયે જ કેમ, શું તેનું હરિયાણા વિધાનસભાની ચૂંટણી સાથે કોઈ ક્નેકશન છે?

બીજો પ્રશ્ન કે ચૂંટણી જલદી કરાવવાની માગણીનો આધાર શું છે? નવા મુખ્ય મંત્રી ચૂંટવાનો આધાર શું રહેશે? શું દિલ્હી ભાજપની રણનીતિ પર તેની અસર થશે?

એક મહત્ત્વપૂર્ણ સવાલ એ પણ કે 2014માં કેજરીવાલના રાજીનામાથી 2024માં રાજીનામા સુધી આમ આદમી પાર્ટી કેટલી બદલાઈ છે?

રાજીનામાનું ઍલાન અત્યારે કેમ?

અરવિંદ કેજરીવાલ લગભગ પાંચ મહિના જેલમાં રહ્યાં અને જેલની અંદરથી જ સરકાર ચલાવી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ લગભગ પાંચ મહિના જેલમાં રહ્યા અને જેલની અંદરથી જ સરકાર ચલાવી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અરવિંદ કેજરીવાલ લગભગ પાંચ મહિના જેલમાં રહ્યા અને જેલની અંદરથી જ સરકાર ચલાવી. તેઓ 13 સપ્ટેમ્બરે સાંજે જામીન મળ્યા પછી બહાર આવ્યા. કેજરીવાલે રવિવારે ઍલાન કરી કહ્યું કે તેઓ બે દિવસ પછી રાજીનામું આપશે. આ સમયે જ રાજીનામું આપવાની વાત કેમ કરી?

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીએ કહ્યું કે અચાનક જ લેવામાં આવેલા આ નિર્ણયને અરવિંદ કેજરીવાલની રાજકારણની શૈલી સાથે જોડીને જોઈ શકાય.

તેમણે કહ્યું, “તમે કેજરીવાલનાં 10-12 વર્ષના રાજકીય ઇતિહાસ પર નજર કરશો તો તેમના નિર્ણયમાં કોઇને કોઈ પ્રકારનું નાટક હોય છે. નાટક એવું જેમાં ‘આદર્શ’ હોવાનું પણ દેખાય અને તેની પાછળ કોઈ રણનીતિ પણ છુપાયેલી હોય. તે એક રાજકારણી તરીકે એટલા સરળ વ્યક્તિ નથી.”

પ્રમોદ જોશી માને છે, “કેજરીવાલ આ અચાનક લીધેલા નિર્ણય થકી સંદેશ આપવા માંગે છે કે હું આ બધી વસ્તુઓથી ઉપર છું અને એક સાધારણ વ્યક્તિ છું.”

તેમણે કહ્યું કે કેજરીવાલની જે સમયે ધરપકડ થઈ તે સમયે પણ રાજીનામું આપી શક્યા હોત. કારણ કે તેમની પહેલાં પણ જે નેતાઓની ધરપકડ થઈ ત્યારે તેમણે રાજીનામાં આપ્યાં હતાં.

જોકે, જેલમાંથી બહાર આવ્યાં પછી રાજીનામું આપવાનું શું કારણ છે? આ વિશે પ્રમોદ જોશીએ કહ્યું, “બની શકે કે તેઓ પુરવાર કરવા માંગતા હોય કે તેમણે કાયદાકીય લડાઈ લડી અને સિદ્ધાંતોને કારણો રાજીનામું ન આપ્યું. આજે તેઓ બીજા સિદ્ધાંતની વાત કરી રહ્યાં છે કે કેજરીવાલ લોકોના નિર્ણય પછી જ મુખ્ય મંત્રીની જવાબદારી સંભાળશે.”

“ટૂ લેટ, ટૂ લિટલ”

અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર નીકળ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યા ત્યારની તસવીર

વરિષ્ઠ પત્રકાર આશુતોષે કેજરીવાલના આ નિર્ણયને “ટૂ લેટ, ટૂ લિટલ” ગણાવ્યો હતો.

તેમણે કહ્યું, “કેજરીવાલે આ નિર્ણય લેવામાં મોડું કર્યું. આ લોકોની વચ્ચે ઘટતી શાખ બચાવવાનો પ્રયાસ લાગે છે. જે દિવસે તેમની ધરપકડ થઈ તે દિવસે જ તેમણે આ કરવાની જરૂર હતી.”

