અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની નિકિતા સિંઘાનિયાની ધરપકડ, શું હતો મામલો?

અતુલ સુભાષ, બેંગલુરુ, આત્મહત્યા, આઇટી પ્રૉફેશનલ, ભારતમાં આત્મહત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DCP, Whitefield/ATULSUBHAS/X

    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી સંવાદદાતા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઇ) એન્જિનિયર અતુલ સુભાષના આપઘાત કેસમાં તેમનાં પત્ની નિકિતા સિંઘાનિયાની બૅંગલુરુ પોલીસે ધરપકડ કરી છે.

નિકિતા સિંઘાનિયા સહિત તેમના ભાઈ અને માતાની પણ ધરપકડ કરાઈ છે.

બૅંગલુરુના વ્હાઇટફીલ્ડ ડિવિઝનના ડીસીપી શિવકુમારે બીબીસી હિન્દીને કહ્યું કે "નિકિતા સિંઘાનિયાની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરાઈ છે. તો તેમનાં માતા અને ભાઈને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી પકડ્યાં છે. તેમને બૅંગલુરુ લવાયાં છે."

"મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરાયાં છે અને ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયાં છે."

"આ કેસનું નિરાકરણ ન થાય ત્યાં સુધી મારાં અસ્થિ વિસર્જિત ન કરશો. ન્યાય ન મળે તો મારાં અસ્થિ કોર્ટ નજીકની ગટરમાં ફેંકી દેજો."

અતુલના આ પત્રને કારણે સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે. પત્રમાં અતુલે જણાવ્યું છે કે તેમનાં પત્ની, સાસરિયાં અને ન્યાયિક અધિકારી દ્વારા ઉત્પીડનને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે.

અતુલ સુભાષે 24 પાનાંની સુસાઇડ નોટ અને એક કલાક 20 મિનિટનો વીડિયો તેમનાં પત્નીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આત્મહત્યા કરી હતી. તેની હેડલાઇન હતીઃ "આ એટીએમ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ભારતમાં પુરુષો વિરુદ્ધ કાયદેસરનો નરસંહાર થઈ રહ્યો છે."

અતુલે અંગ્રેજીમાં "જસ્ટિસ ઇઝ ડ્યુ" લખીને આત્મહત્યા કરી હતી. મૃત્યુ પહેલાં તેઓ જે કામ કરવા ઇચ્છતા હતા એ બધાનું ચેકલિસ્ટ કબાટ પર ચોંટાડીને તેના પર, તમામ કામ પૂર્ણ થઈ ગયાં હોય એ રીતે ટીક કરી હતી.

અતુલના ભાઈ વિકાસકુમારની ફરિયાદને આધારે બૅંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ નંબર 0682 હેઠળ નોંધાયેલી એફઆઇઆરમાં અતુલનાં પત્ની નીકિતા સિઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળા અનુરાગ સિંઘાનિયા અને સસરા સુશિલ સિંઘાનિયાનાં નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યાં છે.

અતુલે તેમની સુસાઇડ નોટમાં ઉત્તર પ્રદેશના જૌનપુરની પ્રિન્સિપાલ ફૅમિલી કોર્ટના જજના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વિકાસની ફરિયાદ કે એફઆઇઆરમાં જજના નામનો ઉલ્લેખ નથી. વિકાસકુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને અતુલની આત્મહત્યાની માહિતી નવ ડિસેમ્બરે વહેલી સવારે મળી હતી.

ચેતવણી : આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે.

પત્રમાં શું લખ્યું છે?

અતુલ સુભાષ, બેંગલુરુ, આત્મહત્યા, આઇટી પ્રૉફેશનલ, ભારતમાં આત્મહત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ATULSUBHAS/X

કેટલીક ટેક્સ્ટ, ભૂતકાળના કેસીસની વિગત, વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ, કેટલાક ફોટોગ્રાફ્સ વગેરે ધરાવતા અતુલના 24 પાનાના પત્રના દરેક પૃષ્ઠ પર 'જસ્ટિસ ઈઝ ડ્યુ' એવું મોટું હેડિંગ છે.

