You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદઃ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ, 3,000થી વધુ પોલીસની તહેનાતી
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી આજે ફરીથી શરૂ થઈ હતી. ગુજરાત પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં 'અવૈધ અતિક્રમણ' હઠાવવાની કાર્યવાહીનું આ બીજું ચરણ છે.
ભારતનાં 'ઑપરેશન સિંદૂર' અગાઉ અહીં ડિમોલિશનમાં સેંકડો ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. થોડા દિવસોના વિરામ પછી ફરીથી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો અને બુલડોઝર કામે લાગ્યાં છે અને ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે.
સત્તાવાર માહિતી પ્રમાણે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કરીને 2.50 લાખ ચોરસ મીટરથી વધારે જગ્યા પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે 3,000 કરતાં વધુ પોલીસ કર્મચારીને ડિમોલિશન કાર્યવાહી દરમિયાન બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
આ કાર્યવાહી અંગે અમદાવાદના ડીસીપી રવિ મોહન સૈનીએ જણાવ્યું કે "આજે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડોળા તળાવની આસપાસ જે ગેરકાયદે દબાણો છે તેને બીજા તબક્કા હેઠળ હટાવાઈ રહ્યાં છે."
તેમણે કહ્યું કે "એસઆરપીની 25 કંપનીઓ અને 3,000 પોલીસ જવાનો તથા અધિકારીઓ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે."
રવિ મોહન સૈનીએ કહ્યું કે "આ આખો તળાવનો વિસ્તાર છે અને ત્યાં જે બાંધકામ છે તે બધું ગેરકાયદે છે તેને આજે હટાવવામાં આવશે. પહેલી વખત અભિયાન દરમિયાન જે લોકો પકડાયા હતા તેમની સામે ડિપૉર્ટેશનની કાર્યવાહી કરવામાં આવી છે."
અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) શરદ સિંઘલે કહ્યું, "પહેલા ચરણમાં કૉર્પોરેશન તરફથી લગભગ 1.5 લાખ વર્ગ મીટર ક્ષેત્રને ખાલી કરાવવામાં આવ્યું હતું અને અમે કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આજે બીજા ચરણની કાર્યવાહી શરૂ થઈ છે. તેના માટે પણ પર્યાપ્ત પોલીસકર્મી તહેનાત છે. ઘટનાસ્થળે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે.
પહલગામ હુમલા પછી મોટી કાર્યવાહી
એપ્રિલ મહિનામાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા પછી આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.
પહલગામની ઘટના પછી અમદાવાદના ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી.
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસે છે તેવા આરોપ સાથે કાર્યવાહી થઈ હતી અને બે દિવસમાં સેંકડો મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત સેંકડો લોકોની અટકાયત કરીને તેમની ઓળખ ચેક કરવામાં આવી હતી અને શંકાસ્પદ લોકોને કથિત રીતે બાંગ્લાદેશ પાછા મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડિમોલિશનના પ્રથમ તબક્કામાં શું થયું હતું?
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કથિત બાંગ્લાદેશીઓનાં ઘરો પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
તે વખતે અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે, "સુપ્રીમ કોર્ટના પણ નિર્દેશ છે કે ચંડોળા તળાવમાં અતિક્રમણ ગેરકાયદે બાંધકામ ન થઈ શકે. અને આ વિસ્તારમાં બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે પ્રવાસી અહીં મોટી સંખ્યામાં રહેતા હતા તો તેમની પણ અટકાયત કરવામાં આવી છે."
તેમણે આગળ કહ્યું કે, "બાંગ્લાદેશથી આવતા ગેરકાયદે પ્રવાસીઓ ચંડોળા તળાવના વિસ્તારમાં બંગાલીવાસ વિસ્તાર છે ત્યાંથી જ વસવાટની શરૂઆત કરે છે એટલે આ વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે."
ડિમોલિશનના પ્રથમ તબક્કા વખતે ચંડોળા તળાવની આસપાસ રહેતા કેટલાક રહિશોએ આ ડિમોલિશન પર રોક લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી.
જોકે, ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. જેથી ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાત હાઇકોર્ટે 29મી એપ્રિલે અમદાવાદના ચંડોળા તળાવ ક્ષેત્રમાં ચલાવવામાં આવી રહેલી ડિમોલિશન કાર્યવાહી પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો.
પીટીઆઈ પ્રમાણે અહીં મોટી સંખ્યામાં નિવાસીઓને એ શંકાના આધારે પકડવામાં આવ્યા હતા કે તેઓ 'અવૈધ બાંગ્લાદેશી નાગરિક' છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન