જમ્મુમાં ભારે વરસાદ, વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી 32નાં મોત, યાત્રા સ્થગિત

ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક કલાકોથી ચાલુ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે.

જમ્મુ, હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં ઘણા કલાકોથી વરસાદ ચાલુ છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 32 થયો છે. તેના કારણે વૈષ્ણોદેવી યાત્રા અટકાવી દેવાઈ છે. મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે.

હિમાચલ પ્રદેશમાં ચંડીગઢ-મનાલી હાઇવેને નુકસાન થયું છે, જ્યારે પંજાબમાં ભારે વરસાદના કારણે 30 ઑગસ્ટ સુધી શાળાઓ બંધ રાખવા નિર્દેશ અપાયો છે.

વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન

સમાચાર એજન્સીઓ પ્રમાણે જમ્મુમાં વૈષ્ણોદેવી રૂટ પર ભૂસ્ખલન થવાથી અનેકને ઈજા થઈ છે.

એસડીએમ કટરા પીયૂષ ધોત્રાએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે રાહત અને બચાવકાર્ય ચાલુ છે. પાંચ મૃતદેહોનો કટરાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર પર લાવવામાં આવ્યા છે. દસથી 11 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.

ભારતીય સેનાના વ્હાઇટ નાઇટ કૉર્પ્સે એક્સ પર લખ્યું છે કે "ત્રણ ટુકડીઓ કટરા અને આસપાસ બચાવ અને રાહતકાર્યમાં લાગી છે. એક ટુકડી અર્ધકુંવારી, કટરામાં લોકોને બચાવવા માટે મદદ કરી રહી છે."

વ્હાઇટ નાઇટ કૉર્પ્સ મુજબ "બીજી રાહત ટુકડી કટરાથી ઠકરા કોટ જતા રોડ પર ભૂસ્ખલનની જગ્યાએ પહોંચી ગઈ છે. ત્રીજી ટુકડી જૌરિયાના દક્ષિણમાં સહાયતા કરી રહી છે."

જમ્મુના ડિવિઝનલ કમિશનર રાકેશકુમારે જણાવ્યું કે "વૈષ્ણોદેવી યાત્રા, શિવખોડી યાત્રા પણ અટકાવી દેવાઈ છે. ત્યાં ભૂસ્ખલન થયું છે. આઠ-નવ ઈજાગ્રસ્ત લોકોને બચાવાયા છે. ત્યાં હજુ પણ બચાવઅભિયાન ચાલુ છે."

ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ઓમર અબ્દુલ્લાહે અફસોસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીરના વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદના કારણે થયેલી ભૂસ્ખલનની ઘટના અત્યંત દુખદ છે. આ વિશે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહજી અને ઉપરાજ્યપાલ મનોજ સિંહાજી સાથે વાત કરી છે. ઘાયલોની મદદ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર રાહત અને બચાવકાર્યમાં લાગ્યું છે. એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે."

મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે એક્સ પર લખ્યું કે, "માતા વૈષ્ણોદેવી માર્ગ પર યાત્રાળુઓનાં મોતના સમાચાર સાંભળી બહુ દુ:ખ થયું છે. દિવંગતોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે દિવંગત આત્માને શાંતિ મળે."

ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે જમ્મુ ઍરપૉર્ટ બંધ ગોવાના કારણે તેઓ ત્યાં નથી પહોંચી શક્યા. બુધવારે સવારે જમ્મુ પહોંચીને તેઓ સ્થિતિની સમીક્ષા કરશે.

ડોડામાં વાદળ ફાટવાથી ત્રણનાં મોત

જમ્મુ ડિવિઝનમાં મંગળવારે સળંગ ત્રણ દિવસથી ભારે વરસાદ થયો હતો.

લગભગ તમામ નદી-નાળાં જોખમી સ્તરથી ઉપર અથવા તેની નજીક વહી રહ્યાં છે, જેના કારણે શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારો અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે.

સમાચાર એજન્સી એએનઆઇએ તાવી નદીનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં નદીનો પ્રવાહ બહુ તેજ દેખાય છે.

સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી ત્રણ લોકોનાં મોત થયાં, જ્યારે મોટા પાયે નુકસાન થયું છે. પૂરના કારણે રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. વાદળ ફાટવાની ઘટના ચારુ નાલા, ભાલેસામાં થઈ છે.

જમ્મુ ડિવિઝનના કમિશનર કાર્યાલય તરફથી એક્સ પર જણાવાયું છે કે આગામી 40 કલાકમાં જમ્મુ ડિવિઝનમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બસંતર, તવી અને ચિનાબ નદીઓમાં હાલમાં પાણીનું સ્તર ઍલર્ટ પર છે.

કાર્યાલય અનુસાર નિવાસીઓ અને યાત્રાળુઓને નદીના કિનારા અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.

વહીવટી તંત્રે જિલ્લાવાર હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.

જમ્મુ તાવીથી કટરા વચ્ચે અવરજવર અટકાવી દેવાઈ છે અને 18 ટ્રેનો રદ કરાઈ છે.

હિમાચલ પ્રદેશમાં પણ ગંભીર સ્થિતિ

એએનઆઇ મુજબ ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર આવ્યા છે અને ચંડીગઢ મનાલી હાઇવેનો એક ભાગ ધોવાઈ ગયો છે.

હિમાચલ પ્રદેશમાં મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ કહ્યું કે, "કાલથી સતત વરસાદ ચાલુ છે. કુલ્લુ-મનાલી, કાંગડા અને ઉના જિલ્લામાં ઘણું નુકસાન થયું છે. ત્યાંથી પણ બધા લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. પરંતુ તેમના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખશે."

કુલ્લુના ડેપ્યુટી તોરલ એસ રવીશે પર્યટકોએ સૂચના આપતા કહ્યું કે, "સતત વરસાદના કારણે નૅશનલ હાઇવે ઘણી જગ્યાએ ક્ષતિગ્રસ્ત થયો છે. પાણીનું લેવલ ખતરનાક સ્તરે છે. મારી બધાને અપીલ છે કે બિનજરૂરી પ્રવાસ ટાળો અને સુરક્ષિત જગ્યાઓ પર જ રહો. ઘણી જગ્યાને ખાલી કરાવવામાં આવી છે અને બીજી જગ્યાએથી લોકોને સુરક્ષિત સ્તરે લઈ જવામાં આવી રહ્યા છે."

સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ ભારે વરસાદના કારણે પંજાબ સરકારે 27થી 30 ઑગસ્ટ સુધી રાજ્યની બધી શાળાઓ બંધ રાખવા આદેશ આપ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન