"ત્રણ અઠવાડિયાંમાં ગોરા થવાની શાહરુખ ખાનની જાહેરાત જોઈને મેં ક્રીમ ખરીદી," હવે કંપની પર થયો 15 લાખ રૂ.નો દંડ

જાહેરાતો, ગોરાપણું, ફેર ઍન્ડ લવલી, ઇમામી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી

ત્રણ અઠવાડિયાંમાં ચામડીનો વાન ગોરો કરતી એક ક્રીમની જાહેરાત જોયા બાદ નિખિલ જૈનને લાગ્યું કે તેમનું વધુ ગોરા થવાનું સ્વપ્ન પૂર્ણ થશે. નિખિલે 2013માં એક જાહેરાત જોઈ અને 79 રૂપિયાનું આ ક્રીમ ખરીદી લીધું.

જાહેરાતમાં એવો દાવો કરાયો હતો કે આ ક્રીમ સવારે અને સાંજે ચહેરા પર લગાવવાથી ત્રણ અઠવાડિયાંમાં ચામડીનો રંગ વધુ ગોરો બની જાય છે અને ચહેરો ચમકી ઊઠે છે.

દિલ્હીના રહેવાસી નિખિલે આ ક્રીમ ન માત્ર પોતાના ચહેરા પર, પણ પોતાની ગરદન પર પણ ત્રણ અઠવાડિયાં સુધી લગાવી, જેથી કરીને ગરદનથી ચહેરા સુધીની ચામડી એકસમાન દેખાય. પરંતુ ત્રણ અઠવાડિયાં બાદ પણ તેમની ચામડીમાં કોઈ ફરક દેખાયો નહીં અને તેમની ચામડીનો રંગ જેવો હતો તેવો જ રહ્યો.

તેના કારણે નિખિલ અતિશય નિરાશ થયા અને તેમણે ક્રીમ બનાવતી કંપની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી.

અનેક ચરણોમાંથી પસાર થયા બાદ કન્ઝ્યુમર કમિશને આ ક્રીમની નિર્માતા કંપની ઇમામી પર ભ્રામક જાહેરાતો કરવા બદલ અને પૅકેટ પર અધૂરી સૂચનાઓ લખવાના આરોપમાં 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

'હું શાહરૂખખાનની જાહેરાત જોઈને ક્રીમ ખરીદવા મજબૂર થયો'

જાહેરાતો, ગોરાપણું, ફેર ઍન્ડ લવલી, ઇમામી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઇમામી ક્રીમ 'ફૅયર ઍન્ડ હૅન્ડસમ'ની જાહેરાતમાં અભિનેતા શાહરુખ ખાનને બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવવામાં આવ્યા હતા. આ જાહેરાતની પંચલાઇન એવી હતી કે, "ગોરા હોવાનો મતલબ સુંદર હોવું છે."

નિખિલ જૈને પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે શાહરુખ ખાનની જાહેરાત જોયા પછી તેમણે ક્રીમ ખરીદવા માટે મજબૂર થવું પડ્યું હતું.

"મને એક સ્વપ્ન વેચવામાં આવ્યું હતું કે ગોરા દેખાવાનો મતલબ સુંદર દેખાવું એવો છે અને તેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ અઠવાડિયાંમાં ગોરો વાન હાંસલ કરી શકાય છે."

વર્ષ 2015માં એક કન્ઝ્યુમર કોર્ટે કંપનીને ભ્રામક જાહેરાતો બદલ દોષી ઠેરવી અને દંડ ફટકાર્યો, પરંતુ કંપનીએ ફરીથી અપીલ કરી અને ચુકાદો તેના પક્ષમાં આવ્યો.

પરંતુ નિખિલે ફરી હાર ન માની અને અંતમાં દિલ્હીની કન્ઝ્યુમર કોર્ટે તેમની ફરિયાદને સાચી ગણાવી હતી અને ઇમામી કંપનીને 15 લાખનો દંડ ફટકાર્યો હતો.

'કંપનીએ કરી ભ્રામક જાહેરાતો'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇમામી કંપનીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે ગ્રાહકે ક્રીમનો ઉપયોગ બરાબર કર્યો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમની પ્રોડક્ટ એ વૈજ્ઞાનિક અનુસંધાન અને ઉચ્ચ ગુણવત્તાના કડક માપદંડો રાખીને બનાવાઈ છે.

કંપનીએ એવો તર્ક પણ આપ્યો હતો કે લક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા એ અન્ય પરિબળો પર પણ આધાર રાખતું હોય છે. ઉદાહરણ તરકે કસરત કરવી, સારો આહાર લેવો, સ્વસ્થ આદતોનું પાલન કરવું અને સ્વચ્છતા જાળવી રાખવી.

પરંતુ કન્ઝ્યુમર કોર્ટે ઇમામીની તમામ દલીલો ફગાવી દીધી અને કહ્યું હતું કે કંપની જાણતી હતી કે લખવામાં આવેલાં નિર્દેશો અધૂરાં છે.

આયોગે કહ્યું હતું કે 'ફૅર ઍન્ડ હેન્ડસમ' ક્રીમનાં પૅકેજિંગ અને જાહેરાતો ભ્રામક હતાં, કારણ કે તેમાં ગોરાપણું મેળવવા માટેની અન્ય શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

એક સામાન્ય ગ્રાહક એવો જ નિષ્કર્ષ કાઢશે કે પૅકેટ પર લખેલાં નિર્દેશો અનુસાર આ પ્રોડક્ટને વાપરવામાં આવશે તો પરિણામ મળશે જ. કંપની તે પ્રમાણે તેનો ઉપયોગ ન કરવાનું કારણ ધરીને ફરિયાદીને દોષી ન ઠેરવી શકે.

કન્ઝ્યુમર કોર્ટે કહ્યું હતું કે, "તેનાથી એ સાબિત થાય છે કે કંપનીએ પોતાનાં ઉત્પાદનો વધુ વેચાય તેના માટે ભ્રામક જાહેરાતો અને અનુચિત વેપારપ્રથાઓનો ઉપયોગ કર્યો છે."

ફોરમે ઇમામીને તરત જ આવી જાહેરાતો અને લેબલ બજારમાંથી પાછાં ખેંચી લેવા માટે આદેશ જાહેર કર્યો હતો.

નિખિલના ભાઈ પારસ જૈને કન્ઝ્યુમર કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નિખિલે આ ક્રીમનો લાંબા સમય સુધી ઉપયોગ કર્યો હતો અને જરૂરી પરિણામો ન મળ્ંયા હોવાથી તેમને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

નિખિલ કહે છે, "સમાજમાં ખાસ પ્રકારે દેખાવાનો ખૂબ દબાવ છે. આ પ્રકારની જાહેરાતો સમાજમાં લોકોને ગોરા દેખાવાનું માનસિક દબાણ દેખાય છે. જ્યારે મેં પહેલી વાર કેસ જીત્યો ત્યારે મારા પરથી ગોરા દેખાવાનો બોજો ઊતરી ગયો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.