અતુલે પત્રમાં લખ્યું છે કે હવે તેઓ એકેય પૈસો આપશે નહીં અને એ પૈસાનો ઉપયોગ તેમના પરિવાર સામેના યુદ્ધમાં ઉપયોગ થવા દેશે નહીં. કોર્ટમાં તેમની પાસેથી લાંચ માગવામાં આવી હતી, પરંતુ તેઓ ભ્રષ્ટાચાર કરવા ઈચ્છતા ન હતા. અતુલે આક્ષેપ કર્યો છે કે તેમની પાસેથી ભરણપોષણના નામે પૈસા પડાવવા તેમના બાળકોનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરવામાં આવી રહ્યો છે.

અતુલે કરેલા અન્ય મહત્વપૂર્ણ આક્ષેપો અને નિવેદનો નીચે પ્રમાણે છેઃ

  • અતુલનાં પત્નીએ તેમના વિરુદ્ધ કુલ છ કેસ દાખલ કર્યા છે. તેની ઝડપી સુનાવણી માટે હાઈ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે અને હાઈ કોર્ટમાં વધુ એક અરજી વધારાની રોકડની માંગણી માટે કરવામાં આવી છે.
  • પત્રમાં કેટલીક વાતચીતનો ઉલ્લેખ છે, જેમાં અતુલે દાવો કર્યો છે કે તેમનાં પત્નીએ તેમને બે પ્રસંગે આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. એ પૈકીની એક વાતચીત કથિત રીતે જજની હાજરીમાં થઈ હતી. તમામ વાતચીત હિન્દીમાં વિગતવાર લખેલી છે.
  • કોર્ટમાં કર્મચારીઓ તથા બેલિફે પૈસાની માંગણી કરી હોવાના આક્ષેપો પત્રમાં છે. એ ઉપરાંત કર્મચારીઓ તથા બેલિફના નામ અને તેમણે માંગેલા પૈસાની રકમ પણ લખેલી છે.
  • જૌનપુર કોર્ટના ચુકાદા સંબંધી પ્રશ્નો અને વાંધાઓ વિશે તેમણે લંબાણપૂર્વક લખ્યું છે. તેમાં કુલ 17 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં એવા આક્ષેપો પણ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવામાં આવ્યું નથી, ભરણપોષણની રકમનો નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો નથી, ન્યાયાધીશે એકપક્ષી રીતે કામ કર્યું છે. આવા ઘણા અન્ય આક્ષેપો પણ તેમાં છે. અતુલે આક્ષેપ કર્યો છે કે તેમની વતી અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને અરજીઓની અવગણના કરવામાં આવી હતી. તેમને તેમના પુત્રને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને આ સંદર્ભે કોર્ટે તેમની મદદ કરી ન હતી.
  • અતુલે લખ્યું છે કે કેસની પતાવટ માટે પહેલાં તેમની પાસે રૂ. એક કરોડ અને પછી રૂ. ત્રણ કરોડ માંગવામાં આવ્યા હતા. તેમને ત્રણ વર્ષ સુધી બાબુ સાથે વાત કરવા દેવાઈ ન હતી અને બાબુના ખર્ચ માટે દર મહિને રૂ. બે લાખની માંગણી કરવામાં આવી હતી.
  • અતુલના જણાવ્યા મુજબ, તેમની સામે હત્યાના પ્રયાસ, અકુદરતી સેક્સ અને દહેજ માટે ઉત્પીડન જેવા ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
  • તેમના જણાવ્યા મુજબ, કેસની સુનાવણી 120 વખત મોકુફ રાખવામાં આવી હતી અને તેમણે બેંગલુરુ અને જૌનપુર વચ્ચે 40 વખત મુસાફરી કરી હતી. તેમના વૃદ્ધ માતા-પિતાએ બિહારથી અને ભાઈએ દિલ્હીથી આવવું પડ્યું હતું.
  • દરેક નાના પ્રસંગ માટે, જેમ કે કોઈ પૂજા હોય તો તેમની પાસેથી છ સાડીઓ અને રૂ. 10 લાખના ઘરેણાંની માગણી કરવામાં આવતી હતી. મકાન બાંધવા માટે રૂ. 50 લાખની માંગણી કરવામાં આવી હતી. તેઓ પૈસા આપવાનો ઈનકાર કરતા હતા ત્યારે લડાઈ થતી હતી.
  • અતુલે તેમના પરિવાર પર તેમની પત્નીના પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની વિગત પત્રમાં લખી છે.
  • તેમણે ખાસ કરીને અદાલતોની કામગીરી, કોર્ટમાં ભ્રષ્ટાચાર, ઉચ્ચ કક્ષાના ન્યાયાધીશો સામે કેટલાક આક્ષેપો, મહિલાઓને અનુકૂળ કાયદાઓ, તેમનાં પત્ની ખોટી માહિતી આપીને કેસ કરતા હોવા છતાં કોર્ટ દ્વારા ન કરવામાં આવતી કાર્યવાહી અને ન્યાયાધીશની વર્તણૂંક વગેરે વિશે પત્રમાં લખ્યું છે.
  • તેમણે તેમના પુત્રને સંબોધતાં લખ્યું હતું, "હું આ બધું મારા પુત્રને લખી રહ્યો છું. આશા રાખું છું કે તમે એક દિવસ આ પત્ર વાંચશો અને સમજી શકશો."

જોકે, બીબીસી દ્વારા આ સંદર્ભે હકીકતની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.

અતુલની માંગણીઓ

અતુલ સુભાષ, બેંગલુરુ, આત્મહત્યા, આઇટી પ્રૉફેશનલ, ભારતમાં આત્મહત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • તેમના કેસની જાહેર સુનાવણી થવી જોઈએ. તેમના આત્મહત્યા પૂર્વેના પત્ર અને વીડિયોને પુરાવા ગણવા જોઈએ.
  • ઉત્તર પ્રદેશની અદાલતો કરતાં બૅંગલુરુની અદાલતો સારી છે. તેમનો કેસ અહીં ટ્રાન્સફર કરવો જોઈએ.
  • તેમના સંતાનનો કબજો તેમનાં માતા-પિતાને આપવો જોઈએ. તેમનાં પત્ની તથા સાસરિયાંને તેમના મૃતદેહની નજીક આવવા દેવા ન જોઈએ. કોર્ટ કેસનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેમનાં અસ્થિ નદીમાં વહાવી દેવાં ન જોઈએ. તેમનાં પત્ની તથા ભ્રષ્ટ ન્યાયાધીશને સજા ન થાય તો અસ્થિને કોર્ટ પાસેની ગંદી ગટરમાં ફેંકી દેવાં જોઈએ.
  • અતુલે લખ્યું છે કે મને હેરાન કરનારાઓને સખત સજા થવી જોઈએ. મારા પરિવારને હેરાન કરવાનું બંધ થવું જોઈએ. ખોટા કેસ કર્યા છે એવું કબૂલ ન કરે ત્યાં સુધી પત્નીને કેસ પાછા ખેંચવા દેવા ન જોઈએ. તેમની સાથે સમાધાન ન કરવું જોઈએ.

અતુલે આ બધું પત્રમાં લખીને દરેક પાને સહી કરી છે.

અતુલનો પરિવાર નીકિતાના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહ્યો છે. અતુલ સુભાષના પિતા પવનકુમારે ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરી હતી.

પવનકુમારે કહ્યું હતું, "કોર્ટના કર્મચારીઓ કાયદા કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામ કરતા નથી. અતુલ ઓછામાં ઓછો 40 વખત બૅંગલુરુથી જૌનપુર આવ્યો હતો. અતુલની પત્ની એક પછી એક કેસ કરતી રહી હતી. અતુલ ખૂબ જ હતાશ હોવા છતાં તેણે અમને ક્યારેય છોડ્યાં નથી. અમારા દીકરાએ એ છોકરી પર જે આરોપો મૂક્યા છે તે 100 ટકા સાચા છે."

જોકે, નીકિતા કે તેના પરિવારજનો આ આરોપોના જવાબ આપવા માટે ઉપલબ્ધ ન હતાં. તેઓ જવાબ આપશે તો અમે અહીં તેનો ઉમેરો કરીશું.

આ ઘટના બાદ ઘણા લોકોએ નીકિતાની લિંક્ડઇન પ્રોફાઇલમાંથી માહિતી તથા ફોટોગ્રાફ્સ એકત્ર કર્યાં હતાં અને ઇન્ટરનેટ પર પોસ્ટ કર્યાં હતાં. નીકિતા જે કંપની માટે કામ કરે છે તેમને ટૅગ કરીને નીકિતાને નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી કરી છે. હાલ નીકિતાએ તેમનાં તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાં તો બંધ કરી નાખ્યાં છે અથવા હિડન રાખ્યાં છે.

અલબત્ત, ઇન્ટરનેટ પર કેટલાક લોકો એવું કહેતા જોવા મળ્યા છે કે કોઈ અંતિમ અભિપ્રાય પર આવતા પહેલાં નીકિતાની વાત પણ સાંભળવી જોઈએ.

ભારતમાં પુરુષો દ્વારા આત્મહત્યા વધુ સામાન્ય બાબત છે?

અતુલ સુભાષ, બેંગલુરુ, આત્મહત્યા, આઇટી પ્રૉફેશનલ, ભારતમાં આત્મહત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં આત્મહત્યાના સમાચાર અસામાન્ય નથી, ત્યારે અતુલની આત્મહત્યાએ સમગ્ર દેશમાં જોરદાર ચર્ચા જગાવી છે. ભારતમાં પુરુષોના અધિકારની ચર્ચા માટે સોશિયલ મીડિયા એક મુખ્ય પ્લૅટફૉર્મ છે.

ખાસ કરીને ભારતીય સમાજમાં મહિલાઓને પેઢીઓથી થતાં ઉત્પીડન તથા જુલમથી બચાવવા માટે બનાવવામાં આવેલા કાયદાઓ સમય જતાં પુરુષો માટે અભિશાપ બની ગયા હોવાની દલીલ કરતા લોકોની સંખ્યા વધી રહી છે.

ઘણાં સ્વૈચ્છિક સંગઠનો આ કાયદાઓ સામે લડી રહ્યાં છે અને પીડિતોની પડખે ઊભા છે. આવાં સંગઠનો હવે ઇશારો કરી રહ્યાં છે કે અતુલ આત્મહત્યા કેસ દેશમાં પુરુષો વિરુદ્ધ કાયદાના દુરુપયોગનું એક મોટું ઉદાહરણ છે.

તેઓ કાયદાનો દુરુપયોગ બંધ કરવાની અને સ્ત્રી તથા પુરુષો વચ્ચે ભેદભાવ ન કરે તેવા કાયદા ઘડવાની માંગ કરી રહ્યાં છે.

એકમ ન્યાય ફાઉન્ડેશને બહાર પાડેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ દ્વારા ઉત્પીડનને કારણે થતા પુરુષોનાં મૃત્યુની સંખ્યા નોંધપાત્ર છે.

એ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સંસ્થાએ 2023માં તપાસેલા 306 કેસોમાં પુરુષોની હત્યા તેમની પત્નીઓ દ્વારા કરવામાં આવી હતી. એમાંથી 213ની હત્યા લગ્નેત્તર સંબંધના કારણે, 55 પારિવારિક વિવાદોને કારણે અને બાકીનાની અન્ય કારણોસર કરવામાં આવી હતી.

