ઇઝરાયલે ઈરાન પર અત્યારે હુમલો કેમ કર્યો, હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફ્રેન્ક ગાર્ડનર
- પદ, સુરક્ષા સંવાદદાતા
ઇઝરાયલનું 'ઑપરેશન રાઇઝિંગ લાયન' કે ઈરાન પરના હુમલા અભૂતપૂર્વ છે. આ હુમલા ગયા વર્ષે ઈરાન સાથે થયેલા બે મિસાઇલ અને ડ્રોન સંઘર્ષ સહિત અગાઉની કોઈ પણ ઘટના કરતાં અનેક ગણા વધુ વ્યાપક અને મહત્ત્વાકાંક્ષી છે.
જ્યારે ઈરાન માટે આ તેની ધરતી ઉપર 1980-1988ના ઈરાન-ઇરાક યુદ્ધ પછીનો સૌથી મોટો હુમલો છે.
શુક્રવાર સવારે ઇઝરાયલની વાયુસેનાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલી જગ્યાઓને નિશાન બનાવી, એટલું જ નહીં, પરંતુ ઈરાનનાં ઍર ડિફેન્સ અને બૅલેસ્ટિક મિસાઇલ થાણાંને પણ નિશાન બનાવ્યાં. આ હુમલાના કારણે ઈરાનની જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતા ઘટી ગઈ ગઈ.
ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદ માટે કામ કરતા એજન્ટ્સના નેટવર્કે કથિત રીતે સેના અને પરમાણુ કાર્યક્રમના મુખ્ય વ્યક્તિઓની સાચી જગ્યાની માહિતી આપવામાં મદદ કરી.
આખી રાત ચાલેલા હુમલામાં જે લોકોનાં મૃત્યુ થયાં, તેમાં ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કોર (આઇઆરજીસી)ના કમાન્ડર-ઇન-ચીફ હુસૈન સલામી પણ સામેલ છે. સલામી 1979માં થયેલી ઇસ્લામિક ક્રાંતિના સંરક્ષક રહ્યા અને તેમણે શાહના શાસનને ખતમ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આઇઆરજીસી વાયુસેના પ્રમુખ પણ આ હુમલામાં મૃત્યુ પામ્યા.
ઈરાને કહ્યું કે તેના ઓછામાં ઓછા છ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે.
ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સીએ ઈરાનના સુરક્ષા એકમોના કેન્દ્રમાં સફળતાપૂર્વક ઘૂસણખોરી કરી છે, જેનાથી સાબિત થાય છે કે ઈરાનમાં કોઈ પણ સુરક્ષિત નથી.
ઈરાનના સરકારી ટીવીએ રિપોર્ટ કર્યો છે કે 78 લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃત્યુ પામેલા લોકોમાં બાળકો પણ સામેલ છે (આ આંકડાની સ્વતંત્ર રીતે તપાસ કરવામાં નથી આવી).
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોસાદ કથિત રીતે આ હુમલા દરમ્યાન ઈરાનની અંદરથી ડ્રોન લૉન્ચ કરવામાં સક્ષમ હતું. આ સમગ્ર ઑપરેશનનું શરૂઆતનું લક્ષ્ય નતાંજમાં પરમાણુ કેન્દ્ર અને આઇઆરજીસી સાથે સંકળાયેલાં ઠેકાણાં રહ્યાં. ઇઝરાયલી સેના લાંબા સમયથી આની યોજના બનાવી રહી હતી.
ઈરાન હચમચી રહ્યું છે અને આ ફક્ત પહેલી લહેર હોઈ શકે છે. ઇઝરાયલના હિટલિસ્ટમાં બીજાં અનેક સંભવિત લક્ષ્ય હશે. જોકે, કેટલાંક તેની પહોંચથી દૂર હોઈ શકે છે.
ઇઝરાયલે અત્યારે આ હુમલો શા માટે કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલનો ઇરાદો ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ મૂકવાનો છે. ઇઝરાયલ અને ઘણા પશ્ચિમી દેશોને આશંકા છે કે ઈરાન છુપાઈને 'બ્રૅકઆઉટ કૅપેબિલિટી' પર કામ કરી રહ્યું છે. જેનો મતલબ એ થાય છે કે પરમાણુ હથિયાર બનાવવાના રસ્તેથી પાછા ન વળવું.
જોકે, ઈરાન આ વાતને નકારે છે અને હંમેશાં એ બાબત પર ભાર આપતું રહ્યું છે કે તેનો કાર્યક્રમ એક સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ છે. જેના માટે રશિયા તરફથી મદદ મળી છે અને તે પૂર્ણ રીતે શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે.
એક દાયકાથી પણ વધારે સમયથી ઇઝરાયલ ઈરાનની પરમાણુ પ્રગતિને ધીમી પાડવા અને પાછળ ધકેલવાની કોશિશ કરી રહ્યું છે. આ મામલે ઇઝરાયલને ઘણી સફળતાઓ પણ મળી છે.
જેમ કે, અજ્ઞાત હુમલાખોરોએ રહસ્યમય રીતે ઈરાની વૈજ્ઞાનિકોની હત્યા કરી નાખી. 2020માં તેહરાનની પાસે એક સૂમસામ સડક પર પરમાણુ કાર્યક્રમના સૈન્ય પ્રમુખ બ્રિગેડિયર જનરલ ફખરીજાદેહની હત્યા કરી દેવામાં આવી હતી.
આની પહેલાં અમેરિકા અને ઇઝરાયલના સાઇબર જાસૂસોએ ઈરાનના સેંટ્રીફ્યૂઝમાં એક વિનાશક કમ્પ્યુટર વાઇરસ નાખવામાં સફળતા મેળવેલી. તેનું કોડનેમ સ્ટક્સનેટ હતું અને તેના કારણે ઈરાનના સેંટ્રીફ્યૂઝ તેના કંટ્રોલમાં ન રહ્યા.
ચાલુ અઠવાડિયે યુએન ન્યૂક્લિયર વૉચડૉગ ઇન્ટરનૅશનલ એટૉમિક ઍનર્જી ઇન્ટરનૅશનલને જોવા મળ્યું કે ઈરાન પોતાની અપ્રસાર જવાબદારીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને મોકલવાની ચેતવણી આપી.
ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં તેના દ્વારા સૌથી વધુ સમૃદ્ધ યુરેનિયમ પેદા કરવા બાબતે ચિંતાઓ છે. તેના લેવલને 60 ટકા સુધી સમૃદ્ધ કરવામાં આવ્યું છે. આ લેવલ પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવાના સ્તરથી અનેક ગણું વધુ છે. પરંતુ, બૉમ્બ બનાવવા માટે જે લેવલ જોઈએ તેનાથી ઓછું છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા માટે એક સમજૂતી થઈ હતી. તે 2015માં ઓબામાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન થઈ હતી.
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેને 'દુનિયાનો સૌથી ખરાબ સોદો' કહ્યો અને જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે અમેરિકાને આ ડીલમાંથી બહાર કરી લીધું. ઈરાને પણ 2018માં આ સોદાનું પાલન કરવાનું બંધ કરી દીધું.
ઈરાનની બહાર કોઈ નથી ઇચ્છતું કે ઈરાન પાસે પરમાણુ બૉમ્બ હોય.
ઇઝરાયલ એક નાનો એવો દેશ છે અને તેની વસ્તી લગભગ 95 લાખ છે. ઇઝરાયલનું માનવું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવાં તેના અસ્તિત્વ માટે જોખમરૂપ છે.
તે ઈરાનની નામી હસ્તીઓના ઇઝરાયલના વિનાશનું આહ્વાન કરવા જેવાં ઘણાં નિવેદનો તરફ ઇશારો કરે છે. સાઉદી અરબ, જૉર્ડન અને અરબના ખાડી દેશોને ઈરાનના વર્તમાન શાસનની વધુ ચિંતા નથી. જોકે, તેમણે પડોશી હોવાના લીધે તેની સાથે રહેવાનું શીખી લીધું છે.
પરંતુ હવે તેઓ પણ સંઘર્ષને પોતાની સીમાઓ સુધી ફેલાવાના જોખમના કારણે ખૂબ ચિંતિત હશે.
ઇઝરાઇલ માટે આ સમય મહત્ત્વપૂર્ણ છે. ઈરાન પહેલાં કરતાં કમજોર થઈ ચૂક્યું છે. તેનું કારણ લેબનોન, સીરિયા અને ગાઝામાં તેના સહયોગીની હાર કે લગભગ સફાયો થવો છે. તે ઉપરાંત, ગયા વર્ષે થયેલા ઇઝરાયલી હુમલાના કારણે ઈરાનના ઍર ડિફેન્સમાં ઘણો ઘટાડો થયો છે.
ઇઝરાયલ પાસે અમેરિકામાં એક સાથ આપનાર રાષ્ટ્રપતિ છે. ઇઝરાયલને એ વાતનો પણ ડર હતો કે ઈરાન કેટલાક મુખ્ય યુરેનિયમ સંવર્ધન ઉપકરણોને અંડરગ્રાઉન્ડ કરી રહ્યું છે.
હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
એ સ્પષ્ટ છે કે ઇઝરાયલને શું જોઈએ છે. તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઘણાં વરસો પાછળ ધકેલવા માગે છે અથવા તો સંપૂર્ણ ખતમ કરવા માગે છે.
ઇઝરાયલની સેના અને રાજકારણ સાથે સંકળાયેલા ઘણા લોકો એવી આશા રાખે છે કે આ ઑપરેશનથી ઈરાનની લીડરશિપ નબળી પડી જશે અથવા પડી ભાંગશે. જેનાથી નવા શાસનની શરૂઆત થાય અને જે ક્ષેત્ર માટે જોખમ ઊભું ન કરે. આ જ તેમનો વિચાર હોઈ શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, ઈરાન પાસે સમજૂતી પર સહમતી દર્શાવવા માટે 'બીજી તક' છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં રવિવારે છઠ્ઠી વાર વાટાઘાટ થવાની હતી, પરંતુ ઇઝરાયલ તેને વધુ મહત્ત્વ નથી આપતું.
જે રીતે રશિયા પર યુક્રેનની સાથે શાંતિવાર્તાલાપ અંગેની ખોટી માહિતી આપવાનો ટ્રમ્પ પર આરોપ છે, એ જ રીતે ઇઝરાયલનું માનવું છે કે ઈરાન પણ એવું જ કરી રહ્યું છે.
ઇઝરાયલનું માનવું છે કે, તેના માટે ઈરાનના સંદિગ્ધ પરમાણુ શસ્ત્ર કાર્યક્રમને ખતમ કરવાની આ સૌથી સારી અને સંભવતઃ છેલ્લી તક છે.
યુરોપિયન કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન (ઈસીએફઆર)માં સિનિયર ફૅલો એલી જેરાનમાયેહ કહે છે, "ઇઝરાયલે ઈરાનમાં રાતોરાત એટલા માટે હુમલા કર્યા, જેથી ઈરાની પરમાણુ કાર્યક્રમને અટકાવવા માટે સમજૂતી કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંભાવનાઓને સમાપ્ત કરી શકાય."
"એ સ્પષ્ટ છે કે વાર્તાલાપને પૂરેપૂરો પાટા પરથી ઉતારવા માટે આ સમયે મોટા પાયે હુમલા કરવામાં આવ્યા છે."
અમેરિકાએ ઈરાનને એ બતાવવાની કોશિશ કરી છે કે તે આ હુમલામાં સામેલ નથી. પરંતુ, જો ઈરાન મધ્ય-પૂર્વમાં અમેરિકાનાં ઠેકાણાં પર જવાબી કાર્યવાહી કરે તો એ વાતનું જોખમ છે કે, અમેરિકા મધ્ય-પૂર્વમાં વધુ એક સંઘર્ષમાં ફસાઈ શકે છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈએ કહ્યું છે કે ઇઝરાયલને આકરી સજા આપવામાં આવશે. પરંતુ હકીકત એ છે કે ઈરાન બે વર્ષ પહેલાંની તુલનાએ અત્યારે નબળી સ્થિતિમાં છે અને તેની પાસે જવાબી કાર્યવાહીના વિકલ્પ પણ મર્યાદિત છે.
પરમાણુ શસ્ત્રોની હોડ

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ, તેનું બીજું પણ એક મોટું જોખમ છે. ઇઝરાયલનું અભિયાન ઊંધું પણ પડી શકે છે. તેનાથી પરમાણુ શસ્ત્રોની હોડ પણ શરૂ થઈ શકે છે.
ઈરાનની સુરક્ષા એજન્સીઓ લાંબા અરસાથી એવી દલીલ કરી રહી છે કે ઇઝરાયલ અને અમેરિકાના ભવિષ્યના હુમલા વિરુદ્ધ સૌથી સારું સમાધાન એ છે કે પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરી લેવામાં આવે. તે લીબિયા અને નૉર્થ કોરિયાના નેતાઓ પાસેથી પ્રેરણા લેવા જેવું છે.
લીબિયાના કર્નલ ગદ્દાફીએ 2003માં પોતાના માસ ડિસ્ટ્રિક્શનનાં શસ્ત્રોના કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ આઠ વર્ષ પછી વિરોધ-પ્રદર્શનોના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. આ વિરોધપ્રદર્શનોને પશ્ચિમી ઍર પાવરનું સમર્થન પ્રાપ્ત હતું.
જોકે બીજી તરફ, નૉર્થ કોરિયાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં પરમાણુ શસ્ત્રો અને બૅલેસ્ટિક મિસાઇલ્સનો વિશાળ ભંડાર ભેગો કરી લીધો. તે કારણે ઉત્તર કોરિયા તેના પર કોઈ પણ હુમલો કરતાં પહેલાં બે વાર વિચાર કરવા મજબૂર જરૂર થશે.
ઇઝરાયલના 'ઑપરેશન રાઇઝિંગ લાયન'થી જે કંઈ નુકસાન થશે, જો તેમાં ઈરાનની વર્તમાન સત્તા બચી જાય તો તે પરમાણુ બૉમ્બ બનાવવા અને એટલે સુધી કે પરીક્ષણ કરવાની પોતાની હોડમાં ગતિ લાવી શકે છે.
જો તેવું થાય, તો મધ્ય-પૂર્વમાં પરમાણુ શસ્ત્રોની હોડ શરૂ થઈ શકે છે. સાઉદી અરેબિયા, તુર્કી, અને શક્ય છે કે ઇજિપ્ત પણ, એવું નક્કી કરી શકે છે કે તેમને પરમાણુ શસ્ત્રોની જરૂર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












