You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2025નો કાર્યક્રમ જાહેર, દસ ટીમો વચ્ચે જોવા મળશે ખરાખરીનો જંગ, ગુજરાત ટાઇટન્સની મૅચો ક્યારે?
આઇપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. પહેલી મૅચ KKR અને RCB વચ્ચે 22મી માર્ચે રમાશે. કુલ 10 ટીમો વચ્ચે 65 દિવસો સુધી રમાનારી ટુર્નામેન્ટમાં 74 મૅચ રમાવાની છે. ફાઇનલ 25મી મેના રોજ રમાશે.
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ રવિવારે આગામી આઇપીએલનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો.
જેમાં આઇપીએલમાં કઈ ટીમો કોની સામે ક્યારે અને કયા મેદાનમાં ટકરાશે તેની વિગતવાર માહિતી અપાઈ હતી.
નોંધનીય છે કે વર્ષ 2008થી શરૂ થયેલ આ લીગે જાણે ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં 'ક્રિકેટની રમતનો ચહેરો બદલી નાખ્યો છે.'
વર્ષ 2025માં આઇપીએલની 18મી સિઝન રમાવા જઈ રહી છે.
વર્ષ 2024ની આઇપીએલની વાત કરીએ તો ટુર્નામેન્ટની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ચૅમ્પિયન બની હતી.
65 દિવસમાં 74 મૅચ રમાશે
બીસીસીઆઇએ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 22 માર્ચના રોજ એટલે કે શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી મૅચથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે.
ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ રમાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે માસથી થોડી વધુ લાંબી આ ટુર્નામેન્ટમાં કુલ 74 મૅચો રમાશે.
આ મૅચો દેશભરનાં 13 મેદાનોમાં આયોજિત કરાશે. ટુર્નામેન્ટમાં 12 દિવસ ડબલ-હેડર એટલે કે બે મૅચો આયોજિત કરાશે.
બપોરે આયોજિત મૅચો સાડા ત્રણ વાગ્યે શરૂ થશે, જ્યારે રાત્રે આયોજિત મૅચો સાડા સાત વાગ્યે શરૂ થશે.
કાર્યક્રમ મુજબ આઇપીએલની દસેય ટીમો વચ્ચે લીગ સ્ટેજમાં સતત 58 દિવસ સુધીના સમયગાળામાં 70 મૅચો રમાઈ જશે.
લીગ સ્ટેજની અંતિમ મૅચ 18 મેના રોજ એટલે કે મંગળવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
એ બાદ 20મેના રોજ પૉઇન્ટ્સ ટેબલની ટોચની ટીમો પૈકી બે વચ્ચે પ્રથમ ક્વૉલિફાયર રમાશે. 21 મેના રોજ એલિમિનેટર મૅચ યોજાશે. આ બંને હૈદરાબાદ ખાતે યોજાશે.
23 મેના રોજ કોલકાતા ખાતે દ્વિતિય ક્વૉલિફાયર મૅચ રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની નિર્ણાયક એવી ફાઇનલ મૅચ 25 મે એટલે કે રવિવારના રોજ સાડા સાત વાગ્યાથી કોલકાતાના મેદાનમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સની મૅચો
આઇપીએલની 18મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટુર્નામેન્ટના ચોથા દિવસે ટાઇટલ માટે પોતાની સફરની શરૂઆત કરશે. 25 માર્ચે અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સની ટીમ ટુર્નામેન્ટના તેના પ્રથમ મુકાબલામાં પંજાબ કિંગ્સ સાથે ટકરાશે.
- 29 માર્ચના રોજ અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઇન્ડિયન્સ સામે તેની બીજી મૅચ રમશે.
- 2 એપ્રિલના રોજ રૉયલ ચૅલેન્જર્સ સામે ટીમ પોતાની ત્રીજી મૅચ રમશે.
- 6 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સની ચોથી મૅચ યોજાશે.
- 9 એપ્રેલના રોજ ટીમની પાંચમી મૅચ રાજસ્થાન રૉયલ્સ સાથે હશે.
- 12 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટીમની છઠ્ઠી મૅચ હશે. 19 એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામે ટીમની સાતમી મૅચ હશે.
- 21 એપ્રિલના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ગુજરાત ટાઇટન્સની આઠમી મૅચ હશે.
- 28 એપ્રિલના રોજ રાજસ્થાન રૉયલ્સ સામે ટીમની નવમી મૅચ યોજાશે.
- 2 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સની દસમી મૅચ હશે.
- 6 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સની 11મી મૅચ યોજાશે.
- 11 મેના રોજ દિલ્હી કૅપિટલ્સ સામે ટીમની 12મી મૅચ યોજાશે.
જ્યારે 14 અને 18 મેના રોજ ગુજરાત ટાઇટન્સની ટીમ અનુક્રમે પોતાના 13મા અને 14મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
અત્યાર સુધી કઈ કઈ ટીમ બની ચૂકી છે વિજેતા?
વર્ષ 2008માં યોજાયેલી આઇપીએલની પ્રથમ સિઝનમાં સાવ અંડરડૉગ મનાતી ટીમ રાજસ્થાન રૉયલ્સ દિવંગત દિગ્ગજ સ્પિનર શેન વૉર્નની આગેવાનીમાં વિજેતા બની હતી.
વર્ષ 2009માં ડેક્કન ચાર્જર્સની ટીમે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરને હરાવીને ખિતાબ હાંસલ કર્યો હતો.
જો અન્ય સિઝનોની વાત કરીએ તો વર્ષ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને વર્ષ 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમ ખિતાબ પર કબજો જમાવવામાં સફળ રહી હતી.
જોકે, બાકીની તમામ સિઝનમાં ટીમો રિપીટ વિનર રહી છે. એટલે કે એક જ ટીમે એક કરતાં વધુ વખત આ ખિતાબ હાંસલ કરી બતાવ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ ટીમ વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023માં એટલે કે પાંચ વખત ટુર્નામેન્ટની વિજેતા બની છે.
આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પણ વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં પાંચ વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે.
આ બંને ટીમો બાદ સૌથી વધુ વખત કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ખિતાબ પર કબજો કર્યો છે. વર્ષ 2012, 2014 અને 2024માં ટીમ ટુર્નામેન્ટની વિજેતા બની હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન