ચૈતર વસાવા સામે 72 કલાકમાં વધુ બે પોલીસ કેસ, શું છે સમગ્ર મામલો?

- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા સામે 72 કલાકમાં બે પોલીસ ફરિયાદ દાખલ થતાં તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
ગત 3 ડિસેમ્બરના રોજ કથિતપણે મંજૂરી વગર રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કરવા બદલ ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકર્તાઓ સામે રાજપારડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. બી.ગોહિલે જાતે ફરિયાદી બની સાત ડિસેમ્બરના રોજ એફઆઇઆર દાખલ કરી હતી.
ત્રણ દિવસ બાદ ચૈતર વસાવા સામે વધુ એક ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
અંકલેશ્વરમાં ડીટોક્સ કંપનીમાં ધડાકો થતાં ચાર કામદારોનાં મોત થયાં હતાં. ઘટના બાદ સમર્થકો સાથે કંપનીએ પહોંચેલા ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રુકાવટ, કંપની પર હાજર ટોળાને ગેરમાર્ગે દોરવા બદલ અને કથિતપણે અન્યોના જીવ જોખમમાં મૂકવા જેવા આરોપસર પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે.
બીજી તરફ ચૈતર વસાવાએ પોલીસ અને તંત્ર સામે હપ્તાખોરીનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "ખોટી રીતે કેસ કરીને આદિવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ષડ્યંત્રના ભાગરૂપે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે."
તો પોલીસ અને તંત્રનું કહેવું છે કે ચૈતર વસાવા સામે જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદા પ્રમાણે કરવામાં આવી છે.
પદયાત્રાનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું?

ઇમેજ સ્રોત, NARENDRA PAPERWALA
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 'ભરૂચ જિલ્લાના બિસ્માર માર્ગો , ગેરકાયદેસર થતું રેતીનું ખનન, વધતા અકસ્માત, સિલિકા પ્લાન્ટ અને ભૂમાફિયાઓ વિરુદ્ધ નિયંત્રણ લાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે 2 ઑગસ્ટના રોજ કલેકટર અને એસપીને આવેદન આપવામાં આવ્યું હતું.''
''પરંતુ અમારી માગ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે ત્રીજી ડિસેમ્બરના રોજ એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ ભરૂચ કલેકટર અને એસપી પાસે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ છેલ્લી તારીખે પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે અમારાં નિવેદન લીધાં હતાં. બીજા દિવસે સવારે મામલતદારે અમને લેખિતમાં જણાવ્યું હતું કે પોલીસસ્ટેશનના નકારાત્મક અભિપ્રાયને કારણે અમે તમને પદયાત્રાની પરવાનગી આપી શકીએ તેમ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરવાનગી ન હોવા છતાં ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ ત્રીજી ડિસેમ્બરના રોજ રાજપારડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી દસ કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ પદયાત્રામાં 400થી 500 લોકો સામેલ થયા હતા.
પોતાની સામે નોંધાયેલી ફરિયાદ વિશે વાત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, "સાત દિવસ બાદ રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ પોતે અરજદાર બનીને મારા સહિત 13 લોકો પર ફરિયાદ દાખલ કરે છે. આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કરી નથી. અમે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી. તેમ છતાં પોલીસે અમારા પર ખોટી એફઆઇઆર દાખલ કરી છે."
અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ

ઇમેજ સ્રોત, SAJID PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મંજૂરી વગર પદયાત્રા યોજવા બદલ ગુનો દાખલ થયાના 72 કલાક બાદ ચૈતર વસાવા સામે અંકલેશ્વર જીઆઇડીસીમાં બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં તેમની સામે લોકોના ટોળાને ગેરમાર્ગે દોરવા, લોકોના જીવ જોખમમાં મૂકવા અને પોલીસ ફરજમાં રુકાવટનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. વી. શિયાળિયાએ મંગળવારે (11 ડિસેમ્બરે) ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 221, 224, 329(3), 125, 126(2) અને 3(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ વિશે વાત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું કે, "અંકલેશ્વર જીઆઇડીસીની ડીટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ત્રીજી ડિસેમ્બરના રોજ બપોરે 12:40 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. મૃતક અને ઈજાગ્રસ્ત લોકોના પરિવારના સભ્યોએ મને ઘટના વિશે જાણ કરતાં હું સાંજે સાડા ચાર વાગ્યે ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો."
"પરિવારની દયનીય હાલત જોઈને અમે કંપની મૅનેજમેન્ટને રજૂઆત કરી હતી કે મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે અને ત્યાર બાદ જ પોસ્ટમૉર્ટમ કરવામાં આવે. આ સમગ્ર ઘટના દરમિયાન એક પણ સ્થાનિક ધારાસભ્ય હાજર નહોતા."
વધુમાં તેમણે કહ્યું કે "આ સમગ્ર મામલે સ્થાનિક નેતાઓ ની જગ્યાએ હું પરિવારોની વહારે આવ્યો હોવાથી મારી સામે દ્વેષભાવ રાખીને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર કરવામાં આવી છે."
ચૈતર વસાવાના આક્ષેપ સામે ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ કહ્યું કે, "આવા ખોટા આક્ષેપોને અમે સાંભળતા નથી."
જેલભરો આંદોલનની ચીમકી

ઇમેજ સ્રોત, X@Chaitar_Vasava
એફઆઇઆર નોંધાયા બાદ ચૈતર વસાવાએ પોલીસ અને તંત્ર સામે પણ ગંભીર આરોપો કર્યા છે.
તેમણે જણાવ્યું કે, " જ્યાં મારી સામે એફઆઇઆર દાખલ કરી છે એ જ રાજપારડી પોલીસ સ્ટેશન નજીક દારૂની હાટડીઓ ચાલી રહી છે. આ ઉપરાંત જે ગેરકાયદેસર કૃત્ય ભરૂચ જિલ્લામાં ચાલી રહ્યું છે તેની સામે શા માટે પોલીસ કાર્યવાહી કરી નથી રહી. પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વીડિયો મારી પાસે છે. તેની સામે કાર્યવાહી કરવાની બદલે પોલીસ એફઆઇઆર કરીને અમારો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે."
"અમે કોઈ અધિકારીઓથી દબાઈ જઈશું નહીં. તમારી જેલો મોટી કરી દેજો, કારણ કે ટૂંક જ સમયમાં અમે જેલભરો આંદોલન કરીશું."
ચૈતર વસાવાએ કરેલા આક્ષેપો સામે ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ બીબીસીને જણાવ્યું હતું કે "ચૈતર વસાવાનો પોલીસ અધિકારીઓ દ્વારા હપ્તા ઉઘરાવાતા હોવાનો અને તેના વીડિયો અંગેના આરોપો છ-સાત મહિના જૂના છે. આ બાબતે પોલીસે તપાસ પૂરી કરી છે, જેમાં આરોપોને સમર્થન નથી મળતું."
પદયાત્રાની મંજૂરી કેમ આપવામાં નહોતી આવી તેનો જવાબ આપતાં મયૂર ચાવડા કહે છે, "તેમણે આગળના દિવસે પરવાનગી માગી હોય અને મુખ્ય રસ્તા પર આટલી મોટી પદયાત્રા યોજાવાની હોય ત્યારે ટ્રાફિક મૅનેજમેન્ટ અને અકસ્માતની સંભાવના વગેરે ધ્યાને રાખીને પરવાનગી આપવી પડે છે. એટલે અમારો મત જે તે વિષયને જોતા યોગ્ય હતો અને એટલે જ પરવાનગી નહોતી અપાઈ."
ચૈતર વસાવા સામે કુલ 16 કેસ
વર્ગ-2 ના ખેતીવાડી અધિકારી રહી ચૂકેલા ચૈતર વસાવા રાજકારણમાં આવ્યા બાદ આંદોલન, જાહેરનામાનો ભંગ, રાયોટિંગ જેવા ગુનામાં અત્યાર સુધી 16 જેટલા કેસો નોંધાયા છે.
લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ બેઠક પર ઉમેદવારી કરતી વખતે રજુ કરેલા સોગંદનામા મુજબ તેમની સામે 13 કેસ નોંધાયા હતા.
ચૈતર વસાવાના જણાવ્યા મુજબ તેમની સામે નોંધાયેલા 13 કેસો પૈકી દસ કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે અને એક કેસમાં છ મહિનાની સાદી જેલ થઈ છે અને 13 પૈકીના બે કેસ હાલ પેન્ડિંગ છે આ ઉપરાંત ચાલુ વર્ષે હાલમાં થયેલા આ બે કેસ મળી કુલ ત્રણ કેસ તેમની સામે થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












