ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યામાં વધારો, શું ગભરાવાની જરૂર છે?

બીબીસી ગુજરાતી કોરોના કોવિડ ઍમિક્રોન ગુજરાત વાઈરસ આરોગ્ય દર્દી ગુજરાત, બીબીસી ગુજરાતી ન્યૂઝ, કોરોના, કોવિડ-19, ઓમિક્રૉન, વૅરિયન્ટ
ગુજરાતમાં કોવિડ-19ના કુલ 83 ઍક્ટિવ કેસ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કોવિડ-19ના કુલ 83 ઍક્ટિવ કેસ છે.

દેશભરમાં ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસ વધતા જાય છે જેમાં ગુજરાત પણ સામેલ છે. આરોગ્ય મંત્રાલયના કોવિડ ડૅશ-બોર્ડ પ્રમાણે ગુજરાતમાં 26 મે, સોમવારની સાંજ સુધીમાં કોરોનાના 83 ઍક્ટિવ કેસ હતા.

છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ કેસમાં 76નો વધારો થયો છે અને ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે.

આરોગ્ય મંત્રાલયના કોવિડ ડૅશ-બોર્ડ મુજબ હાલમાં કેરળમાં સૌથી વધુ 430 કેસ છે, મહારાષ્ટ્રમાં 209 કેસ છે અને દિલ્હીમાં 104 કેસ છે. આ ત્રણ રાજ્યો ગુજરાતથી આગળ છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો તામિલનાડુમાં 69, કર્ણાટકમાં 47, ઉત્તર પ્રદેશમાં 15 અને રાજસ્થાનમાં કોરોનાના 13 કેસ છે.

ગુજરાતમાં કેવી સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી કોરોના કોવિડ ઍમિક્રોન ગુજરાત વાઈરસ આરોગ્ય દર્દી

ઇમેજ સ્રોત, @irushikeshpatel

ઇમેજ કૅપ્શન, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે લોકોએ ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "નવો વૅરિયન્ટ JN.1 એ ઓમિક્રૉનનું જ એક સ્વરૂપ છે. તેમાં કોઈ ભયજનક સંકેત નથી. મોટા ભાગના દર્દી હોમ આઇસોલેશન દ્વારા સારવાર મેળવી રહ્યા છે."

ગાંધીનગરમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વાત કહી હતી.

તેમણે કહ્યું કે "રાજ્યનો આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે. લોકોને મારી વિનંતી કે ઘરની અંદર કોરોનાનાં લક્ષણો દેખાય તો વ્યક્તિને આઇસોલેટ રાખો. તેનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી આવશ્યક છે."

દેશમાં કોરોનાથી કેટલાં મૃત્યુ?

બીબીસી ગુજરાતી કોરોના કોવિડ ઍમિક્રોન ગુજરાત વાઈરસ આરોગ્ય દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કેસમાં કુલ 753નો વધારો થયો છે અને હાલમાં 1,010 ઍક્ટિવ કેસ છે. (ફાઇલ ફોટો)

કેન્દ્ર સરકારના ડૅશ-બોર્ડમાં અપાયેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જ્યારે કેરળમાં બે અને કર્ણાટકમાં એક દર્દીનું મોત નોંધાયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેશમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કેસમાં કુલ 753નો વધારો થયો છે અને હાલમાં 1,010 ઍક્ટિવ કેસ છે.

છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી છ લોકોનાં મોત નિપજ્યાં છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં કોરોના આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 5,33,672 લોકોનાં મૃત્યુ થયાં છે.

19 મેથી અત્યાર સુધીમાં આખા દેશમાં 305 લોકોને કોરોનાની સારવાર આપીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હાલની સ્થિતિમાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન નિકોબારમાં કોરોનાનો એક પણ ઍક્ટિવ કેસ નથી.

ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોવિડ-19ના કુલ 1,009 ઍક્ટિવ કેસ છે.

કેરળમાં કોવિડ-19ના સૌથી વધારે કેસો છે. મહારાષ્ટ્રનો નંબર કેરળ પછી આવે છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 209 કેસો છે તથા દિલ્હીમાં 104 કેસોની પુષ્ટિ થઈ છે.

ગુજરાતમાં કોવિડના 83 કેસો છે. ગુજરાત રાજ્યનો દેશમાં કોવિડ કેસોના મામલે ચોથો નંબર છે.

આ ઉપરાંત તામિલનાડુમાં 69, કર્ણાટકમાં 47, ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, હરિયાણામાં 9, પુડ્ડુચેરીમાં 9, આંધ્ર પ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 2, તેલંગાણામાં 1, ગોવામાં 1 અને છત્તીસગઢમાં એક કેસ નોંધાયા છે.

વધતા કોવિડ કેસો મામલે કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, "ચિંતા કરવાની કોઈ બાબત નથી."

તેમણે વધુમાં કહ્યું, "અમે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં કોવિડના વધતા કેસો મામલે જાણ્યું છે. પરંતુ તેમાં પણ હલકું સંક્રમણ થયું છે. ભારતમાં પણ જે કોવિડ-19ના કેસો છે તે માઇલ્ડ છે."

તેમણે કહ્યું કે "મહારાષ્ટ્ર તથા કેટલીક જગ્યાએ મૃત્યુ થયાં છે. પરંતુ આ મોત માટે માત્ર કોવિડ-19 જ જવાબદાર હોય તેવું નથી. આ મામલાઓમાં અન્ય બીમારીઓ પણ હતી."

"છતાં આપણે સાવધાન રહેવું પડશે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમે કેટલીક ઍડવાઇઝરી પણ જાહેર કરી છે."

JN.1 વૅરિયન્ટમાં કયાં લક્ષણો હોય છે?

બીબીસી ગુજરાતી કોરોના કોવિડ ઍમિક્રોન ગુજરાત વાઈરસ આરોગ્ય દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસના આ વૅરિયન્ટ JN.1નાં લક્ષણો ઓમિક્રૉનને મળતાં આવે છે.

કોરોના વાઇરસના આ વૅરિયન્ટનાં લક્ષણો પણ ઓમિક્રૉનને મળતાં આવે છે.

તેનો ચેપ લાગ્યા પછી દર્દીના ગળામાં દુ:ખાવો, થાક, માથાનો દુ:ખાવો, કફ વગેરે લક્ષણો જોવાં મળે છે.

જોકે, ઘણા લોકોની તબિયત અને રોગપ્રતિકારક શક્તિ પર પણ આ લક્ષણો આધારિત છે.

પરંતુ JN.1નાં કેટલાંક મુખ્ય લક્ષણોમાં ડાયેરિયા અને માથાનો દુ:ખાવો સામેલ છે.

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ વિશે બીબીસી સંવાદદાતા ચંદન જજવાડેએ ડૉક્ટર સંજય રાય સાથે વાત કરી હતી.

તેમનું કહેવું છે કે, "JN.1 એ કોરોનાના ઓમિક્રૉન વાઇરસનો એક વૅરિયન્ટ છે. એક વર્ષ કરતાં વધુ સમય અગાઉ તેની ઓળખ થઈ ગઈ હતી. આ કોઈ નવો વાઇરસ નથી. તે કેટલો ગંભીર છે તેના વિશે આપણે બધું જાણીએ છીએ."

તેઓ કહે છે કે, "JN.1 વૅરિયન્ટથી હાલમાં ડરવાની કોઈ જરૂર નથી. તેના કોઈ પુરાવા પણ નથી. આપણી પાસે હાલમાં જે પુરાવા છે તે પ્રમાણે આ સામાન્ય શરદી-તાવ જેવો અથવા તેનાથી પણ નબળો હોઈ શકે છે."

ચેપથી બચવા કેવી કાળજી રાખવી?

બીબીસી ગુજરાતી કોરોના કોવિડ ઍમિક્રોન ગુજરાત વાઈરસ આરોગ્ય દર્દી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે JN.1 વૅરિયન્ટ બહુ ગંભીર નથી તેથી ગભરાવાની જરૂર નથી.

ગયા અઠવાડિયે ગુજરાતના ઍડિશનલ ડાયરેક્ટર, જાહેર આરોગ્ય, ડૉ. નીલમ પટેલે કહ્યું હતું કે "JN.1 વૅરિયન્ટ સૌથી પહેલાં ઑગસ્ટ 2023માં મળી આવ્યો હતો."

તેમણે કહ્યું હતું કે "ઓમિક્રૉન JN.1 વૅરિયન્ટ બહુ ગંભીર નથી અને હાલમાં તેની ચિંતા કરવાની જરૂર નથી. ચીન, થાઈલૅન્ડ અને સિંગાપોર જેવા દેશોમાં તાજેતરમાં આના સેંકડો કેસ નોંધાયા છે. વિદેશ પ્રવાસ કરતા લોકોના કારણે ચેપ ભારતમાં પણ પહોંચે તે સામાન્ય છે."

ડૉ. નીલમ પટેલે કહ્યું હતું કે, "આ એક હળવો વૅરિયન્ટ છે અને બધા લોકોને હોમ આઇસોલેશનમાં સારવાર અપાય છે. જોકે, અમારી હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડ તૈયાર છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ શરદી અને ઉધરસ હોય તેવા લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન