તમે પોસ્ટ કરેલી તસવીરો, વીડિયો ડિલીટ કર્યા બાદ પણ ઇન્ટરનેટ પર હંમેશાં રહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે-તે ઍપ યૂઝ કર્યા બાદ જે ડેટા તમે પાછળ છોડો છો તેને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ કહે છે
    • લેેખક, તનિષા ચૌહાણ
    • પદ, બીબીસી સંવાદદાતા

દરિયાકિનારે ટહેલવા નીકળો કે બગીચામાં ફરવા જાવ, ત્યારે તમે પોતાનાં પગલાં જોયાં છે? ક્યારેક તમે ગંદા પગરખાં સાથે ઘરમાં પણ આવ્યા હશો અને ઘરમાં ફૂટપ્રિન્ટ છપાઈ ગઈ હશે.

આ ફૂટપ્રિન્ટ તો ભૂંસાઈ જશે, પરંતુ શું તમને ખબર છે કે તમે જ્યારે કોઈ ઑનલાઇન પ્રવૃત્તિ કરો છો, ત્યારે ડિજિટલ ફૂટપ્રિન્ટ સર્જાય છે?

ત્યારે ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? તે કેવી રીતે સર્જાય અને શું તેને કાયમને માટે ઇન્ટરનેટ પરથી હઠાવી શકાય કે કેમ? તેના વિશે ચર્ચા કરીએ.

ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોઈ પણ ઍપ પર તમારી માહિતી નાખતા પહેલાં તેના અંગે જાણી લો

શું તમે જાણો છો કે તમે જ્યારે કમ્પ્યૂટર કે અન્ય કોઈ ડિજિટલ ડિવાઇસ વાપરો ત્યારે ડિજિટલ ફૂટપ્રિન્ટ સર્જાય છે?

બીબીસી બાઇટસાઇઝના કહેવાલ પ્રમાણે, તમે ઇન્ટરનેટ ઉપર કોઈ પ્રવૃત્તિ કરો, ત્યારે ટ્રેઇલ (પગેરું કે હિસ્ટ્રી) સર્જાય છે, જેને 'ડિજિટલ ફૂટપ્રિન્ટ' તરીકે ઓળખવામાં આવે છે.

તમે કોઈ વેબસાઇટ વિઝિટ કરો, યુઆરએલ (યુનિવર્સલ રિસોર્સ લોકેટર) ઉપર ક્લિક કરો, વીડિયો જુઓ, ઑનલાઇન ગેમ રમો કે ઍપ ખોલો ત્યારે ડિજિટલ ફૂટપ્રિન્ટ બને છે.

આપણાં પગલાં સમયની સાથે આપોઆપ ભૂંસાય શકે છે, પરંતુ ડિજિટલ ફૂટપ્રિન્ટ જાતે જ દૂર નથી થતાં અને ક્યારેક તે દેખાતા પણ નથી, છતાં તે હોય છે.

આપણે કોઈ વેબસાઇટ વિઝિટ કરીએ, ઍપ ડાઉનલોડ કરીએ કે વેબ બ્રાઉઝર ઉપર કશું સર્ચ કરીએ એટલે આપણી વેબહિસ્ટ્રીમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ ઉમેરાતાં જાય છે.

તેના લાભ પણ છે, જેમ કે તમે વીડિયો અધૂરો છોડ્યો, ત્યાંથી પાછો જોઈ શકાય , કોઈ વેબ આર્ટિકલને હિસ્ટ્રીમાંથી શોધી શકાય, ઑનલાઇન શોપિંગ પેજ કે ઑનલાઇન ગેમ જ્યાંથી અધૂરી મૂકી હોય, ત્યાંથી ફરી શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ સિવાય બ્રાઉઝરમાં 'ફેવરિટ' કે 'બુકમાર્ક' કરીને વારંવાર જે વેબસાઇટ વિઝિટ કરતા હોય, ત્યાં તરત જ પહોંચી શકાય છે.

કૂકીની કરામત અને કકળાટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણી વેબસાઇટ્સ સામાન્ય રીતે યૂઝરનેમ, પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ કે ગેમના લેવલને લગતી માહિતી સ્ટોર કરી રાખે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમને ખાવામાં કૂકી ન ભાવતી હોય, તો તેને ટાળી શકો, પરંતુ ડિજિટલ વર્લ્ડમાં કૂકીઝ વગર ચાલી જ ન શકે. અલબત્ત, આ કૂકી અલગ પ્રકારની હોય છે.

જ્યારે તમે ઇન્ટરનેટ ઉપર કોઈ વેબસાઇટ વિઝિટ કરો, ત્યારે વેબસાઇટ તમને કૂકીઝ વિશે પૂછે છે. કેટલીક વેબસાઇટો તમને 'બધી કૂકીઝ', 'જરૂરી કૂકીઝ' કે 'બિલકુલ ના' જેવા વિકલ્પ આપે છે.

આ કૂકીઝ પણ એક પ્રકારની 'ડિજિટલ ફૂટપ્રિન્ટ' જ છે, જેમાં વેબસાઇટ દ્વારા તમારા વિશે જરૂરી માહિતી સંગ્રહિત કરવામાં આવે છે.

આ માહિતી તમારું યૂઝરનેમ, પાસવર્ડ, કાર્ટની વિગતો, તમે છેલ્લે ક્યાં સુધી જોયું હતું કે ઑનલાઇન ગેમમાં તમે ક્યાં સુધી પહોંચ્યા હતા, વગેરે જેવી માહિતી સંગ્રહાયેલી હતી.

મોટાભાગની કૂકીઝ હાનિકારક નથી હોતી. તે તમારા વિશેની સામાન્ય માહિતી સંગ્રહિત કરીને તમને અલગ-અલગ પ્રકારની જાહેરાતો દેખાડે છે અથવા તો ઑનલાઇન ખરીદી સુલભ કરી આપે છે.

ઑનલાઇન શોપિંગ કે ગેમિંગ માટે આપણે આપણું એકાઉન્ટ બનાવીએ છીએ કે પ્રોફાઇલ ક્રિયેટ કરીએ છીએ. મતલબ કે આપણે તેમને નામ, સ્થળ, જન્મતારીખ, બૅન્કની વિગતો કે યુપીઆઈ આઈડીની વિગતો આપવી પડી શકે છે.

આગળ જતાં આ બધી વિગતો તમારી 'ડિજિટલ ફૂટપ્રિન્ટ' બની રહે છે. ન કેવળ કૂકીઝ પરંતુ, તમે જે માહિતી આપો, ઑનલાઇન મૅસેજ મોકલો, ફ્રૅન્ડના ફોટો પર કૉમેન્ટ કરો, વગેરે બધી બાબતો તમારી 'ડિજિટલ ટ્રેઇલ' સર્જે છે.

ડિજિટલ ફૂટપ્રિન્ટ હઠાવી શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એ કોડિંગ લૅન્ગ્વેજીસ છે

તમને પણ ક્યારેક ને ક્યારેક વિચાર આવ્યો હશે કે શું હું મારી ઑનલાઇન પ્રવૃત્તિઓ વિશેની ડિજિટલ ફૂટપ્રિન્ટ કે ડિજિટલ ટ્રેઇલ હઠાવી શકું?

સાયબર સિક્યૉરિટી ઍક્સપર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સિનિયર વકીલ ડૉ. પવન દુગ્ગલ કહે છે, "તમે જે કંઈ પોસ્ટ કરો કે ઑનલાઇન કોઈપણ પ્રવૃત્તિ કરો, તેને સંપૂર્ણપણે હઠાવવી અશક્ય છે, એટલે જ તમે ઇન્ટરનેટ ઉપર જે કંઈ કરો તે સમજી વિચારીને કરવું જોઈએ."

લોકો ઇન્ટરનેટને રમતવાત સમજે છે, પરંતુ તે ખૂબ જ ગંભીર માધ્યમ છે. પોતાની વાતને સમજાવતા ડૉ. પવન દુગ્ગલ કહે છે :

"તમે તમારા કમ્પ્યૂટર ઉપરથી કોઈ કન્ટેન્ટ ડિલીટ કરી દો, તો પણ તે ઇન્ટરનેટ ઉપર ખૂબ જ લાંબા સમય સુધી રહેશે. કયો ડેટા સ્ટોર થયો છે અને કયો ડિલીટ થયો છે, તે સમજવું ખૂબ જ કપરું છે. તમારો આ ડેટ સર્વિસ પ્રોવાઇડર, કંપનીઓ અને સરકાર પાસે લગભગ કાયમને માટે ઉપલબ્ધ રહે છે."

તમે જે વેબસાઇટ કે ઍપ ઉપર ડેટા આપ્યો, તે આગળ 'થર્ડ પાર્ટી' સુધી પહોંચ્યો તો તેને દૂર કરવો બિલકુલ અશક્ય છે.

રિસર્ચ અને ટૅક્નૉલૉજિસ્ટ રોહિણી લક્ષણેનું કહેવું છે, "તમારા અમુક ડેટાને દૂર કરી શકાય છે, પરંતુ બધા ડેટાને સંપૂર્ણપણે હઠાવવો અશક્ય છે. તમે પોસ્ટ કે એકાઉન્ટ ડિલીટ કરી દો, તો પણ તેના જે બૅકઅપ લેવાયા હોય, લૉગ, આર્કાઇવ કે સ્ક્રીનશોટને ડિલીટ ન કરી શકાય."

સાર્વજનિક ડેટાબેઝમાંથી તમારી માહીતી હઠાવવા માટે તમારે ડેટા બ્રોકર કે સાઇટ્સની મદદ લેવી પડી શકે છે.

રોહિણી લક્ષણે જણાવે છે કે 'ડિલીટ-મી' જેવી વેબસાઇટને તમે અમુક રકમ ચૂકવીને ડેટા હઠાવવા માટેની સેવા લઈ શકો છો.

આ સિવાય ડેટા મૅનેજમેન્ટની સર્વિસ પૂરી પાડતી કેટલીક કંપનીઓ પણ છે, જે તમારો ડેટા બધેથી હઠાવવામાં મદદ કરી શકે છે.

આપણા ડિજિટલ ફૂટપ્રિન્ટ કેટલા સમય માટે રહે ? એવા સવાલના જવાબમાં રોહિણી લક્ષણે કહે છે કે મોટાભાગનાં પ્લૅટફૉર્મ ઉપર અમુક અઠવાડિયાં કે મહિના માટે ડેટા રાખવામાં આવે છે, પરંતુ કેટલોક ડેટા વર્ષો સુધી અસ્તિત્વમાં રહે છે.

થર્ડ-પાર્ટી સાઇટ, આર્કાઇવ કે સિસ્ટમના બૅકઅપમાં ખાનગીરાહે તમારો ડેટા લાંબા સમય માટે સંગ્રહિત રહી શકે છે.

કેવા પ્રકારનો ડેટા હોય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો પ્રમાણે, સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરવું તો તમારા હાથમાં છે, પરંતુ ઍપ સાથે શૅર કરેલી માહિતી ડિલીટ કરવાનું તમારા હાથમાં નથી

સાયબર ઍક્સપર્ટ તથા સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાનું કહેવું છે, "ડિજિટલ વર્લ્ડમાં પ્રવેશવું સહેલું છે, પરંતુ નીકળવું ખૂબ જ મુશ્કેલ છે."

વિરાગ ગુપ્તા કહે છે કે આપણે કેવા પ્રકારનો ડેટા ડિલીટ કરી શકીએ અને કેવો નહીં, તેના વિશે સભાનતા રાખવી જરૂરી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ આપણે ક્રિયેટ કરીએ છીએ અને તેની ઉપરનો ડેટા આપણો જાતે મૂકીએ છીએ.

વિરાગ ગુપ્તા કહે છે, "સોશિયલ મીડિયા ઉપરથી કોઈ સામગ્રી સંપૂર્ણપણે હઠાવવી અને એકાઉન્ટ ડિલીટ કરવું, વગેરે આપણા હાથમાં છે."

"પરંતુ જ્યારે એ જ ડેટા આપણે બીજાની સાથે શૅર કરીએ, ત્યારે તેને ડિલીટ ન કરી શકાય, જેમ કે આપણે ફ્રૅન્ડન્સનાં એકાઉન્ટ્સ સાથે શૅર કરેલી તસવીરો."

"આ સિવાય ઍપ કે વેબસાઇટને તમે આપેલો ડેટા તમે ડિલીટ કરી શકો છો, છતાં કેટલોક ડેટા કંપની પાસે રહે છે અને તેઓ તેનો ઉપયોગ કરી શકે છે."

વિરાગ ગુપ્તા ઉમેરે છે, "આ ડેટા તમને સંવેદનશીલ ન પણ લાગે કે તેનાથી કોઈ જોખમ ઊભું થાય એમ ન હોય, તો પણ કંપની પાસે તમારો ડેટા હોય છે."

વિરાગ ગુપ્તા કહે છે, "આનો એક આયામ મૃત્યુ પછીના ડેટા સાથે સંબંધિત છે. જેમ કે, કેટલાક લોકો તેમના 'ડિજિટલ વારસા' સંબંધે વસિયતનામું કરતા હોય છે. જેમાં વ્યક્તિનાં મૃત્યુ બાદ તેના ડેટાને સોશિયલ મીડિયા પરથી હઠાવી દેવાની માંગ કરવામાં આવે છે."