સંસ્થાએ 2023માં જ આત્મહત્યાના 517 કેસોનો અભ્યાસ કર્યો હતો. એ પૈકીના 235 પુરુષો માનસિક અત્યાચારને કારણે, 22 ઘરેલુ હિંસાને કારણે, 47 લગ્નેત્તર સંબંધને કારણે, 45 ખોટા કેસોને કારણે અને 168 અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ માનસિક ઉત્પીડનમાં મોટા ભાગે પત્નીઓ કે તેમના દ્વારા કરવામાં આવેલા ખોટા કેસોસ, આરોપો અને જેલમાં ધકેલવાની ધમકીઓનો સમાવેશ થાય છે.

નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરોના આંકડા મુજબ, 2022માં ભારતમાં 1,70,924 લોકોએ આત્મહત્યા કરી હતી. એ પૈકીના 31.7 ટકા સ્ત્રીઓ તથા પુરુષો પારિવારિક સમસ્યાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. 4.8 ટકા લગ્નસંબંધી સમસ્યાઓને કારણે અને 4.5 ટકા પ્રેમસંબંધને કારણે મૃત્યુ પામ્યા હતા.

2021માં ટકાવારી લગભગ સમાન હતી. 2022માં 71.8 ટકા પુરુષોના અને 28.2 ટકા સ્ત્રીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 2021માં 72.5 ટકા પુરુષો અને 27.4 ટકા સ્ત્રીઓ મૃત્યુ પામી હતી. તેનો અર્થ એ થાય કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો દ્વારા આત્મહત્યાની શક્યતા બમણાથી વધારે હોય છે.

એનસીઆરબીના ડેટા એવું પણ દર્શાવે છે કે દહેજસંબંધી ઉત્પીડન અને નિઃસંતાનપણા સહિતની વૈવાહિક સમસ્યાઓને કારણે મૃત્યુ પામેલા લોકોમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે.

'પુરુષોને પણ કાયદાની જરૂર છે'

અતુલ સુભાષ, બેંગલુરુ, આત્મહત્યા, આઇટી પ્રૉફેશનલ, ભારતમાં આત્મહત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Thinkstock

એકમ ન્યાય ફાઉન્ડેશનનાં સ્થાપક દીપિકા નારાયણ ભારદ્વાજે જણાવ્યું હતું કે અતુલ જેવા લોકોના મૃત્યુનું કારણ લિંગ-આધારિત કાયદાઓ છે. એ કાયદાઓને કારણે પુરુષોને ઘણી તકલીફ પડી રહી છે.

"હાલ ભારતમાં મહિલાઓની સુરક્ષા માટે છથી વધુ કાયદાઓ છે, પરંતુ પુરુષો માટે એકેય નથી. આ દેશમાં પુરુષો સામે પણ ઘરેલુ હિંસા થઈ રહી છે. કૌટુંબિક ઉત્પીડન ચાલી રહ્યું છે. પત્નીઓ તેમના પતિઓ સાથે દુર્વ્યવહાર કરે છે, પરંતુ એ માટે કોઈ કાયદો નથી. આ પ્રકારના કેસો ઘટાડવા માટે કોઈ કાયદો ન બનાવવો જોઈએ?," એવો સવાલ દીપિકા નારાયણ ભારદ્વાજે પૂછ્યો હતો.

તેમણે ઉમેર્યું હતું, "અતુલનાં પત્નીએ એક કે બે નહીં, પરંતુ નવ કેસ કર્યા હતા. તેમણે તેમના પતિ વિરુદ્ધ જ નહીં, પરંતુ પતિના પરિવાર વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યા હતા. આવા પીડિતો દેશભરમાં છે. તેથી અતુલના કેસને આવો પ્રતિભાવ અને સમર્થન મળ્યું છે."

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ બધું મહિલાઓની વિરુદ્ધ જ થતું નથી. તેઓ માત્ર એટલું જ કહી રહ્યાં છે કે પુરુષોને પણ સુરક્ષાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે વારંવાર શું કહ્યું છે?

વરિષ્ઠ વકીલ લક્ષ્મીનારાયણ માને છે કે મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના સુપ્રીમ કોર્ટના નિવેદન છતાં, સરકારે નવા કાયદા કે સુધારા કર્યાના કોઈ દાખલા નથી.

લક્ષ્મીનારાયણે કહ્યું હતું, "તમામ પ્રકારના કાયદામાં તેના દુરુપયોગની સમસ્યા છે, પરંતુ મહિલાઓ સંબંધિત કેસોસમાં તે સમસ્યા વકરી હોવાનું જણાય છે."

તેમણે જણાવ્યું હતું કે આ વાત તેઓ નથી કહેતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આ વાત વારંવાર કહી છે અને સુપ્રીમ કોર્ટ આ સંબંધે ગાઇડલાઇન આપવાની છે.

તેમણે ઉમેર્યું હતું, "પોલીસે ધરપકડ પહેલાં 41-એ મુજબ નોટિસ આપવાની હોય છે તેવો દિશાનિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. હકીકતમાં આ જોગવાઈનું કારણ દહેજ ઉત્પીડનના કેસ હતા."

લક્ષ્મીનારાયણે બીબીસીને એમ પણ કહ્યું હતું, "અર્નેશકુમાર વિરુદ્ધ બિહાર રાજ્યના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે, કોઈ વ્યક્તિ આ જાળમાં ન ફસાય એટલા માટે કલમ 41-એની જોગવાઈ કરી હતી. આ કેસ મહિલા કાયદાના દુરુપયોગની પરાકાષ્ઠા છે."

'પુરુષો જુદા જુદા કાયદા દ્વારા કોર્ટમાં જઈ શકે છે'

અતુલ સુભાષ, બેંગલુરુ, આત્મહત્યા, આઇટી પ્રૉફેશનલ, ભારતમાં આત્મહત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મહિલા અધિકાર કાર્યકર દેવીએ જણાવ્યું હતું કે અતુલ સુભાષ કેસમાં જે કોઈ દોષિત હોય તેને સજા થવી જોઈએ, પરંતુ એક જ કેસના આધારે 498-એના તમામ કેસ ખોટા છે એવું કહેવું યોગ્ય નથી.

તેમણે બીબીસીને કહ્યું હતું, "અમારું સંગઠન મહિલાઓ માટેનું હોવા છતાં ઘણા પુરુષો પીડિત તરીકે અમારી પાસે આવે છે. અમે તેમની પડખે ઊભા રહીએ છીએ અને તેમને મદદ કરીએ છીએ. કોઈ પણ કેસનો નિર્ણય તથ્યો અને આંકડાઓના આધારે થવો જોઈએ. મારે કોઈ કેસનો નિર્ણય કાયદાના આધારે લેવાનો હોય તો હું એવા સેંકડો કેસોનું ઉદાહરણ આપી શકું કે જેમાં મહિલાઓ બહુ ખરાબ રીતે હેરાન કરવામાં આવી હતી અને આખરે તેમને ન્યાય મળ્યો ન હતો. પતિએ પત્નીને ઢોર માર માર્યો હોય છતાં કેસ નોંધાયો ન હોય તેવા કિસ્સા પણ છે. મને કહો કે કયા દેશમાં કાયદાઓનો દુરુપયોગ થતો નથી? કાયદાના દુરુપયોગનું મુખ્ય કારણ, સિસ્ટમમાં તેનો અમલ કરાવવાની જેમની જવાબદારી છે એ લોકો છે."

તેમણે ઉમેર્યું હતું, "નૅશનલ ફૅમિલી સર્વે મુજબ, આપણો સમાજ એવો છે, જ્યાં પતિ એકથી પાંચ કારણોસર તેની પત્નીને માર મારે તેમાં કશું ખોટું નથી, એ વાત સાથે મહિલાઓ સહમત છે. દેશમાં દહેજ ઉત્પીડન અને મૃત્યુના કિસ્સા હજુ પણ વધી રહ્યા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે. પુરુષોને કેટલાક કાયદાઓ દ્વારા ખરેખર નિશાન બનાવવામાં આવતા હોય તો તેઓ અન્ય કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે અને કોર્ટમાં જઈ શકે છે."

તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર કૉલ કરો.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 08026995000 છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.