ઇઝરાયલી સેનાએ મદદ માંગનારા પોતાના જ ત્રણ નાગરિકોને કેમ મારી નાખ્યા?

ઇઝરાયલે એ ત્રણ બંધકો વિશે જાણકારી આપી છે જેને ઇઝરાયલની સેનાએ જ ગાઝામાં પોતાના સૈન્ય અભિયાન દરમિયાન ભૂલથી મારી નાખ્યા હતા. આ ત્રણેય લોકો ઇઝરાયલના જ નાગરિક હતા.

ઇઝરાયલે કહ્યું છે કે બંદી બનાવેલા લોકોએ બચેલા ખોરાકથી એક કાપડ પર અક્ષરો પાડીને મદદ માંગી હતી.

બંદી બનાવેલા લોકોએ મદદ માંગવા માટે તેમને મળેલા ખોરાકથી દીવાલ પર ઇમર્જન્સી સંકેત- એસઓએસનું ચિત્રણ કર્યું હતું.

ઇઝરાયલી ડીફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર, આ બંધકોને જ્યાં મારી નાખવામાં આવ્યા તે જગ્યાની નજીક જ તેઓ એક ઇમારતમાં રહેતા હતા.

હમાસ સંચાલિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે રવિવારે 17 ડિસેમ્બરે જબાલિયા શરણાર્થી કૅમ્પ પર ઇઝરાયલના હુમલાને કારણે 90 લોકોનાં મૃત્યુ થયાં છે.

બીબીસી મૃત્યુ પામનાર લોકોની સંખ્યાની પુષ્ટિ કરી શક્યું નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ હવાઈ હુમલો એવી જગ્યાએ થયો છે જ્યાં બે પરિવારો રહેતા હતા.

હમાસ પાસે હજુ પણ બંદી બનાવેલા લોકો છે

7 ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલા બાદ હમાસે 200થી વધુ ઇઝરાયલીઓને બંદી બનાવ્યા હતા. જોકે, કરાર હેઠળ કેટલાક બંદી બનાવેલા લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે ગાઝા પટ્ટીમાં હજુ પણ 120 ઇઝરાયલી નાગરિકો હમાસના બંધક છે.

આ બંધકોને છોડાવવા માટે ઇઝરાયલ સરકાર પર ઘણું દબાણ છે.

ઇઝરાયલી અધિકારીઓએ સ્વીકાર્યું છે કે શરણાગતિ અથવા શાંતિ દર્શાવતાં સફેદ વસ્ત્રો (ધ્વજ) ધારણ કરેલા હોય તેવા ત્રણ નાગરિકોની હત્યા કરવી એ નિયમોનું ઉલ્લંઘન હતું.

હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા. તેના જવાબમાં, ઇઝરાયેલી સેના દ્વારા શરૂ કરવામાં આવેલા સૈન્ય અભિયાનને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.

મૃત્યુ પામેલાઓમાં મોટી સંખ્યામાં બાળકો છે. ઇઝરાયલના હુમલાને કારણે ગાઝાના હજારો લોકોને પોતાના ઘર છોડવાં પડ્યાં છે.

જે લોકોને ભૂલથી મારી નાખવામાં આવ્યા તે કોણ છે?

ઇઝરાયલી સેના અનુસાર, હમાસે બંદી બનાવેલા 28 વર્ષના યોતમ હૈમ, 22 વર્ષના સમીર તલાલ્કા અને 26 વર્ષીય એલોન શમરિઝને ગોળી મારી દેવામાં આવી હતી.

ત્રણેય લોકોને ગાઝાના ઉત્તરમાં શેઝૈયામાં મારી નાખવામાં આવ્યા હતા.

સેનાના એક અધિકારીએ પોતાની ઓળખ છુપાવી રાખવાની શરતે જણાવે છે કે, આ ત્રણેય લોકો શર્ટ વગર ઇમારતમાંથી બહાર નીકળ્યા હતા. તેમાંથી એક વ્યક્તિના હાથમાં લાકડી હતી અને સફેદ કપડું પણ હતું.

આ અધિકારી જણાવે છે કે, “આ લોકોને જોઈને એક સૈનિકને ખતરો લાગ્યો. તેઓ અંદાજે 10 મીટરના અંતરે હતા. સૈનિકોએ તેમને આતંકવાદી કહ્યા અને ગોળીઓ વરસાવી. બે લોકોનાં તરત જ મૃત્યુ થયાં અને ત્રીજો વ્યક્તિ ઘાયલ અવસ્થામાં ઇમારતમાં પાછો ફર્યો.”

આ ઘાયલ વ્યક્તિએ હીબ્રુ ભાષામાં રોતાં રોતાં મદદ માંગી. આ સાંભળીને સેનાના કમાન્ડરે સૈનિકોને ગોળીઓ વરસાવવાની ના પાડી. ત્યારબાદ આ ઘાયલ વ્યક્તિ બહાર આવ્યો પરંતુ તેને ગોળીઓ વાગેલી હતી જેના કારણે તે મૃત્યુ પામ્યો.

અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થયું નથી કે આ બંદી બનાવેલા લોકો હમાસના કબ્જામાંથી ભાગીને આવ્યા હતા કે તેમને હમાસે છોડી દીધા હતા.

રવિવારે સેનાએ કહ્યું હતું કે, આ બંદી બનાવેલા લોકો જે ઇમારતમાં રોકાયેલા હતા તે ઇમારતમાં તપાસ કરવામાં આવી છે. ઇમારતમાં ‘એસઓએસ’ અને ત્રણેય બંદી બનાવેલા લોકોની મદદ કરો તેવું એક કપડાં પર લખેલું મળી આવ્યું હતું.

અધિકારીઓનું માનવું છે કે આ બંદી બનાવાયેલા લોકો છેલ્લા કેટલાક દિવસોથી આ જ ઇમારતમાં રોકાયેલા હતા.

નેતન્યાહૂ પર વધતું દબાણ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાને ‘અસહનીય ત્રાસદી’ તરીકે વર્ણવી હતી.

નેતન્યાહૂએ કહ્યું હતું કે, “આ મુશ્કેલ ઘડીએ પણ આપણે આપણા જ ઘા પર મલમ લગાવીશું, બોધપાઠ લઈશું અને બચેલા તમામ લોકોને સુરક્ષિત તેમના ઘરે પાછા લાવવા શક્ય તેટલું બધું જ કરીશું.”

લોકો હમાસના કબજામાંથી બંધકોને છોડાવવા માટે સૈન્યની પદ્ધતિઓ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

હેન ઍવિગડોરી એ લોકોમાં સામેલ હતા જેમનાં પત્ની અને પુત્રીને તાજેતરમાં હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું, "અમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે બંદી બનાવેલા લોકોને લશ્કરની પદ્ધતિઓથી બચાવી શકાય છે. પરંતુ એવી કોઈ સૈન્ય પદ્ધતિ નથી કે જે તેમને સુરક્ષિત રીતે પરત લાવી શકે."

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે કહ્યું કે, “ઇઝરાયલે તેના લોકોને સુરક્ષિત પાછા લાવવા માટે કરાર કરવા માટે આગળ વધવું જોઈએ.”

ઇઝરાયલ-હમાસ વચ્ચેનો કરાર

નવેમ્બરના અંતમાં, ઇઝરાયલ અને હમાસ વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ અંગે સમજૂતી થઈ હતી. ઇઝરાયલે તેને લશ્કરી વિરામ ગણાવ્યો હતો.

આ અંતર્ગત હમાસ અને ઇઝરાયલે એકબીજાના બંધકોને મુક્ત કર્યા હતા. આ દરમિયાન ઇઝરાયલે હુમલાઓ બંધ કરી દીધા હતા.

આ યુદ્ધવિરામના પૂરો થયો ત્યારથી ઇઝરાયલના બંધકોના પરિવારોએ નેતન્યાહૂ સરકારને નવી ડીલ કરવા અપીલ કરી છે જેથી કરીને તેમને હમાસની કેદમાંથી મુક્ત કરી શકાય.

પીએમ નેતન્યાહૂએ આવી માંગણીઓને કોરાણે મૂકીને કહ્યું હતું કે બંદી બનાવેલા લોકોને આઝાદ કરવા માટે અને વિજય માટે સૈન્ય દબાણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

તાજેતરના સમયમાં ગાઝા પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે. ઇઝરાયલના સાથી દેશ અમેરિકાએ પણ ગાઝામાં થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

થોડા દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડને કહ્યું હતું કે આવાં પગલાંઓને કારણે ઇઝરાયલ તેનું વૈશ્વિક સમર્થન ગુમાવતું જશે.

રવિવારે, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પણ ઇઝરાયલને તાત્કાલિક સમાધાન પર પહોંચવા જણાવ્યું હતું.

જોકે, ઇઝરાયલના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે યુદ્ધવિરામ કરવો એ એક ભૂલ હશે અને તે હમાસને આપેલી ભેટ સમાન હશે.

બ્રિટન અને જર્મનીએ પણ ઇઝરાયલને તરત જ હુમલા બંધ કરીને યુદ્ધવિરામ કરવા માટે અપીલ કરી હતી.

ઇઝરાયલી સેનાનો દાવો – અત્યાર સુધીની સૌથી મોટી સુરંગ મળી

આ દરમિયાન પણ ગાઝામાં ઇઝરાયલી સૈન્યની કાર્યવાહી ચાલુ છે.

ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેને હમાસ દ્વારા બનાવવામાં આવેલી સૌથી મોટી સુરંગ મળી છે.

સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે આ સુરંગ ચાર કિલોમીટર લાંબી છે અને સુરંગની ઍન્ટ્રી ઇરેઝ ક્રોસિંગથી માત્ર 400 મીટર દૂર છે.

ઇરેઝ ક્રૉસિંગથી ગાઝાના લોકો ઇઝરાયલમાં કામ કરવા અને ઇઝરાયલી હૉસ્પિટલોમાં ઇલાજ માટે જાય છે. આ ક્રૉસિંગનો ઉપયોગ ગાઝાના લોકો કરે છે.

ઇઝરાયલી સેનાનો દાવો છે કે સુરંગ કેટલીક જગ્યાએ એટલી પહોળી છે કે કાર પણ પસાર થઈ શકે છે.

બીબીસી ઇઝરાયલના આ દાવાની પુષ્ટિ કરી શક્યું નથી.