BZ ગ્રૂપના કથિત કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે પકડાશે? પોલીસે જણાવ્યું

ઇમેજ સ્રોત, Bhupendra Zala-FB/Ankit Chauhan
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં BZ ફાઇનાન્સના કથિત કૌભાંડની તપાસમાં દરરોજ વધુ ને વધુ માહિતી સામે આવતી જઈ રહી છે.
હજારો કરોડ રૂપિયાના આ કથિત કૌભાંડ મામલે અત્યાર સુધી પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે, તેમજ મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કર્યું છે.
જોકે, હજુ સુધી આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો હજુ સુધી કોઈ પત્તો મળી શક્યો નથી.
આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના મોડાસા ખાતે વધુ ચાર અનરજિસ્ટર્ડ કંપનીઓ પર પણ સીઆઇડી ક્રાઇમે દરોડા પાડી કાર્યવાહી કરાઈ હતી.
સ્થાનિક સમાચારપત્રો મુજબ BZ ફાઇનાન્સની માફક આ કંપનીઓ પણ રોકાણકારો પાસેથી ઊંચા વળતરનો વાયદો કરીને રોકાણ કરાવતી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે રોકાણકારો સાથે 50 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધી છે.
હવે જ્યારે રોકાણકારોને ઊંચા વ્યાજદરે વધુ વળતર આપવાની લાલચ આપી કથિત 'છેતરપિંડી' કરતા આ લોકો પર પોલીસે કાર્યવાહી કરી રહી છે ત્યારે સમગ્ર મામલો જે કથિત કૌભાંડને કારણે પ્રકાશમાં આવ્યો તેના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પોલીસ શું કરી રહી છે એ અંગેની વિગતો જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
એ પહેલાં જાણીએ લઈએ કે કેવી રીતે આ તમામ લોકો કથિતપણે રોકાણકારોને છેતરતા હતા, પોલીસતપાસમાં હજુ સુધી શું શું બહાર આવ્યું અને કઈ રીતે જાગૃત નાગરિકોએ કથિત કૌભાંડને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
જાગૃત નાગરિકોના પ્રયાસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અરવલ્લી જિલ્લાના મોડાસાના એક જાગૃત નાગરિક ઉદિતનારાયણ રાવલનો દાવો છે કે તેમણે ગુજરાતની BZ ફાઇનાન્સ સહિત ચાર કંપનીઓ સામે ઊંચા વ્યાજની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ રહી હોવાની ફરિયાદ સીધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાની ફરિયાદના આધાર-પુરાવા સાથે સ્થાનિક અખબારોમાં આ કથિત કૌભાંડ વિશે છપાયેલા સમાચારોની કટિંગો પણ મોકલાવ્યા હોવાનું તેઓ જણાવે છે.
ઉદિતનારાયણ જણાવે છે કે વ્યક્તિગત સ્તરે તેમનો પરિવાર પણ વર્ષો પહેલાં આવા જ એક કૌભાંડનો ભોગ બની ચૂકેલો હોવાને કારણે તેમને આ ફરિયાદ કરવાની પ્રેરણા મળી હતી.
આ કથિત કૌભાંડ અંગે પુરાવા એકત્રિત કરવા માટે પોતે કરેલા પ્રયાસો અંગે તેઓ જણાવે છે કે, "સ્થાનિક અખબારમાં મેં BZ કંપની આવી રીતે લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારી અને ઊંચા વ્યાજદરનો વાયદો કરતી હોવાની વાત જાણી મેં તેના એજન્ટનો સંપર્ક કરી તેની પાસેથી વધારાની માહિતી મેળવી હતી."
તેઓ આગળ કહે છે કે, "એ એજન્ટે મને કહ્યું કે બૅન્ક વરસે સાત ટકા વ્યાજ આપે છે, પરંતુ તેમની કંપની મહિને સાત ટકા વ્યાજ છે. રોકાણકારોના પૈસા તેઓ બિટકોઇન અને ઇલેક્ટ્રોનિકના ધંધામાં રોકીને તેમાંથી થતી કમાણીથી વ્યાજ અપાતી હોવાની વાત કરાઈ હતી."
"જે લોકો બીજા લોકોને રોકાણ કરાવડાવે તેમને તગડું કમિશન અપાતું. આ તમામ વાતો મને યોગ્ય ન લાગતાં મેં સ્થાનિક સ્તરે આ મામલે ફરિયાદ કરી, પણ કોઈ જવાબ ન મળતાં મેં સીધો વડા પ્રધાન કાર્યાલયમાં ફરિયાદ કરી હતી."