વિરાગ ગુપ્તા કહે છે કે આ ડેટા થર્ડ-પાર્ટી પાસે પણ હોય શકે છે, ત્યારે તેને હઠાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વસિયત હોવા છતાં કંપનીઓ તેને હઠાવવા તૈયાર ન પણ થાય. ત્યારે તમે હાઇકોર્ટ અથવા સંબંધિત સત્તામંડળના દરવાજા ખખડાવી શકો છો.

વિરાગ ગુપ્તા ત્રીજું કારણ કહે - 'રાઇટ ટુ બી ફરગોટન' વ્યક્તિ પોતાનો ડેટા સંપૂર્ણપણે તમામ પ્લૅટફૉર્મ પરથી હઠાવવા ઇચ્છી શકે છે.

વિરાગ ગુપ્તા ઉદાહરણ આપતાં કહે છે કે કોઈ શખ્સની ઉપર બળાત્કાર કે હત્યાનો આરોપ લાગ્યો. તેના વિશે અખબારોમાં અનેક લેખ લખાયા હશે. ટીવી કે ડિજિટલ વર્લ્ડમાં તેના વિશે લખાયું હશે કે વીડિયો મૂકવામાં આવ્યા હશે. અમુક વર્ષો બાદ આરોપીને અદાલત નિર્દોષ છોડી મૂકે.

"એ વ્યક્તિ 'સન્માનભેર જીવવાના અધિકાર'ને આગળ કરીને પોતાના કેસ વિશે પ્રકાશિત તમામ સામગ્રીને ડિલીટ કરવાની દાદ માગી શકે છે. કોર્ટ આ અંગે આદેશ પણ આપે, છતાં વ્યક્તિને લગતો તમામ ડેટ હઠાવવો શક્ય નહીં હોય. તે ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સ્વરૂપે તો રહી જ જશે."

કઈ બાબતો ધ્યાને લેશો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિજિટલ ઍપ્સ સાથે તમારા બૅન્ક ખાતાની વિગતો શૅર કરતી વખતે સાવધ રહો
  • ડેટા સિક્યૉરિટીના મામલે ઍન્ટિ-વાઇરસ મોટી ભૂમિકા ભજવે છે
  • વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) દ્વારા તમે તમારું સ્થાન છૂપાવી શકો છો
  • તમે જે એકાઉન્ટ્સ વાપરતા ન હો, તેને ડિલીટ કરી દો
  • તમને જે સબસ્ક્રિપ્શન્સ ન જોઈતા હોય, તમારી પર્સનલ ડિટેઇલ, પેમેન્ટ ડિટેઇલ્સ ડિલીટ કરતા રહો
  • તમારા અંગત ફોટો, વીડિયો તથા કૉમેન્ટ્સની વિઝિબ્લિટી બદલી શકાય છે
  • તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને 'લૉક્ડ' રાખો છે, જેથી તમે જે લોકો ઉપર ભરોસો કરતા હોય, તેઓ જ તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓ જઈ શકે
  • તમારા પર્સનલ અને પ્રોફેશનલ ડેટાને અલગ-અલગ રાખો, જેથી કરીને તમે દેખાડવા માંગતા હો એટલી જ પર્સનલ માહિતી સાર્વજનિક થાય
  • પ્રાઇવેટ સર્ચ એંજિન, વીપીએન તથા ટ્રૅકર્સને બ્લૉક કરતાં બ્રાઉઝર કે ઍક્સ્ટેન્શનો ઉપયોગ કરીને પ્રાઇવસી સુનિશ્ચિત કરો
  • તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કૂકીઝ, કૅશ ફાઇલ્સને સમયાંતરે ક્લિન કરતા રહો
  • તમે અલગ-અલગ ઍપ્સ (લોકેશન, માઇક્રોફોન, કૉન્ટેક્ટ અને ફોટો) વગેરે જે કોઈ પરમિશન્સ આપી હોય, તેના વિશે સમયાંતરે સમીક્ષા કરતા રહો.
  • દરેક વેબસાઇટ માટે અલગ-અલગ અને જટિલ પાસવર્ડ વાપરો
  • ઍપ્સ માટે મલ્ટી-ફૅક્ટર ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરો.
  • સૉફ્ટવેરને અપડેટ કરતા રહો
  • લિંકો ઉપર ક્લિક કરતાં પહેલાં સાવધાની રાખો
  • ઍનક્રિપ્ટેડ ચૅટઍપ્સનો ઉપયોગ કરો
  • જ્યારે તમને લાગે કે તમારો ડેટા ચોરાઈ ગયો છે કે લિક થયો છે, ત્યારે તમે સાયબર ક્રાઇમ માટે વેબસાઇટ કે 1930ને રિપોર્ટ કરી શકો છો. જો કોઈ શંકા હોય તો ફરિયાદ દાખલ કરો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન