મહારાષ્ટ્રમાં ભાજપની જોરદાર જીત, ગઠબંધનના રાજકારણનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના નામથી ચૂંટણી લડેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને માત્ર બહુમતી નથી મેળવી પણ રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે.
તો ઝારખંડમાં કૉંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડનાર ઝારખંડ મુક્તિ મોરચો પહેલાં કરતાં વધારે બેઠકો હાંસલ કરીને પોતાની સરકાર બચાવી લેવામાં સફળ રહ્યો છે.
આ વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણી પછી આ બીજા સૌથી મોટા રાજ્યની ચૂંટણી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર પર સૌની નજર હતી.
જ્યાં લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર), અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના મહાવિકાસ અઘાડી ગઠબંધને મોટી જીત હાંસલ કરી હતી જેનાથી ભાજપના ગઠબંધનની સરકાર બચશે કે કેમ, એવા સવાલ ઊભા કર્યા હતા.
પરંતુ 23 નવેમ્બરના દિવસે આવેલાં ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજ નેતાઓના રાજકીય ભવિષ્ય પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ભાજપને આવાં પરિણામની આશા નહોતી

ઇમેજ સ્રોત, ANI
ભાજપ પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામે કહ્યું કે, "અમે 200 બેઠકો જીતવાની આશા હતી પણ અમારો સ્ટ્રાઇક રેટ આટલો સારો હશે, એવું અમે પણ નહોતું વિચાર્યું. જનતાએ મહાયુતિના કામ પર ફરી મહોર લગાવી છે."
સામાન્ય ચૂંટણીમાં જ્યારે ભાજપ પોતાના દમ પર બહુમતી હાંસલ નહોતો કરી શક્યો અને સરકાર બનાવવા માટે તે ગઠબંધન પર નિર્ભર હતો.
ત્યારે કહેવામાં આવ્યું કે દસ વર્ષ કેન્દ્રની સત્તામાં રહેનાર ભાજપની પડતીનો સમય આવી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, ત્યાર બાદ થયેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપે પહેલાં હરિયાણામાં પહેલાંથી વધારે બેઠકો જીતી છે.
હવે મહારાષ્ટ્રમાં અપ્રત્યાશિત વિજય મેળવીને સાબિત કર્યું છે કે ચૂંટણીપ્રબંધન અને જનતાના મૂડનો તાગ મેળવવામાં ભાજપનો હજુ કોઈ મુકાબલો નથી.
મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો અંગે શું કહે છે રાજકીય નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા કહે છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે સામાન્ય ચૂંટણીમાં સતત ત્રણ વખત વાપસી કરી છે, પરંતુ કૉંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ગઠબંધને જે રીતે ભાજપને એકલો બહુમતી સુધી પહોંચતો રોક્યો હતો. ત્યાર બાદથી ચર્ચા થઈ હતી કે હવે ભાજપની પડતીનો સમય આવ્યો છે. "
"હરિયાણા પછી હવે મહારાષ્ટ્રમાં જબરદસ્ત જીત હાંસલ કરીને ભાજપે સાબિત કર્યું કે એ માત્ર ચર્ચા હતી. "
શરદ ગુપ્તા કહે છે કે, "અત્યાર સુધી જોવામાં આવ્યું કે જ્યારે કોઈ સરકારની પડતી શરૂ થાય તો તે રોકાતી નથી , ભલે વાજપેયીની એનડીએ સરકાર હોય કે ત્યાર બાદ યુપીએ-2ની સરકાર. "
"એક વખત સત્તાધારી પાર્ટીની પડતી શરૂ થતી તો તે સત્તામાં પુનરાગમન કરી શકતી નહીં,ભલે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં."
"ભાજપને જ્યારે કર્ણાટક અને તેલંગણામાં ઝટકો લાગ્યો અને પછી લોકસભામાં બેઠકો ઓછી થઈ તો કહેવામાં આવ્યું કે ભાજપની પડતી શરૂ થઈ છે. પણ પછી વિધાનસભા ચૂંટણીમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે અશક્ય દેખાતાં પરિણામ હાંસલ કર્યાં છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે વડા પ્રધાન મોદીનો કરિશ્મો યથાવત્ છે અને ભાજપની લોકપ્રિયતા પણ એવી જ છે."
હરિયાણા અને મહારાષ્ટ્રની જીતમાં ભાજપને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સહકાર મળ્યો, એને પણ મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, ANI
શરદ ગુપ્તા કહે છે, "ચૂંટણી પ્રબંધનને લઈને ભાજપ અને આરએસએસ વચ્ચે તરકારની વાતો હતી પણ ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે તણાવ નથી."
સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, મહારાષ્ટ્ર ચૂંટણી પછી સદનમાં ભાજપ સામે હવે વિપક્ષ પહેલાંથી નબળો પડશે. વિશ્લેષકો માને છે કે આ પણ ભાજપ માટે રાહતની વાત છે.
શરદ ગુપ્તા કહે છે કે, જો ભાજપ મહારાષ્ટ્રમાં હાર્યો હતો તો સંસદમાં પણ તેને મુશ્કેલી થઈ હોત, પણ હવે ભાજપ કહી શકશે કે વિપક્ષ પાસે મુદ્દો નથી, જનતાનું સમર્થન પણ નથી.
વિશ્લેષકો માને છે કે ભાજપને મહારાષ્ટ્રમાં મળેલી પ્રચંડ જીતથી પાર્ટી વધુ મજબૂત બનશે.
વરિષ્ઠ પત્રકાર સમર ખડસ કહે છે, મહારાષ્ટ્ર, ખાસ કરીને રાજધાની મુંબઈ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ જીતથી નિશ્ચિત રૂપથી ભાજપ પહેલાંથી વધારે શક્તિશાળી છે.
ભાજપે પોતાના દમ પર 133 બેઠકો હાંસલ કરી છે, જે બહુમતીના આંકડાથી થોડી ઓછી છે. એવામાં નિષ્ણાતો અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્ય મંત્રી બનશે.
પણ માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રીની રેસમાં સૌથી આગળ છે.
સમર ખડસ કહે છે, "માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય મંત્રી બનશે. પરંતુ ભાજપ અનેક વખત અલગ જ નિર્ણય લે છે."
"જો દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી નહીં બનાવાય તો તેમને ભાજપના અધ્યક્ષ બનાવાઈ શકે છે. એવાં ભાજપની આંતરિક રાજનીતિમાં દેવેન્દ્ર ફડણવીસ મજબૂત બનશે."
જાણકારો માને છે કે દેવેન્દ્ર ફડણવીસને એક તરફ વડા પ્રધાન મોદીના નિકટ માનવામાં આવે છે બીજી તરફ અમિત શાહ સાથે તેમના સંબંધ બહુ સારા નથી.
એવામાં વિશ્લેષકો માને છે કે મહારાષ્ટ્રની મોટી જીત ભાજપની આંતરિક રાજનીતિને પ્રભાવિત કરી શકે છે.
સમર ખડસ કહે છે, "દેવેન્દ્ર ફડણવીસની મહેનત અને તેમની રણનીતિની અસર ચૂંટણીનાં પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે."
"ભાજપની આંતરિક રાજનીતિમાં દેવેન્દ્ર ફડણવીસ, અમિત શાહને કારણે નબળા પડી ગયા હતા પરંતુ આ પરિણામો પછી હવે દેવેન્દ્ર ફડણવીસ પહેલાંથી મજબૂત થયા છે. તેમની ભૂમિકા આગળ જતાં મજબૂત બનશે."
વિપક્ષની હાલત શું છે?

ઇમેજ સ્રોત, ANI
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું પ્રદર્શન અતિશય નિરાશાજનક રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નવ અને શરદ પવારની એનસીપીના આઠ સાંસદો જીત્યા હતા.
પરંતુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી બંને પક્ષોના નેતાઓ અતિશય નબળી સ્થિતિમાં આવી ગયા છે. એવામાં આ પક્ષો માટે પોતાના સાંસદોને સાથે જોડી રાખવા પણ એક મોટો પડકાર હશે.
સમર ખડસ કહે છે, "શરદ પવારે કૉંગ્રેસમાં તેમની પાર્ટીના વિલીનીકરણનો સંકેત આપ્યો હતો, હવે ભવિષ્યમાં આ શક્યતા બની શકે છે."
"જો રાજકારણ અન્ય કોઈ વળાંક લેશે તો ઉદ્ધવ ઠાકરે માટે તેમના સાંસદોને સાથે રાખવાનું સરળ રહેશે નહીં."
આગામી કેટલાક મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ બિહારમાં આવતા વર્ષે ઑક્ટોબરમાં ચૂંટણી યોજાશે.
મહારાષ્ટ્રની હારથી ઇન્ડિયા ગઠબંધન માટે સ્થિતિ ઘણી મુશ્કેલ બની ગઈ છે અને ગઠબંધનને તમામ પક્ષોને સાથે રાખવાના પડકારનો પણ સામનો કરવો પડી શકે છે.
દિલ્હીમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. અહીં તેમને ગઠબંધન સાથીદારની જરૂર નથી.
પરંતુ, વિશ્લેષકો માને છે કે એકસાથે આવવું એ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ માટે રાજકીય મજબૂરી હોઈ શકે છે.
સીએસડીએસના ડાયરેક્ટર સંજયકુમાર કહે છે, "જો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે નહીં આવે તો તેનો ફાયદો ચોક્કસપણે ભાજપને થશે."
"રાજકીય દૃષ્ટિકોણથી જોઇએ તો બંને પક્ષોએ સાથે આવવું જોઈએ. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડ્યા હતા, પરંતુ તમામ સાત બેઠકો હારી ગયા હતા."
"દિલ્હીના લોકો લોકસભા ચૂંટણીને અલગ રીતે જુએ છે અને વિધાનસભાની ચૂંટણીને પણ અલગ રીતે જુએ છે."
ભાજપ પર એ આરોપ લાગતો રહ્યો છે કે તે તેના સહયોગી સાથીદારો પાસેથી રાજકીય મેદાન ઝૂંટવી લે છે.
પરંતુ, વિશ્લેષકો માને છે કે હવે ભાજપ સંકેત આપી રહ્યો છે કે ગઠબંધન ભાગીદારો તેના માટે મહત્વપૂર્ણ છે, પછી ભલે તે સૌથી મોટી પાર્ટી હોય.
સંજયકુમાર કહે છે, "આ ચૂંટણીનાં પરિણામો પછી ભાજપ આત્મવિશ્વાસથી ભરેલો છે. મોટી જીત છતાં, સંકેત સ્પષ્ટ છે કે ભાજપ તેના સહયોગી ભાગીદારોને સાથે રાખવા માગે છે."
"ભાજપ પર આરોપ છે કે તે તેના સહયોગી સાથીદારોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે. આવી સ્થિતિમાં ભાજપ આ ધારણાને તોડવા માગશે."
"ભાજપ માટે આગામી વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ રહેશે."
ગઠબંધનના રાજકારણનું શું થશે?

ઇમેજ સ્રોત, ANI
વિશ્લેષકોનું માનવું છે કે ઇન્ડિયા ગઠબંધનની આંતરિક નબળાઈઓને તાજેતરનાં ચૂંટણી પરિણામોએ વધુ એક વખત છતી કરી દીધી છે.
શરદ ગુપ્તા કહે છે, "એવું લાગતું હતું કે ઇન્ડિયા ગઠબંધન મજબૂત ટક્કર આપશે, પરંતુ હવે તેની શક્યતાઓ નબળી પડી ગઈ છે."
"મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો બાદ એ માન્યતા વધુ એક વખત દૃઢ થઈ છે કે ઇન્ડિયા ગઠબંધનનાં ઘટકદળો પરસ્પર વિવાદમાં અટવાયેલાં રહે છે અને મજબૂત વિકલ્પ રજૂ નથી કરી શકતાં."
"ઇન્ડિયા ગઠબંધનનાં ઘટકદળો બેઠકોની વહેંચણી મુદ્દે પરસ્પર અટવાયેલાં રહે છે અને ચૂંટણી એકદમ નજીક આવે, ત્યાર સુધી કોઈ સ્પષ્ટ રણનીતિ ઘડી નથી શકતાં."
કૉંગ્રેસને લાગે છે કે મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામોની એક ફલશ્રુતિએ છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ નબળું પડી રહ્યું છે અને પ્રાદેશિક રીતે તૈયાર થઈ રહ્યું છે.
કૉંગ્રેસનાં પ્રવક્તા રાગિણી નાયકના મતે મહારાષ્ટ્રમાં પાર્ટીને 'અનપેક્ષિત પરાજય' મળ્યો છે. તેઓ કહે છે, "મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો ચોંકાવનારાં છે. ધરાતલ પર અમને જે દેખાતું હતું, તેનાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યાં છે."
"પરંતુ આ પરિણામોમાંથી એ સંકેત પણ મળે છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સામે પ્રાદેશિક નેત મજબૂત બની રહ્યા છે."
"ભાજપે લોકસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ કરીને લડી હતી. જેમાં તે 28 બેઠક પર લડી હતી, જેમાંથી 19 સીટ હારી ગઈ હતી."
"પરંતુ આ વખતે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર જેવા ચહેરા આગળ કર્યા, ત્યારે પ્રચંડ બહુમત મળી છે."
ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે "બટેંગે, તો કટેંગે" તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ "એક હૈ, તો સેફ હૈ" જેવા નારા આપી હિંદુત્વના રાજકારણને ધાર આપવાનો પ્રયાસ કર્યો હતો.
શું ધ્રુવીકરણ પણ એક કારણ હતું?

ઇમેજ સ્રોત, ANI
વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણી પરિણામો દરમિયાન એક સ્પષ્ટ એ પણ મળ્યો છે કે મહારાષ્ટ્રમાં મતોનું ધ્રુવીકરણ થયું હતું અને હિંદુત્વનું રાજકારણ વધુ મજબૂત થયું છે.
અજિત પવાર સહિત મહાયુતિના અનેક નેતાઓએ "બટેંગે, તો કટેંગે" જેવા નારા નકારી કાઢ્યા હતા. છતાં વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં મર્યાદિત સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવામાં સફળ રહ્યો છે.
સમર ખડસ કહે છે, "ભાજપે 'બટેંગે તો કટેંગે', 'એક હૈ, તો સેફ હૈ' તથા 'વોટ જેહાદ' જેહાદ જેવા મુદ્દા દ્વારા મર્યાદિત કોમવાદ ફેલાવ્યો. બીજી બાજુ, અજિત પવાર જેવાં ઘટકદળોએ ખુદને આવા નારાથી અલગ કરીને પોતાના સમર્થકોના મત મેળવ્યા."
"એટલે કે ભાજપ પોતાના સહયોગી દળોને સાથે રાખીને હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવવામાં સફળ રહ્યો હતો."
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આવનારા સમયમાં હિંદુત્વનું રાજકારણ વધુ મજબૂત થયું, તો ભારતીય રાજકારણમાં મુસલમાનો હાંસિયામાં ધકેલાઈ જશે.
શરદ ગુપ્તા કહે છે, "ભાજના હિંદુત્વ કેન્દ્રિત રાજકારણે મુસલમાનોને રાજકીય રીતે નબળા પાડી દીધા હતા."
"હવે, 'બટેંગે, તો કટેંગે' જેવા નારા લાગવા માંડ્યા છે. જેનાથી લાગે છે કે મુસલમાનો આવનારા સમયમાં રાજકીય રીતે વધુ નબળા પડશે."
"પરંતુ એનો મતલબ એવો નથી કે મુસલમાનોના હક ઉપર તરાપ મારી શકાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કહે છે કે લાભકારી યોજનાઓનો સૌથી વધુ લાભ મુસલમાનોને થયો છે."
"ડેટા પણ આ કથનની પુષ્ટિ કરે છે. પરંતુ મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ સતત નબળું થઈ રહ્યું છે."
"ભાજપની આ આક્રમકતાને કારણે જ વિપક્ષી દળો પણ મુસલમાનોને તેમને મળવું જોઈએ એટલું પ્રતિનિધિત્વ આપી નથી શકતા. યોગી આદિત્યનાથને મહારાષ્ટ્રમાં વિજયનું શ્રેય અપાઈ રહ્યું છે. જો યોગી રાજકારણમાં મજબૂત થાય, તો તેની અસર મુસલમાનો પર પણ પડી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












