You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રહ્માંડમાંથી કોઈ આપણી પૃથ્વી પર નજર રાખી રહ્યું છે?
- લેેખક, જોનાથન ઓ’કેલાગન
- પદ, બીબીસી સંવાદદાતા
આપણે છેલ્લા કેટલાક સમયથી સ્વર્ગની શોધ કરી રહ્યા છીએ, પરંતુ રેડિયો સિગ્નલ્સ સાંભળવા અને રહેવા યોગ્ય અન્ય વિશ્વના સંકેતોની શોધ કરવા છતાં અત્યાર સુધી બહુ પાંખી જાણકારી મળી છે.
બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંક અજબ રહસ્યમય સંકેતો સાથે જીવન હોઈ શકે તેવું ખગોળવિદોના ધ્યાનમાં આવ્યું છે, પરંતુ હજુ સુધી એલિયન જીવનના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
ધારો કે એવું કશું હોય તો? તેઓ આપણને શોધવાનો પ્રયાસ કરતા હોય તો? શું તેઓ જાણતા હશે કે પૃથ્વી પર જીવન છે?
વૈજ્ઞાનિકોએ તાજેતરનાં વર્ષોમાં આ સવાલોનો સામનો કરવો પડ્યો છે, કારણ કે આપણે આકાશગંગામાં અજાણપણે આપણી હાજરી વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે.
અમેરિકન મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના એસ્ટ્રોફિઝિસ્ટ જેકલીન ફેહર્ટી કહે છે, “અંતરિક્ષમાં દર્પણને આપણી પાસે રાખીએ તો તેઓ આપણું શું જોઈ શકે? આપણે જોઈ રહ્યા છીએ તેનો અર્થ એ છે કે અન્ય દુનિયા પણ આપણને જોતી હશે.”
આપણી આકાશગંગામાં અન્ય તારાઓની પરિક્રમા કરતાં આપણને આજની તારીખે 5,500થી વધુ ગ્રહ મળી આવ્યા છે (જેને એક્સોપ્લેનેટ કહેવાય છે), પરંતુ આવાં અવલોકનો હજુ બાલ્યાવસ્થામાં છે. આકાશગંગામાં અબજો વિશ્વ પથરાયેલા હોવાની સંભાવના છે.
આમાંના કેટલાક વિશ્વો પરના વાતાવરણમાં આપણે કેમિકલ સિગ્નેચર્સ અને ટેક્નો સિગ્નેચર્સ શોધવાનું શરૂ કર્યું છે, જે જૈવિક પ્રવૃત્તિનો સંકેત આપી શકે અને જીવનના બુદ્ધિશાળી સ્વરૂપો દ્વારા ઉત્સર્જિત થઈ શકે છે. રેડિયો સિગ્નલ્સ હેતુપૂર્વક અથવા આકસ્મિક રીતે આપણી દિશામાં મોકલવામાં આવે છે.
પૃથ્વી લગભગ એક સદીથી આકાશગંગામાં પોતાની હાજરી નિઃશંકપણે દર્શાવતી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલેના ખગોળશાસ્ત્રી હોવર્ડ આઇઝેકસન કહે છે, સૌથી નોંધપાત્ર સમયગાળો વર્ષ 1900થી બીજા વિશ્વયુદ્ધ સુધીનો હતો, જ્યારે આપણે રેડિયો ટ્રાન્સમિટર્સ મજબૂત મજબૂત હતા. “તેને વધુ શક્તિશાળી બનાવવાની જરૂર હતી, કારણ કે લોકો જે રેડિયો સાંભળતા હતા તેમાં સંવેદનશીલ રિસીવર્સ ન હતાં.”
આજે ટીવી શોથી માંડીને સેટેલાઈટ કૉમ્યુનિકેશન સુધી આપણે રેડિયો સિગ્નલ્સનું પ્રસારણ કરી રહ્યા છીએ, પરંતુ ઓછી જાણકારી મળે તેવી રીતે.
અમેરિકામાં યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિનના ખગોળશાસ્ત્રી થોમસ બીટી કહે છે, “રેડિયો સ્ટેશનો અવકાશમાં પ્રસારણ કરવા ઇચ્છતા નથી. તેઓ જમીન પર પ્રસારણ કરે છે.” મોબાઇલ ફોન સિગ્નલ્સ જેવા સંદેશાવ્યવહારના અન્ય વધુ આધુનિક સ્વરૂપોના સિગ્નલ્સ ડિટેક્ટ કરી શકાતા નથી.
