ભરૂચથી ચંદન ચોરીના આરોપમાં ઝડપાયેલો 'ગુજરાતનો વિરપ્પન' કોણ છે?

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
ભરૂચ જિલ્લાના નેત્રંગ રેન્જ ફૉરેસ્ટ અધિકારીઓએ 'ગુજરાતનો વિરપ્પન' માનવામાં આવતા વિમલ મહેતાને પકડી પાડ્યો છે.
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ-પ્રથમવાર લાખ્ખો રૂપિયાનાં ચંદનના લાકડાંનો જથ્થો પણ વન વિભાગે જપ્ત કર્યો છે.
ભરૂચના નેત્રંગ રેન્જના વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાલિયા તાલુકાના રૂંધા ગામે વન વિભાગના અધિકારીઓએ જ્યારે વિમલ મહેતાના ઘરમાં રેડ પાડી હતી ત્યારે તેમના ઘરમાંથી ‘ચોરેલા’ ચંદનના માલનો લાખ્ખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.
વન વિભાગે વિમલ મહેતાનાં પત્ની શાંતા મહેતાની પણ ધરપકડ કરી છે.
વન વિભાગે વિમલ મહેતાના સુરત જિલ્લાના કામરેજ ખાતેના ઘરમાં પણ રેડ પાડી હતી અને ત્યાંથી પણ ‘ગેરકાયદેસર’ રીતે રાખવામાં આવેલા ‘ચોરી કરેલા ચંદનનાં લાકડાંનો જથ્થો’ મળી આવ્યો હતો.
ગુજરાતના આ ‘વિરપ્પન’ની પાસેથી ચંદનના લાકડાં સિવાય ઔષધિય જડીબુટ્ટી તથા ચંદનને કાપવાની મશિનરી પણ મળી આવી છે.
વન વિભાગે તેની સામે વન અધિનિયમ 1927 અંતર્ગત ફરિયાદ દાખલ કરીને તેની તપાસ હાથ ધરી છે. હાલ વિમલ મહેતાને જામીન પર છોડવામાં આવ્યો છે. વન વિભાગ અનુસાર પૂછપરછમાં તેણે બિલ આપીને ધંધો કરતો હોવાનું કહ્યું છે.

કેવી રીતે પકડાયો ગુજરાતનો આ ‘વિરપ્પન’?

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ઘણા સમયથી સરકારી કે ખાનગી રહેઠાણ વિસ્તારોમાંથી છૂટાછવાયા અમૂલ્ય ચંદનનાં વક્ષો કપાવાની અને તેના ચોરી થવાની ફરિયાદો ઊઠી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 17 દિવસ પહેલાં જ નેત્રંગના હાથાકુંડી મંદિરના મહારાજને ધાકધમકી આપીને ચંદનના ઝાડ કાપી ગયા હતા. ઉપરાંત જામુની ખેતર વિસ્તારમાં ઉગાડેલાં ચંદનનાં વૃક્ષો કેટલાક ચંદન ચોરો કાપી ગયા હતા.
નેત્રંગ વન વિભાગના અધિકારીઓએ આ મામલે વિગતો મેળવીને તપાસ કરી. બાતમીને આધારે વિમલ મહેતાનું નામ ખૂલ્યું.
નેત્રંગ રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર સરફરાઝ ઘાંચી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “બાતમીને આધારે વન વિભાગે તમામ બાબતની ગુપ્ત રીતે ઝીણવટથી તપાસ કરી. રૂંધા ગામે વિમલ મહેતાના ઘરે રેડ કરી ત્યારે અમને મોટા પ્રમાણમાં ચંદનનાં લાકડાં સાથે વિવિધ સંલગ્ન ચીજવસ્તુઓ મળી આવી હતી. અમે ઝગડિયા આરએફઓ મીનાબહેન પરમાર અને સુરત આરએફઓ વરમોરાની મદદ લઈને વિમલ મહેતાના સુરતના કામરેજ ખાતે આવેલા ઘર પર રેડ પાડી ત્યારે અચંબો પામે તેટલું ચંદનનું લાકડું અને તેની ચીજવસ્તુઓ મળી આવી હતી."
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જપ્ત કરાયેલા ચંદનનાં લાકડાં અને તેની બનેલી ચીજ વસ્તુઓ તથા અન્ય જપ્ત ચીજવસ્તુઓની સ્થાનિક બજારમાં અંદાજીત કિંમત 35,10,550 રૂપિયા થવા પામે છે.

‘છેલ્લાં 12 વર્ષથી ચંદન ચોરીનું કામ કરતા વિમલ મહેતા’

ઇમેજ સ્રોત, SARFARAZ GHANCHI
વન વિભાગનું કહેવું છે કે "ચંદન ચોરીમાં ખૂબ જ અનુભવી વિમલ મહેતાનું સુરતના કામરેજમાં મકાન હતું છતાં તેણે અંતરિયાળ વિસ્તારના રૂંધા ગામમાં એક મકાન બનાવ્યું હતું જેથી તે આસપાસનાં જંગલોમાંથી ચંદન મેળવી શકે."
સરફરાઝ ઘાંચી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "તેના સંપર્કો છોટાઉદેપુરથી લઈને ડાંગનાં જંગલો સુધી હતાં. તે ચંદન ચોરો સાથે સંપર્કમાં રહેતો. ચોરેલા ચંદનનો માલ પણ લેતા અને પછી ચોરાયેલા લાકડાંમાંથી તેના અલગ-અલગ આકારમાં ટુકડા કરી તેમાંથી ચિપ્સ અને પાઉડર બનાવવાનું કામ કરતો."
ભરૂચના ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર(DFO) રઘુવીરસિંહ જાડેજા જણાવે છે, "'ગુજરાતના ચંદનચોર વિરપ્પન'ના સ્વરૂપે વિમલ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી. તેને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને એસઓજીની ટીમ સાથે સતત સંકલન બનાવવામાં આવ્યું. જેને કારણે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલા મોટા જથ્થામાં ચંદનનું લાકડું ઝડપી પાડવામાં આવ્યું છે."
વન વિભાગના જણાવ્યા પ્રમાણે તેની ત્રણ પ્રકારે મોડેસ ઑપરેન્ડી હતી.
ખેડૂતો પાસેથી ગેરકાયદે અથવા ઓછા ભાવે ચંદનની ખરીદી કરવામાં આવતી હતી.
વન વિભાગ અનુસાર ચોરોના નેટવર્કની વિમલ મહેતાને જાણ હતી. વિમલ મહેતાની પાસે ચંદનચોરોનું નેટવર્ક હતું અને તે સતત તેના સંપર્કમાં રહેતા. ચોરો પાસે ચંદનની ખરીદી કરતા.
જ્યાંથી ચંદનની ચોરી માટે તેનાં વૃક્ષો કપાયાં હોય તેની ભાળ મેળવીને તે બાકીનાં વૃક્ષનાં ઠૂંઠા એટલે કે વેસ્ટેજની પણ ખરીદી કરતા. જે સસ્તા ભાવે મળતું.
હવે વન વિભાગ દક્ષિણ ગુજરાતમાં ચંદન ચોરી સાથે સંકળાયેલા તેના નેટવર્કની ભાળ મેળવી રહ્યું છે.
વન વિભાગનું માનવું છે કે અમને કેટલીક માહિતી મળી છે અને તેના આધારે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે.

‘મોટાભાગનું ચોરેલું ચંદન વિમલ મહેતાએ જૈન દેરાસરમાં સપ્લાય કર્યું’

ઇમેજ સ્રોત, SARFARAZ GHANCHI
વિમલ મહેતા જૈન છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે શરૂઆતમાં રત્નકલાકાર હતો પણ પાછળથી તે હલ્દુના ઝાડની લે-વેચમાં પડ્યો.
સરફરાઝ ઘાંચી જણાવે છે, "હલ્દુનું ઝાડ હકીકતમાં જૈનોની ધાર્મિક વિધિમાં ચંદનના વિકલ્પ તરીકે વાપરવામાં આવતું હતું. પણ વિમલ જૈન હોવાથી તેને થયું કે ભગવાન માટે ખોટો માલ શું કામ વપરાવો જોઈએ. તેથી તેણે ચંદનનો વ્યાપાર શરૂ કર્યો. પણ તે ભગવાનના કામમાં પણ આ ચોરેલાં ચંદનનો માલ જ સપ્લાય કરતો હતો."
"આ પહેલાં તેણે કંપની બનાવીને જીએસટી નંબર પણ લીધો હતો જોકે બાદમાં તે રદ થઈ ગયો હતો. 90 ટકા ચંદનનો માલ તેણે જૈન દેરાસરમાં વેચ્યો હતો. તે દેરાસરના સંચાલકોને બિલ પણ આપતો જેથી કોઈને શંકા ન જાય."
જ્યારે વિમલ મહેતાની વન વિભાગે પૂછપરછ કરી તો તેણે પોતાનો બચાવ કરતા કહ્યું કે તે બિલ આપીને ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું.
સરફરાઝ તેની પૂછપરછ વિશે માહિતી આપતા કહે છે, "તેણે અમને કહ્યું કે તે ચોરી નહોતો કરતો હતો તે પૈસા લઈને ચંદન ખરીદતો હતો. તેનું કહેવું હતું કે તે બિલ આપીને ધંધો કરતો હતો. પણ હકીકત એ હતી કે એ બિલ પર કોઈ જીએસટી નંબર નહોતો. કારણકે તેનો જીએસટી નંબર કોઈ કારણસર રદ થઈ ગયો હતો."
વન વિભાગે તેની સામે વન અધિનિયમ 1927 અંતર્ગત ફરિયાદ દાખલ કરીને તેની તપાસ હાથ ધરી છે.
તેને હાલ પાંચ લાખના બૉન્ડ પર જામીન આપવામાં આવ્યા છે અને તે પણ પૂછપરછમાં સહકાર આપે તે શરતે.
વન વિભાગના અધિકારીઓ તેની પૂછપરછ કરીને તેના કથિત નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની ભાળ મેળવાનો પ્રયત્ન કરી રહી છે.