આશુતોષ પણ પ્રમોદ જોશીના મત સાથે સહમત છે કે આ ઍલાન નાટકીય છે. તેમણે કહ્યું, “બે દિવસ પહેલાં આ પ્રકારનું ઍલાન ખૂબ જ રહસ્યમય છે અને તેમણે આ પ્રકારના નાટકથી બચવું જોઇએ.”

અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હીની વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. ત્યારબાદ દિલ્હીમાં ચૂંટણી થશે. ચૂંટણીમાં લગભગ પાંચ મહિનાનો સમય બાકી છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા કેજરીવાલના આ નિર્ણયને ચૂંટણી અને કાયદાકીય પ્રતિબંધો સાથે જોડાયેલા માને છે.

તેમણે બીબીસીને કહ્યું, “કોર્ટમાંથી બહાર આવ્યા પછી પણ તેમના હાથમાં કંઈ નથી. તેઓ કોઈ નિર્ણય કરી શકતા નથી. કૅબિનેટની બેઠકમાં ભાગ લઈ શકતા નથી. જેલમાંથી બહાર આવ્યા પછી લોકો તેમના પર કામ અને વાયદાઓ પૂરા કરવા માટે દબાણ બનાવશે. તેમની પાસે હવે લોકોને કહેવા માટે વિકલ્પ હશે કે હું મુખ્ય મંત્રી નથી, હું કંઈ ન કરી શકું, પરંતુ અમારી પાર્ટી કરી શકશે.”

શરદ ગુપ્તાએ ઉમેર્યું, “આ નિર્ણયનું બીજું પાસું હરિયાણા અને દિલ્હીની ચૂંટણી પણ હોઈ શકે છે. મુખ્ય મંત્રી તરીકે તેમની જવાબદારીમાંથી મુક્ત થયા પછી હરિયાણાની ચૂંટણીમાં જોર લગાવી શકે છે. દિલ્હીમાં પણ આવનાર થોડાક મહિનામાં ચૂંટણી થશે. ત્રણ વખત જીત્યા પછી ચોથી ચૂંટણી જીતવી આમ આદમી પાર્ટી માટે એટલી સરળ નહીં રહે.”

આમ આદમી પાર્ટી 2019માં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 46 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને પાર્ટી એકપણ બેઠક ન જીતી. પાર્ટી આ વખતે બધી જ 90 બેઠકો પર ચૂંટણી લડશે.

રાજીનામું આપવાના બે દિવસ પહેલા તેમની જાહેરાતને શરદ ગુપ્તા “હેડલાઇન મૅનેજમેન્ટ”ની રણનીતિ ગણાવે છે.

ગુપ્તાએ કહ્યું કે આ કરીને પાર્ટી સમાચારોમાં અને ચર્ચામાં રહેવા માંગે છે. તેમણે કહ્યું, “જે દિવસે રાજીનામું આપે તે દિવસે જ ઍલાન કરવું જોઇએ. પહેલા ઍલાન કરવાનો શો અર્થ છે? અથવા તો બની શકે કે કેજરીવાલને એ વાતની બીક હતી કે આ માહિતી લીક ન થઈ જાય. આ ઉપરાંત ભાજપને અત્યાર સુધી હેડલાઇન મૅનેજમેન્ટમાં માસ્ટર ગણાવાય છે. જોકે, આમ આદમી પાર્ટી પણ તેમાં આગળ છે.”

જોકે, રાજીનામા માટે બે દિવસનો સમય માંગવાના સવાલ પર દિલ્હી સરકારના મંત્રી અતિશીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “આ માટે એક યોગ્ય કારણ છે. આજે રવિવાર છે અને સોમવારે ઈદની રજા છે. આ કારણે આવનારા વર્કિગ ડે એટલે કે મંગળવારે કેજરીવાલ રાજીનામું આપશે.”

આબકારી નીતિમાં કથિત ગોટાળાનાં મામલે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન તો આપ્યા પણ તેમના પણ ઘણી શરતો લાગુ છે. કોર્ટે કહ્યું કે ઈડી કેસમાં લાગુ પડેલી શરતો આ મામલે પણ લાગુ પડશે.