જોકે, આપણાં બધાં સિગ્નલ્સ નબળાં હોતાં નથી. સમગ્ર સૌરમંડળમાં મંગળ, ગુરુ અને સૂર્યની બહારના વિસ્તારો જેવાં સ્થાનોની શોધ આપણા બહુવિધ અવકાશયાન કરે છે. તેમાં સૌથી દૂર નાસાનું વોયેજર-1 અવકાશયાન છે, જે પૃથ્વીથી 24 અબજ કિલોમીટર દૂર છે.
તેની સાથે કૉમ્યુનિકેટ કરવા ડીપ સ્પેસ નેટવર્ક તરીકે ઓળખાતા પૃથ્વી પરની ડિશીઝના શક્તિશાળી નેટવર્કની જરૂર પડે છે.
આઈઝેક્સને એપ્રિલમાં ગણતરી માંડી હતી કે આ પૈકીના 20 કિલોવોટ સુધીના કેટલાક ટ્રાન્સમીટર્સ અન્ય તારાઓ સુધી પહોંચી શકે, કારણ કે તેઓ દૂરસ્થ અવકાશયાન સુધી પહોંચે છે અને અંતરિક્ષમાં આગળ વધતા રહે છે.
તેમને નજીકના ચાર સ્ટાર્સ મળી આવ્યા હતા. તેની સાથેના ગ્રહો પહેલેથી જ ટ્રાન્સમિશન પ્રાપ્ત કરી ચૂક્યા હશે અને 1,000થી વધારે સ્ટાર્સ વર્ષ 2300 સુધીમાં સિગ્નલ સાંભળે તેવી શક્યતા છે.
તેઓ કહે છે, “સિગ્નલ ચોક્કસપણે કૃત્રિમ સ્વરૂપે દેખાશે.” 2031 સુધીમાં નજીકના તારાઓ પાસે સિગ્નલ પ્રાપ્ત કરવા અને તેમનો પોતાનો સંદેશો મોકલવા માટે પૂરતો સમય હશે. તે ભવિષ્યના અભ્યાસ માટેનું રસપ્રદ લક્ષ્ય હશે.
સવાલ એ છે કે એલિયન એસ્ટ્રોનોમર્સ વધારે સમર્પિત હોય તો શું થાય? તેઓ આવાં સિગ્નલ્સ પ્રાપ્ત કરતાં પહેલાં આપણા ગ્રહના અવલોકનનો પ્રયાસ કરી શકે. તેઓ આપણા ગ્રહને આપણા સૂર્યની સામેથી પસાર થતો જોઈ શકે તો સૂર્યપ્રકાશને આપણા વાતાવરણમાંથી પસાર થતો પણ જોઈ શકે અને તેના વિવિધ વાયુનો તાગ મેળવી શકે.
ફેહર્ટીએ 2021માં શોધી કાઢ્યું હતું કે પૃથ્વીના 300 પ્રકાશવર્ષની અંદર લગભગ 2,000 સ્ટાર્સ છે, જે સંભવિત રીતે આવા સંક્રમણને નિહાળી શકે છે.
બ્રિટનની યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજના એસ્ટ્રોકેમિસ્ટ પોલ રિમરના કહેવા મુજબ, આવાં અવલોકનોમાંથી પૃથ્વી પરના જીવનનું શ્રેષ્ઠ સૂચક ઓક્સિજન, નાઇટ્રોજન અને પાણીની વરાળ હોઈ શકે છે. “તે સ્થિર પ્રવાહી મહાસાગરનો સંકેત” હશે.
આપણા ગ્રહ પર બુદ્ધિશાળી જીવન સ્વરૂપ વસતું હોવાની કેટલીક કડી નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ પૂરી પાડી શકે. સ્પેનના કૅનેરી ટાપુ ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના નિષ્ણાત એસ્ટ્રોફિઝિસ્ટ હેક્ટર સોકાસ-નાવારો કહે છે, “આ ગેસ મુખ્યત્વે દહનની આડપેદાશ છે. તેથી આપણે અહીં કોઈ સામગ્રી બાળી રહ્યા છીએ તેવું અનુમાન તેઓ કરી શકે છે.”
એરોસોલ્સ, રેફ્રિજરન્ટ્સ અને અન્ય સ્રોતો પણ આપણા ગ્રહ પર ઔદ્યોગિક પ્રવૃત્તિનો સંકેત આપી શકે.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલેના ખગોળશાસ્ત્રી મેસી હ્યુસ્ટન કહે છે, “એ ટેક્નોલૉજી દ્વારા જ ઉત્પન્ન થઈ શકે તે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ.”
પૃથ્વી પરની સૌથી પ્રખર ટેક્નોસિગ્નેચર પૈકીની એક આપણા વાતાવરણના પ્રદૂષકો અથવા રેડિયો સિગ્નલ્સ નહીં, પરંતુ આપણાં શહેરોની લાઇટ્સ છે.
બીટીએ 2021માં શોધી કાઢ્યું હતું કે આવી લાઇટ્સમાંથી ઉત્સર્જિત સોડિયમને ગ્રહના વાતાવરણમાં શોધી શકાય છે. બીટી કહે છે, “તેમાં અત્યંત શાર્પ સ્પેક્ટ્રલ ફીચર્સ છે. એ કુદરતી પ્રક્રિયા દ્વારા મેળવી શકાતા નથી.”
પૃથ્વી પર તેના વર્તમાન સ્વરૂપમાં કમસે કમ આપણા પોતાના ટેલિસ્કૉપનાં પરિમાણોમાં આ રીતે શોધી શકાય તેટલું શહેરીકરણ થયું નથી. પૃથ્વીની સપાટીના એક ટકા કરતાં ઓછા વિસ્તારોમાં શહેરો આવેલાં છે.
તેઓ સ્ટાર વોર્સની ફિલ્મોમાંના કોરુસેન્ટની કાલ્પનિક દુનિયા જેવા-ઇક્યુમેનોપોલિસ જેવા બનવામાં બહુ લાંબો સમય જશે. વિકાસ આજની ગતિએ જ ચાલુ રહેશે તો શહેરીકરણ 2150 સુધીમાં તેના વર્તમાન સ્તર કરતાં દસ ગણું વધી ગયું હશે. એ પછી મોર્ડન ટેલિસ્કૉપમાં આપણે દીવાદાંડીની જેમ ચમકીશું.
વધુ આધુનિક ટેલિસ્કૉપ સાથેની એલિયન સંસ્કૃતિએ આપણને પહેલેથી જ શોધી લીધા હશે. તેઓ કહે છે, “એલિયન એસ્ટ્રોનોમર્સે 330 ફીટનું ટેલિસ્કૉપ બનાવ્યું હોય અને તેઓ આપણને અત્યારે જોઈ રહ્યા હોય તે તદ્દન શક્ય છે.”
આપણા ગ્રહને એક અસ્પષ્ટ બિંદુ તરીકે જોઈ શકે તેવું નાનું ટેલિસ્કૉપ એલિયન એસ્ટ્રોનોમર્સ પાસે હોય તો પણ એ વસવાટ યોગ્ય છે તે જાણી શકાય.
અમેરિકાસ્થિત નાસાની જેટ પ્રોપલ્શન લૅબોરેટરીના એસ્ટ્રોફિઝિસ્ટ જોનાથન જિઆંગના જણાવ્યા અનુસાર, પૃથ્વીના ઝુકાવ અને પરિભ્રમણને જાણીને, આપણા ગ્રહ દ્વારા ઉત્સર્જિત પ્રકાશનો ઉપયોગ આપણી સપાટીનો નકશો બનાવવા માટે થઈ શકે. તમે પ્રકાશના બિંદુને જોઈ શકો ત્યાં સુધી તેનું વિશ્લેષણ કરી શકો. જિયાંગે 2018માં આપણા સૌરમંડળમાં અવકાશયાનનો ઉપયોગ પૃથ્વી પરની ટેકનિકના પ્રદર્શન માટે કર્યો હતો.
આ બધાથી સવાલ થાય છે કે શું આપણે ખરેખર એટલા ધ્યાનપાત્ર બનવા માગીએ છીએ? બીટી કહે છે, “ફિલ્મોમાં આપણા પર કાયમ આક્રમણ થાય છે.”
વાસ્તવમાં વિજ્ઞાનીઓ આપણી હાજરી જણાવવા વધુ આતુર છે. માનવજાતિનું ચિત્ર ધરાવતા ઉચ્ચ શક્તિશાળી રેડિયો સિગ્નલ જેવા હેતુપૂર્વકના મેસેજીસ તેઓ પ્રસંગોપાત મોકલે છે.
એ ચિત્ર હવે પ્યુર્ટો રિકોમાં નિષ્ક્રિય થઈ ગયેલા અરેબિસો રેડિયો ટેલિસ્કૉપ દ્વારા 1974માં મોકલવામાં આવ્યું હતું. બ્રિટનસ્થિત યુનિવર્સિટી ઑફ એડિનબર્ગના ખગોળશાસ્ત્રી બેથ મિલર કહે છે, “હું સ્વાતંત્ર્ય દિવસનાં દૃશ્યો બાબતે જરાય ચિંતિત નથી.”
યુદ્ધ અથવા અન્ય માધ્યમો દ્વારા આપણું અસ્તિત્વ ખતમ થવાનું નથી એમ ધારીને માનવજાત આપણા ગ્રહના સ્વરૂપ-સ્થિતિમાં સતત ફેરફાર કરી રહી છે તેને જોતાં પૃથ્વી વધુને વધુ ધ્યાનપાત્ર થવાની સંભાવના છે.
સોકાસ-નાવારોના જણાવ્યા મુજબ, એલિયન એસ્ટ્રોનોમર્સ એક દિવસે આપણા ગ્રહની પરિક્રમા કરતા સંખ્યાબંધ ઉપગ્રહોને પણ શોધી કાઢશે.
તેઓ કહે છે, “આપણી પાસે જે છે તેના કરતાં એક અબજ ગણું વધારે હોવું જોઈએ. એ બહુ બધું લાગે છે, પરંતુ આપણે થોડા દાયકાઓમાં જ એક અબજથી વધુ કારનું ઉત્પાદન કર્યું છે.”
આપણે પહેલા સંપર્ક કરવા આતુર હોઈએ તો અરેસિબો મૅસેજ જેવા બ્રૉડકાસ્ટની જેમ આપણે આપણી જાતને વધારે ધ્યાનપાત્ર બનાવવી જોઈએ. એ દિશામાં બહુ ઓછા પ્રયાસ થયા છે.
પોલ રિમર કહે છે, “એ કામ મારે કરવાનું હોય તો હું આપણા અસ્તિત્વને બ્રૉડકાસ્ટ કરું અને કોઈ જવાબ મળશે તેવી આશા રાખું, પરંતુ આ માત્ર મારો અભિપ્રાય છે. આ નિર્ણય વૈશ્વિક સ્તરે લેવો જોઈએ એવું હું માનું છું.”
બીટીના કહેવા મુજબ, લોકો તરફેણમાં હોય તો એક વિચાર અવકાશમાં મોટા ગ્રહના કદનું ત્રિકોણ અથવા પાતળી સામગ્રી વડે વિશાળ સ્ટ્રક્ચર્સ બનાવવાનો હોઈ શકે, જે એલિયન એસ્ટ્રોનોમર્સ માટે દેખીતી રીતે કૃત્રિમ હશે. તેઓ કહે છે, “આપણે ઇચ્છીએ તો તે ધ્યાનપાત્ર બનવાનો મુખ્ય માર્ગ હોઈ શકે.”
હાલ તો આપણા અસ્તિત્વનાં ચિહ્નો વધુ નરમ, પરંતુ શોધી શકાય તેવાં છે. સેટી ઇન્સ્ટિટ્યૂટ (સર્ચ ફોર એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ)ના વરિષ્ઠ ખગોળશાસ્ત્રી સેઠ શોસ્તાક કહે છે, “તેમને ચમત્કારોની જરૂર નથી. આપણે પાસે જે ટેક્નોલૉજી છે તેની જ મોટા પ્રમાણમાં જરૂર છે.”
વાસ્તવમાં આપણે આ સવાલ પૂછવો જોઈએઃ શું બ્રહ્માંડમાંથી કોઈ આપણા પર નજર રાખી રહ્યું છે?