દાહોદ : 6 વર્ષની બાળકીની હત્યાના કેસમાં ક્યાં પહોંચી તપાસ?

આરોપી આચાર્ય ગોવિંદ નટ

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, આરોપી આચાર્ય ગોવિંદ નટ

ગુજરાતમાં છ વર્ષની બાળકીના બળાત્કારના પ્રયાસ અને તેની હત્યાના કેસમાં પોલીસ અલગ-અલગ ઍંગલથી તપાસ કરી રહી છે. મંગળવારે પોલીસે આરોપી આચાર્ચ ગોવિંદ નટનું નિવેદન લઈને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

બુધવારે દાહોદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસને ખાતરી છે કે આરોપી ગોવિંદ નટને આ કેસમાં વધુમાં વધુ સજા મળશે. રિકન્સટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીની કારનો પણ ઉપયોગ કર્યો હતો.

બીબીસી સહયોગી દક્ષેશ શાહે જણાવ્યું,"ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિકન્સટ્રક્શન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ બાળકી આરોપી આચાર્યની કારમાં બેસી હતી, કઈ-કઈ જગ્યાએ અને કેટલા સમય સુધી કાર ઊભી રાખવામાં આવી હતી અને મૃતદેહને કઈ રીતે મૂકવામાં આવ્યો હતો એ સમગ્ર બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી."

તેમણે વધુમાં કહ્યું, "પોલીસ તપાસ દરમિયાન આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસે આરોપી ગોવિંદ નટને સાથે રાખીને બાળકીને કેવી રીતે કારમાં બેસાડી હતી, કેટલી સ્પીડમાં કાર ચલાવીને લઈ ગયા હતા અને કઈ-કઈ જગ્યાએ કાર ઊભી રાખવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી હતી."

પોલીસ આરોપી ગોવિંદ નટને દુષ્કર્મના પ્રયાસનાં સ્થળથી શાળાએ લઈ જવામાં આવ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન શું કર્યું હતું તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

રિકન્સટ્રક્શન ઉપરાંત લિમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આચાર્યના સ્પર્મ સહિતના અલગ-અલગ સૅમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. હાલ પોલીસ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.

આ કેસમાં સજ્જડ પુરાવા મળે તે માટે પોલીસે ફૉરેન્સિક સાયન્સ એક્સ્પર્ટ અને ડૉગ સ્કવૉડની પણ મદદ લઈ રહી છે.

કારની તપાસ કેમ કરી રહી છે પોલીસ?

ભથવાડા-ગોધરા રોડ પરના ટોલનાકા પર રાત્રે બે વાગ્યે કાર દેખાઈ હતી

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, ભથવાડા-ગોધરા રોડ પરના ટોલનાકા પર રાત્રે બે વાગ્યે કાર દેખાઈ હતી

સમગ્ર કેસમાં આચાર્ચ ગોવિંદ નટની કાર સૌથી મહત્ત્વની કડી છે. આચાર્યે કારમાં બાળકી સાથે કથિત રીતે અડપલાં કર્યા હતાં. ઉપરાંત બાળકીનો મૃતદેહ આખો દિવસ કારની અંદર હતો અને એટલા માટે કારમાં રહેલા મહત્ત્વપૂર્ણ પુરાવાઓ એકઠા કરવા માટે પોલીસે કારને એફએસએલ (ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી)માં તપાસ માટે મોકલી આપી છે.

દાહોદના ડીવાયએસપી જય કંસારાએ બીબીસીને જણાવ્યું, "આરોપી આચાર્યે જ્યારે બાળકીનું ગળું દબાવ્યું ત્યારે બાળકીને કારમાં જ ઊલટી થઈ ગઈ હતી. એટલે કાર ધોવડાવવા માટે આચાર્ચ રાત્રેને રાત્રે જ તેને લિમખેડાથી ગોધરા લઈ ગયા હતા."

તેમણે વધુમાં કહ્યું "પોલીસે ભથવાડા-ગોધરા રોડ પરના ટોલનાકા પાસેના સીસીટીવીનાં રેકૉર્ડિંગ તપાસ્યાં તો રાત્રે બે વાગ્યે તે કાર ટોલનાકા પર દેખાઈ હતી. આરોપી કારને ગોધરા ધોવડાવવા માટે લઈ ગયા હતા. અમે સીસીટીવીનાં ફૂટેજ પણ કબજે લીધા છે."

દક્ષેશ શાહ કહે છે કે, ''લિમખેડાથી દાહોદ 30 કિલોમીટર દૂર છે અને ત્યાં જતા 35-45 મિનિટનો સમય લાગે છે. લિમખેડામાં કાર ધોવાની સુવિધા છે, પરંતુ અહીં ગાડી સાફ કરાવો તો કોઈને શંકા થઈ શકે એમ હતું અને એટલા માટે તેઓ 30 કિલોમીટર સુધી કાર હંકારીને લઈ ગયા હતા.''

''પુરાવાનો નાશ કરવા માટે આચાયે ગાડીને ધોવડાવી હતી એટલા માટે પોલીસ એફએસએલની મદદ લઈ રહી છે. જે જગ્યાએ કાર ધોવડાવી હતી તે જગ્યાએ પણ પોલીસે તપાસ કરી છે.''

કોર્ટમાં શું-શું થયું?

બુધવારે દાહોદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, બુધવારે દાહોદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું

દાહોદ પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધીને તાપસ હાથ ધરી છે. આ કેસમાં પૉક્સો ઍકટની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

મંગળવારે દાહોદ પોલીસે આચાર્ય ગોવિંદ નટને લિમખેડા કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં અગત્યનાં પુરાવા મેળવવા માટે આચાર્યના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

આરોપી ગોવિંદભાઈ નટને કોર્ટમાં રજૂ કર્યા તો તેમના તરફથી કોઈ વકીલ જ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. લિમખેડા વકીલ મંડળ તરફથી નિર્ણય કરાયો છે કે આ આરોપીનો કેસ કોઈ નહીં લડે.

સરકારી વકીલ ચૌહાણ સાહેબે બીબીસી સાથેની વાતમાં કહ્યું "કોર્ટમાં આરોપી તરફથી કોઈ વકીલ ન હોવાના કારણે જજે ખુદ આરોપીને પૂછ્યું કે આ અંગે તમારે કંઈ કહેવું છે? ત્યારે આરોપીએ કહ્યું હતું કે 'પોલીસે તપાસ કરી તે સાચી હશે, આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ, અને હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું.' પોલીસે આરોપીની 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પણ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે."

શું છે સમગ્ર મામલો?

લિમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરૂવાર 19 તારીખે ગુમ થઈ ગઈ હતી. છોકરી શાળાએ ગઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.

તેના પરિવારો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી.

પરિવારના સભ્યો બાળકીને લિમખેડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસે આ ઘટનામાં શાળાના આચાર્ચ ગોવિંદ નટની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આચાર્યે બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ છેડછાડ કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેમણે તેનું મોઢું દબાવી દીધું હતું, જેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.