તેમના પર લાગેલી શરતો પ્રમાણે કેજરીવાલ મુખ્ય મંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય જશે નહીં. તેઓ ન્યાયાલયમાં વિચારાધીન મામલાઓ વિશે કોઈ જાહેર ટિપ્પણી કરશે નહીં. તેઓ કોઇપણ સરકારી ફાઇલ પર ત્યાં સુધી સહી ન કરી શકે જ્યાં સુધી તે જરૂરી ન હોય અને દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી લેવા માટે તેની જરૂર ન હોય.

આ ઉપરાંત તેમના પર ચાલી રહેલા કેસોમાં પોતાની ભૂમિકા પર કોઈ સાર્વજનિક ટિપ્પણી કરશે નહીં. તેઓ કોઈ સાક્ષી સાથે વાત કરશે નહીં અને મામલા સાથે જોડાયેલી સત્તાવાર ફાઇલ સુધી પહોંચશે નહી.

નવી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તૈયાર છે?

આતિશીએ કહ્યું કે દિલ્હી વિધાનસભાને ભંગ કરવાની જરૂર નથી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આતિશીએ કહ્યું કે દિલ્હી વિધાનસભાને ભંગ કરવાની જરૂર નથી

મુખ્ય મંત્રી કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ પણ કહેતા જોવા મળે છે કે આમ આદમી પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે. જોકે, કેજરીવાલ તરફથી વિધાનસભાને ભંગ કરવાની કોઈ વાત કહેવામાં આવી નથી અને કહેવામાં આવ્યું છે કોઈ નવી વ્યક્તિ મુખ્ય મંત્રી બનશે.

આશુતોષ અને પ્રમોદ જોશી બંને આ નિવેદનને આત્મવિશ્વાસ તરીકે જોતા નથી.

આશુતોષે કહ્યું, “જો આવું કંઈ થાય તો પાર્ટીએ વિધાનસભા ભંગ કરવી જોઇએ. જોકે, એવું કંઈ ન કર્યું અને નવા મુખ્ય મંત્રીની વાત થઈ રહી છે. આનો અર્થ એમ છે કે ચૂંટણી માટે પાર્ટીને સમય જોઇએ છે. પાર્ટી તરફથી મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજાય તેવી વાત કહેવામાં આવી રહી છે. જોકે, તેવું પણ હોય તો કૅબિનેટે રાજીનામું આપવું જોઇતું હતું.”

જોકે, પ્રમોદ જોશીએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જે પ્રકારની સ્થિતિ બની છે તેને કારણે પાર્ટીને લાગે છે કે જો ચૂંટણી જલદી થઈ જાય તો પાર્ટીને ફાયદો મળી શકે છે.

તેમણે કહ્યું, “ચૂંટણી જો છ-આઠ કે દસ મહિના પછી થશે તો તે પાર્ટી માટે વધારે અસરકારક નહીં રહે. આ કારણે તેઓ ઇચ્છે છે કે ચૂંટણી જલદી થઈ જાય. જો આવું હોય તો તેમણે વિધાનસભા ભંગ કરવી જોઇએ અને જલદી ચૂંટણી કરાવવા માટે વાત રાખવી જોઇએ.”

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા આ નિર્ણયને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ જેલમાં રહ્યાં પછી તેમના પ્રત્યે પેદા થયેલી સહાનુભૂતિ સાથે જોડીને જુએ છે. તેમણે કહ્યું કે પાર્ટી આ સહાનુભૂતિનો ફાયદો ઊઠાવવા માંગે છે.

તેમણે કહ્યું, “કેજરીવાલ, સિસોદિયા અને સંજયસિંહ આટલા દિવસોથી જેલમાં હતા. પાર્ટીને અત્યારે લાગે છે કે સહાનુભૂતિનો ફાયદો ઊઠાવવો જોઇએ. કારણ કે લોકો સમયની સાથે આ વાતને ભુલી પણ શકે છે. એટલે જ પાર્ટી ઇચ્છે છે કે ચૂંટણી જલદી થઈ જાય.”

જોકે, રવિવારે થયેલી પ્રેસ કૉન્ફ્રેન્સમાં વિધાનસભા ભંગ કરવાના સવાલ પર આતિશીએ કહ્યું કે દિલ્હી વિધાનસભાને ભંગ કરવાની જરૂર નથી.

તેમણે કહ્યું, “કોઇપણ વિધાનસભામાં જો છ મહિનાથી ઓછો કાર્યકાળ બાકી હોય તો કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચ ક્યારે પણ ચૂંટણી કરાવી શકે છે. આ માટે વિધાનસભાને ભંગ કરવાની જરૂર નથી.”

નવા મુખ્ય મંત્રી માટે કોણ નિર્ણય કરશે?

ઘણા નામોની ચર્ચા પણ થઈ રહી છે, જેમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, સરકારમાં મંત્રી આતિશિ, મંત્રી સૌરભ ભારદ્વાજ, મંત્રી કૈલાશ ગહલોત સહિત કેટલાક નામો સામેલ છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઘણા નામોની ચર્ચા પણ થઈ રહી છે, જેમાં અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ, સરકારમાં મંત્રી આતિશી, મંત્રી સૌરભ ભારદ્વાજ, મંત્રી કૈલાશ ગહલોત સહિત કેટલાંક નામો સામેલ છે

કેજરીવાલના રાજીનામાની જાહેરાત પછી અટકળો લાગી રહી છે કે દિલ્હીના મુખ્ય મંત્રી કોણ બનશે.

ઘણાં નામોની ચર્ચા પણ થઈ રહી છે, જેમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, સરકારમાં મંત્રી આતિશી, મંત્રી સૌરભ ભારદ્વાજ, મંત્રી કૈલાશ ગહલોત સહિત કેટલાંક નામો સામેલ છે.

જોકે, નવા મુખ્ય મંત્રી ક્યા આધારે નક્કી કરવામાં આવશે?

પ્રદીપ જોશીએ કહ્યું, “નવા મુખ્ય મંત્રી બનાવવાનો જે નિર્ણય છે તેનો કોઈ અર્થ નથી. કારણ કે બધા જાણે છે કે જે કોઇપણ મુખ્ય મંત્રી બને તે માત્ર દેખાડવા માટે જ છે જેવું જયલલિતા અને લાલુ યાદવના કેસમાં થયું હતું.”

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ જોશી માને છે કે સિદ્ધાંત જે કંઈ પણ હોય પરંતુ નવા મુખ્ય મંત્રીની પસંદગી કરવામાં મુખ્ય ભૂમિકા અરવિંદ કેજરીવાલની જ રહેશે.

તેમણે કહ્યું, “જે પણ ચહેરો હશે તે કેજરીવાલના વફાદાર હશે તે બાબતે કોઈ શંકા નથી. જેમ કે આતિશીનું નામ આવી રહ્યું છે કારણ કે તેમણે સરકારમાં સારૂ કામ કર્યું છે. જોકે, કેજરીવાલે જેવી સરપ્રાઇઝ રાજીનામાની જાહેરાત કરીને આપી તેવી જ રીતે કોઇ નવી વ્યક્તિ જ મુખ્ય મંત્રી તરીકે મળી જાય તો નવાઈ નહીં.”

સુનીતા કેજરીવાલની દાવેદારી વિશે પ્રદીપ જોશીએ કહ્યું, “તેઓ પણ બની શકે છે અને તેમાં કોઈ હેરાની નથી. આ થોડુંક વિચિત્ર તો થશે, પરંતુ આ પાર્ટીમાં હવે આ પ્રકારનો કોઈ ખચકાટ રહ્યો નથી.”

શરદ ગુપ્તાએ કહ્યું કે મુખ્ય મંત્રીના ચહેરાની પ્રથમ યોગ્યતા એ જ હશે કે તે વ્યક્તિ અરવિંદ કેજરીવાલના એક વફાદાર હોવા જોઇએ.

ગુપ્તા તેમને “યસ મિનિસ્ટર”નું નામ આપે છે. તેમણે કહ્યું, “આ વાતને પસંદગીની પ્રથમ યોગ્યતા તરીકે ગણવી જોઇએ. તમે વિચારો કે અરવિંદ કેજરીવાલે જેલમાં રહીને ઝંડો ફરકાવવા માટે કોને આગળ મોકલ્યા હતા.”

શરદ અહીં આતિશી તરફ ઇશારો કરી રહ્યાં છે. જોકે, આતિશીએ આ મામલે હજી કોઈ ટિપ્પણી કરી નથી. તેમનું કહેવું છે કે આ નિર્ણય ધારાસભ્યની બેઠકમાં થશે.

