પીએમ મોદીના ઓબીસી હોવા પર રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે તરકાર

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી કહ્યું કે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી.'
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયા સામે જુઠ્ઠું બોલી રહ્યા છે. તેઓ ઓબીસી વર્ગમાં પેદા થયા નથી, પણ સામાન્ય વર્ગમાં પેદા થયા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કહ્યું કે મોદીજી 'જનમથી નહીં પણ કાગળ'થી ઓબીસી છે. તેઓ જનમના પાંચ દશક સુધી ઓબીસી નહોતા. મારા આ સત્ય પર મહોર મારવા માટે ભાજપ સરકારને અભિનંદન.
અગાઉ ઓડિશામાં એક જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "પીએમ મોદીને ઓબીસી ગુજરાતની ભાજપ સરકારે બનાવ્યા છે."
જોકે, ભાજપે રાહુલ ગાંધીના દાવાને 'ખોટો ઠેરવતા' કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને અન્ય પછાત વર્ગમાં સામેલ કરવાની અધિસૂચના 27 ઑક્ટોબર, 1999માં જારી કરાઈ હતી અને આ તેમના ગુજરાતના મુખ્ય મંત્રી બનવાનાં બે વર્ષ પહેલાં થઈ હતી.
રાહુલ ગાંધીએ જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે "સાચું સાંભળો. નરેન્દ્ર મોદી જનમથી ઓબીસી નથી. તેમને ભાજપ સરકારે ઓબીસી બનાવ્યા છે. તેઓ ક્યારેય પછાતોના હક અને ભાગીદારીને સાથે ન્યાય ન કરી શકે. નરેન્દ્ર મોદી જાતિ આધારિત ગણના કરાવવાના નથી. જાતિગત ગણના કૉંગ્રેસ જ કરી દેખાડશે."
ભાજપની પ્રતિક્રિયા
ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે રાહુલ ગાંધીના દાવાને ‘જૂઠાણું’ ગણાવતાં ભારત સરકારના એ ગૅઝેટ નૉટિફિકેશનનો સ્ક્રીનશૉટ જાહેર કર્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ ‘મોઢ ઘાંચી’ને અન્ય પછાત વર્ગમાં સામેલ કરવાની અધિસૂચના પ્રકાશિત કરાઈ હતી.
આ દસ્તાવેજ પ્રમાણે ‘મોઢ ઘાંચી’ સમુદાયને 27 ઑક્ટોબર, 1999ના રોજ અન્ય પછાત વર્ગમાં સામેલ કરાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તારીખે ‘મોઢ ઘાંચી’ સિવાય ‘ઘાંચી (મુસ્લિમ)’, ‘તેલી’ અને ‘માળી’ સમુદાયને પણ અન્ય પછાત વર્ગમાં સામેલ કરાયો હતો.
આ નિર્ણય થયો ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એ સમયે કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી હતા. જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારની ધુરા સાત ઑક્ટોબર, 2001ના રોજ સંભાળી હતી.
અમિત માલવીયે કૉંગ્રેસ પર એવો પણ આરોપ કર્યો છે કે રાહુલ ગાંધીથી જવાહરલાલ નહેરુ સુધી સમગ્ર નહેરુ-ગાંધી પરિવાર ઓબીસી વિરુદ્ધ રહ્યો છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમણે ઓડિશામાં કહ્યું, "સૌથી પહેલા હું એ જણાવી દઉં કે નરેન્દ્ર મોદીજી ઓબીસીમાં પેદા નથી થયા. તમને લોકોને ભયંકર મૂર્ખ બનાવાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીજી તેલી જાતિમાં પેદા થયા છે. તેમના સમુદાયને ભાજપ સરકારે વર્ષ 2000માં ઓબીસીનો દરજ્જો આપ્યો હતો. તેઓ સામાન્ય વર્ગ (જનરલ કૅટગરી)માં પેદા થયા છે. તેઓ આખી દુનિયામાં જુઠ્ઠું બોલી રહ્યા છે કે હું ઓબીસીમાં પેદા થયો છું."
"મને આ જાણવા માટે કોઈ જન્મના પ્રમાણપત્રની જરૂર નથી. હું એ જાણું છું કે પીએમ કોઈ ઓબીસીને ગળે લગાડતા નથી. તેઓ કોઈ પણ ખેડૂત-મજૂરનો હાથ નથી પકડતા. તેઓ (મોદી) માત્ર અદાણીજીનો હાથ પકડે છે."
"તમે કરોડોનો સૂટ પહેરો છો. દિવસમાં અનેક વાર કપડાં બદલો છો, પછી જુઠ્ઠું બોલો છો કે હું ઓબીસી વર્ગનો માણસ છું."
ભાજપના અન્ય નેતાના દાવા
રાહુલ ગાંધીના નિવેદન અંગે અમિત માલવીયથી ઊલટું, ગુજરાતના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી અને ભાજપના સાંસદ નરહરિ અમીને દાવો કર્યો છે કે 25 જુલાઈ, 1994ના રોજ ‘મોઢ’ અને ‘ગાંજી’ સમુદાયને અન્ય પછાત વર્ગમાં સામેલ કરાયો હતો.
તેમનું કહેવું હતું કે એ સમયે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હતી અને વડા પ્રધાન મોદી ત્યારે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી નહોતા.
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “રાહુલ ગાંધી લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે... તેમણે ગુજરાતના સમગ્ર ઓબીબીસ જનતાની માફી માગવી જોઈએ. તેઓ ખોટી જાણકારી આપી રહ્યા છે. તેમણે એવું સમજવું જોઈએ કે તેઓ ક્યારેય વડા પ્રધાન મોદીની જેવી ઊંચાઈ હાંસલ નહીં કરી શકે.”
ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ ગુરુવારના રોજ રાહુલ ગાંધી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાતિના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદી જે તેલી સમાજ સાથે સંબંધ ધરાવે છે, તેને ગુજરાતની કૉંગ્રેસ સરકારના સમયમાં ઓબીસીનો દરજ્જો અપાયો હતો.
અગાઉ પણ થયો હતો વિવાદ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2014માં નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જાહેરમાં ખુદને પછાતવર્ગના કહ્યા હતા, જેના કારણે ખાસ્સો વિવાદ થયો હતો.
ત્યારે કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે મોદીએ સત્તા ઉપર આવ્યા બાદ, ખુદની જ્ઞાતિને પછાતવર્ગમાં મુકાવી હતી.
જોકે, ગુજરાત સરકારે સ્પષ્ટતા આપી કે વર્ષ 1994થી ઘાંચી સમાજને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)નો દરજ્જો મળેલો છે, મોદી ઘાંચી જ્ઞાતિના છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મોદી ઉપર આરોપ મૂક્યો હતો કે મોદી પછાત જ્ઞાતિના નથી. પરંતુ રાજકીય લાભ ખાટવા માટે 2001માં મુખ્ય મંત્રી બન્યા પછી મોદીએ 2002માં તેમની જ્ઞાતિને પછાતવર્ગમાં મુકાવી હતી.
ગોહિલે ગુજરાત સરકારના વર્ષ 2002ના એક સર્ક્યુલરનો હવાલો આપી આરોપ મૂક્યો હતો કે મોદીએ મુખ્ય પ્રધાન બન્યા બાદ પોતાની જ્ઞાતિને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કરાવવા માટે નિયમો નેવે મૂક્યા હતા.
એ સમયે ગોહિલે બીબીસીને જણાવ્યું હતું કે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના આધારે તેમણે પૂછ્યું હતું કે ઘાંચી જ્ઞાતિને ઓબીસીમાં ક્યારે સમાવવામાં આવી?
ગોહિલના મતે, "ગુજરાતમાં મોદીની મોઢ ઘાંચી જ્ઞાતિની ગણતરી ધનિક અને સમૃદ્ધ જ્ઞાતિ તરીકે થાય છે. મોદી મુખ્ય મંત્રી બન્યા, તે પહેલાં આ જ્ઞાતિનો સમાવેશ ઓબીસીમાં થતો ન હતો."
"મોદીએ પોતાની સગવડ માટે ગુજરાત સરકારની વ્યવસ્થા બદલી હતી. મોઢ ઘાંચીને ઓબીસીની યાદીમાં મૂકવા અંગે કોઈ માગ થઈ ન હતી."
"આમ છતાં ખુદને પછાત જ્ઞાતિના જણાવીને વોટબૅન્કનું રાજકારણ રમી શકાય તે માટે તેમણે ખુદને પછાત જણાવ્યા હતા."
પહેલી જાન્યુઆરી, 2002ના દિવસે ગુજરાત ગુજરાત સરકારે મોઢ ઘાંચી જ્ઞાતિને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવાનો સર્ક્યુલર કાઢ્યો હતો.
જોકે, જે તે સમયે ગુજરાત સરકારના પ્રવક્તા અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે "ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે તા. 25મી જુલાઈ 1994ના દિવસે એક જાહેરનામું બહાર પાડીને 36 જ્ઞાતિઓને ઓબીસીની શ્રેણીમાં સામેલ કરી હતી."
"તેની 25-બમાં મોઢ જ્ઞાતિનો ઉલ્લેખ હતો, એ જ્ઞાતિનો ઉલ્લેખ છે, જેને ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી."