તેઓ આગળ જણાવે છે કે આ અનરજિસ્ટર્ડ કંપનીઓમાં મોટા ભાગના રોકાણકારો શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ છે, પરંતુ લોકો બહાર આવીને ફરિયાદ કરવા તૈયાર નથી.
"ભોગ બનેલા લોકોને લાગે છે કે જો તેઓ પોલીસ ફરિયાદ કરશે તો તેમને તેમના પૈસા પરત નહીં મળે, આવો જ મૅસેજ BZ ગ્રૂપના લોકો પણ લોકોમાં ફરતો કરી રહ્યા છે."
આ સમગ્ર મામલાની તપાસ કરનાર પોલીસ વિભાગે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આવા મૅસેજ ફેલાવનાર લોકોને સાઇબર સેલની ટીમ ટ્રેક કરી રહી છે, તેમના પર કાર્યવાહી કરાઈ રહી છે.
શિક્ષકો જ BZ ગ્રૂપના એજન્ટ હોવાની ફરિયાદ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નોંધનીય છે કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં BZ ફાઇનાન્સ કંપની માટે કેટલાક શિક્ષકો જ એજન્ટ તરીકે સક્રિય હોવાની ફરિયાદ થઈ છે.
સાબરકાંઠાના વડાલી ગામના નિવૃત્ત શિક્ષક અને હાલ વકીલાત કરતા કમલેશ ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું શિક્ષક તરીકે નોકરી કરતો હતો ત્યારે મારો પરિચય દેમતી આશ્રમશાળાના આચાર્ય નરેશ કટારા સાથે થયો હતો. એ સમયે હું નિવૃત્ત થવાનો હતો. તેમણે મને BZ ગ્રૂપના એજન્ટ તરીકે પોતે ઘણા પૈસા કમાતા હોવાની વાત જણાવી હતી તેમજ બીજા લોકો પણ આ ગ્રૂપમાં રોકાણ કરીને સારી કમાણી કરી રહ્યા હોવાની વાત કરી હતી."
પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે જણાવતાં તેઓ કહે છે કે, "હું નિવૃત્ત થયો પછી એ મારા ઘરે આવ્યા અને મારી પાસેથી બે લાખનો ચેક લઈ ગયા હતા. મેં સપ્ટેમ્બર, 2024માં જ રોકાણ કર્યું હતું. તે બાદથી મને બે મહિના સુધી વ્યાજ પણ મળ્યું. પરંતુ BZ ગ્રૂપ પર પોલીસના દરોડાના સમાચાર મળતાં જ્યારે અમે પૈસા પરત માંગ્યા તો તેમણે ગંદી ગાળો આપીને ફોન બંધ કરી દીધો હતો. મેં થોડા ઝાઝા પૈસા કમાવવા પૈસા રોક્યા હતા, પણ હવે મારે એ ગુમાવવાનો વારો આવ્યો છે."
શિક્ષકોના નામ આવા કથિત કૌભાંડમાં એજન્ટ તરીકે આવતાં શિક્ષણવિભાગે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી કેયૂર ઉપાધ્યાયે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યુકે અમે તાલુકા કક્ષાના શિક્ષણવિભાગના અધિકરીઓને સૂચના આપી છે કે એમના વિસ્તારમાં કોઈ શિક્ષક શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો તેની વિગતો એકઠી કરવી અને એમની સામે કડક પગલાં ભરવાં.
આ કેસની તપાસ કરી રહેલા સીઆઇડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયને પણ આ સમગ્ર મામલામાં કેટલાક શિક્ષકો એજન્ટ હોવાની વાતની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું હતું કે, "અમારી પાસે પણ અમુક એજન્ટનાં નામ અને નંબર આવ્યાં છે, જેમાંથી કેટલાક શિક્ષક છે. આ વિશે એક ફરિયાદ પણ મળી છે, જેના આધારે અમે એ લોકો સામે કાર્યવાહી કરી રહ્યા છીએ."
તેઓ આ સમગ્ર કૌભાંડમાં ચાલી રહેલી પોલીસતપાસ અને કાર્યવાહી અંગે માહિતી આપતાં કહે છે કે, "અમે BZ ગ્રૂપની 22 મિલકતો ટાંચમાં લઈ રોકાણકારોને એમના પૈસા પરત અપાવવામાં મદદ કરીશું."
પોલીસ શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પ્રાથમિક તપાસમાં પાંચ ક્રિકેટરોએ પણ BZ ગ્રૂપમાં રોકાણ કર્યાની અમને માહિતી મળી હોવાનું જણાવતાં રાજકુમાર પાંડિયને કહ્યું કે હાલ તપાસ ચાલુ હોવાથી તેઓ કોઈ ક્રિકેટરનાં નામ જાહેર નહીં કરે, કારણ કે ઘણી વખત આવા લોકો સામાન્ય માણસોને પ્રભાવિત કરવા માટે સેલિબ્રિટીએ એમના ત્યાં રોકાણ કર્યાનો દાવો કરતા હોય છે, તેથી પોલીસ આ બાબતે પૂરી તપાસ કરશે.
આ સિવાય તેમણે BZ ગ્રૂપના કથિત કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે કરાઈ રહેલા પ્રયાસો અંગે વિગતો આપી હતી.
તેઓ આ વિશે કહે છે કે, "અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટૅક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, BZ ગ્રૂપે બિટકોઇનમાં રોકાણ કર્યાના પુરાવા મળ્યા છે. એના સંપર્કમાં રહેલા લોકોના નંબર પણ અમારી પાસે છે, જેમનું ટૅક્નિકલ સર્વેલન્સ થયા પછી કઈ ઍપથી સંપર્ક થઈ રહ્યો છે એની માહિતી મેળવી છે. અમને ઝાલાનું પગેરું પણ મળ્યું છે, અમે ઝડપથી આરોપીને પકડી લઈશું."
કોણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા?
ઝાલાની સામે હાલમાં બે ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એકમાં ફરિયાદી ડામોર પોતે છે, જ્યારે બીજી ફરિયાદ સુરેશ વણકાર નામના એક રોકાણકારે પોતાના 4.50 લાખ રૂપિયાની રકમ પાછી ન મળતા નોંધાવી છે.
ઝાલાના કેસમાં પોલીસે હજી સુધી તેના મુખ્ય એજન્ટ મયૂર દરજી સહિત સાત લોકોની ધરપકડ કરી છે.
જ્યારે ઝાલાનો હાલમાં કોઈ પત્તો મળતો નથી. તેમનું ઘર બંધ છે, અને તેમના પરિવારજનો વગેરેનો પણ કોઈ સંપર્ક થતો નથી.
ઝાલાની આસપાસના લોકો પ્રમાણે તેમને મોંઘી ગાડીઓનો ખૂબ શોખ છે. હાલમાં પોલીસે તેમની પાસેથી એક હાઈ ઍન્ડ કાર જેમ કે પોર્શે, વૉલ્વો, મર્સિડીઝ એસયુવી વેગેરે જેવી કારો જપ્ત કરી છે.
પોલીસને જાણવા મળ્યું હતું કે ઝાલાની બે મોંઘી ગાડીઓનું રજિસ્ટ્રેશન નંબર '12' હતો, જે નંબર ખરીદવા માટે પણ તેમણે મોટી રકમ ચૂકવી હતી.
એક રાજકીય નેતાએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, સૌપ્રથમ ઝાલા બિટકૉઇનનો જ વેપાર કરતા હતા, તેમાં એકાદ વખત સારો ફાયદો દેખાયો હશે તો લોકોના પૈસા ઉઘરાવીને વધારે બિટકૉઇન ખરીદવાનો ધંધો શરૂ કર્યો, જે અંતે BZ Finance કંપની અને બીજી અનેક કંપનીઓમાં પરિવર્તિત થઈ ગઈ.
BZ Finance તરીકે તેમની દુબઈ સહિત અનેક શહેરોમાં ઑફિસો હતી અને ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં તેમની ફાઇનાન્સ કંપનીનો પ્રચાર કરતા હતા.
આ નેતાઓ વધુમાં જણાવ્યું કે મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમોમાં તેમનો ફાળો રહેતો હતો, માટે જિલ્લાના દરેક ધાર્મિક કાર્યક્રમમાં તેમની હાજરી અચૂક જોવા મળતી હતી.
તેમની નજીકના અમુક લોકો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું કે તેમણે BZ નામથી પોતાની વિવિધ પ્રોડક્ટ બજારમાં મૂકી હતી, જેમ કે BZ Air Cooler, BZ Air conditioner વગેરે.
એક પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી, "આ તમામ પ્રોડક્ટને તેમની કંપનીમાં અસેમ્બલ કરીને તેના પર BZનું બ્રાન્ડિંગ કરીને વેચવામાં આવતી હતી, જેને BZ ઇલેક્ટ્રૉનિક્સની વિવિધ દુકાનોથી વેચવામાં આવતી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