ભાજપ અને કૉંગ્રેસની નજરમાં કેવો નિર્ણય છે?

રવિવારે એક પ્રેસ કૉન્ફ્રન્સમાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ 48 કલાક પહેલા રાજીનામાની જાહેરાત પર સવાલો કર્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રવિવારે એક પ્રેસ કૉન્ફ્રન્સમાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર સવાલો કર્યા

ભાજપ કેજરીવાલના આ નિર્ણયને નાટક ગણાવી રહી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના લોકોએ પોતાનો નિર્ણય જણાવી દીધો હતો.

તેમણે કહ્યું, “દિલ્હીના લોકોએ કેજરીવાલને ત્રણ મહિના પહેલાં જ પોતાનો નિર્ણય જણાવી દીધો છે. તમે દિલ્હીના રસ્તાઓ પર પોતે જ ગયા હતા અને કહ્યું હતું કે જેલની બદલે વોટ આપો અને દિલ્હીના લોકોએ તમને બરાબર જવાબ આપ્યો...”

રવિવારે એક પ્રેસ કૉન્ફ્રન્સમાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ 48 કલાક પહેલાં રાજીનામાની જાહેરાત પર સવાલો કર્યા. તેમણે કહ્યું, “કેજરીવાલે જ્યારે રાજીનામાની વાત કરી ત્યારે અમે કહી શકીએ કે આ તેમના ગુનાની કબુલાત હતી. આનો અર્થ એ છે કે તેમણે માની લીધું કે તેમના પર જે આરોપ છે તે ગંભીર છે કે તેઓ આ પદ પર ન રહી શકે.”

જોકે, પ્રમોદ જોશી માને છે કે દિલ્હી ભાજપ માટે આ નિર્ણય ચોંકાવનારો અને અપ્રત્યાશિત થશે. તેમણે કહ્યું, “ભાજપ દિલ્હીની વિધાનસભાને લઈને એટલી આશ્વસ્ત નથી કારણ કે ભાજપનું દિલ્હી સંગઠન ખૂબ મજબૂત નથી અને આંતરિક સ્તરે કોઇ વધારે તાકાત પણ નથી. ભાજપના શીર્ષ નેતૃત્વમાં દિલ્હીને લઇને અસમંજસ છે.”

“આ પાછળ ત્રીજું કારણ પણ છે. હરિયાણામાં ચૂંટણી થવાની છે અને તેની થોડીક અસર તો દિલ્હીનાં પરિણામો પર પણ થશે. આનો અર્થ છે કે તેમણે ભાજપને એક વખત આશ્ચર્યચકિત તો કર્યો છે.”

જોકે, આશુતોષ આ મત સાથે સહમત નથી. તેઓ માને છે કે ભાજપને કોઈ ફરક પડશે નહીં.

તેમણે કહ્યું, “દિલ્હીની ચૂંટણીમાં હજી પણ થોડોક સમય છે અને ભાજપ આ માટે માનસિકરૂપે તૈયાર છે. મને નથી લાગતું કે કેજરીવાલના આ પગલાથી ભાજપની રણનીતિ કે રાજનીતિ પર કોઈ ખાસ અસર પડશે.”

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા માને છે કે કેજરીવાલનું આ પગલું ભાજપ માટે એક રીતે આશ્ચર્યજનક છે, જે કોઇપણ રીતે ભાજપના પક્ષમાં નથી.

તેમણે કહ્યું, “ભાજપ ઇચ્છે છે કે કેજરીવાલ મુખ્ય મંત્રી બન્યા રહે અને તેઓ કેજરીવાલ પર કાદવ ઉછાળતા રહે. કેજરીવાલ કહી શકે છે કે કોર્ટે મને છોડી દીધો અને મેં છુટતાની સાથે જ મુખ્ય મંત્રી પદ છોડી દીધું. તેઓ કહી શકે કે તેમને સત્તાની કોઈ લાલચ નથી.”

કૉંગ્રેસની વાત કરીએ તો દિલ્હીમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા પછી કેજરીવાલે કૉંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી હતી. આ માટે કેજરીવાલ ઘણા વિસ્તારોમાં દિલ્હીનાં સામાન્ય લોકોને મળ્યા હતા.

આ વખતેની લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ સાથે ચૂંટણી લડી હતી. જોકે, હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન ન થયું.

શરદ ગુપ્તાએ કહ્યું, “લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી કૉંગ્રેસને ફાયદો મળ્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીને કોઈ ફાયદો ન થયો. બંને પાર્ટી હવે હરિયાણામાં સાથે ચૂંટણી લડી રહી નથી. આ કારણે સ્પષ્ટ છે કે કૉંગ્રેસની પ્રતિક્રિયા કેજરીવાલની વિરુદ્ધ એક વિપક્ષી પાર્ટી જેવી જ રહેશે.”

તેમણે કહ્યું, “કૉંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ દિલ્હીમાં પોતાના નેતૃત્વને મજબૂત ન કર્યું. પ્રદેશ સંગઠનમાં એક પણ એવા નેતા દેખાતા નથી જે કેજરીવાલ જેવી ઓળખાણ ઘરાવે છે. આ વાતનું નુકસાન કૉંગ્રેસે ચૂંટણીમાં ભોગવવું પડશે.”

કૉંગ્રેસ તરફથી પ્રતિક્રિયાની વાત કરીએ તો કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે પણ કેજરીવાલના રાજીનામાને નાટક ગણાવ્યું હતું અને કહ્યું કે કેજરીવાલ પહેલાં જ મુખ્ય મંત્રી પદ છોડી દેવાની જરૂર હતી.

દીક્ષિતે કહ્યું, “તેમને જ્યારે જેલ થઈ ત્યારે જ તેમણે મુખ્ય મંત્રીનું પદ છોડી દેવું જોઇતું હતું. જોકે, તેમણે તે સમયે આવું ન કર્યું. હવે બાકી શું છે, આ જાહેરાત કરવાનો શું અર્થ છે?”

2014માં કેજરીવાલના રાજીનામાથી અત્યાર સુધી પાર્ટી કેટલી બદલાઈ?

આ સવાલ વિશે આશુતોષે કહ્યું, “આમ આદમી પાર્ટી આંદોલનથી જન્મેલી તે પાર્ટી ન રહી. એ અલગ સમય હતો જ્યારે દેશ બદલવાનું સપનું હતું, આદર્શવાદ હતો, નવા પ્રકારના રાજકારણની આશા હતી. જોકે, 10 વર્ષમાં વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ. સંગઠન પણ પહેલાં જેવું રહ્યું નથી અને પાર્ટી સાથે જોડાનારા લોકો પણ અલગ છે.”

આશુતોષે કહ્યું કે દિલ્હીના લોકો પણ “મફત વીજળી અને મફત પાણી” જેવા નારાઓ પર જશે નહીં. કારણ કે લગભગ બધી જ પાર્ટી આવા નારા આપી રહી છે.

વર્ષ 2014માં કેજરીવાલના રાજીનામા વિશે પ્રમોદ જોશીએ કહ્યું, “તે સમયે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી જન્મેલી પાર્ટી હતી અને કાર્યકર્તાઓમાં અલગ પ્રકારનો ઉત્સાહ હતો. પાર્ટીએ ઘણા સ્થળોએ સભાઓ કરી. લોકોને પૂછ્યું હતું કે અમારે સરકાર બનાવવી જોઇએ કે સમર્થન લેવું જોઇએ. આ વખતે સ્થિતિ અલગ છે. આ 10 વર્ષોમાં પાર્ટી ઘણી બદલાઈ ગઈ છે. પાર્ટી હવે એક સામાન્ય રાજકીય પાર્ટી બની ગઈ છે.”

“મને લાગતું નથી કે કાર્યકર્તાઓ પાસે એટલી ઊર્જા છે. પાર્ટીમાં હવે ઘણા લોકો સામેલ થઈ ગયા છે જે પોતાના માટે અલગ-અલગ પ્રકારના ફાયદાઓ જુએ છે. તમે જોયું કે રાજ્યસભામાં સભ્ય બનવા માટે બહારથી લોકો જોડાયા, કાર્યકર્તાઓને જગ્યા ન મળી. કાર્યકર્તાઓ પણ તે નથી રહ્યાં જે શરૂઆતી સમયમાં હતા.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.