બે નબળાં વાવાઝોડાંએ ભારતની નજીકના દેશોમાં આટલી તબાહી કેમ મચાવી?

તાજેતરમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારતની આસપાસ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાયાં હતાં, પરંતુ સદ્દનસીબે ભારત તેમાંથી બચી ગયું હતું.

જોકે, ભારતના પડોશી દેશો એટલા નસીબદાર ન હતા. તેના કારણે તાજેતરમાં બે નબળાં વાવાઝોડાંના કારણે શ્રીલંકા, મલેશિયા, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ જેવા ભારતની નજીકના દેશોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

નવેમ્બર મહિનામાં 'સેન્યાર' વાવાઝોડાએ મલેશિયા, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડમાં તબાહી મચાવી હતી, જ્યારે 'દિતવાહ' વાવાઝોડાના કારણે શ્રીલંકામાં જાન-માલને ભારે નુકસાન થયું છે.

વાવાઝોડાનું કારણ શું છે?

'ડાઉન ટુ અર્થ'ના અહેવાલ પ્રમાણે દક્ષિણપૂર્વ એશિયામાં આ બે વાવાઝોડાંના કારણે ચાર દેશોમાં લગભગ 1600 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો હજુ ગુમ છે.

વર્લ્ડ વેધર એટ્રીબ્યુશન (ડબલ્યુડબલ્યુએ)ના એક અભ્યાસ પ્રમાણે 'ડાઉન ટુ અર્થ'ના અહેવાલ પ્રમાણે દક્ષિણપૂર્વ એશિયામાં આ બે વાવાઝોડાંના કારણે ચાર દેશોમાં લગભગ 1600 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો હજુ ગુમ છે.

સાઉથ-ઇસ્ટ એશિયામાં વરસાદ અને વાવાઝોડાંને માપવા માટેના મોડલમાં આ બંને વાવાઝોડાંના વરસાદના ટ્રેન્ડને યોગ્ય રીતે રજૂ કરી શકાયા નથી. તેના કારણે ક્લાઇમેટ ચેન્જ અથવા ગ્લૉબલ વૉર્મિંગે ચોક્કસ કેટલી ભૂમિકા ભજવી તે કહી શકાય તેમ નથી.

વર્લ્ડ વેધર ઍટ્રીબ્યુશનના અહેવાલ પ્રમાણે શ્રીલંકા, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં તાજેતરમાં જે વાવાઝોડાં આવ્યાં તે ટ્રોપિકલ સાઇક્લોન હતાં અને તેના પર ક્લાઇમેટ ચેન્જની જટિલ અસર પડી છે.

આ વખતનાં વાવાઝોડાંની ખાસ વાત એ હતી કે તેમાં પ્રચંડ ઝડપથી પવન ફૂંકાવાના બદલે અતિશય ભારે વરસાદ પડ્યો હતો.

સમુદ્રની સપાટીના તાપમાનમાં થયેલા વધારાએ ભારે વરસાદની સ્થિતિ પેદા કરી હોય તેવો અંદાજ છે. શ્રીલંકા, ફિલિપાઇન્સ, મલેશિયા, અમેરિકા, યુકે, સ્વીડન, આયર્લૅન્ડ અને નેધરલૅન્ડ્સના વૈજ્ઞાનિકોએ ભારતના પડોશી દેશોમાં પડેલા અતિશય ભારે વરસાદનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ દર્શાવે છે કે શ્રીલંકામાં બહુ ઓછા સમયમાં ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે કુદરતી રીતે પાણીના વહેણની જગ્યાઓ ભરાઈ ગઈ હતી અને ઝડપથી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો.

જંગલો કાપવાથી સ્થિતિ વિકટ બની

WWA પ્રમાણે જે વિસ્તારોમાં વાવાઝોડાંથી નુકસાન થયું છે, તેની ભૌગોલિક સ્થિતિ પણ જવાબદાર છે. જમીનનો ઉપયોગ બદલાવાથી મોટા ભાગના દેશોમાં ઝડપી શહેરીકરણ થયું છે અને જંગલો કાપવામાં આવ્યાં છે. આ ઉપરાંત વહેલાસર ચેતવણી આપવાની વ્યવસ્થાની અછત છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મલાકાની પટ્ટીમાં આવેલા સેન્યાર વાવાઝોડાના કારણે ઇન્ડોનેશિયાના સુમાત્રા, મલેશિયા અને દક્ષિણ થાઇલૅન્ડમાં 23થી 27 નવેમ્બર દરમિયાન ભારે નુકસાન થયું હતું.

આ 70 વર્ષમાં એક વખત આવતી ઘટના હતી. 1850થી 1900ના પ્રિ-ઇન્ડસ્ટ્રિયલ સમયગાળાની તુલનામાં દરમિયાનનું તાપમાન1.3 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું તે આ વાવાઝોડાં માટે જવાબદાર ગણાય છે.

24થી 28 નવેમ્બર દરમિયાન શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો હતો અને આ 30 વર્ષમાં એક વખત બનતી ઘટના હતી. તેનું કારણ પણ દુનિયાના તાપમાનમાં થયેલો 1.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો છે. અલગ અલગ ડેટા દર્શાવે છે કે આ વિસ્તારમાં 28 ટકાથી લઈને 160 ટકા સુધી વરસાદમાં વધારો થયો છે.

ગ્લોબલ વૉર્મિંગના કારણે વરસાદ પણ વધી રહ્યો છે અને ક્લોસિયસ ક્લેપિરોન સમીકરણની મદદથી તેને સમજાવી શકાય છે. તે એવું કહે છે કે ગ્લૉબલ સરેરાશ તાપમાનમાં પ્રતિ એક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે હવામાનમાં ભેજનું પ્રમાણ સાત ટકા વધે છે.

અભ્યાસમાં બીજું શું જાણવા મળ્યું?

શ્રીલંકાથી લઈને થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં કેમ વધારે વરસાદ પડે છે અને વાવાઝોડાં આવે છે તેના કારણો આ અભ્યાસમાં સમજી શકાય છે. તેમાં બીજી કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા મળી છે.

જેમ કે, ઉત્તર હિંદ મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન 1991થી 2000ની સરેરાશ કરતા 0.2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. તેના કારણે વાવાઝોડાની શક્તિ વધે છે જેનાથી ભારે વરસાદ પડે છે.

તમામ અસરગ્રસ્ત દેશોમાં લોકો નીચાણવાળા વિસ્તારોમાં વધારે રહે છે જેના કારણે પૂરની સ્થિતિમાં સૌથી વધુ નુકસાન થાય છે. આ ઉપરાંત વારંવાર પૂર આવતું હોય તેવા કૉરિડોર નજીક વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે.

કેટલાક દેશોમાં વાવાઝોડાં અને પૂર અંગે વહેલાસર ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આટલા પ્રચંડ પ્રમાણમાં અને આટલી ઝડપથી પૂર આવશે તેની અપેક્ષા ન હતી. તેના કારણે જાન-માલનું ભારે નુકસાન થયું તેમ માનવામાં આવે છે.

શ્રીલંકા ઉપરાંત બીજા એશિયન દેશોના ગરીબ લોકો સામાન્ય રીતે નબળાં મકાનોમાં રહેતા હોય છે અને તેમનાં ઘરોને નુકસાન થાય તો તેને સરભર કરવા માટે વીમાની સુવિધા પણ હોતી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન