બજેટ 2025: બેરોજગારીની સમસ્યાનો શું ઉકેલ હોઈ શકે, નિષ્ણાતો શું માને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કરવાનાં છે ત્યારે ઘણી આકાંક્ષાઓ સાથે આગામી બજેટની રાહ જોવામાં આવી રહી છે.
આ બજેટ એવા સમયે આવવાનું છે જ્યારે દુનિયામાં આર્થિક અને ભૂરાજકીય અફરાતફરીનો માહોલ છે. હાલમાં વિશ્વએ બે મોટાં યુદ્ધ જોયાં છે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે અને વિદેશી આયાત પર ટેરિફ ઝીંકવાની વાત કરી છે.
ભારતીય શેરબજારમાં સતત ઘટાડો છે, ડૉલરની સામે રૂપિયો તૂટી રહ્યો છે અને પહેલી વખત 86ની નીચે ગયો છે. ભારતમાં ફુગાવો તથા બેરોજગારી એક મોટી સમસ્યા તરીકે ઊભરી આવ્યા છે.
આ દરમિયાન સવાલ થાય છે કે આગામી બજેટમાં બેરોજગારીના પ્રશ્નનું સમાધાન કેવી રીતે થઈ શકે છે.
ભારતમાં યુવાનો માટે બેરોજગારીની સમસ્યા કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અત્યારે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતાં અર્થતંત્રો પૈકી એક છે અને ભારતીયોની સરેરાશ ઉંમર 28 વર્ષ છે જ્યારે સરેરાશ અમેરિકનની ઉંમર 38 વર્ષ અને ચીનના નાગરિકની સરેરાશ વય 39 વય છે.
પ્યૂ રિસર્ચનો વર્ષ 2023નો એક અભ્યાસ કહે છે કે ભારતમાં 42 ટકા લોકોની ઉંમર 25 વર્ષ કરતા ઓછી છે. 50 ટકા લોકોની ઉંમર 25થી 64 વર્ષ વચ્ચે છે અને માત્ર 7 ટકા લોકો 65 વર્ષ અથવા તેનાથી વધુ વયના છે.
ભારતમાં ફર્ટિલિટી રેટ પણ અમેરિકા અને ચીન કરતા વધુ છે જેથી તેમ હજુ ઘણાં વર્ષો સુધી કામદારો પેદા કરી શકે છે.
પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર હાલમાં ભારતીય મહિલા તેમના જીવનકાળ દરમિયાન બે બાળકો પેદા કરે તેવી શક્યતા છે, જ્યારે ચીનમાં આ પ્રમાણ માત્ર 1.2 અને અમેરિકામાં 1.6 છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1992માં ભારતમાં ફર્ટિલિટી રેટ 4.4 ટકા હતો જે ઘટીને 2019માં 2.4 થયો હતો.
તેથી ભારત એક યુવાન દેશ તો છે. પરંતુ સાથે સાથે બેરોજગારી પણ એક મોટો પ્રશ્ન છે.
ભારતમાં બેરોજગારીની હાલની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી (CMIE)ના ડેટા પ્રમાણે નવેમ્બર 2024માં ભારતમાં બેરોજગારીનો દર 8 ટકા હતો જે તેનાથી અગાઉના મહિનામાં 8.7 ટકા નોંધાયો હતો.
બેરોજગારીનો દર ઘટ્યો હોવા છતાં ઘણો ઊંચો છે. નવેમ્બર એ સળંગ બીજો મહિનો હતો જ્યારે બેરોજગારીનો દર 8 ટકા કરતા વધારે હતો.
ચાલુ વર્ષના પ્રથમ આઠ મહિનામાં પાંચ વખત બેરોજગારીનો દર 8 ટકા અથવા ઉપર રહ્યો છે.
નેશનલ સેમ્પલ સરવે ઑફિસ (NSSO)ના નવેમ્બર 2024ના અહેવાલ મુજબ જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોમાં શહેરી બેરોજગારીનો દર ઘટીને 6.4 ટકા થયો હતો જે અગાઉના ક્વાર્ટરમાં 6.6 ટકા હતો.
જોકે રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ 2023-24માં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 3.2 ટકા હતો.
ઇન્ડસ્ટ્રી જગતનું માનવું છે કે બેરોજગારી ઘટાડવી હોય તો સરકારે લેબર ઇન્ટેન્સિવ એટલે કે જ્યાં શ્રમની વધારે જરૂર હોય તેવા સેક્ટરને પ્રોત્સાહન આપવું જોઈએ.
કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના પ્રેસિડન્ટ સંજીવ પુરીએ તાજેતરમાં કહ્યું હતું કે ઉત્પાદન અને શ્રમલક્ષી ઉદ્યોગોમાં રોજગારી પર ફોકસ કરવું જોઈએ.
ભારતમાં આજે પણ કૃષિ એ સૌથી વધારે લોકોને રોજગાર આપતું ક્ષેત્ર છે જેમાં દેશનો 45થી 46 ટકા વર્કફોર્સ કામ કરે છે. તેમાં પાક ઉગાડવાથી લઈને પશુપાલન અને માછીમાર ઉદ્યોગ પણ આવી જાય છે.
નિષ્ણાતો માને છે કે આગામી બજેટમાં સરકાર લેબર ઇન્ટેન્સિવ ઉદ્યોગો જેવા કે ટેક્સ્ટાઇલ્સ, પ્લાસ્ટિક, ફૂટવેર, ઑટો કમ્પોનન્ટ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ વગેરેને પ્રોત્સાહન આપે તો મહત્તમ રોજગારીનું સર્જન થઈ શકે છે.
કયા રાજ્યમાં કેટલી બેરોજગારી

ઇમેજ સ્રોત, Getty Images
પિરિયૉડિક લેબર ફોર્સ સરવે (પીએલએફએસ)ના જુલાઈ 2024ના અહેવાલ પ્રમાણે ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વિપમાં સૌથી વધુ બેરોજગારી છે. લક્ષદ્વિપમાં બેરોજગારીનો દર 11 ટકા છે, જ્યારે ત્રિપુરામાં બેરોજગારીનો સૌથી નીચો દર 1.4 ટકા છે.
ગુજરાતમાં 15 વર્ષથી વધુ વયના લોકોમાં પીએલએફએસ અનુસાર બેરોજગારીનો દર 1.7 ટકા હતો.
અન્ય મહત્ત્વનાં રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હીમાં બેરોજગારી દર 1.9 ટકા, ગોવામાં 9.7 ટકા, હરિયાણામાં 6.1 ટકા, કર્ણાટકમાં 2.4 ટકા, મહારાષ્ટ્રમાં 3.1 ટકા, પંજાબમાં 6.1 ટકા, રાજસ્થાનમાં 4.4 ટકા અને તમિલનાડુમાં 4.3 ટકા હતો.
અંદમાન નિકોબાર ટાપુ પર બેરોજગારી દર 9.7 ટકા હતો. આ આંકડામાં 15 વર્ષથી વધુ ઉંમરના બેરોજગાર કામદારોનો સમાવેશ કરાયો છે. સમગ્ર દેશમાં પીએલએફએસ આધારિત બેરોજગારીનો દર 3.2 ટકા હતો.
જોકે, 15 વર્ષથી 29 વર્ષના યુવાનોના વયજૂથમાં બેરોજગારી જોવામાં આવે તો ચિત્ર વધારે ગંભીર છે. PLFSના 2024ના રિપોર્ટ પ્રમાણે દેશમાં 10.2 ટકા લોકો બેરોજગાર છે જેમાં પુરુષોની ટકાવારી 9.8 ટકા અને મહિલાઓની ટકાવારી 11 ટકા છે.
15થી 29 વર્ષના યુવાનોમાં લક્ષદ્વિપમાં સૌથી વધુ 36.2 ટકા બેરોજગારી છે, જ્યારે અંદમાન નિકોબારમાં 33.6 ટકા બેરોજગારી દર છે.
સૌથી વધારે શિક્ષિત રાજ્ય કેરળમાં બેરોજગારીનો દર 29.9 ટકા હતો જેમાં 47 ટકાથી વધારે મહિલાઓ અને 19 ટકાથી વધુ પુરુષો બેરોજગાર છે.
સૌથી વધુ બેરોજગારી હોય તેવા રાજ્યોમાં નાગાલેન્ડ ચોથા નંબરે (27.4 ટકા) અને મણિપુર પાંચમા ક્રમે (22.9 ટકા) છે તેમ અહેવાલ દર્શાવે છે.
15થી 29 વર્ષના વયજૂથમાં સૌથી ઓછી બેરોજગારી ધરાવતાં રાજ્યોમાં મધ્ય પ્રદેશ નંબર વન છે જ્યાં 2.6 ટકા બેરોજગારી નોંધાઈ છે. બીજા નંબર પર ગુજરાતમાં બેરોજગારીનો દર 3.1 ટકા હતો.
ત્રીજા નંબરે ઝારખંડમાં 3.6 ટકા અને ચોથા ક્રમ પર દિલ્હીમાં બેરોજગારીનો દર 4.6 ટકા નોંધાયો હતો.
રોજગારી વધારવા માટે શું કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ઉદ્યોગ જગતના સંગઠન સીઆઈઆઈએ 2025ના બજેટ અગાઉ સાત સૂચન કર્યાં છે જેનાથી દેશમાં રોજગારીનું સર્જન થશે અને બેરોજગારીની સમસ્યા હળવી થઈ શકે છે. તેમાં એક સૂચન રાષ્ટ્રીય રોજગાર નીતિ ઘડવાનું પણ છે.
તમામ મોટાં અર્થતંત્રોમાં વસતી વૃદ્ધિનો દર ચિંતાજનક હદે ઘટ્યો છે અને સરેરાશ લોકોની ઉંમર વધારે છે, ત્યારે ભારત એક યુવાન દેશ છે અને વસતીવૃદ્ધિનો દર પણ ટકાઉ છે.
2050 સુધીમાં ભારતમાં 13.3 કરોડ વર્કિંગ એજના લોકો ઉમેરાશે. 15થી 64 વર્ષની વયના લોકોને કામકાજની ઉંમરના લોકો કહેવામાં આવે છે અને એસબીઆઈ રિસર્ચ મુજબ 2031માં ભારતમાં 65 ટકા લોકો વર્કિંગ એજના હશે.
તેથી ડેમોગ્રાફિક ડિવિડન્ડની ચિંતા નથી. પરંતુ રોજગારી માટે એક રાષ્ટ્રીય નીતિ હોવી જોઈએ જેમાં તમામ મંત્રાલયો અને રાજ્યોની નીતિઓને સંગઠિત કરવી જોઈએ.
આ ઉપરાંત એવું સૂચન કરાયું છે કે રોજગારી માટે સિંગલ પોર્ટલ હોવું જોઈએ જેમાં રોજગારીનો તમામ ડેટા એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય.
સીઆઈઆઈ કહે છે કે જે કૌશલ્યની ઉદ્યોગમાં માંગ હોય તે પ્રમાણે યુવાનોને તાલીમબદ્ધ કરવા જોઈએ,તેમાં રોજગારી માટે 'ટાર્ગેટેડ સપોર્ટ'ની વાત કરવામાં આવી છે.
જેથી બાંધકામ, ટુરિઝમ, ટેક્સ્ટાઇલ્સ અને ઓછી સ્કીલ પર આધારિત ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારી વધારી શકાય.
લેબરની વધારે જરૂર પડતી હોય તેવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નિકાસ વધે તે જરૂરી છે કારણ કે તેનાથી રોજગારીનું સર્જન થશે. ગ્રામીણ વિસ્તારોમાં સરકારે સરકારી ઑફિસોમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ.
સીઆઈઆઈએ સૂચવ્યું છે કે છૂટક કામ કરતા અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ સોશિયલ સિક્યૉરિટી કવરેજ આપવું જોઈએ.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024 ના બજેટમાં કૌશલ્ય માટે નવી કેન્દ્ર પ્રાયોજિત યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત પાંચ વર્ષના સમયગાળામાં 20 લાખ યુવાનોને કુશળ બનાવવા, 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પોક વ્યવસ્થામાં અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સરકાર 500 ટૉપ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ અપાવશે. તેમણે પાંચ વર્ષમાં એક કરોડ યુવાનો માટે 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ માટેની નવી યોજનાની જાહેરાત કરી હતી.
જોકે કેન્દ્ર સરકારનું કહેવું છે કે બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે.
ડિસેમ્બર 2024માં લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "બેરોજગારીનો દર ઘટ્યો છે. બેરોજગારીનો દર 2017-18માં છ ટકા હતો જે હવે ઘટીને આ વર્ષે 3.2 ટકા થયો છે."
તેમણે કહ્યું કે, "છેલ્લાં છ વર્ષોમાં મહિલાઓનો વર્કફોર્સમાં ભાગ વધ્યો છે, 2018માં 24.5 ટકાથી વધીને 2023-24માં તે 41.7 ટકા થયો હતો. વર્કફોર્સમાં ગ્રામીણ મહિલાઓની ભાગીદારી વધવાને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે."

ઇમેજ સ્રોત, Getty Images
રોજગારી અંગેના પ્રશ્નો મામલે અમે ગુજરાતના કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
અમદાવાદસ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ (SPIESR)ના ઍસોસિયેટ પ્રોફેસર અને અર્થશાસ્ત્રી મુનિશ અલઘ માને છે કે "ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની પુષ્કળ તકો પેદા થઈ શકે છે."
"રોજગાર વધારવા માટે કૃષિ સિવાયનાં ક્ષેત્રોનો પણ વિચાર કરવો જોઈએ. જેમ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાઈવેની આસપાસ ઘણા ઉદ્યોગો વિકસ્યા છે અને ત્યાં હજુ વધારે રોજગારી પેદા થઈ શકે છે."
જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, "ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રોજગારી વધારવા કરતા પણ વધારે મહત્ત્વનું કામ હાલની રોજગારીને ટકાવી રાખવાનું છે."
"બે-બે જગ્યાએ યુદ્ધ ઉપરાંત ચીન અને અમેરિકાના બજારમાં છેલ્લાં ત્રણ વર્ષથી મંદીનો માહોલ છે, ઘણા રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી છે અને 70 ટકા સુધી કન્ઝમ્પશન ઘટી ગયું છે."
નાવડિયાએ જણાવ્યું કે "પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારી માટે સરકારે સ્ટાઇપેન્ડ જાહેર કરવા જોઈએ અને તે મુજબ સ્કિલ તૈયાર કરવી જોઈએ જેનાથી અંતે બેરોજગારી ઘટશે."
ઇકોનૉમિસ્ટ મુનિશ અલગ કહે છે કે, "છેલ્લાં કેટલાંક વર્ષોથી ઑટોમોબાઇલ, એવિયેશન, રિટેલ, મૅન્યુફેક્ચરિંગ વગેરેમાં નરમાઈનો માહોલ છે. ભારતમાં મોટા ઉદ્યોગોને જે પ્રોત્સાહન મળે છે તેવી જ રીતે નાના રિટેલર્સને પણ વેગ આપવામાં આવે તો રોજગારી સર્જાશે."
ટેક્સ્ટાઇલ્સ એ કૃષિ પછી સૌથી વધુ લોકોને રોજગારી આપતું સેક્ટર છે.
ફેડરેશન ઑફ ગુજરાત વીવર્સ ઍસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે સુરતમાં અને આસપાસના વિસ્તારમાં લગભગ 20 લાખ લોકો ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.
તેમણે કહ્યું કે, "હાલમાં એવા કેટલાક નિયમો આવ્યા છે જેના કારણે ઇન્ડસ્ટ્રી ચિંતામાં છે. જેમ કે ઑગસ્ટ 2025થી ટેક્સ્ટાઇલ મશીનરી માટે બીઆઈએસ અને ક્વૉલિટી કન્ટ્રોલના નિયમો લાગુ થવાના છે."
"ભારતમાં આ મશીનરી ઉપલબ્ધ નથી અને વિદેશથી મશીનરીની આયાત કરવી બહુ મોંઘી પડે છે."
જીરાવાલનું માનવું છે કે, "આવી સ્થિતિમાં સરકાર રાહત નહીં આપે તો રોજગારીને અસર થશે અને ચીન સાથે હરીફાઈ કરવી મુશ્કેલ બનશે."
આગામી બજેટમાં ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં નિકાસ વધે તેવી રાહતો અપાય તો મહત્તમ રોજગારી પેદા થઈ શકે તેમ જીરાવાલા કહે છે.
ભારતના જીડીપીના વૃદ્ધિદરની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે આ મહિને જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2024-25માં જીડીપીનો ગ્રોથ રેટ 6.4 ટકા રહેશે જે છેલ્લાં ચાર વર્ષનો સૌથી નીચો આંકડો હશે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરને નબળો દેખાવ કર્યો તેની અસર પડશે.
છેલ્લે આના કરતા ખરાબ ગ્રોથ દર 2020-21માં કોવિડના ગાળામાં નોંધાયો હતો જ્યારે અર્થતંત્રે માત્ર 5.8 ટકાના દરે વૃદ્ધિ કરી હતી.
નીચા બેઝના કારણે 2021-22માં જીડીપી વૃદ્ધિદર 9.7 ટકા, 2022-23માં 7 ટકા અને 2023-24માં 8.2 ટકા હતો.
જુલાઈ - સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટીને 5.4 ટકા થયો હતો તેથી બેરોજગારીની સમસ્યા કેવી રીતે હલ થશે તે એક સવાલ છે.
રિઝર્વ બૅન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રોથ રેટની અપેક્ષા 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












