બંધારણ પર ચર્ચા દરમિયાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીએ તક ગુમાવી?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હી
બંધારણના સ્વીકારને 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને શુક્રવાર તથા શનિવારે સંસદમાં વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કલાક અને 50 મિનિટ જેટલું લાંબું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન મોદીએ જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી પર કૉંગ્રેસ પાર્ટીના દીર્ઘકાલીન શાસન પર નિશાન સાધ્યું હતું.
આ પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સાવરકરનું નામ લીધું હતું અને બંધારણ માટે તેમની કલ્પના પર સવાલ ઉઠાવ્યા હતા. સંસદસભ્ય બન્યાં બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલી વખત પાર્લામેન્ટ પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે સરકારને ઘેરી હતી.
બંધારણ સંદર્ભે સંસદમાં જે ચર્ચા થઈ, તેનો પડઘો સોશિયલ મીડિયા પર પણ ઝીલાયો હતો. અનેક યૂઝર્સે વડા પ્રધાન મોદીને ભાષણને ભવ્ય ગણાવ્યું હતું.
યૂઝર્સે મોદીના ભાષણને તાજેતરના હરિયાણા અને મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય બાદ આવેલો 'આત્મવિશ્વાસ' જણાવ્યો હતો.
બીજી બાજુ, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીના ભાષણ પર પ્રતિક્રિયા આપતા ગાંધી પરિવાર બંધારણને 'છિન્નભિન્ન' કરી નાખવાનો આરોપ મૂક્યો હતો, તો વિપક્ષે વડા પ્રધાન મોદીના ભાષણની ટીકા કરી હતી.
વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસનું નામ લીધા વગર એક પરિવારનાં 70 વર્ષના લાંબા શાસન ઉપર આક્રમક પ્રહારો કર્યો હતા. આ દરમિયાન તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને બંધારણ પ્રત્યેના 11 સંકલ્પોનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીના ભાષણ અંગે પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, ANI
ભાજપના સંસદસભ્યોએ વડા પ્રધાન મોદીના ભાષણને ઐતિહાસિક તથા કૉંગ્રેસને અરીસો દેખાડનારું ગણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અભિનેતામાંથી નેતા બનેલા ભાજપના સંસદસભ્ય રવિ કિશને કહ્યું, "આ એક ઐતિહાસિક ભાષણ હતું. વિપક્ષે શીખવું જોઈએ કે કેવી રીતે ભાષણ આપવું જોઈએ... આજે તેમની શાલીનતાની ચર્ચા થઈ રહી છે."
બિહારમાંથી ભાજપના સંસદસભ્ય ગિરિરાજસિંહે કૉંગ્રેસના નેતાઓના ભાષણ અંગે ટિપ્પણી કરતા કહ્યું, "એમના માટે ગરીબી હઠાવો એ સૌથી મોટો નારો હતો, પરંતુ તેઓ ગરીબી હઠાવી ન શક્યા. ભાજપે ગરીબી હઠાવી છે."
ભાજપના સંસદસભ્ય મનોજ તિવારીએ કહ્યું, "બંધારણના ઘડવૈયા બાબા ભીમરાવ આંબેડકરને ચૂંટણીમાં હરાવવા, મંત્રી હોય ત્યારે તેમની ઉપર ત્રાસ કરવો, તેમનાં પ્રતીકોનું કદ વધવા ન દેવું, આ બધાં પાપ કૉંગ્રેસે કર્યાં છે."
"જ્યારે દેશ બંધારણના સ્વીકારની 25મી વર્ષગાંઠ ઊજવી રહ્યો હતો, ત્યારે કૉંગ્રેસે કટોકટી લાદીને બંધારણની હત્યા કરી નાખી હતી."
મહારાષ્ટ્રના સોલાપુરની બેઠક પરથી કૉંગ્રેસનાં સંસદસભ્ય પ્રણિતી શિંદેએ કહ્યું હતું, "વડા પ્રધાનને આ પ્રકારની ભાષા શોભતી નથી. તે શાખાપ્રમુખ કે પ્રચારક જેવું ભાષણ હતું. માત્ર બંધારણ અંગે વાત થવી જોઈએ, ત્યારે તેઓ આરોપ-પ્રતિઆરોપ કરી રહ્યા છે."
"વડા પ્રધાને એક પણ વખત સર્વધર્મ સમભાવ શબ્દનો ઉલ્લેખ નહોતો કર્યો. મને એ વાતનું આશ્ચર્ય થાય છે."
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું, "વડા પ્રધાને એક પણ નવી વાત નહોતી કહી અને ખૂબ જ કંટાળો અપાવ્યો. મને દાયકાઓ પછી અહેસાસ થયો કે જાણે શાળામાં બેઠી છું અને ગણિતના બે પિરિયડ એકસાથે લેવાઈ રહ્યા છે."
"નડ્ડાજી હાથ ઘસી રહ્યા હતા હતા, મોદીજીએ અચાનક જ તેમની તરફ જોયું તો સતર્ક થઈને સાંભળવાનો ડોળ કરવા લાગ્યા. અમિત શાહ માથે હાથ દઈને બેઠા હતા. એવું લાગતું હતું કે પીયૂષ ગોયલ હમણાં ઊંઘી જશે."
"આ મારા માટે નવો અનુભવ હતો. મને હતુંકે વડા પ્રધાન કંઈક નવું કહેશે, સારું બોલશે, પરંતુ તેમણે 11 પોકળ સંકલ્પ ગણાવ્યા. ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટૉલરન્સની વાત કહી, તો પછી અદાણી વિશે ચર્ચા કરાવો."
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, "ભાષણ ખૂબ જ લાંબું હતું. પત્રકારો સારી રીતે જાણે છે કે પોકળ વાતો માટે કોણ પંકાયેલું છે. આજે અમને 11 પોકળ વાતોનો સંકલ્પ સાંભળવા મળ્યો."
'રાહુલ ગાંધીએ વધુ એક તક ગુમાવી દીધી'

ઇમેજ સ્રોત, ANI
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શનિવારે બંધારણ વિશે જે ચર્ચા થઈ, તેમાં સંવિધાન વિશે બહુ થોડી અને પોત-પોતાના રાજકારણ વિશે વધુ વાતો થઈ. વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ આ ચર્ચા વિશે નિરાશા વ્યક્ત કરી.
બીબીસીસી હિંદી સાથે વાત કરતા તેમણે કહ્યું, "બંધારણના આમુખ અને માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ તેના વિશે ચર્ચા ન થઈ. બધાએ પોત-પોતાના સાંપ્રત રાજકારણના આધારે આ મુદ્દે ચર્ચાનો ઉપયોગ કર્યો."
કૉંગ્રેસના માગ ઉપર આ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ પાર્ટી તેનો લાભ લઈ શકી ન હતી. વિજય ત્રિવેદી કહે છે, "લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના 20-25 મિનિટના ભાષણ દરમિયાન એવી કોઈ વાત ન કહી કે જેથી કરીને બંધારણના ઘડતરમાં કૉંગ્રેસ પાર્ટીએ આપેલો ફાળો છતો થાય. કે પછી વર્તમાન સરકાર તેના ઉપર પાર ઊતરી છે કે નહીં."
વિજય ત્રિવેદી માને છે કે એક સાર્થક ચર્ચા થઈ શકતી હતી, પરંતુ રાહુલ ગાંધીએ મોટી તક ગુમાવી દીધી.
ત્રિવેદીના કહેવા પ્રમાણે, "રાહુલ ગાંધી અને કૉંગ્રેસ સામે મોટી તક હતી, જે તેમણે ગુમાવી દીધી. કહેવાય છે કે 'રાહુલ ગાંધી તક ગુમાવવાની કોઈ તક ગુમાવતા નથી' આજના ભાષણમાં મને આ વાત એકદમ ખરી લાગી."
"સરકાર જાતિઆધારિત વસતિગણતરી કરાવશે કે નહીં, ક્યારે કરાવશે ? સરકાર 'એક દેશ, એક ચૂંટણી'નો ખરડો લાવવાની છે તો એના વિશે સવાલ પૂછી શક્યા હોત કે પોતાનો મત રજૂ કરી શક્યા હોત."
"અથવા તો પૂછી શક્યા હોત કે શું સરકાર સમાન નાગરિક સંહિતા (યુનિફૉર્મ સિવિલ કોડ) વિશે ચર્ચા કરાવશે કે કેમ. જ્યારે બંધારણનું ઘડતર થયું હતું ત્યારે તેના વિશે ચર્ચા થઈ તી, પરંતુ તેને લાગુ કરવામાં નહોતી આવી."
"તો આજે તેને લાગુ કરવાની જરૂર કેમ પડી? આ સવાલ રાહુલ ગાંધી પૂછી શક્યા હોત, પરંતુ બંધારણ વિશે ઉપર છેલ્લી ચર્ચા કરીને તેમણે પોતાનું ભાષણ આટોપી લીધું."
વિજય ત્રિવેદી ઉમેરે છે, "કૉંગ્રેસ તેના અનુભવી નેતાઓને તક આપીને બંધારણના બારીક મુદ્દાઓ ઉપર સાર્થક ચર્ચા ઊભી કરી શકી હોત. તેમના પાસે શશિ થરૂર અને શૈલજા કુમારી જેવાં નેતા છે, પરંતુ કૉંગ્રેસે ચર્ચાની શરૂઆત પ્રિયંકા ગાંધી પાસે કરાવી, કારણ કે તેમને આગળ કરવાના હતા."
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિનોદ શર્માના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી ઉતાવળમાં હોય એવું લાગતું હતું અને તેમણે પોતાનું ભાષણ વહેલું આટોપી દીધું.
'દાટી દેવાયેલાં મડદાં બહાર કઢાયાં'

ઇમેજ સ્રોત, Getty Images
વિજય ત્રિવેદીના કહેવા પ્રમાણે, ''બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે પણ દાટી દેવાયેલાં મડદાં બહાર કાઢવામાં કે નહેરુ-ગાંધી પરિવારની ટીકા કરવામાં પોતાનો મોટા ભાગનો સમય વીતાવ્યો."
''વડા પ્રધાને ઇંદિરા ગાંધી અને કટોકટીની ટીકા કરી, પરંતુ એ વાતને 50 વર્ષ થઈ ગયા છે. તેના વિશે કેટલી ચર્ચા થાય. તેઓ 2047ની વાત કહે છે તો તેમણે જણાવવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં બંધારણનું કેવું સ્વરૂપ માને છે."
ભાજપ તરફથી બંધારણમાં સુધાર અંગે આક્રમક શરૂઆત કરવામાં આવી, પરંતુ તેમાં તથ્યો પ્રત્યે પૂર્વાગ્રહ પણ જોવા મળ્યો હતો.
વિજય ત્રિવેદી કહે છે, વડા પ્રધાને એક વાત વારંવાર કહી હતી કે નહેરુએ બંધારણમાં સુધાર કર્યા. એ પછી ઇંદિરા ગાંધી તો જાણે લોહી ચાખી ગયા અને તેમણે પણ ફેરફાર કર્યા. વાસ્તવમાં દેશમાં 106 બંધારણીય સુધાર થયા, તેમાંથી લગભગ 30 જેટલા બિનકૉંગ્રેસી સરકારે કર્યા છે. ભાજપે પણ અનેક બંધારણીય સુધાર કર્યા. "
વિજય ત્રિવેદી ઉમેરે છે, ''વડા પ્રધાને પણ 'એક દેશ, એક ચૂંટણી' વિશે કોઈ વાત ન કરી. વાસ્તવમાં તે બંધારણીય મુદ્દો છે. ભાષણમાં ન તો ચૂંટણીપ્રક્રિયામાં સુધાર વિશે વાત કરી કે ન તો બંધારણને મજબૂત બનાવવા વિશે કંઈ કહ્યું."
"વડા પ્રધાને જાતિગત અનામત વિશે માત્ર એટલો જ સંદેશ આપ્યો કે તેઓ ધર્મઆધારિત અનામતની વિરુદ્ધ છે. પરંતુ જાતિગત અનામત અને વસતિગણતરી વિશે કશું ન બોલ્યા."
વિજય ત્રિવેદી કહે છે, "બંધારણીય ચર્ચા દરમિયાન કેન્દ્ર અને રાજ્યના સંબંધોનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ રહી ગયો હતો. બંધારણસભામાં પણ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને આજે પણ તે જ્વલંત મુદ્દો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારો અંગે પણ વિવાદ છે. રાહુલ ગાંધી રાજ્યપાલોની ભૂમિકા વિશે કોઈ વાત ન કરી અને વડા પ્રધાન પણ એ દિશામાં ન બોલ્યા."
અખિલેશ યાદવના ભાષણનો ઉલ્લેખ કરતા વિજય ત્રિવેદી કહે છે કે તેમના ભાષણમાં પણ કંઈ દમ ન હતો. ત્રિવેદી કહે છે:
"અખિલેશ યાદવે તેમના ભા,ણના અંત ભાગમાં રામ મનોહર લોહિયાનું નામ લીધું. વાસ્તવમાં તેઓ બંધારણમાં સમવાજવાદની અવધારણા વિશે બોલી શક્યા હોત. આજકાલ તેના વિશે વ્યાપક ચર્ચા ચાલી રહી છે."
"રાહુલ ગાંધીએ બંધારણમાં સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા લાવવા વિશે પણ વાત કરી શક્યા હોત. અથવા વડા પ્રધાન મોદી પણ સૅક્યુલરિઝમ વિશે વિચાર વ્યક્ત કરી શકતા હતા, પરંતુ આ બધા વિશે કોઈ ચર્ચા ન થઈ."
નહેરુ વિશે ચર્ચાનો શું અર્થ?

ઇમેજ સ્રોત, Getty Images
વિનોદ શર્મા પણ માને છે કે બંધારણ વિશે ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ સત્તાપક્ષ કે વિપક્ષે કોઈ ઇમાનદાર પ્રયાસ ન કર્યા. સંસદમાં કયા પક્ષનું ભાષણ હતું, તે કોઈ પણ કહી શકે એમ હતું.
વિનોદ શર્માએ બીબીસી હિંદીને જણાવ્યું, "ખૂબ જ પક્ષપાતપૂર્ણ ચર્ચા હતી. ભાજપ દ્વારા નહેરુ વિશે વાત કરવામાં આવી, પરંતુ નહેરુ વાસ્તવમાં જે મૂલ્યવાન વારસો મૂકી ગયા છે, તેનાથી તેઓ ડરે છે. એમ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય."
શર્મા કહે છે, "આજે આ લોકો જે કંઈ કરી રહ્યા છે અને પોતાના દૃષ્ટિકોણ મુજબનું ભારત ઘડી રહ્યા, તેને નહેરુએ એ સમયે જ અટકાવી દીધી હતી. તે સમયે નહેરુ તથા અન્ય સ્વતંત્રસેનાનીઓના કદ એટલા મોટા હતા કે તેનાથી પાર પામવો મુશ્કેલ હતો."
વિનોદ શર્માનું માનવું છે કે કદાચ સોમવારે રાજ્યસભામાં સાર્થક ચર્ચા થશે, કારણ કે ત્યાં કેટલાક અનુભવી નેતાઓ ઉપસ્થિત હશે.
તેમના કહેવા પ્રમાણે, લોકસભામાં જે નેતાઓએ ચર્ચા કરી, તેઓ બંધારણસભાના ઘડતરના સાક્ષી ન હતા. અટલ બિહારી વાજપેયી કે લાલકૃષ્ણ અડવાણી હોત તો ચર્ચામાં અલગ જ દમ હોત.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈનું પણ માનવું છે કે બંને પક્ષકારોએ જે કંઈ ચર્ચા કરી, તે મહદંશે તેમની પાર્ટીલાઇનને અનુરૂપ હતી.
ચર્ચા કરાવવા પાછળ કૉંગ્રેસની મંછા શું હતી?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના કહેવાથી આ ચર્ચા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન કૉંગ્રેસ કોઈ નોંધપાત્ર અસર ઊભી કરવામાં નિષ્ફળ રહી હતી.
કિદવઈએ આના વિશે બીબીસી હિંદીને જણાવ્યું, "એવું લાગે છે કે બંધારણ વિશે ચર્ચા કરાવીને કૉંગ્રેસ એવું દેખાડવામાં માગતી હતી કે દેશમાં સંવિધાનનો અમલ નથી થઈ રહ્યો અને તેના વિશે ચર્ચા કરાવીને કમ સે કમ અમે સરકારના મોઢે એવું બોલાવડાવ્યું કે બંધારણ જ સર્વોપરી છે."
કિદવઈ કહે છે, "બંધારણની સમીક્ષા કેવી રીતે થવી જોઈએ, તેના વિશે ચર્ચા થવી જોઈતી હતી. તે આપણી અપેક્ષાઓ ઉપર કેટલું પાર ઊતર્યું છે અને તેમાં શું સુધાર કરવા જોઈએ. આના બદલે અપેક્ષિત લાઇનદોરી પર જ ચર્ચા થઈ."
"રાહુલ ગાંધીએ રાજકીય રીતે અલગ દળ તરીકે પોતાની વાત રજૂ કરી અને સરકારે પણ ચર્ચા થઈ, ત્યારે કૉંગ્રેસે કેવી રીતે તેનો દુરુપયોગ કર્યો, તેના વિશે વાત કહી."
રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિના દરમિયાન પોતાના ભાષણમાં સાવરકરનું નામ લઈને ભાજપની ઉપર નિશાન સાધવાના પ્રયાસ કરતા રહે છે. બંધારણ વિશેની ચર્ચા દરમિયાન પણ તેમણે સાવરકરનું નામ લીધું.
રશીદ કિદવઈના કહેવા પ્રમાણે, "રાહુલ ગાંધીની સામે કૉંગ્રેસને વૈચારિક આધાર પર બેઠી કરવાનો પડકાર છે. તેઓ વડા પ્રધાનના ક્લૉન ન બની શકે."
"સાવરકરનું નામ લઈને રાહુલ ગાંધી કહેવા માગતા હતા કે તેઓ ભાજપના વિચારક કે ચિંતક હતા. તેમને બંધારણ પર વિશ્વાસ ન હતો અને આજે તેઓ જ બંધારણની દુહાઈ દઈ રહ્યા છે."
રશીદ કિદવઈ કહે છે કે એવું લાગે છે કે કૉગ્રેસનો હેતુ માત્ર રાજકીય સ્કોર વધારવાનો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












