અમદાવાદ પ્લેન ક્રૅશ: 'અમારે તો દીકરાના ધામધૂમથી લગ્ન કરવાં હતાં પણ..' સ્વજનોને ગુમાવી દેનાર પરિવારોની વ્યથા

અમદાવાદ દુર્ઘટના, બીબીસી, ભાવિક
ઇમેજ કૅપ્શન, અમદાવાદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવિક નામના યુવકના દાદાની વ્યથા એ સૌ પરિવારની વ્યથા છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે.

અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે 12મી જૂને અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકંડોમાં તૂટી પડ્યું હતું. એક યાત્રીને છોડીને પ્લેનમાં સવાર બાર ક્રૂ મેમ્બર્સ સહિત તમામ લોકોનાં મોત થયાં છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરાશે ત્યારબાદ પરિવારોને મૃતદેહો સોંપવામાં આવશે.

આ પ્લેન ક્રૅશની ઘટનામાં અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ છે. બીબીસીએ સ્વજનોને ગુમાવનારા કેટલાક પરિવારો સાથે વાતચીત કરી હતી અને તેમની વ્યથા જાણી હતી.

આવો જ એક પરિવાર છે વડોદરાનો મહેશ્વરી પરિવાર. આ પરિવારે પ્લેન દુર્ઘટનામાં પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે. ભાવિક મહેશ્વરી પાંચ વર્ષ પહેલાં BBAનો અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા. બે વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી કૉલ સેન્ટરમાં આસિસ્ટન્ટ મૅનેજર તરીકે નોકરી કરતા હતા. જોકે, પહેલી જૂનના રોજ 15 દિવસની રજા લઈને વડોદરા આવ્યા હતા.

"અમારે તો દીવાળી પછી એના ધામધૂમથી લગ્ન કરવાં હતાં પણ...''

ભાવિક, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Maheshwari Family

ઇમેજ કૅપ્શન, ભાવિક અને તેમનાં જીવનસાથી

ભાવિકને યાદ કરતા એમના પિતા ભાંગી પડે છે. રડતા-રડતા તેઓ બીબીસી પ્રતિનિધિ હાર્દિકને જણાવ્યું કે, "ભાવિક અહીં 15 દિવસ માટે ફરવા માટે આવ્યો હતો. અહીં આવે ત્યારે પંદર દિવસ પરિવાર સાથે વીતાવતો હતો. પરિવાર સાથે વધુમાં વધુ સમય વીતાવી શકાય એ માટે ક્યાંય બહાર પણ નહોતો જતો. ભાવિકની સગાઈ થઈ ગઈ હતી."

"એ અહીં આવ્યો તો તારીખ 10 જૂનના રોજ અમે તેના કોર્ટ મૅરેજ કરાવ્યા હતા. બે દિવસ પછી તે લંડન જવા માટે વિમાનમાં બેઠો. એક વાગ્યે પ્લેનમાં બેઠા પછી એનો ફોન પણ આવ્યો હતો કે મારી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે માટે તમે ચિંતા ન કરતા."

ત્યાર બાદ વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા અને પરિવાર ભાંગી પડ્યો છે.

ભાવિકના પિતા કહે છે કે, "ડીએનએ સૅમ્પલિંગની પ્રક્રિયા માટે ત્રણ દિવસની રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. 72 કલાક એટલે શું વાત થઈ? કોઈ જવાબ નથી આવતો..."

આટલું બોલતા જ ભાવિકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે. એમના શબ્દો થીજી જાય છે...

દાદા, પૌત્ર, ભાવિક, બીબીસી, ગુજરાતી, અમદાવાદ પ્લેન દુર્ઘટના
ઇમેજ કૅપ્શન, પૌત્ર ભાવિકને ગુમાવવાની વ્યથા વર્ણવવા માટે દાદા પાસે શબ્દો નથી

દિવાળી પછી જેના ધામધૂમથી લગ્ન કરવાનાં સપનાં જોતો મહેશ્વરી પરિવાર જુવાનજોધ દીકરો છીનવાઈ જતા કોણ કોને આશ્વાસન આપે એવી સ્થિતિ છે. દીકરો હવે હયાત નથી એ કડવી વાસ્તવિકતા પરિવાર માટે પચાવવી સહેલી નથી.

ભાવિકના દાદા પૌત્રને યાદ કરીને માંડ એક વાક્ય બોલી શકે છે, કોર્ટ મૅરેજની પ્રક્રિયા પૂરી કરીને દિવાળી પછી ભાવિકના ધામધૂમથી લગ્ન કરાવવાના હતાં. પણ...''

ભાવિકના દાદા આગળ કશું બોલી શકતા નથી.

બે વર્ષની બાળકી પૂછે છે "મમ્મી ક્યાં છે?''

નેન્સી બહેન, આન્સી, બીબીસી, ગુજરાતી, અમદાવાદ પ્લેન દુર્ઘટના
ઇમેજ કૅપ્શન, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં નેન્સીબહેનની બે વર્ષની દીકરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડોદરાના આ મહેશ્વરી પરિવારે દુર્ઘટનામાં પુત્ર ગુમાવ્યો તો એક પટેલ પરિવારે વહુ ગુમાવી છે. વડોદરાના પટેલ પરિવાર માથે આભ ફાટ્યું છે. આ કિસ્સો પણ તમારી આંખને ભીંજવી નાખે છે. વડોદરાના પટેલ પરિવારના પુત્રવધૂ નેન્સી પટેલ પોતાની બે વર્ષની બાળકી આન્સીને વડોદરા મૂકવા માટે આવ્યાં હતાં. બાળકીને પરિવાર પાસે મૂકીને નેન્સી લંડન પરત જવા માટે ફ્લાઇટ 171માં નીકળ્યાં અને દુર્ઘટનાનો ભોગ બન્યાં.

સમગ્ર પરિવાર માટે આ ઘટના જીરવી શકાય એવી નથી. સૌ કોઈ સુન્ન છે. પ્રતિક્રિયાના શબ્દો મૌન બની ગયા છે.

નેન્સીબહેનના પરિવારજન જયેશભાઈ પટેલે આ મામલે બીબીસીને જણાવ્યું હતું કે, "એમને (નેન્સીબહેન)ને જૉબમાં તકલીફ હતી અને દીકરીને કર કરાવવાના હતા એટલે તેઓ ગુજરાત આવ્યાં હતાં અને લંડન પાછાં ફર્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી."

"બે વર્ષની બાળકી માત્ર અમુક શબ્દો બોલી શકે છે. આ બાળકી આખો દિવસ એની મમ્મીને યાદ કરે છે. અમે તેને મમ્મી ઑફિસ ગઈ છે. હમણા આવે છે, એવું બહાનું આપીને સમજાવીએ છીએ. હાલ મૃતદેહની ઓળખ માટે અમે રિપોર્ટની અમે રાહ જોઈએ છીએ. અમને માત્ર જણાવવામાં આવશે એમ કહેવામાં આવે છે. પરંતુ ક્યારે યોગ્ય પ્રત્યુત્તર આવશે એની અમને રાહ છે..."

"અમારો દીકરો ખૂબ સંઘર્ષ કરીને લંડન ગયો હતો"

"અમારો દીકરો ખૂબ સંઘર્ષ કરીને લંડન ગયો હતો' આ શબ્દો છે અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં પોતાના પરિવારના ચાર સભ્યો ગુમાનારા રફિક મેમણના. તેઓ મૂળ મુંબઈના છે. તેમના પરિવારના સભ્યો ઈદ મનાવવા ભારત આવ્યા હતા.

અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું વિમાન 12 જૂન, ગુરુવારે અમદાવાદ ઍરપૉર્ટ પરથી ટેક-ઑફ થયા બાદ ગણતરીની સેકંડોમાં તૂટી પડ્યું હતું.

ઍર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ પ્લેન ક્રૅશમાં એક મુસાફરને બાદ કરતાં તમામ 241 લોકોનાં મોત થયાં છે.

આ મૃતકોમાં મુંબઈના વતની અને યુકેના નાગરિક એવા સૈયદ જાવેદ અલી, તેમનાં પત્ની અને બે સંતાનો પણ સામેલ છે.

આ ચારેયના મૃતદેહ લેવા માટે અમદાવાદ આવેલા તેમના મામાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરીને પરિવારની વ્યથા પણ જણાવી છે.

પિતાની અંતિમવિધિ માટે આવેલો યુવક ખુદ કાળનો કોળિયો બની ગયો

અમદાવાદમાં હૉસ્પિટલની બહાર બીબીસી સંવાદદાતા સમીરા હુસૈનની મુલાકાત એક દુ:ખી મહિલા સાથે થઈ.

તેમના 25 વર્ષીય ભત્રીજાનું આ પ્લેન ક્રૅશમાં મૃત્યુ થયું છે.

તેઓ બ્રિટનમાં રહેતા હતા અને પિતાની અંતિમવિધિ કરવા માટે ભારત આવ્યા હતા. તેમના પિતાનું નિધન 29 મેના રોજ થયું હતું. ત્યાર બાદ તેઓ લંડન જઈ રહ્યા હતા અને પોતે જ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

પંદર વર્ષના દીકરાને ગુમાવવાની પીડા

આકાશ, બીબીસી, ગુજરાતી, અમદાવાદ પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, BBC/ Yogita limaye

ઇમેજ કૅપ્શન, 15 વર્ષીય આકાશનો આ હસતો ચહેરો તેના પરિવારને ક્યારેય જોવા નહીં મળે

સિવિલ હૉસ્પિટલમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે, ત્યાં ઘણી હૃદયદ્રાવક કહાણીઓ જાણવા મળી રહી છે. હૉસ્પિટલમાં મહિલાઓની ચીસો ગુંજી રહી હતી.

અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટના કવર કરવા પહોંચેલાં બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેએ કેટલાક પીડિતો સાથે વાત કરી હતી.

મૃતકોમાં 15 વર્ષનો એક છોકરો પણ સામેલ છે. એનું નામ આકાશ હતું. બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેના જણાવ્યા પ્રમાણે આકાશ પ્લેન જ્યાં ક્રૅશ થયું એ જ ઇમારતમાં રહેતો હતો. આકાશ ઇમારતના કૅફેટેરિયામાં પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો. તેમનાં માતા સીતાબહેન પણ આ જ કૅફેટેરિયામાં કામ કરતાં હતાં. આકાશને બચાવવાના પ્રયાસમાં સીતાબહેન ગંભીર રીતે દાઝી ગયાં છે, હાલ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

બીબીસીએ આકાશના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી.

બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેના જણાવ્યા પ્રમાણે "અમે આકાશના મોટા ભાઈ કલ્પેશને મળ્યા, તેઓ અત્યંત શોકાતુર હતા. તેઓ રડતાં રડતાં પોતાના નાના ભાઈ અને માતાની તસવીર જોઈ રહ્યા હતા.''

ઘટના સમયે સ્થળની નિકટ ઊભેલા આકાશના પિતાએ કહ્યું કે તેમણે મોટો ધડાકો સાંભળ્યો, પરંતુ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે આગાની જ્વાળાઓ અને ચારેકોરથી ધુમાડો ઊઠતો જોયો. તેમનાં પત્નીને હૉસ્પિટલ પહોંચાડી દેવાયાં હતાં. બાદમાં તેમણે સાંભળ્યું કે તેમનો પુત્ર આ ઘટનામાં નથી બચી શક્યો.

'અમે ત્રણ દિવસ સુધી કેવી રીતે રાહ જોઈ શકીએ'

બીબીસી, સમીર શેખ, ગુજરાત, અમદાવાદ પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, BBC/ Zoya Mateen

ઇમેજ કૅપ્શન, સમીર શેખ

આવા જ એક પિતા સમીર શેખ પણ છે. બીબીસી સંવાદદાતા ઝોયા મતીન સાથે વાતચીત કરતા તેઓ કહે છે એ પ્રમાણે તેમનો દીકરો, ઇરફાન - ઍર ઇન્ડિયામાં ક્રૂ મેમ્બર હતો. તે હંમેશાં ફ્લાઇટ ઉડાન ભરતા પહેલાં અને ઉતરાણ પછી તેમને જાણ કરતો હતો. તેથી જ્યારે શેખને બપોરે ઍરલાઇન તરફથી ફોન આવ્યો, ત્યારે તેઓ મૂંઝવણમાં હતા.. - તેનો પુત્ર ડ્યૂટી પર લંડન જવાનો હતો.

"પરંતુ, અમને ખબર પડી કે તેનું અકસ્માતમાં મૃત્યુ થયું છે."

પૂણે શહેરમાં રહેતા શેખ તરત જ પોતાના પરિવાર સાથે અમદાવાદ પોતાના પુત્રના મૃતદેહને લેવા માટે ગયા છે. તેમનું કહેવું છે કે સિવિલ હૉસ્પિટલમાં ઍર ઇન્ડિયાના એક અધિકારીએ તેમને મૃતદેહનો દાવો કરવા માટે જરૂરી ઓળખ પ્રક્રિયામાં મદદ કરી.

"પરંતુ પોલીસે અમને મારા દીકરાને પાછો લઈ જવા દીધો નહીં. બધા પીડિતોના ડીએનએ સૅમ્પલિંગ પૂર્ણ થયા પછી, અમને ત્રણ દિવસમાં પાછા આવવા કહ્યું છે."

સમીર શેખનાં પત્ની એક ખૂણામાં રડી રહ્યાં છે. સમીર શેખ પ્રશ્ન કરે છે, "જ્યારે અમને ખબર પડે કે તે અમારો દીકરો છે, ત્યારે અમે ત્રણ દિવસ કેવી રીતે રાહ જોઈ શકીએ?"

"મારી ગુડ ગર્લ, તું પાછી આવી જા"

સૈનિતા, બીબીસી ગુજરાતી, અમદાવાદ પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, BBC/Archna Shukla

ઇમેજ કૅપ્શન, સૈનિતાનાં માતા રેમા ચક્રવતી

મુંબઈમાં, 34 વર્ષીય સૈનીતા ચક્રવર્તી કે જે ઍર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટના ક્રૂ સભ્યોમાંનાં એક હતાં, તેમના પરિવારને બીબીસી સંવાદદાતા અર્ચના શુક્લા મળ્યા ત્યારે પણ એક આવી જ પીડાદાયી કહાણી સામે આવી હતી.

"મારી ગુડ ગર્લ. તું પ્લીઝ પાછી આવી જા, મમ્મી રાહ જોઈ રહી છે," તેમનાં માતા રેમા ચક્રવર્તી રડતાં રડતાં આ શબ્દો ઉચ્ચારતાં રહે છે.

સૈનીતાના પિતા, અબીન ચક્રવર્તી, નજીકમાં પત્નીને આશ્વાસનના શબ્દો આપીને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

"સૈનીતાએ ખરેખર અમારી સંભાળ રાખી, પરિવારનું ભરણપોષણ કર્યું અને તેનાં માતાની કૅન્સરની સારવારમાં મદદ કરી," તેઓ રડતાં રડતાં બીબીસી ન્યૂઝને કહે છે.

'ટેક-ઑફના થોડા સમય બાદ પ્લેન ક્રૅશ'

ઍર ઇન્ડિયા અનુસાર અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રૅશમાં એક યાત્રીને છોડીને તમામ 241 લોકોનાં મોત થયાં છે.

ઍર ઇન્ડિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે આ ફ્લાઇટ AI171 ઊપડી હતી. આ વિમાન બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટ હતું.

ઍર ઇન્ડિયાએ લખ્યું હતું કે, "અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે ઊપડેલી ફ્લાઇટ બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટમાં 242 પૅસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. જે પૈકી 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન અને સાત પૉર્ટુગીઝ હતા."

પ્લેન સાથેનો ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા 625 ફૂટની ઊંચાઈએ (190 મીટર) ખતમ થઈ ગયો હતો.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 પ્રમાણે "ટેક-ઑફના એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં" ઍરક્રાફ્ટનું સિગ્નલ તૂટી ગયું હતું.

ભારતના ઉડ્ડયન નિયામક ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશને જણાવ્યું હતું કે પ્લેને ઍર ટ્રાફિક કંટ્રોલને મેડે કૉલ આપ્યો હતો. જોકે, એ બાદ ઍરક્રાફ્ટ પાસેથી કોઈ જવાબ મળ્યો નહોતો.

આ પ્લેન 175 નૉટની (324.1 કિમી પ્રતિ કલાક) ગતિએ ઊડી રહ્યું હતું.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન