ગુકેશને શતરંજના શહેનશાહ બનાવવા ડૉક્ટર પિતાએ કારકિર્દી છોડી દીધી હતી

ઇમેજ સ્રોત, FIDE
- લેેખક, શારદા વી
- પદ, બીબીસી તામિલ
ભારતના ગુકેશ દોમ્મારાજુએ ચેસની વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી લીધી છે. તેઓ આ સિદ્ધિ મેળવનારા સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે.
ગુકેશની આદત છે કે તેઓ કોઈ પણ મૅચ પહેલાં આંખો બંધ કરીને ધ્યાન કેન્દ્રિત કરે છે અને પછી મૅચને આગળ વધારે છે. લાગે છે કે તેમણે આ વખતે પણ આંખો બંધ કરીને ખુદને વર્લ્ડ ચૅમ્પિયન તરીકે જોયા હતા.
ચેન્નાઈમાં રહેતા 18 વર્ષીય ગુકેશે સિંગાપોર ખાતે આયોજિત મૅચ દરમિયાન ચીનના ગ્રાન્ડ માસ્ટર ડિંગ લિઝેનને પરાજય આપીને વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી.
ગુકેશને નજીકથી ઓળખનારા લોકોના કહેવા પ્રમાણે, ગુકેશ ખૂબ જ વિનમ્ર છે. મૅચ જીત્યા બાદ તેમણે પોતાના હરીફ ડિંગ લિઝેનની પ્રશંસા કરી હતી.
ગુકેશે કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે ડિંગ (લિઝેન) કોણ છે. તેઓ અનેક વર્ષોથી શતરંજની દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. મારા માટે તેઓ જ વાસ્તવિક વર્લ્ડ ચૅમ્પિયન છે."
"તેઓ ચૅમ્પિયનશિપ માટે આવ્યા, તે પહેલાં કદાચ શારીરિક રીતે પૂર્ણપણે ફિટ ન હતા, પરંતુ તેઓ દરેક બાજી ખરા ચૅમ્પિયનની જેમ લડ્યા. મને ડિંગ તથા તેમની ટીમ માટે અફસોસ છે."
ઐતિહાસિક મૅચમાં કેવી રીતે જીત્યા?

ઇમેજ સ્રોત, FIDE
વર્ષ 2024ની ફિડે વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ સિંગાપોર ખાતે 25 નવેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન યોજાઈ.
આ ચૅમ્પિયનશિપના 138 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલ દરમિયાન બે એશિયન ગુકેશ દોમ્મારાજુ (ભારત) અને ડિંગ લિઝેન (ચીન) સામસામે હતા, એટલે આ મૅચ ઐતિહાસિક બની રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૅમ્પિયનશિપ દરમિયાન 14 રાઉન્ડ રમાયા હતા, જેમાં 13મા રાઉન્ડ સુધી મુકાબલો સરખેસરખો હતો, જેના પરથી સ્પષ્ટ છે કે ચૅમ્પિયનશિપ માટે કેટલી સઘન સ્પર્ધા હતી.
દરેક રાઉન્ડ અનેક કલાકો સુધી ચાલ્યા હતા, જેના કારણે સમગ્ર ટુર્નામેન્ટમાં ચેસપ્રેમીઓનો રસ વધી ગયો હતો.
ગુકેશે પહેલી વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતીને સૌથી યુવા વયના વિજેતા બન્યા છે. આ પહેલાં નૉર્વેના મૅગનસ કાર્લસને 22 વર્ષની ઉંમરે આ ટુર્નામેન્ટ જીતી હતી.
હાલની મૅચના નવમા રાઉન્ડ પછી કાર્લસને ટિપ્પણી કરી હતી કે 'ગુકેશ જીતે એવું લાગતું નથી.'
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ગુકેશે વર્લ્ડ ચેસ ક્લબ કપ જીત્યો હતો. અહીં તેમણે મૅગનસ કાર્લસનને પરાજય આપ્યો હતો.
જોકે, સાતમા રાઉન્ડના અંતે ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે ગુકેશની રમતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે "આ ખૂબ જ મુશ્કેલ અને જટિલ ગેમ છે."
ગુકેશ પોતાના વિજય અંગે રોમાંચિત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ટુર્નામેન્ટ જીત્યા બાદ શું કરશે?
ત્યારે તેમણે કહ્યું હતું, "મને ખબર નથી. પહેલાં તો હું ખૂબ જ ખુશ થઈશ."
પિતાએ તબીબી કૅરિયર છોડી

ઇમેજ સ્રોત, Dr Rajnikant
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. રજનીકાન્તે પોતાના દીકરાના રસને વિકસાવવા માટે પોતાની મેડિકલ કારકિર્દી છોડી દીધી. ગુકેશનાં માતા પદ્માકુમારી મદ્રાસ મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે પસંદ થયા, ત્યારે રજનીકાન્ત દોમ્મારાજુએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "ગુકેશ બહારથી શાંત જણાય છે, પરંતુ વાસ્તવમાં અંદરથી ખૂબ જ મસ્તીખોર છે. તેઓ કોઈ ને કોઈ મસ્તી કરતા રહે છે. ઘરમાં તેઓ અમને થાપ આપતા રહે છે."
ડૉ. રજનીકાન્તના કહેવા પ્રમાણે, મૅચની તૈયારીઓ દરમિયાન ગુકેશ તેમના કૉચ સિવાય કોઈની પણ સાથે વાત નથી કરતા.
ડૉ. રજનીકાન્તે કહ્યું, "હું ગુકેશની પાસે બેસવાની પણ હિંમત નથી કરતો કે ન તો ફોન વાપરું છું. આમ કરવાથી તેનું ધ્યાનભંગ થઈ શકે છે. મને ચેસની ઉપર છેલ્લી વાતો ખબર પડે છે, પરંતુ ચેસની બાજીઓ અને વ્યૂહરચના ગુકેશ તથા તેના કોચ નક્કી કરે છે."
"મારી ભૂમિકા ગુકેશને ટુર્નામેન્ટોમાં લઈ જવાની તથા તેની બીજી જરૂરિયાતોને પૂર્ણ કરવા પૂરતી મર્યાદિત હતી."
તાજેતરમાં વર્લ્ડ ચૅસ યૂટ્યૂબ સાથેના ઇન્ટરવ્યૂમાં ગુકેશે જણાવ્યું હતું કે યોગાભ્યાસે તેમને માનસિક રીતે મજબૂત બનાવ્યા.
ગુકેશે કહ્યું હતું, "હું ગુસ્સો કરતો. ટુર્નામેન્ટમાં પરાજય બાદ થંભી જતો, પરંતુ હવે કોઈ સ્પર્ધામાં પરાજય મળે તો અડધીએક કલાકમાં આઘાતમાંથી બહાર આવી જાઉં છું. આ ટ્રિક શીખ્યા પછી હું આગામી રમત અંગે વિચારવા લાગું છું."
ગુકેશે ચેસ ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવા માટે વિશ્વભરમાં ફરવું પડે છે, પરંતુ હજુ પણ તેમનું મનપસંદ ભોજન દક્ષિણ ભારતીય જ છે. ગુકેશને ઢોસા અને દહીંભાત પસંદ છે. આ સિવાય ગુકેશને હિંદી ફિલ્મો પણ ગમે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગુકેશનો તેમના પરિવારજનો તથા મિત્રો સાથેનો ઘરેલુ વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેમણે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 'વેટ્ટેયન'ના ગીત ઉપર નાચતા જોવા મળ્યા હતા.
સાધારણથી સિદ્ધિઓ સુધીની સફર

ઇમેજ સ્રોત, Dr Rajnikant
ઉલ્લેખનીય છે કે ગુકેશ ચેન્નાઈમાં રહે છે, જેને ભારતની ચેસની રાજધાની માનવામાં આવે છે તથા અહીં અનેક ધુરંધર ખેલાડીઓ પાક્યા છે.
નવા વર્લ્ડ ચૅમ્પિયનમાંથી પરિવારમાંથી કોઈ શતરંજની રમતનું ખેલાડી નથી, જેની પાસેથી ગુકેશ ચેસની ચાલો શીખી શકે કે તેને પ્રેરણા આપે. છતાં તેમણે વર્લ્ડ ટુર્નામેન્ટ જીતી.
ગુકેશ પ્રારંભિક વર્ષો દરમિયાન ઘરમાં જ અનૌપચારિક રીતે ચેસ રમતા અને મૂળભૂત ચાલ શીખી. ત્યારે તેમનામાં સારા ચેસ ખેલાડી તરીકેની પ્રતિભા ઝળકવા લાગી હતી.
ગુકેશ સ્કૂલમાં હતા, ત્યારે જ તેમણે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરી લીધો હતો. ગુકેશના પિતા રજનીકાન્ત ઈએનટી (કાન, નાક અને ગળું) સર્જન છે. તેઓ ખૂબ જ વ્યસ્ત રહેતા.
ગુકેશ તેમના પિતાની આતુરતાપૂર્વક રાહ જોતા એટલે તેમને વ્યસ્ત રાખવા માટે શાળા પછીની કલાકો દરમિયાન ચેસના વર્ગો ભરાવડાવાનું શરૂ કર્યું હતું.
કોચે ટૂંક સમયમાં ગુકેશની પ્રતિભાને પારખી લીધી હતી અને માતા-પિતાને આગ્રહ કર્યો હતો કે તેમને ચેસની વિશેષ તાલીમ અપાવે.
ગુકેશને માતા-પિતા અને શાળા તરફથી પ્રોત્સાહન મળતા તેઓ સ્થાનિક ટુર્નામેન્ટો જીતવા લાગ્યા હતા.
ગુકેશે વર્ષ 2015માં ગોવા ખાતે શતરંજની નૅશનલ સ્કૂલ ચૅમ્પિયનશિપ જીતી અને પછીના બે વર્ષ દરમિયાન તેની પર દબદબો જાળવી રાખ્યો હતો.
વર્ષ 2019માં ગુકેશ ગ્રાન્ડમાસ્ટર બની ગયા હતા. એ સમયે સમયે તેઓ ભારતના 'સૌથી યુવા' અને વિશ્વમાં ત્રીજા ક્રમાંકના યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા.
ટુર્નામેન્ટ પહેલાં રૅન્કિંગની દૃષ્ટિએ તેઓ ભારતમાં બીજા તથા વિશ્વમાં પાંચમા ક્રમે હતા. ઈએલઓ રૅન્કિંગમાં 2750થી વધુ પૉઇન્ટ્સ મેળવનારા સૌથી યુવા ખેલાડી છે.
ઈએલઓ રૅન્કિંગ ખેલાડીઓની તુલનાત્મક ક્ષમતાનું આકલન કરે છે.
ગુકેશે વર્ષ 2016માં કૉમનવૅલ્થ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો તથા એ પછી સ્પેન ખાતે આયોજિત અંડર-12 વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ જીતી હતી.
ગુકેશ 10 ઓપન ટાઇટલ જીતી ચૂક્યા છે, જેમાં ફ્રાન્સમાં આયોજિત 2020 કેન્સ ઓપનનો પણ સમાવેશ થાય છે.
આ સિવાય નૉર્વેજિયન ગ્રાન્ડ માસ્ટર્સ (2021), મેનોર્કા ઓપન (2022) અને નૉર્વે ગૅમ્સ (2023) જેવાં ટાઇટલ પણ જીત્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












